Charitya Mahima - 8 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | ચારિત્ર્ય મહિમા - 8

Featured Books
Categories
Share

ચારિત્ર્ય મહિમા - 8

(8)

૨૩ : નોકરી ધંધામાં સદાચાર

માણસને જીવન નિર્વાહ અંગે નોકરી કે ધંધાની અનિવાર્ય આવશ્યક્તા રહે છે. જો કે આજે વધતી જતી વસ્તીની સમસ્યાને લઇને રોજબરોજ બેકારીની સંખ્યા વધતાં, નોકરી મેળવવી કઠીન થઇ પડી છે. અને તેમાંય પસંદગીની નોકરી ભાગ્યે જ મેળવી શકાય છે. ભલેને યુવાને ગમે તેવી મોટી ડીગ્રી મેળવી હોય તો પણ નોકરી મેળવવાનાં ફાંફાં મારવા પડે છે. નોકરી ન મળતાં યુવાન ગેરમાર્ગે વળી ખોટાં કામો કરી, પૈસા કમાવા પ્રયત્ન કરે છે. ક્યારેક તે અનેક વ્યસનોનો બંધાણી બની જઇ તંદુરસ્તીને હાની પહોંચાડી રહે છે.

યુવાન ચાહે સરકારી નોકરીમાં, બેંકમાં, એલ.આઇ.સીમાં કે ગુમાસ્તી કરતો હોય ત્યાં કામચોરી થતી રહે છે. ચોક્સાઇપૂર્વકનું કામ થતું નથી કે કરવામાં આવતું નથી. કામમાં સચ્ચાઇ રહી નથી, જુઠ કપટનો માર્ગ અપનાવાય છે. મહેનતનો પગાર લેવાતો નથી. ત્યાં સંસ્કારિતા કે ચારિત્ર્યના દર્શન થાય ખરા? કુદરતની સચ્ચાઇને અને તેના નિયમો તોડનારને વહેલું યા મોડું દુઃખ કે મુશ્કેલી સહન કરવી જ પડે છે. ગ્રાહકને લૂંટીને કે ભાવ કરતાં વધારે લઇને શેઠને આપવામાં પણ ચારિત્ર્યહીનતા છે. પોતે જાતે તેમાંથી નફો ખોળવો એ તો તેનાથી પણ વધુ ખરાબ છે. અને અસંસ્કારિતા છે. કાળા બજારને પ્રોત્સાહન આપવું તે પાપના ભાગીદાર બને છે. નોકરીમાં સમય પાલન, વફાદારી, મળેલા કામને ચીવટપૂર્વક સમય મર્યાદામાં ઉકેલ લાવવાનો ખાસ આગ્રહ રાખવો એમાં સંસ્કારિતા છે. એથી ઇશ્વર રાજી રહે છે. ખરી મહેનતનું ધન કમાવામાં જ ચારિત્ર્યશિલતા રહેલી છે. પાપના પંથેતી દૂર રહેવું અને સાચને પંથે કામ કરીને પુણ્ય રળવું એ જ સદાચાર અને સત્કાર્ય છે.

ધંધા રોજગારમાં ભેળસેળને જરાય સ્થાન નથી. આજે અનેક ચીજ વસ્તુઓમાં ભેળસેળ થાય છે. એક માલ દેખાડી, બીજો માલ પકડાવી દેવામાં આવે છે. એ તો નર્યો અવિશ્વાસ કર્યો કહેવાય. એવા કાર્યથી દૂર રહેવું નહીં તો ચારિત્ર્યની ક્ષતિ થાય. માનવજીવનની પડતી થાય. ઇશ્વરના ગુનેગાર ગણાઇએ. કચેરીના ઓફિસરને અને શેઠને વફાદાર રહેવું જોઇએ. આપેલ કામને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવું, નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું જોઇએ. ફરજ સમજી કામ કરવું, વિશ્વાસઘાત કદીય ના કરવો. સદાચારમાં ખામી આવે. અપયશ મળે અને ફજેતી થાય તે અલગ કામકાજમાં નિયમિતતા, ચીવટતા, પ્રમાણિકતા રાખવી એ ચારિત્ર્યશીલતાની નિશાની છે. મીઠી વાણીથી કોઇનું કામ કરી આપવું જોઇએ. કર્તવ્યપરાયણના સદાચારના ખાસ લક્ષણો છે. લોભવૃત્તિ છોડીને વ્યાજબી કાર્ય કરવામાં જ સંતોષ અને આનંદ માનવો. તમારું જ છે તે તમને મળવાનું છે. પછી ખોટી ચિંતા કરવી નહિં. ખોટો પૈસો લેવો નહિં, લાંચ રુશ્વતથી દૂર રહેવું જોઇએ. કોઇ પણ કામ કર્તવ્યપરાયણપૂર્વક કરવાથી સુખ અને સંતોષ મળે છે.

