(3)
૬ : વડીલો સાથેનું વર્તન
આજના છોકરા છોકરીઓને વડીલો શિખામણ આપે, ઠપકો આપે તો તેઓનું માનવું કે પાળવું તેમના વર્તનમાં રહ્યું નથી. આજે વર્તમાન પત્રોમાં વાંચવા મળે છે કે ફલાણા દીકરાને તેનાં મા બાપે ભણવા માટે કે નકામો રખડતો હોવાથી કંઇ કામ ધંધા અંગે શિખામણ કે સલાહ સૂચન આપી તો ક્યાં તે છોકરાએ આપઘાત કર્યો હોય અથવા તો મા બાપની કરપીણ હત્યા કરી નાખી હોય. નવરાત્રિમાં છોકરા છોકરીઓ નવેનવ દિવસ નવાં વસ્ત્રો પરિધાન કરી, ખાણી પીણી અને મોજમજાને હરવા ફરવાની મહેફિલ માણતાં હોવાથી છોકરીઓને મા બાપે ગરબા ગાવા કે ફરવા જવાનું ના કહેતાં, વડીલો અને દીકરીઓના વિચારમાં ટકરાવ ઉદ્ભવી તેમના મધુર સંબંધોમાં કડવશના બીજ વવાઇ જાય છે. આમ મા બાપોની સલાહ સૂચનથી વાજ આવી જતાં અત્યારના સ્વતંત્ર મિજાજી, સ્વચ્છંદીને મુક્ત પંખીની જેમ જ હરતા ફરતા છોકરા છોકરી કર્યાં તો પોતાને જાન ગુમાવે છે. અથવા તો સાથીદાર સાથે નાસી જઇ, કુટુંબને કાળી ટીલી લગાડે છે. નુકશાન તો બંન્નેના થાય છે પણ જો છોકરા છોકરી સમજી વિચારીને વર્તન કરે તો ઘરનું વાતાવરણ આનંદ ગુલાબીથી ખીલી મહેંકી રહે.
ઘરમાં, ગામમાં અને શહેર શાળામાં આપણે ઘણા માણસોના સંબંધમાં આવવું પડે છે. સર્વની સાથે આપણું વર્તન કેવું હોવું જોઇએ એ શું વિચારણીય બાબત નથી?
જે મોટા છે, વડીલો છે. પૂજ્ય છે. એવી ભાવના અંતરે ધરી તે પ્રમાણે વાણી વર્તન ને વ્યવહાર કરવામાં આવે તો જીવન સુખના સાગરથી છલકાઇ જશે.
નમ્રતા, વિનય, વિવેક તો સો કોઇને ગમે છે. કહેવત અનુસાર નમે તે સૌને ગમે કોઇને વંદન કરવાથી આપણે કશું ખોવાનું ખર્ચવાનું કે ગુમાવવાનું છે ખરું? શાસ્ત્ર કથન અનુસાર વિવેકો દશમો નિધિ અમૂલ્ય નવ ભંડારો તો શાસ્ત્રોએ વર્ણવ્યા છે. એમા વિવેકરૂપી આ દશમો ભંડાર મૂલ્યવાન ગણાય છે.
“વનો વેરીને વશ કરે” એ કહેવત અનુભવ યુક્ત ઘણું બધુ કહી જાય છે. વનો એટલે વિનય ને વિવેકપૂર્વકની વાણી વર્તન ને વહેવાર તે વેરીને પણ વિચાર કરતાં કરી દે છે. દુશ્મનાવટના વેર ઝેરનો અગ્નિ સમાન છે બીજોને બાળે છે. અશાંતિના વમળમાં ઘૂમરાવી દે છે. આવા સમયે ધીરજને વિનય પૂર્વકનું વર્તન રાખવામાં આવે તો ઘરનું વાતાવરણ કેવું સુંદર મજાનું ઉપવન સમુ શોભી રહે તેવું સર્વની સાથેનું નમ્રતાપૂર્વક પૂજ્ય ભાવભર્યું વર્તન કરવાથી અન્યેન્યના વ્યવહારમાં ઉત્તમભાવના સાથે રસભર્યું ને દૈવી વાતાવરણ જરૂર જન્માવી શકાય પ્રેમભાવમાં વૃદ્ધિ થશે. એકબીજાની વધારે નજીકમાં આવી ગાઢ સંબંધ બંધાઇ આત્મીયતા ઉભરાઇ રહી, એકબીજાને અવશ્ય મદદરૂપ થઇ શકાય “ઝાઝા હાથ રળિયામણા”એ કહેવત મુજબ સંયમતા પણ જામશે. સર્વના અંતરમાં આનંદ પ્રસન્નતા છવાઇ સ્નેહના અમી છાંટણા વરસી રહે.
