બંને ત્યાંથી પાછા ફર્યા અને ગંગા આરતીનો લાભ લીધા બાદ દશાશ્વરમેઘ ઘાટ પાસે બેઠા હતા.કવન અને તારીકા બંને ગંગા નદી તરફ જોઈ રહ્યા હતા.તેના વહેતા નીર ને ધીમા પવન માં નિહાળી રહ્યા હતા.કેટલાક પંડિતો દૂર બેસીને ભગવાનનું ભજન ગાઈ રહ્યા હતા.ત્યાં રાત્રે પણ શ્રધ્ધાળુઓની સંખ્યા ઓછી થતી ના હતી.
તારીકા એ કવનને કહ્યું "હું અહીંયા પહેલી વાર મારા દાદી સાથે આવી હતી.લગભગ બે ત્રણ વર્ષ પહેલાં.હું ત્યારે ઘણી વસ્તુઓ નહોતી સમજતી."
"જેમ કે…?"કવને પૂછ્યું.
"જીવન આપણું ખરેખર ત્યારથી શરૂ થાય છે જ્યારથી આપણે સાચી રીતે જીવવાનું શરૂ કરી એ છીએ.જીવનને આપણે મનુષ્ય વ્યર્થ સમજીને બેઠા છીએ આપણને કેટલીક વસ્તુ ખબર હોય છે જેમ કે મને ખબર હતી કે મને ફાર્મસી નહોતું કરવું પણ તોય તેમાં એડમિશન લીધું.ત્યારે હું નહોતી સમજતી કે મારા જીવનમાં મને ગમતું કાર્ય કરવું કેટલું જરૂરી છે."
તેની વાત સાંભળીને કવને કહ્યું.
"માણસનો સ્વભાવ તેવો છે કે જો તે એકવાર નાની ભૂલ કરીને સાચી ઠેરવી દે તો તે તેની માટે હમેંશાનું સત્ય બની જાય છે.પછી તે તેના ગુણગાન ગાય છે.તો તારા માં એટલી તો હિંમત છે કે તે ભૂલને સત્ય ના ઠેરવ્યું અને ભૂલને સુધારવાની કોશિષ કરી."
તારીકા એ હસી ને કહ્યું કે "એમ પણ કોઈ પણ વસ્તુની શરૂઆત કરવાની કોઈ ઉંમર નથી હોતી."
"હા, તું એક દિવસ સારામાં સારી રેડિયોજોકી અને પત્રકાર બનીશ."
"સાથે મને તારી વાતો સાંભળીને લાગે છે કે તું એક દિવસ બહુ સારો લેખક બનીશ."
કવન અને તારીકા હસવા લાગ્યા,સાથે હસવા લાગ્યું તે સમગ્ર જગત જે તે બંને વચ્ચે બંધાતુ હતુ.
દશ દિવસ હસતા રમતા નીકળી ગયા હતા. સાથે દશ દિવસ માં ઘણું બધુ બની ગયું હતું.દશ દિવસમાં તારીકા એ કવનને આખું બનારસ બતાવી દીધું હતું. કદાચ જ કોઈ જગ્યા છૂટી હશે.તે બંને એ બનારસ હિન્દુ યુનિવર્સિટીથી લઈને તુલસીદાસજી ના મંદિર સુધી બધુ જોઈ લીધું.કાશી વિશ્વનાથ મંદિરથી લઈને હનુમાનજીનું મંદિર પણ જોઈ લીધું. દુર્ગા માતાના મંદિરથી લઈને ભારત માતાના મંદિર સુધી બધું જોઈ લીધું હતું.સૌથી છેલ્લે તેમણે કબીરચૌરા થી લઈને લાલ બહાદુર શાસ્ત્રીજીનું મકાન પણ જોઈ લીધું.તથા તમામ પ્રકારની બનારસી વાનગીઓ નો સ્વાદ પણ માણી લીધો હતો.
કવન અને તારીકા બંનેએ ઘરે પોતાની મમ્મી માટે બનારસી સાડી લીધી હતી.દશ દિવસમાં બીજું પણ ઘણું બન્યું હતું આરોહી અમેરિકા ચાલી ગઈ હતી.તે ત્યાં પહોંચ્યા બાદ પણ કવનને ફોન કરી રહી હતી પણ કવનનો ફોન હજી સ્વીચઓફ આવતો હતો.તેણે વિશ્વાસને પણ વાત કરી પણ વિશ્વાસે તેને કહ્યું કે તે હજી ઘરે આવ્યો જ નથી.
આ દશ દિવસમાં કોઈ પણ એવો દિવસ ના હતો જેમાં બંને એ એકબીજા ને યાદ ના કર્યા હોય.
બંનેની ખુશી અને દુઃખ કદાચ સરખું હતું.આરોહી તેના મોટા પપ્પા અને તેની મોટીમમ્મી ને મળી ને ખુશ હતી.આરતી બહેન પણ પોતાના પરિવારને મળી ને ખુશ હતા.
બધા ખુશ હતા કારણકે બધાની થોડી થોડી નવી દુનિયા શરૂ થઈ હતી.કવનની હવે થવાની હતી જે દુનિયામાં આરોહી નહીં હોય.
નવી વસ્તુઓ કે નવું જીવન ત્યાં સુધી ખુશી આપે છે જ્યાં સુધી તે નવું છે.
કવન અને તારીકા બંને પાછા જઈ રહ્યા હતા. પોતપોતાને શહેર.તારીકા ખુશ હતી.કવન થોડોક ઓછો ખુશ હતો.
કવનને બનારસ ખૂબ ગમ્યું અને બનારસએ કવનને તેવા સમયે ઘણું બધું આપ્યું જે સમયે તેને તે વસ્તુની ખૂબ જરૂર હતી.તે છે આત્મજ્ઞાન અને તારીકા જેવી મિત્ર.દશ દિવસો માં કોઈ એવો દિવસ ના હતો જેમાં કવન અને તારીકા એ નૌકા માં બેસીને ઘાટ ના દર્શન ના કર્યા હોય અને સુબહ એ બનારસ માં ધ્યાનમાં ના બેઠા હોય.હવે તો તે બધા ઘાટ કવનના મનમાં બેસી ગયા હતા.
આજ બંને છેલ્લી વખત નૌકામાં ઘાટ ના દર્શન કરવા આવ્યા હતા. તારીકાના ઘરેથી તેને જલ્દી આવવા કહ્યું તેની પ્લેનની ટિકિટ પણ તેના ભાઈ એ મોકલાવી દીધી હતી.કવન બપોરે ટ્રેનમાં જવાનો હતો.બંને એ દશેશ્વરમેઘ ઘાટ ઉપર ભેટી ને છુટા પડ્યા અને એકબીજા નો મોબાઈલ નંબર લઈ લીધો જે અત્યારે તેમની પાસે હતો જ નહિ. બંને એ ફરીથી જલ્દીથી મળીશું નું પ્રોમિસ કર્યું.
તારીકા ચાલી ગઈ અને કવન તે ઘાટ પર બેસી ને ગંગા નદી તરફ શાંતિથી જોઈ રહ્યો હતો. તે જોઈ રહ્યો હતો તે નૌકા ને જેમાં તેમણે રોજ મુસાફરી કરી હતી.તે જોઈ રહ્યો હતો ગંગા નદીમાં સ્નાન કરતા લોકો ને.તે જોઈ રહ્યો હતો કેટલાક મંત્ર જાપ કરતા પંડિતો ને.તે વિચારી રહ્યો હતો કે થોડાદિવસ પહેલા તારીકા તેને જ્યાં પહેલીવાર મળી હતી.આજે તેજ સ્થળેથી તે પાછી જઈ રહી હતી.
ઘણીવાર જીવનની જ્યાંથી શરૂઆત થાય છે તે ફરીને ત્યાંજ આવીને ઉભુ રહે છે.શું આ તે વાત ની સાબિતી કહી શકાય કે દુનિયા ગોળ છે?
ક્રમશ
વાર્તાને પ્રેમ આપવા બદલ આભાર
આપને વાર્તા કેવી લાગી તે જરૂર થી જણાવશો તથા લોકો ને વોટસએપ,ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે માં શેર કરશો.
તથા વાર્તા અંગે ના મંતવ્યો જણાવશો.
આપનો આભાર...