મનુષ્ય જીવન પરોપકાર માટે છે અને હિન્દુસ્તાનના મનુષ્યોનું જીવન ‘એબ્સોલ્યુટિઝમ’ માટે, મુક્તિ માટે છે. હિન્દુસ્તાન સિવાય બહાર બીજા ઈતર દેશોમાં જે જીવન છે, એ પરોપકાર માટે છે. પરોપકાર એટલે મનનેય પારકા માટે વાપરવાનું, વાણીયે પારકા માટે વાપરવાની અને વર્તનેય પારકા માટે વાપરવાનું ! મન-વચન-કાયાએ કરીને પરોપકારો કરવા. ત્યારે કહેશે, મારું શું થશે ? એ પરોપકાર કરે તો એને ઘરે શું રહે ? લાભ તો મળે જ ને !
પણ લોકો તો એમ જ જાણે ને, કે હું આપું તો જતું રહે મારું. આનું ગુહ્ય સાયન્સ શું છે, કે મન-વચન-કાયા પરોપકારે વાપરો તો તમારે ત્યાં હરેક ચીજ હશે. પરોપકાર માટે જો વાપરો અને પછી ફી લઈને વાપરો તો ? તકલીફ પેદા થાય. આ કૉર્ટમાં ફી લે, સો રૂપિયા પડશે, દોઢસો રૂપિયા પડશે. ત્યારે કહેશે, ‘સાહેબ, દોઢસો લઈ લો.’ પણ પરોપકારનો કાયદો તો ના લાગે ને !
કેટલાક લોકો એમ કહેતા હોય છે, કે ‘પેટ લાગી હોય તો એમ કહેવું જ પડે ને ?’ પણ ખરેખર કાયદો કેવો છે, કે પેટ લાગી છે, એ વિચાર કરશો જ નહીં. કોઈ જાતના પરોપકાર કરશો ને તો તમને કોઈ અડચણ નહીં આવે. હવે લોકોને શું થાય છે ? હવે અધૂરું સમજીને કરવા જાય ને, એટલે અવળી ‘ઈફેક્ટ’ આવે, એટલે પાછું મનમાં શ્રદ્ધા ના બેસે ને ઊડી જાય. અત્યારે કરવા માંડે તો બે-ત્રણ અવતારેય રાગે પડે એ. આ જ ‘સાયન્સ’ છે.
આ ઝાડ હોય છે ને બધા આંબા છે, લીમડા છે એ બધું, ઝાડ ઉપર ફળ આવે છે, તે આંબો કેટલી કેરીઓ એની ખાતો હશે ? એકેય નહીં. કોના માટે છે એ ? પારકા માટે. તે એ કંઈ જુએ છે કે આ લુચ્ચો છે કે સારો છે, એવું જુએ છે ? જે લઈ જાય તેની, મારી નહીં. પરોપકારી જીવન એ જીવે છે. આવું જીવન જીવવાથી એ જીવોની ધીમે ધીમે ધીમે ઉર્ધ્વગતિ થાય.
એટલે આ ઝાડો મનુષ્યને ઉપદેશ આપે છે, કે તમે તમારા ફળ બીજાને આપો. તમને કુદરત આપશે. લીમડો કડવો લાગે ખરો, પણ લોકો વાવે ખરા. કારણ કે, એના બીજા લાભ છે, નહીં તો છોડવો ઉખાડી જ નાખે. પણ એ બીજી રીતે લાભકારી છે. એ ઠંડક આપે છે, એની દવા હિતકારી છે, એનો રસ હિતકારી છે. સત્યુગમાં લોકો સામને સુખ આપવાનો જ પ્રયોગ કરતા. આખો દહાડો ‘કોને ઓબ્લાઈઝ કરું’ એવા જ વિચારો આવે.
પરોપકાર એ તો બહુ ઊંચામાં ઊંચી સ્થિતિ છે. આ પરોપકારની લાઈફ, આખા મનુષ્યના જીવનનો ધ્યેય જ એ છે.
અને બીજું, આ હિન્દુસ્તાનના મનુષ્યનો અવતાર શેને માટે છે ? પોતાનું આ બંધન, કાયમનું બંધન તૂટે એ હેતુ માટે છે, ‘એબ્સોલ્યુટ’ થવા માટે છે અને જો આ ‘એબ્સોલ્યુટ’ થવાનું જ્ઞાન પ્રાપ્ત ના થાય તો તું પારકાના સારુ જીવજે. આ બે જ કામ કરવા માટે હિન્દુસ્તાનમાં જન્મ છે. આ બે કામ કરવા માટે હિન્દુસ્તાનમાં જન્મ છે. આ બે કામ લોકો કરતા હશે ? લોકોએ તો ભેળસેળ કરીને મનુષ્યમાંથી જાનવરમાં જવાની કળા ખોળી કાઢી છે !
જીવન સાત્ત્વિક અને સરળ બનાવવા માટે ઉપાયો કયા ? તે લોકોને તારી પાસે હોય એટલું ઓબ્લાઈઝિંગ નેચર કરીને આપ આપ કર્યા કર. એમ ને એમ જીવન સાત્ત્વિક થતું જશે. ઓબ્લાઈઝિંગ નેચર, જેટલા વધારે અંશે કરીએ તેટલો વધારે ફાયદો થાય. ઓબ્લાઈઝ જ કર્યા કરવા. કોઈનો ધક્કો ખાઈએ, પૈસા આપીએ, કોઈ દુઃખિયો હોય એને બે કપડાં સીવડાવી આપીએ, એવું ઓબ્લાઈઝિંગ કરવું.
ભગવાન કહે છે, કે મન-વચન-કાયા અને આત્માનો (પ્રતિષ્ઠિત આત્માનો) ઉપયોગ બીજા માટે વાપર. પછી તને કંઈ પણ દુઃખ આવે તો મને કહેજે.
બહારથી ઓછું થાય તો વાંધો નહીં, પણ અંદરનો ભાવ તો હોવો જ જોઈએ આપણો, કે મારી પાસે પૈસા છે, તો મારે કોઈના દુઃખને ઓછું કરવું છે. અક્કલ હોય તો મારે અક્કલથી કોઈને સમજણ પાડીને પણ એનું દુઃખ ઓછું કરવું છે. જે પોતાને સિલક હોય તે હેલ્પ કરવાની, નહીં તો ઓબ્લાઈઝિંગ નેચર તો રાખવો જ. ઓબ્લાઈઝિંગ નેચર એટલે શું ? પારકાનું કરવા માટેનો સ્વભાવ !
ઓબ્લાઈઝિંગ નેચર હોય તો કેવો સરસ સ્વભાવ હોય ! કંઈ પૈસા આપી દેવા એ ઓબ્લાઈઝિંગ નેચર નથી. પૈસા તો આપણી પાસે હોય કે નાય હોય. પણ આપણી ઈચ્છા, એવી ભાવના હોય કે આને કેમ કરીને હેલ્પ કરું ! આપણે ઘેર કો’ક આવ્યો હોય, તેને કંઈ કેમ કરીને હેલ્પ કરું, એવી ભાવના હોવી જોઈએ. પૈસા આપવા કે ના આપવા એ તમારી શક્તિ મુજબ છે.
પૈસાથી જ કંઈ ‘ઓબ્લાઈઝ’ કરાય છે એવું નથી, એ તો આપનારની શક્તિ પર આધાર રાખે છે. ખાલી મનમાં ભાવ રાખવાના કે કેમ કરીને ‘ઓબ્લાઈઝ’ કરું, એટલું જ રહ્યા કરે તેટલું જ જોવાનું.
ધર્મની શરૂઆત જ ‘ઓબ્લાઈઝિંગ નેચર’થી થાય છે. તમે તમારા ઘરનું પારકાને આપો ત્યાં જ આનંદ છે. ત્યારે લોકો લઈ લેવાનું શીખે છે ! તમારા માટે કંઈ જ કરશો નહીં. લોકો માટે જ કરજો તો તમારા માટે કંઈ જ કરવું નહીં પડે.