વડીલોને માન આપવું તેમાંય મા બાપને તો ખાસ માન આપવાની નાનેરાની ફરજ છે. મોટાઓને આવકારવા આસન બેસવા આપવું એ વિવેક છે. તેમને વંદન કરવું એ વિનય છે. વયોવૃદ્ધ છે. એટલે જ્ઞાનાનુભવ છે પૂજનીય છે વંદનીય છે.
વડિલોની આજ્ઞા પાળવી એ પણ એક ફરજ છે જ મનથી હસતે વદને અને મીઠી વાણીથી અને ભાવપૂર્વક કામ કરવાથી તેમની સૂચન શિખામણ માન્યાથી અને તે રીતે વર્તવાથી વડીલોના અંતરની ભલી લાગણી આશીર્વાદની નાનેરાઓ ઉપર સારી અસર થાય છે. નાનેરાઓમાં કામ કરવાનો અનુભવ અને સેવાભાવના કેળવાય છે. કામ કરવું એ ઘસારો નથી પણ ઘડતર છે.
મોટેરાની વાણીને કદી ઉથાપવી નહીં. તેઓનું કાર્ય વાણી વગેરે અનુભવ યુક્ત હોય છે. એટલે તેમની વાણીનો તુચ્છકાર કરવો ન જોઇએ. કેટલીવાર એમ કરવાથી આપત્તિમાં આવી પડાય છે. તેમના અંતરને દૂભવવાથી પણ માઠી અસર થાય કદાચ તેમની વાણી વર્તન સાથે સહમત ન થવાય તો સમજને વિચારપૂર્વક તેનો વચલો માર્ગ કાઢવો જોઇએ તો બંન્ને ખુશ થાય. દિવસમાં થોડોક સમય ઘરકામ કરવાને માટે કે અન્ય વડીલોનો સેવાકામ કરવાને માટે ફાળવવો આંધળા કે અશક્તની લાકડી બનજો અને જરૂર પડે ધન પણ ખર્ચી જાણજો.
વડીલોની વાણીને શાંતિથી સાંભળજો. તમારા ભણતરનો કે જ્ઞાનનો ઘમંડ રાખશો નહી. પુસ્તકીય જ્ઞાન અને જીવનનો અનુભવ એ બંન્ને ભિન્ન ભિન્ન બાબતો છે. એમની સાથે જીભા જોડી તો કદીય કરશો નહીં.
શાળામાં કે ઘરમાં કે અન્ય સ્થળે વડીલોનું આગમન થતાં તેમને માન આપી સત્કારજો. વિનયપૂર્વક વંદન કરજો. આમ કરવાથી કંઇ પણ ગુમાવવાનું નથી. ઉલટું તમારા સંસ્કારી વર્તનથી વડીલોને તમારા પ્રત્યે માન ઉપજશે. તમારા વિદ્યાભ્યાસની કે કેળવણીની કીંમત અંકાશે અને વડીલનું મન આનંદિત થતાં તેમની આશિષ મળશે જુદુ. એ આશિષથી તમારું જીવન સરળ બનશે. સુખ શાંતિને આનંદથી જીવન હર્યું ભર્યું બનાવી શકાય.
