Prem - Nafrat - 81 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૮૧

Featured Books
Categories
Share

પ્રેમ - નફરત - ૮૧

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૮૧

આરવ વિદેશમાં ભણ્યો હતો અને ધંધા વિશે ઘણું જ્ઞાન હતું. એને અત્યાર સુધી રચનાની વાત યોગ્ય લાગતી હતી. હવે ધંભાઈઓથી ધંધો અલગ થવા સાથે શરૂઆતમાં જ મોટું જોખમ લેવાનું તેને યોગ્ય લાગતું ન હતું. એણે કહી દીધું:રચના, મોબાઇલની કિંમત બાબતે ફેર વિચાર કરવો પડશે. આવી હારાકીરી ના કરી શકાય. ખરેખર તો પહેલો મોબાઈલ ઓછી કિંમતનો લોન્ચ કરવો જોઈએ. ભલે એમાં નફો ઓછો થાય પણ ઘરના રૂપિયા મૂકીને ધંધો ના થાય. મોબાઇલમાં તો જેટલી સુવિધા આપીએ એટલી ઓછી છે. કોઈ એક ફીચર ઓછી ક્ષમતાનું રાખીને પડતર કિંમત ઓછી કરવી જોઈએ... આપણે લોકોને ફાયદો થાય એવી કિંમત શા માટે રાખવી જોઈએ? અને બે OTT પ્લેટફોર્મનું એક વર્ષનું સબસ્ક્રિપ્શન મફત આપવાની સ્કીમ વધારે પડતી મહેરબાની છે. આપણે એ પ્લેટફોર્મને અડધી ફી તો ચૂકવવી જ પડશે.

આરવ, તું મારી સ્ટ્રેટેજી સમજ્યો નથી. એક વખત લોકોને આકર્ષવા પડે. બે OTT પ્લેટફોર્મ આપવાથી લોકો આંખો મીંચીને આ મોબાઈલ ખરીદી લેશે. આપણે એક વખત એમને માઇન્ડ મોબાઈલ વાપરતા કરવાના છે. પછી આપણી મરજી મુજબ નફો કમાઈ શકીશું. ઘણી મોબાઈલ નેટવર્ક ધરાવતી કંપનીઓ શરૂઆતમાં સસ્તા ઇન્ટરનેટ પ્લાન આપે છે અને ફ્રી કહીને પોતાના ગ્રાહકો ઊભા કરે છે. પછી ગ્રાહક બંધાઈ જાય એટલે મનફાવે એટલો ભાવ લે છે. જોખમ તો કોઈપણ ધંધામાં રહેવાનું છે. મને વિશ્વાસ છે કે આપણે આ યોજનામાં સફળ થઈશું. કોઈ શંકા રાખવાની જરૂર નથી. આપણી પાસે ડિલરોનું નેટવર્ક તૈયાર છે. વેચવા માટે વધારે મહેનત કરવી પડશે નહીં. રચનાએ પોતાના તર્ક રજૂ કર્યા.

આરવ એને સમજાવતો રહ્યો ત્યારે રચનાએ અગાઉની એની સફળતાના ઉદાહરણો આપી ચૂપ કરી દીધો. અગાઉ ઘણી કંપનીઓએ આવો ખેલ કર્યો હતો અને એ સફળ રહી હતી. આરવને છેલ્લે થયું કે ભાઈઓ સામે પોતાની ઈજ્જતનો પણ સવાલ છે. પોતાની નવી કંપનીની શરૂઆત સારી થાય એ જરૂરી હતું. આખરે આરવ માની ગયો અને માઇન્ડ મોબાઇલ કંપનીના નવા મોબાઈલ જી ન્યૂ ને લોન્ચ કરવાની તૈયારી શરૂ કરી દીધી.