ઉદ્યોગ ધંધામાં કે નોકરીના સ્થાનમાં સર્વને સાચી સલાહ આપવી જોઇએ. ખોટી ધાક ધમકી કરવી નહીં. શાન્તિથી વાત કરવી. નોકરી ધંધામાં સોંપેલ કામને મોડું વહેલું થાય તો પણ પૂર્ણ કરવું એ જ સાચી ફરજ છે. સામા માણસનું કામ અગવડ વેઠીને પણ પરિપૂર્ણ કરી આપવામાં જ માણસાઇ છે. સદાચારની સુગંધ છે.

 

૨૪ : વ્યાપારિક ધર્મોચાર

ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશને અનેક વસ્તુઓની જરૂરિયાત રહેજ. બીજા દેશોમાં આપણે કેટલી ચીજ વસ્તુઓની નિકાસ કરીએ છીએ. અને દેશને જરૂરી વસ્તુઓની આયાત પણ કરીએ છીએ. અદલો બદલો વિનિમય કરીને જીવન વ્યવહારનું કામ ચલાવીએ છીએ. આવા સંજોગોમાં સત્યતા, પ્રમાણિકતા, નિશ્ચલતા, ખંત અને સ્વદેશ પ્રેમ હોવો જરૂરી થઇ પડે છે.

“વ્યાપારે વસતે લક્ષ્મી” એ વાક્ય નોંધપાત્ર છે. પહેલાંના સમયમાં રૂપિયે એક આનો (છ નવા પૈસા) નફો મળે એટલે વેપારીને સંતોષ થતો. છતાં કેટલાક સવાયા લાભની ઇચ્છા રાખતા. હવે તો માનવીના જીવનમાં ડગલે પગલે ચીજ વસ્તુઓની જરૂરિયાતો ઉભી થતી જતી હોઇ સર્વેને ધન દોલત પૈસાની તાતી જરૂર પડે છે. તે મેળવવા આકાશ પાતાળ એક કરતાં ન કરવાનાં કામો કરી, બે નંબરનો પૈસો ભેગો કરી, મોજશોખ, ભોગ વિલાસમાં ડૂબી દારૂનું સેવન કરી, જીવનને અશાંતિમય બનાવી દે છે. માનવજીવન ડહોળાઇ ગયું છે. વ્યાપાર શબ્દ હવે તો વગોવાય છે. પૈસા પામવા ગમે તેવો માલ સામાન, ચોરી છૂપીથી ઘૂસાડી દે છે. માલમાં ભેળસેળ કરીને ખાદ્ય પદાર્થોને બગાડીને લોકોના જીવન સાથે ચેડાં થતાં રહે છે. તે કેવું અમાનવીય, વિચિત્ર ને ગલીચ લાગે છે. માનવતાને મોભે મૂકી દે છે.

મોંઘવારી વધતી જાય છે. તેવે સમયે દરેકને પૈસાની જરૂર રહેજ. ઘર ખર્ચને પહોંચી વળવું જોઇએ. અને સાથે દેખાદેખીથી ટી.વી. ફ્રીજ, સ્કુટર, ઘરઘંટી, એરકૂલર વગેરે વસ્તુઓ વસાવવા માનવી ન કરવાના કામો કરતો રહે છે. મનુષ્ય સંતુષ્ટ બનતો નથી. ઉલટું વધુ ભ્રષ્ટાચારી, અત્યાચારી બનતો જાય છે. વેપાર ધંધાના નીતિ નિયમો નેવે મૂકી દે છે. જે વેપારમાં પ્રમાણિકતા નથી તે વેપાર કહેવાય ખરો? એક જાતનો માલ બતાવી ભળતો માલ ગ્રાહકને કે બીજા વેપારીને વળગાડી ખોટો પૈસો ઉભો કરી રહે છે.

સૌનો પાલનહાર ને પોષણકર્તા પરમાત્મા છે તે ધરતી પરનો માનવી શું કરે તે નિહાળે છે. માનવી તો ખોટા કામો કરતો રહે છે. જે વ્યાપારમાં નીતિ નિયમો, પ્રમાણિકતા નથી એ વેપાર ધંધા ટકે ખરા? તેમાં તેની અને દેશની આબરૂ શી? વિદેશ સાથેના વેપારમાં આવી બાબત શરમજનક ગણાય. દેશની ગલીચતા ને નીચતા જણાતાં બીજા સાથેના વ્યાપારોમાં ક્ષતિ પહોંચી રહે.

વેપાર ધંધાવાળા માનવીએ સમજવું જોઇએ કે પોતે માણસ છે તેમ બીજા પણ માણસ છે. જેવી પોતાની સુખાકારી ઇચ્છે છે તેમ બીજા પણ માણસની ઇચ્છવી જોઇએ. સારો ચોખ્ખો ખોરાક કે ચીજ વસ્તુઓ આપવાનો આગ્રહ રાખવો જોઇએ. અન્ય માટે વિચાર કરવો તથા પોતાના વ્યવહારમાં આચરવું જોઇએ.

વ્યાપારીઓએ ધંધો વેપાર કરવાની ખાસ આચાર સંહિતા ઘડીને જ વ્યાપાર કરવો હિતાવહ છે. અમુક જ ટફા નફો લેવો, માલમાં બનાવટ કે ભેળસેળ ન કરવી, માલનો સંગ્રહ કરી, તેની તંગી ઉભી કરી, પછી માલના વધુ પૈસા લઇ, લૂંટવાનો વિચાર ત્યાગવો જોઇએ. વિદેશમાં જોઇતા પ્રમાણે માલની આયાત કરી, નફો નક્કી કરી, વેચાણ કરવું જોઇએ. સંગ્રહિત માલ બગડી ન જાય તેની ખાસ તકેદારી રાખવી. દેશમાંથી પરદેશમાં જ માલ મોકલાય તેમાં સચ્ચાઇ, પ્રમાણિકતા હોવી જોઇએ. માલની ફેર બદલીમાં આડા અવળી કરવામાં દેશની આબરૂને ધક્કો ન પહોંચે તે ખાસ ધ્યાન રાખવું જોઇએ. દાણચોરીથી માલ દેશમાં ઘૂસાડવો કે બહાર મોકલવો વ્યાજબી નથી. દેશમાં અછત ઉભી કરી, ભાવનો વધારો લેવાને, કાળાબજાર કરવાને, ગમે તેવે માર્ગે માલની હેરાફેરી કરી, બીજા પ્રદેશમાં કે દુશ્મનના પ્રદેશમાં કરવી એ રાજદ્રોહ કે દેશદ્રોહ છે. આવો દ્રોહ ઇશ્વર પર સાંખી લેશે નહીં. જેવું કર્મ તેવું ફળ જરૂર ઇશ્વર આપે છે. એટલે વ્યાપારીની માનવતામાં જ બરકત હોય છે.

વેપારીઓ તો દેશની શાન છે. ક્યાં ક્યાંથી માલ લાવી, દેશ બંધુઓને આપે છે તે એક સેવાનો જ પ્રકાર થયો ગણાય. ઉમદા વેપારી કદીય ખોટું કામ નહીં કરે. ઘણા એવા વેપારીઓ છે કે માલ આપતાં વજનમાં ફેરફાર કરી, ઓછું જોખી આપે છે અને વધુ નફો કરવી લે છે. તોલમાપમાં જરૂર કરતાં ઓછા વજનીયા રાખી પ્રજાને છેતરે છે તે કેટલું વ્યાજબી છે? ગ્રાહકને છેતરે તે પોતાની જાતને જ છેતરે છે.

વેપારમાં શુદ્ધતા, સચ્ચાઇ, પ્રમાણિકતા હોવી જોઇએ. દેશના માનવો જ કુટુંબીજનો માની વેપારીએ વેપાર કરવો જોઇએ. ઋતુ ઋતુના પાકના માલને સુંદર રીતે બાંધવોને આપવાનો નિર્ધાર કરવો જોઇએ. બગડેલો માલ ગ્રાહકને બતાડવો ન જોઇએ. એવા માલને વેપારીએ જ નાશ કરવો જોઇએ. વેપારમાં ડગલે પગલે જૂઠનો આશ્રય લેવાય છે. એ બરાબર નથી. ગુમાસ્તાઓએ પણ શેઠને તેમજ ગ્રાહકને નિમક હલાલ રહેવું જોઇએ. તેમણે બેવડી ફરજ પૂર્ણ રીતે બજાવવી જ રહી.

વિશ્વમાં વેપાર જ્યાં સુધી ઉજળો હશે, નિષ્કલંક હશે ત્યાં સુધી પ્રજાનું સારું અસ્તિત્વ રહેશે. નવા નવા ઉદ્યોગોથી દેશની સમૃદ્ધિ વધે તેવો વેપાર કરવો જોઇએ. સ્વાર્થ સાથે પરાર્થ કે પરમાર્થને પણ વેપારીએ ભૂલવા ન જોઇએ. સર્વના હિતમાં પોતાનું હિત સચવાયું છે તેમ માની ઉજળો વેપાર કરવો જોઇએ. વેપારમાં હોંશા તુંશી, ચડસા ચડસીને પણ સ્થાન નથી. એમાં પાયમાલી જ છે. વેર ઝેર રાખવામાં ક્યારેક અજુગતું કરી બેસવું ન જોઇએ.

 

૨૫ : ખેડૂત ધર્મ

સમગ્ર વિશ્વમાં વસ્તીના વધુ આંકડામાં ચીન દેશ પછી ભારતદેશ બીજા નંબરે આવે છે. આજે દેશની વસ્તી કૂદકે ને ભૂસકે વધતી જાય છે. ત્યારે અન્નનો પ્રશ્ન ખૂબ મહત્ત્વનો બની જાય છે. સમગ્ર સંસારનો આધાર અન્ન પર અવલંબે છે. અન્ન ન હોય, ખોરાક ના હોય, તો જીવનનું અસ્તિત્વ હોય ખરું? શરીર ટકી શકે ખરું? આપણો ભારત દેશ અન્ન પર જ આધારિત છે. આપણો દેશ અન્ન પર લગભગ પગભર થતો જાય છે. અન્ન પર સ્વાવલંબી બનાવી રહેવાનો ખરેખરો યશ ખેડૂતને ફાળે જાય છે. પાક ઉત્પાદન અંગે સરકારે વિવિધ આયોજન કર્યું છે. અને તેનો લાભ ખેડૂતોએ અવશ્ય લેવો હિતાવહ છે.

ખેત ઉત્પાદન અને ખેડૂતોનું મહત્વ મોખરે રહે છે. ખેડૂતમાં દેશભક્તિ પ્રેમ, ત્યાગ, તપસ્યા, ભાઇચારાની ભાવના, સંકટમાં ક્ષમતાનો ગુણ અને ખડતલ જીવન હોવું જરૂરી છે. ખેડૂતે પોતાની ખેતીને પોતાની જીવન આરાધના કે કર્તવ્ય સમજવું અને માનવું જોઇએ અને જીવનમાં અનુસરવું જોઇએ. “ખેડૂત તો જગતનો તાત છે.” એ સૂત્ર અનુસાર મનુષ્યને અન્ન પૂરું પાડવું એ ખેડૂતની જવાબદારી છે. અને સુખી સંસારમાં તેજ અગત્યનો ભાગ ભજવી શકે છે.

પરિવર્તન થતા યુગમાં ખેતીમાં પણ આધુનિકરણ આવી ગયું છે. વધુ અનાજ કેવી રીતે ઉત્પન્ન કરવું તે માટેના જાતજાતના યંત્રો, ખાતરો, સિંચાઇ અને વિશેષ તો ખેડૂતની સૂઝબૂઝ અને તે અંગેનું જ્ઞાન સાથે કડી મહેનત અને માવજત મુખ્ય છે. ખેડૂતની ફરજ થઇ પડે છે કે તેણે એ બધું સમજી વિચારીને મબલખ અન્ન મેળવવા જમીનને કેવી રીતે કસદાર બનાવી શકાય, ક્યાં ખાતરનો ક્યારે ઉપયોગ કરવાથી વધુ અનાજ ઉત્પન્ન કરી શકાય વગેરે ખેતી અંગેની વૈજ્ઞાનિક પદ્ધતિની જાણકારી ખેડૂતે લઇ લેવી જરૂરી બની રહે છે. “મારે શું? થોડું ખાવા જેટલું પાકશે તો મારે કશો વાંધો નથી. હું શા માટે બીજાને કાજે વૈતરાં કે વેઠ કરું?” એવો ભાવ દિલમાંથી સદાને માટે કાઢી નાખવો જોઇએ.

“મને મારી તપશ્ચર્યાનું ફળ ઇશ્વર આપશે જ” એવી ઉમદા ભાવના રાખી, ખેતી કરવી જોઇએ. જમીન તો મારી માતા છે, એ એના બાળકોને કદીય ભૂખ્યા નહિ રાખે એવો ભાવ વિચાર હૈયે હોવો જોઇએ.

ખેતી અંગેની નવીન પદ્ધતિ માટે સંસ્થાઓ, સહકારી, મંડળીઓ, પંચાયતો પાસેથી જાનકારી મેળવી લાભ લઇ ખેડૂતોએ અવશ્ય વધુ અને ગુણવત્તાભર્યું અન્ન ઉગાડવા પ્રયત્ન કરવો ખૂબ જરૂરી છે. વર્ષમાં કેટલા પાક લઇ શકાય? ક્યા પાક પછી ક્યો પાક લેવો તેની રચના કે સંયોજન પણ ખેડૂતે કરવું જોઇએ.

રોકડિયા પાક જરૂરી છે. દેશને એની હુંફ અને ઓથ પણ છે. છતાંય જરૂર પડ્યે, અન્નની તંગીને સમયે ખેડૂતે પોતે ઘસાઇને, નુકસાન સહન કરીને અન્ન ઉત્પન્ન કરવાનો આગ્રહ રાખવો અત્યંત જરૂરી છે. ખેડૂતનું દિલ સાફ હોવું જરૂરી છે. જો કે એને સંજોગો તેમ નથી કરવા દેતા છતાંય સાચી લગનથી, આધુનિક ટેકનીકથી ખેતી કરવી, એ ખેડુતનું ચારિત્ર્ય દર્શાવનાર છે એ ભૂલવું ના જોઇએ. સૌ સૌના સદાચાર ન ભૂલે એ જ અગત્યની બાબત છે. અને તેમાંય ખેડૂતે તો ખેડૂતધર્મ ન જ ભૂલવો જોઇએ.

ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. લાલબહાદૂર શાસ્ત્રીએ “જય જવાન જય કિસાન”નું સૂત્ર આપ્યું હતું તે ખરે જ યોગ્ય છે. કિસાન વગર અન્ન નથી. અન્ન વગર જીવન શક્ય નથી અને જીવન વગર દુનિયા સંભવી શકે ખરી?

 

૨૬ : નેતાઓ નિયત બદલશે?

ભારત દેશ ગુંડાઓના હાથમાં જઇ, બરબાદીને પંથે શું વળી રહ્યો નથી? નેતાઓ કે રાજકર્તાઓને પોતાની ખુરશી ટકાવવી રાખવા ગુંડાઓની મદદ લે છે. ચૂંટણીઓ જીતવા પણ તેઓને બોલાવે છે. જ્યાં નેતાઓ જ ભ્રષ્ટ થઇ રહ્યા છે. ત્યાં પ્રજાનાં પ્રશ્નો કેટલે અંશે ઉકલવાના? આ ભ્રષ્ટાચારની બદી શું દેશને ભરખી જશે તો નહિ ને?

રાષ્ટ્રને સમૃદ્ધ કરવા, ઉન્નત બનાવવા સેવાભાવી રાજકર્તાઓ અને નેતાઓની ખાસ જરૂર છે. જેટલાં વધુ ચારિત્ર્યવાન હશે તેટલું રાજ્ય કે દેશ ઉન્નતિ પંથે ધપતો રહેશે. પહેલાંની દેશભક્તિ અને સેવાની ભાવનાની છાંટ આજના નેતાઓમાં ભાળી શકાય છે. ખરી? પૂ. ગાંધીજીના અનુયાયીઓ પણ નામથી જ અનુયાયી કહેવડાવે છે. ગાંધીજીના સિદ્ધાંતોને નેવે મૂકીને રાજ્ય કે દેશનું શાશન ચલાવાય છે. સિદ્ધાંત વિહોણું કામ દીપી ઉઠે ખરું?

નેતા રાજકર્તાઓ ચૂંટણી ટાણે જ પ્રજાનો સંપર્ક સાધે છે. પૈસાને જોરે ચૂંટાઇ આવે છે પછી પોતાના મતવિસ્તારનો પ્રજાના દુઃખો પ્રશ્નો અગવડોનો કોઇ ઉકેલ લાવતા નથી. પ્રજાનો સંપર્ક સાધી, તેઓના પ્રશ્નો હલ કરવામાં જ નેતાઓનું સદ્‌ચારિત્ર્ય છે. પ્રજાની મુશ્કેલીઓને પોતાની ગણી વહેલી તકે દૂર કરી, પ્રજાને સુખ સંતોષ આપીને સાચી ચાહના મેળવવી જોઇએ. પ્રજાની હાડમારી, મોંઘવારી, અનાજ વગેરેની અછતો અને તેલ જેવા ખાદ્ય પદાર્થો ભેળસેળ વીના, સરળપૂર્વક અને સસ્તે બાવે મળે તેવી ખાસ યોજનાઓ કરવી જોઇએ. ત્યાં આજે પ્રજાના પ્રશ્નો પરત્વે દુર્લભ સેવાય છે.

આજના નેતાઓ ઉદ્‌ઘાટનો અને મોટી ઇમારતોનો શિલાન્યાસ નાખવામાં જ વ્યસ્ત રહે છે. તેમને માન મરતબો ને મોભો ખૂબ ગમે છે ઓછી મહેનતે મળતો યશ ગુમાવવો તેમને પોષાતો નથી. તેઓ જ જાણે સર્વગુણ સંપન્ને થઇ ગયો હોય અને સર્વપ્રકારનું જ્ઞાન તેમનામાં હોય એવું નિહાળી શકીએ છીએ. આ રીતે દેશની ઉન્નતિ પ્રગતી કેવી રીતે પૈસા ભેગા કરવા, માલ મિલકત, જમીન જાયદાદ બનાવવામાં જ રચ્યા પચ્યા રહે છે દેશનું સારું માળખું ગૂંચવાઇ ગયું છે. પ્રજાનો પ્રશ્નો સરકાર સમક્ષ લાવવા પ્રયત્ન કરવો જોઇએ, તેઓ પણ ઉદાસીન છે. તેમને પણ પોતાનો મોભો જાળવવો છે.

દેશની શાન, શોભા કે આબરૂ એમ કાંઇ ભાષણો કરવાથી વધતી નથી. એની પાછળ તો નેતાઓના સાચા દિલની ધગશ અને સેવા ભાવના હોય તોજ દીપી ઉઠે. દેશ પ્રજાતંત્ર કહેવાય. પણ પ્રજાને નીતનવીન કાયદાઓથી જકડવામાં આવે એ કેવું કહેવાય? પ્રજાજનોનો અવાજ ન જ સંભળાય અને પક્ષને નામે પ્રજાને ખોટી રીતે સહન કરવું પડે એ કેવી વાત? આને શું શિષ્ટાચાર કહેવાય?

જ્યાં સુધી રાજકીય ચારિત્ર્ય નહીં સુધરે ત્યાં સુધી દેશનો જયવારો નથી થવાનો પ્રજાના દુઃખોને પારખીને તદનુસાર પગલાં લેવાને નેતાઓ પ્રેરાશે તોજ રાજ્યો કે દેશનું હિત સચવાશે. કે આબાદી સમૃદ્ધિ આવશે. દેશમાંના વિવિધ વાદોથી શું દેશ આગળ આવશે? આપણા કેળવાયેલા ગણાતા બુદ્ધિમાન આગેવાનો જ જો સત્તા કે ખુરશી માટે લડતા રહેશે તો પ્રજાની શી દશા થશે? પ્રજા તેઓનું અનુકરણ કરશે તો અંધાધુંધી શું ફેલાશે નહીં?

અત્યારે તો નેતાઓને સત્ચારિત્ર અંગે, સદાચારના અંગે, પ્રજાના ઘડતર અંગે તેમના દુઃખ દર્દો, મુશ્કેલીઓ અડચણો દૂર કરવા અંગે જ ધ્યાન આપવું જોઇએ. સદાચાર માત્ર વાતો કરવાથી આવતો નથી. એ તો આચરણમાં મુકવાથી આવે છે હવે તો પરમાત્મા જ સર્વ કોઇને ચારીત્ર્યને પંથે પ્રેરે અને સદ્‌બુદ્ધિ આપીને એખ બીજાને સહાયરૂપ બને તો જ દેશની બરબાદી થતી અટકશે. અને આબાદીના પંથે પળી શકશે.