Ishq Impossible - 1 in Gujarati Love Stories by Jwalant books and stories PDF | ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 2

The Author
Featured Books
Categories
Share

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 2

છોકરી મારી સામે જવાબની આશાએ જોઈ રહી હતી પણ જ્યારે મારા તરફથી તેને ટગર ટગર જોઈ રહેવા સિવાય બીજો કોઈ પ્રતિભાવ ન મળ્યો ત્યારે તે સહેજ અકળાઈ.
"મેં પૂછ્યું,લેડીઝ હોસ્ટેલ કઈ તરફ છે?" તેણે ફરી પૂછ્યું. આ વખતે તેના અવાજમાં સહેજ ધાર હતી.
સૌરભ મારા વહારે આવ્યો,"આગળ લેફ્ટ જઈને પછી રાઈટ."તે બોલ્યો
"થેન્ક્યુ."છોકરી બોલી અને સૌરભને એક સ્મિત આપ્યું.
છોકરીની વિદાય પછી આખી ટોળકી મારા ઉપર તૂટી પડી.
વિનય તિરસ્કારથી મારી સામે જોઇને બોલ્યો,"આને કહેવાય કે જો ભિખારીને સોનાનું વાટકો આપશો તો એમાં પણ ભીખજ માગશે!"
નીરવ બોલ્યો ,"અલ્યા ભાઈ એ વાત સમજી શકાય તેવી છે કે તારી જિંદગીના અઢાર વર્ષમાં કોઈ છોકરીએ તારી સાથે વાત નથી કરી પણ ખાલી રસ્તો પૂછતી હોય તેવી છોકરીને સરખો જવાબ તો આપી શકાય ને! આ શું બાઘાની જેમ જોઈ રહ્યો હતો!"
પ્રકાશે પણ વહેતી ગંગામાં હાથ ધોયા," અને આના ચહેરા પરના ભાવ જોયા હતા? જૂની હિન્દી ફિલ્મોમાં રણજીત જેવા એક્સપ્રેશન આપી રહ્યો હતો!એના કરતા ગળામાં એક પાટિયું લટકાવી દેને હું હવસનો પૂજારી છું!"
મેં સૌરભ તરફ જોયું,"તારે પણ કંઈ કહેવું હોય તો કહી શકે છે.. મનની ભડાશ કાઢી નાખ. ઓકી નાખ બધું!"
સૌરભ કદાચ કોઈ ટિપ્પણી કરવાનો જ હતો પણ મારી વાત સાંભળીને અટકી ગયો.
"એવું નથી ભાઈ.પણ તું છોકરીઓ સાથે આ રીતે વર્તન કરીશ તો તારું નસીબ કદી નહિ પલટાય.તું આમ જ અખંડ સિંગલ રહી જઈશ. હવે જો તારી પાસે કેટલો ગોલ્ડન ચાન્સ હતો. છોકરીને લેડીઝ હોસ્ટેલનો રસ્તો બતાવવા કરતાં તું એવું કહી શક્યો હોત કે હું એ તરફ જ જઈ રહ્યો છું હું તમને બતાવતો જઉં છું. તું એનું નામ પૂછી શક્યો હોત. ક્લાસ પૂછી શક્યો હોત, ખાસ તો તેનો મોટો ભાઈ કે બોયફ્રેન્ડ તો નથી ને એની તપાસ કરી શક્યો હોત. પણ તે એવું ન કર્યું અને ફક્ત બાઘાની જેમ તાકી રહ્યો."
"પણ તે પણ ક્યાં એવું કર્યું?"મેં દલીલ કરી.
સૌરભના સ્વાભિમાનને ઠેસ પહોંચી,"એટલે તો કહેવા શું માંગે છે? અરે ભાઈ હું પ્રોફેશનલ છું.અમે બધા અત્યારે પેટ ભરીને જમી ચૂક્યા છીએ. દુષ્કાળગ્રસ્ત પ્રદેશમાંથી ફક્ત તું આવી રહ્યો છે."