રચનાની બહુ ઇચ્છા ન હતી તો પણ આરવે લખમલભાઈને નવા મોબાઈલ વિશે માહિતી આપીને એમના આશીર્વાદ લઈ લીધા. આરવે લખમલભાઈને એના વિચાર અને આયોજન વિશે એમનો પ્રતિભાવ આપવા કહ્યું ત્યારે એમણે એટલું જ કહ્યું:ભગવાન તમને જરૂર સફળતા અપાવશે. એમણે કોઈ ટીકા કે ટિપ્પણી કરવાનું ટાળ્યું.

આરવ સમજી ગયો કે પિતા જૂના જમાનાના હોવાથી નવા મોબાઈલ વિશે વધારે કોઈ વાત કરી શકે એમ નથી. પણ એમણે ધંધાની શરૂઆતમાં કેવી કાળજી રાખવાની એ અંગે કોઈ સલાહ- સૂચન આપ્યા નહીં ત્યારે આરવે માન્યું કે એમણે નિવૃત્તિ લઈ લીધી હોવાથી ધંધામાં રસ રહ્યો નથી. એમને પરેશાન કરવાનો કોઈ અર્થ નથી. આરવને હજુ એ વાત ગળે ઉતરી રહી ન હતી કે કોઈ વ્યક્તિ અચાનક ગૃહસ્થ જીવનમાંથી સન્યાસ લઈ લે તો એને ભક્તિનો રંગ લાગ્યો એમ કહી શકાય પણ પિતા અચાનક ધંધો છોડીને ઘરે બેસી જાય એ માનવામાં આવે એવું નથી.

રચનાએ જી ન્યૂ તૈયાર કરાવીને એનો પહેલો પીસ આરવ સમક્ષ રજૂ કર્યો ત્યારે એ પ્રભાવિત થઈ ગયો. એના રૂપરંગ એવા હતા કે આજની પેઢી હોંશે હોંશે એને અપનાવી લેશે. પોતાનો જૂનો મોબાઈલ એક્સચેન્જમાં આપવા તૈયાર થઈ જશે. એને રચના પર માન થયું. આરવને થયું કે રચના એનો ભય ખોટો પાડવા જઈ રહી છે.

હિરેન અને કિરણ પણ જી ન્યૂ જોઈને પ્રભાવિત થયા હતા. જ્યારે કિરણે કહ્યું કે મોબાઈલ રૂ.૩૦૦૦૦ માં વેચવાના છે ત્યારે હિરેને ખાનગીમાં કિરણને પૂછ્યું હતું:રચના અને આરવે રૂ.૩૫૦૦૦ ની કિંમતનો મોબાઈલ રૂ.૩૦૦૦૦ માં કેવી રીતે તૈયાર કર્યો હશે? એણે માલસામાન ક્યાંથી મંગાવ્યો હશે? હિરેન અને કિરણને ખબર જ ન હતી કે રૂ.૩૦૦૦૦ માં જે મોબાઈલ વેચવાના હતા એની પડતર કિંમત રૂ.૩૫૦૦૦ હતી.

જી ન્યૂ મોબાઈલ લોન્ચ થવા સાથે ફટાફટ વેચાવા લાગ્યો હતો. લોકો એને હાથોહાથ લેવા લાગ્યા હતા. આટલી ઓછી કિંમતે વધુ ફીચર્સ અને બે OTT પ્લેટફોર્મ સાથે કોઈ મોબાઈલ મળતો ન હતો. મોબાઇલની માંગ સતત વધી રહી હતી. અચાનક એક વેપારીએ મોટો ઓર્ડર આપ્યો. આરવ ચિંતામાં પડી ગયો હતો. એ એના વિશે તપાસ કરવા માંગતો હતો. રચના એના વિશે કંઈ કહેવા માગતી ન હતી. અને એનો ઓર્ડર પૂરો કરવા લોન લેવાની તૈયારી કરી રહી હતી. આરવને નવાઈ લાગી કે રચના એ વેપારીનું નામ કેમ છુપાવી રહી હશે?

ક્રમશ: