Jalasaa karne yaar in Gujarati Short Stories by Sagar Mardiya books and stories PDF | જલસા કરને યાર..

Featured Books
Categories
Share

જલસા કરને યાર..

"હા, હું કંટાળી ગયો છું. થાકી ગયો છું. ઘણી અપેક્ષાઓ કાચની માફક તૂટી ગઇ! મારાં જીવનમાં કશું જ નથી બચ્યું ભાઈ! બોલ હવે હું શું કરું? " વિરલે પોતાનાં મનમાં અત્યાર સુધી ધરબી રાખેલો ઉભરો સંદીપ પાસે ઠાલવ્યો.

" આમ હાર માની લેવાથી કે પરિસ્થિતિથી ભાગવાથી મુસીબત દૂર નથી થતી ઉલ્ટાની વધે છે. " સંદીપે સમજાવતા આગળ કહ્યું, " તને એમ લાગે છે કે તું જિંદગી ટૂંકાવી લઈશ એટલે પૂરું?! ના દોસ્ત! જિંદગી પરીક્ષા લેવા માટે જ છે. ભણતરની પરીક્ષા કહીને આવે છે, જ્યારે જીવતરની પરીક્ષા અનપ્રેડિકટેબલ હોય છે. ભણતરની પરીક્ષા નોલેજ આપે છે, વધારે છે, જયારે જીવતરની પરીક્ષા જ્ઞાન સાથે અનુભવ પણ આપે છે. "

" તો તું જ કહે હું શું કરું? " કહેતા વિરલે નિસાસો નાખ્યો.

" તું બસ જલસા કર. "

" હું અહીંયા જિંદગીથી, પોતાનાં સ્નેહીજનોથી, આ દુનિયાથી થાકી ગયો છું અને તું કહે છે કે જલસા કર!"

" હા, મારાં દોસ્ત!" સંદીપ પોતાનાં બન્ને હાથ વિરલના ખભા પર રાખતા આગળ બોલ્યો, " હું જ તને કહું છું જલસા કર."

વિરલે ઉદાસ ચહેરે મોં ફેરવી લીધું. એકદમ માયુસ થઈને નીચે બેસી ગયો.

" તું જીવીશ કે મરીશ તેનાથી કોઈને કશો ફરક નહીં પડે સમજ્યો? લોકો થોડાં દિવસ આંસુ સારી પાછી પોતાની જિંદગીમાં મસ્ત બનીને જીવશે. તને શું મળશે? "

" તો પછી હું નવું સાહસ કરુ ત્યારે સપોર્ટ કરવાને બદલે વિરોધ શાં માટે કરે છે? "

" આનું જ નામ સમયચક્ર.માણસનો જયારે વિરોધ થાય અને લોકો નિંદા કરે ત્યારે સમજી લેવાનું કે તે પોતાની મંઝિલ તરફ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે તે વાત તેનાથી પચતી નથી!!... દુનિયાની વજનદાર વસ્તુ કરતા વધુ બોજ હોય છે અહેસાનનો. કોઈ વસ્તુનો વજન લાગે તો તેનાથી છુટકારો મેળવી શકાય, પણ કોઈએ આપણી પર અહેસાન કર્યું હોય તેનાં બોજ તળે તો જિંદગીભર જીવવું પડે છે. સમય છે. ચક્રની માફક ફર્યા રાખે છે. ક્યારેક સારો તો ક્યારેક નરસો. આજે જે તારી હાંસી ઉડાવે છે તે જ લોકો તું સફળ થાય પછી વાહવાહી કરશે. સમય સાથે માણસ અને તેનું વર્તન પણ બદલાય છે. "

સંદીપ વિરલને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને વિરલ પણ તેની સામું જોઈને તેને નિરાંતે સાંભળી રહ્યો હતો, પણ હજુ વિરલના મનમાં ઘણાં પ્રશ્નો ઘૂમી રહ્યા હતાં. તે હજુ એમ જ વિચારી રહ્યો હતો કે,' જ્યારે કોઈને મારાં કાર્યની નોંધ લેવી જ નથી તો શાં માટે કરું? કોના માટે કરું? '

સંદીપ તેનાં મનને વાંચી ગયો હોય તેમ બોલ્યો, " તને એમ પણ થતું હશે કે, હું કોના માટે કરું? મારાં કાર્યની તો કોઈ નોંધ લેતું જ નથી. તો સાંભળ, જીવનમાં આપણે કાર્ય પોતાનાં નિજાનંદ માટે કરવાં જોઈએ. જે આજે નોંધ નથી લેતાં તેનો મતલબ એ નથી કે ક્યારેય તારા કાર્ય વિશે જાણવાનો પ્રયત્ન નહીં કરે. તે તો હંમેશા તારા કાર્ય પર ધ્યાન આપતાં જ હોય.તેને તારા વિશે જાણવાની અને ભૂલ થાય એટલે સંભળાવવાની ઉત્સુકતા હોય છે. બસ જરૂર છે તારે તારા કાર્ય પર એકાગ્ર થવાની.

આ વૃક્ષો જો, તેનાં પર ફળ આવે ત્યારે કેટલાક તોડીને ખાય તો ઘણાં અડે પણ નહીં તો શું વૃક્ષોએ ફળ આપવાનું બંધ કર્યું.

આ પુષ્પો કરમાય જાય છતાં ઉગવાના બંધ થયાં? નહીંને? બધા પોતાનાં કર્મથી બંધાઈ કાર્ય કરે છે. તેમ તું પણ તારી મોજમાં કામ કર. લોકોને ગમતું કરવાં જઈશ તો બધાની પસંદ અલગ અલગ હોવાની. બસ તને ગમે તે તું કર. હા, જેટલાં તને અત્યારે મદદ કરે, તારા કાર્યની નોંધ લે છે તેનો આભાર માન અને આગળ વધ. "

વિરલના ચહેરા પરથી ઉદાસીના વાદળો ધીમે ધીમે દૂર થવા લાગ્યા અને સ્મિત કરતો સૂર્યની માફક ચહેરો ચમકવા લાગ્યો.

" અને બીજી વાત ક્યારેય જીવનમાં કોઈની પાસે અપેક્ષા નહીં રાખવાની. માણસને જીવનમાં દુઃખી કરતી મોટી બાબત હોય તો તે છે અપેક્ષા. એકવાર અપેક્ષા પુરી થાય એટલે માનવમન તેને આધિન થઈ જાય છે. તે વારંવાર અપેક્ષા રાખવા માંડે છે. બાકી જેને જેમ બોલવું હોય તેમ બોલે, જે વિચારવું હોય તે વિચારે, તું તારી મસ્તીમાં મસ્ત બની આ જિંદગીને માણ. "

" સાચું કહું દોસ્ત, તે તો કૃષ્ણની માફક મારો વિષાદ દૂર કરી દીધો. "

"અરે! શું તું પણ. બસ તું ટેન્શન છોડ ને જલસા કરને યાર!... સમયચક્ર છે. ફરતું રહ્યું છે અને ફરતું રહેવાનું. "

*સમાપ્ત*