૭ : શિષ્ટતાને પંથે
ભારતવર્ષની ૫૦મી સ્વાતંત્ર્ય વર્ષની ઉજવણી પ્રસંગે, હિંદની પ્રજા ક્યા માર્ગે જઇ રહી છે તેની તુલના કરવાનું મન સહેજેય થાય. આપણે ઋષિ મુનિઓ, સાધુ સંતો અને બીજા અનેક સદ્ગ્રંથો દ્વારા મળેલ ભવ્ય સંસ્કૃતિ વારસાને જાળવી શક્યા છીએ? “ના.” આજે પશ્ચિમી સંસ્કૃતિને રંગે રંગાઇ, સેક્સ, હિંસા ને મારફાડ ભરી ફિલ્મો સાથે ટી.વી.ના માધ્યમ દ્વારા દેશની જનતામાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે. સ્વાતંત્ર્યને બદલે સ્વચ્છંદતા, છેલબટાઉપણું, સ્વેચ્છાચાર, છળ કપટ, સ્વાર્થ, ભ્રષ્ટાચાર, અત્યાચાર, બળાત્કાર, ચોરી, લૂંટફાટની વૃત્તિ ફૂલી ફાલતી રહી છે. માનવ, માનવતાના મૂલ્યો ભૂલતો જાય છે ત્યારે આજના માનવ જીવનો કેવા થઇ રહ્યા છે તેની પ્રતીતિ શું થતી નથી? પ્રત્યેક માનવ જીવનમાં સુખ, શાંતિ ને આનંદ દેખાય છે ખરો? નર્યા દોઝખમાં શું આજનો માનવી જીવતો લાગતો નથી? માનવમાં વિનય, વિવેક, ચારિત્ર્યશીલતા રહી છે ખરી? જીવનની નાનામાં નાની વાત પણ અતિ ઉપયોગી છે. તેની સમજપૂર્વકની ગણના કરી, વર્તન વ્યવહારમાં વર્તવામાં આવે, જીવનમાં ઉતારવામાં આવે તો તેનો શિષ્ટાચાર થયો ગણાશે. અન્યને ગમશે અને કાર્ય કરનારને લાભ કર્તા થશે.
સર્વ પ્રથમ ધર્મનો આચાર છે. આ આચાર, સદાચાર જીવનમાં વણાઇ જવાં જોઇએ. આપણે અન્ય પાસે પોતાને ગમતું વર્તન રાખવા ઇચ્છતા હોઇએ તો પોતે પણ તેવું વર્તન કરવું આવશ્યક છે. આચારનું પ્રતિબિંબ પડ્યા સિવાય રહેતું નથી. સમાજના અને જીવનના વિધ વિધ ક્ષેત્રોમાં કેમ વર્તવું એ ખૂબ જરૂરી છે. તે પ્રમાણે વર્તન કરાય તો અવશ્ય શાંતિ પમાય, વિકાશશીલ બનીને આબાદીના પંથને હાંસલ કરી શકાય. કર્મનાં મીઠાં ફળ ચાખી શકાય.
ચારિત્ર્યશીલતા, સદાચાર કે શિષ્ટાચારને માનવી જીવનમાં ઉતારે તો વ્યક્તિ અવશ્ય જીવન વિકાસ પ્રગતિ સાધી, સુખ શાંતિ આનંદ પામી શકે. સુવ્યવહાર અને કાર્ય સરળ બને એટલું જ નહીં. પણ માનવ માનવ એક બીજાના નિકટ સહવાસમાં આવી, જીવન જીવવાનું બળ મળે. એકતા સ્થપાય, ભાઇચારાની ભાવના ઉત્કટ બને. સહકારની ભાવના ઉત્પન્ન થશે.
વિદ્યા ક્ષેત્રે, વ્યપાર ક્ષેત્રે, ધંધા ક્ષેત્રે, રાજ્ય વ્યવહાર ક્ષેત્રે અને સમાજ ક્ષેત્રે પરિવર્તન લાવવું પડશે. નીતિમત્તા, ન્યાયપ્રિયતા, પ્રમાણિકતા માનવ જીવનમાં લાવવામાં આવશે તો માનવતા મહેંકતી રહેશે. જીવનબાગ લીલોછમ બની આનંદ પુષ્પો ખીલી રહેશે અને વ્યવહારમાં ધર્મ સુંદર રીતે ચાલતો રહેશે.
સદાચાર અને ચારિત્ર્ય ઘડતરમાં મદદરૂપ બને તેવાં પુસ્તકોનું વાંચન, મનન ને પ્રચાર થાય એ ખૂબ જરૂરી છે. કોઇને કોઇ પણ બાબતનું થોડું જ્ઞાન મળે તેવું કરનારને તેનું સાત્વિક ફળ જરૂર મળે જ. જ્ઞાનદાન સર્વોત્તમ છે. ઘણાને શિષ્ટાચાર શું છે, સદાચાર કેમ આચરવો તેનું સારા નરસાનું ભાન હોતું નથી. તેને જો યોગ્ય માર્ગદર્શન મળે તો તે સુપંથે વળે, ચારિત્ર્યશીલ બની, પોતાની જાતને શોભાવે. દ્રવ્યનો સદ્ઉપયોગ કરવાની ઘણાને આવડત હોતી નથી. તેને ગમે તેમ વેડફી, જીવન બરબાદ કરે છે. જો તે જ પૈસો સારા માર્ગે વાપરે તો સમાજોપયોગી ઘણા કાર્યો સરળ થઇ, સારા ફળ માનવ ભોગવી શકે. આપણે સર્વેએ સમાજમાં યોગ્ય પરિવર્તન લાવ્યા સિવાય છૂટકો જ નથી. દોષ કોઇનો નથી, સંજોગોનો છે. દરેક વ્યક્તિ પોત પોતાની બાબતને સમજી, વિચારીને યોગ્ય માર્ગે વળે તો દેશમાં મોટા પાયા પર શુદ્ધિ, ચારિત્ર્ય અને સદાચાર આવતાં, સાચા જીવન જીવવાનું મનુષ્યને ગમશે અને જીવન સાર્થક બનાવી શકશે.
બાળકો સંસ્કારી અને ગુણિયલ બને, યુવાનીમાં નમ્રતા આવે, વડીલો માટે માન વધે, ફૂલીફાલી રહેલ વ્યસનો દૂર થાય, દરેકની કલા અને સૂઝ વિકાસ પામે, દરેકની વિશિષ્ટ આવડતની કદર થાય તો તેનામાં ઉત્સાહ ઉમંગમાં વધારો થાય. કુટુંબીઓમાં આત્મિયતા આવે, સભ્યોમાં એકતા દૃઢ થાય, દરેકના અંતરાયો દૂર થાય, ઘરમાં સંવાદિતા સ્થપાય, નિષ્ઠા, નિયમ ને ધર્મની દૃઢતા થાય, વ્યવહાર સુધરે, જીવન સાદગીભર્યું બને, ખોટા ખર્ચા ઘટે, રંગરાગ ને ભોગ વિલાસભર્યા જીવનમાં પરિવર્તન આવે. આપણા કુટુંબની ફૂલવાડીમાં સંસ્કારના ફૂલો ખીલી રહી તેની સૌરભ પ્રસરતી રહે. જેના સ્વાદિષ્ટ ફળ આપણે ભોગવી શકીએ. અખંડિત શાંતિ બની રહે. ચેતવાનો સમય હવે પાકી ગયો છે, દવા નહિ કરીએ તો પછી રોગ કાબૂ બહાર ગયો હશે ત્યારે મુશ્કેલી પડશે અને ઘણું મોડું થઇ ગયું હશે.
ઘર બળે ત્યારે કૂવો ખોદવાથી શું વળે?
ગજબ હાથે ગુજારીને, પછી નાસી ગયાથી શું?
સૂકાણા મોલ સૃષ્ટિના, પછી વૃષ્ટિ થયાથી શું?
જબ ચિડિંયાં ચૂગ ગઇ ખેત, ફિર પછતાયે ક્યા હોવત હૈ?
૮ : સંયુક્ત કુટુંબની ભાવના
આજે સંયુક્ત કુટુંબો ધીમે ધીમે વિભક્તા થતા જાય છે. તેનો લોપ થતો જાય છે. ત્યારે પ્રાચીનકાળની સંયુક્ત કુટુંબની આદર્શતા અને ચારિત્ર્યશીલતાની ભાવના યાદ આવ્યા સિવાય નથી રહેતી. અત્યારનો સમય અને સંજોગોમાં વિવિધ અને ભિન્ન ભિન્ન ક્ષેત્રે વિષમતા વ્યાપતી જાય છે. મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી જતી હોઇ, માણસનું જીવવું ખૂબ જ દોહ્યલું બની ગયું છે. જીવન સલામત નથી. ભૌતિક સાધનો ખૂબ વધી રહ્યાં છે. તેને પામવા માણસ શું નથી કરતો? એવે સમયે એમાંથી કેમ ઉગરવું એ જ મહાવિકટ પ્રશ્ન શું નથી?
સંયુક્ત કુટુંબનાં દૂષણો કરતાં અનેક સુખ સગવડો અને માનવીની સલામતી વધુ પ્રમાણમાં રહેલી છે. સંયુક્ત કુટુંબ એક એવી પ્રથા છે જ્યાં બાળકનું લાલન પોષણ સાથે ખૂબ સુંદર રીતે ઘડતર થતું રહે છે. સંયુક્ત કુટુંબમાં સ્નેહ પ્રેમની ઉમદા ભાવના સાથે વફાદારી અને ફરજ નિભાવવી પડતી હોય છે. સંયુક્ત કુટુંબથી સંપ અને સંઘબળ કેળવાય છે. કુટુંબ સંગઠીત હોય તો કોઇની મજાલ નથી કે તેમની તરફ કોઇ આંખ ઉંચી કરી શકે. ત્યાં નિરંતર સદાચાર અને સેવાકાર્ય જ છે. મારા પણું રહેશે નહિં. જીવનમાં રસાળતા, સરળતા, આનંદતા અને શાંતિની છોળો ઉઠતી રહી જીવન સુંદર રીતે જીવાશે.
આજના કપરા અને દોહ્યલા સમયમાં કુટુંબના સર્વ સભ્યો જો એક રસોડે જમે તો ખર્ચમાં રાહત કે બચત થઇ રહે. આજનો બેકારીનો જટિલ પ્રશ્ન પણ હળવો થઇ રહે છે કેમકે કુટુંબના અન્ય સભ્યોની આવકમાં બેકાર માણસનો, વિધવા બાઇનો કે ઘરડાં મા બાપનો પ્રશ્ન સરળતાથી હલ થઇ શકે છે. કોઇ પણ સભ્યની મુશ્કેલીમાં કે માંદગીમાં તેની યોગ્ય સેવા શૂશ્રુષા સારી રીતે થઇ શકે છે. અન્ય સભ્યોની મદદ મળી રહે છે. પ્રેમભાવનામાં વૃદ્ધિ થાય છે. એકલા કે અટૂલાપણું લાગતું નથી. ઘરના કામકાજની વહેંચણી થઇ જવાથી કામનો બોજ હળવો થશે, ઘટશે. સમૂહબળતી ગૃહકાર્ય અને ગૃહ દીપી ઉઠશે. ચારિત્ર્ય ઘડતરમાં એનો સારો ફાળો રહે છે.
એવા સંયુક્ત કુટુંબ જીવનમાં વડીલો કે મા બાપ તરફનો પૂજ્યભાવ, નાનેરાં તરફનો વાત્સલ્યભાવ, એકબીજા માટે ઉષ્માભર લાગણી, ભાવના અને પોતાપણું સાથે જીવન ભર્યું ભાદર્યું, રસ અને આનંદથી છલકતું લાગશે, જીવન જીવવા જેવું લાગશે.
જે ઘરમાં જન્મ લીધો, માતા પિતાએ અનેક કષ્ટ, દુઃખો વેઠીને તેમનું લાલન પાલન પોષણ કરતાં મોટાં કરી, ભણાવી ગણાવી, કામ ધંધે વળગાડી, પરણાવી, ગૃહસ્થ બનાવ્યાં તેવાં કુટુંબીજનોને કે વડિલોને શેં તરછોડાય? યુવાન દંપત્તિના સંસ્કાર અને કેળવણી શું લજાય નહીં?
“હું અને મારી વહુ, એમાં આવ્યું સહુ” એ કહેવત કેટલી સીમિત, બાલિશતાભરી અને સ્વાર્થપૂર્ણ લાગે છે. હા એ ખરું છે કે સંયુક્ત કુટુંબમાં રહેવાથી એવા દંપત્તિને છૂટછાટ ઓછી મળે, સ્વતંત્રતા ઉપર કાપ કે દાબ આવે પણ એ તો ક્ષુલ્લક વસ્તુ છે. એમાં સ્વાર્થ કે એશ આરામની ગણતરી ના થાય. એમાં તો કર્તવ્યપણું કે સદાચારની જ ગણતરી કરવાની હોય. માતા પિતા કે વડીલોનાં સુખ શાંતિમાં જ બીજાનું સુખ સમાયેલું છે. એવી શુભ ભાવનાથી કાર્ય થવું જોઇએ. હા...એવે સમયે ધૈર્ય અને સહનશીલતાને કેળવવી પડે એ સ્વાભાવિક છે. સહનશીલતા તો ચારિત્ર્ય ઘડતરમાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. માનવીને ખડતલ અને સેવાભાવી બનાવે છે. એમાં સ્વાર્થને સ્થાને એકબીજા માટે કંઇક કરી છૂટવાની કે ભોગ આપવાની ભાવના ઉભી થાય છે. કોઇ પણ એવો બનાવ બની ગયો હોય તેને ભૂલી જઇ, ઉદારતા, ધૈર્યતા, શ્રદ્ધા, સ્નેહ પ્રેમ વગેરે સદ્ગુણો કેળવાય છે. આ ગુણોથી ચારિત્ર્યગઠન થાય છે. એજ ચારિત્ર્ય માનવીને ઉન્નત પથગામી બનાવી રહી, જીવન ધન્ય બનાવી રહેવાય.