હું માથું ઝુકાવીને સાંભળી રહ્યો એક રીતે જોવા જઈએ તો સૌરભની વાત ખોટી ન હતી
"તો હવે શું કરવું?"મેં કહ્યું.
"હવે આ કેસ માં કશું ન થાય.બકા તારી તો ગેમ ઓવર!" સૌરભ બોલ્યો.
ત્યાં નીરવ વચ્ચે પડ્યો,"મને લાગે છે કે આટલી જલ્દી ગેમ ઓવરના નિર્ણય પર પહોંચવું યોગ્ય નહીં રહે.તમે લોકોએ એક વાતનો વિચાર કર્યો કે અહીંયા આટલા બધા હીરો બેઠા હોવા છતાં એ છોકરીએ પ્રશ્ન પૂછવા માટે આ બાઘાને શા માટે પસંદ કર્યો?"
"પોઇન્ટ તો છે.આ વાત તો મારા ધ્યાન પર જ આવી નથી."પ્રકાશે કબૂલ કર્યું.
"એનું કારણ કદાચ તે પણ હોય ને કે છોકરીને બાઘા પસંદ હોય."નીરવ ઉત્સાહથી બોલ્યો.
સૌરભે જ્ઞાની માણસની જેમ માથું હલાવ્યું,"સાચી વાત છે.તદ્દન સાચી વાત છે.કહેવાય છે ને કે પ્રભુ હાથીને મણ અને કીડીને કણની વ્યવસ્થા કરી જ દેતા હોય છે."
હું સૌરભ તરફ તાકી રહ્યો,"આ તું મારો ઉત્સાહ વધારી રહ્યો છે કે મારું અપમાન કરી રહ્યો છે?"
સૌરભના ચહેરા ઉપર ભોળપણ હતું," અમે તારા ખાસ મિત્રો છીએ.અમે તારું અપમાન કરીયે એવું તને લાગે છે?"
"સો ટકા લાગે છે."હું બબડ્યો.
પરંતુ મારો બબડાટ મારી ટોળકી સુધી પહોંચ્યો ન હતો. એ લોકો મારા માટે યોજના બનાવવામાં વ્યસ્ત થઈ ગયા હતા.
સૌરભ ઉત્સાહમાં આવી ગયો હતો,"મને લાગે છે કે પ્રાથમિક રીતે જોઈએ તો આ બાઘાનું સેટિંગ થઈ જવાની શક્યતાઓ તો છે.પણ આ માણસને આગળ વધવાની કોઈ ગતાગમ નથી એટલે એને જોઈશે કોચિંગ!"
"જ્ઞાન સાથે ગમ્મત!" પ્રકાશે ટાપશી પુરાવી.
"અને એ જ્ઞાન કોણ આપશે?"સૌરભે પ્રશ્ન કર્યો.
"કોણ આપશે?"વિનયે પૂછ્યું.
સૌરભ વિનય તરફ તાકી રહ્યો,"અરે બળદિયા આપણે આપીશું.આપણા સિવાય આ બાઘાનું દુનિયામાં છે કોણ? શું તે પોતાના પપ્પાને પૂછશે કે હું કોઈ છોકરીને પટાવવા માટે અસમર્થ છું મને કોઈ ટીપ્સ આપો?"
"એવું કરી શકાય પણ એ તો બાપા કેવા છે તેના ઉપર નિર્ભર છે.ડીડીએલજે વાળા અનુપમ ખેર જેવા બાપા હોય તો બધું પુછાય."
"આના બાપા આવા નથી."સૌરભ બોલ્યો,"તે એક ધાર્મિક પ્રવૃત્તિના માણસ છે. એકવાર હું ભૂલથી એના ઘેર જતો રહ્યો હતો તો મને એમણે એવું પૂછેલું કે હનુમાન ચાલીસા આવડે છે કે નહીં."
હું આશ્ચર્યથી મારી ટોળકી સામે જોઈ રહ્યો હતો.મારા વિશે ચર્ચા થઈ રહી હતી અને કોઈને મારો અભિપ્રાય લેવાની તસ્દી પણ નહોતી લીધી!

ક્રમશ: