Charitya Mahima - 1 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | ચારિત્ર્ય મહિમા - 1

Featured Books
Categories
Share

ચારિત્ર્ય મહિમા - 1

લેખક

જગદીશ ઉ. ઠાકર

(1)

નિવેદન

આજના મનુષ્યોમાં સદ્‌ગુણોનો અભાવ જોઇ શકીએ છીએ. સારા ચારિત્ર્યવાળા મનુષ્યો ભાગ્યેજ માલુમ પડે છે. આજના મનુષ્યો સદ્‌વ્યવહારથી વર્તે ખરા? આજના મનુષ્યોમાં દુર્ગુણોની દુર્ગંધ છે. નર્યા ભ્રષ્ટાચારમાં ખદબદતો રહે છે. ત્યાં મનુષ્યને સુચારિત્ર્યની મહત્તા ક્યાંથી સમજાય? ચારિત્ર્યવાળા મનુષ્યો છે ત્યાં ધર્મ, સત્ય, સત્કાર્યતા રહેલી છે. માનવતા રહેલી છે. ત્યાં તે જ છે, ધન છે. સુચારિત્ર્ય વગરનો મનુષ્ય નિર્બળ છે. તેજહીન છે. ત્યાં અસત્ય છે, સ્વાર્થ છે. દંભ ને અભિમાન છે. અહીં પ્રસ્તુત વાર્તા પરથી સુચારિત્ર્યની મહત્તા માલુમ પડશે.

એક વખત ઇન્દ્રરાજા બ્રાહ્મણનું રૂપ લઇ, પ્રહ્‌લાદ પાસે જઇ, પ્રણામ કરી કહેવા લાગ્યા. “હે રાજન મને સુખ, શાંતિ ને સંતોષ મેળવવાનો રસ્તો બતાવો” પ્રહ્‌લાદે કહ્યું “હે બ્રહ્મદેવ! સર્વ બ્રાહ્મણ દેવતાની મારી પર અપ્રતિમ કૃપા છે. તેઓ મને જિતેન્દ્રિય અને સદાચારી જાણીને સુંદર વચનો તથા ઉપદેશ આપે છે, સલાહ સૂચન પણ કરે છે, આપ જો સદાચારી બની નીતિ અનુસાર વર્તશો તો સુખ, શાંતિ તમારી પાસે દોડતી આવશે.

રાજા ઇન્દ્રદેવ પ્રહ્‌લાદને ત્યાં રહી, તેમની ભાવપૂર્વક સેવા ચાકરી કરવા લાગ્યા. આથી પ્રહ્‌લાદ પ્રસન્ન થયા. ઇન્દ્રને વરદાન માગવા કહ્યું. ઇન્દ્રએ કહ્યું કે આપ મારા પર પ્રસન્ન થયા હો તો એક ઇચ્છા પૂર્ણ કરો. મને આપનું સુચારિત્ર્ય આપો. ઇન્દ્રની સુંદર પ્રાર્થના સાંભળી પ્રહ્‌લાદ ખુશ થયા. ઇન્દ્રને વરદાન આપ્યું. વરદાન આપતાં જ પ્રહ્‌લાદના શરીરમાંથી એક તેજ નીકળ્યું. પ્રહ્‌લાદે પૂછ્યું આપ કોણ છો? હું સુચારિત્ર્ય છું. તમે દાનમાં દીધું તેથી તેની પાસે જાઉં છું. સુચારિત્ર્ય જવાથી બીજું તેજ પ્રહ્‌લાદના શરીરમાંથી નીકળ્યું. તેને પૂછ્યું તો કહે હું ધર્મ છું, જ્યાં સુચારિત્ર્ય રહે ત્યાં હું રહું છું. તેથી જાઉં છું. આમ ધર્મના ચાલી જવાથી પ્રહ્‌લાદના શરીરમાંથી સત્ય ચાલી ગયું. અને તે જવાથી બળ પણ પ્રહ્‌લાદના શરીરમાંથી ચાલી ગયું. તે જવાથી એક તેજના ઝગારા મારતી દેવી પણ નીકળ્યાં. પ્રહ્‌લાદે પૂછ્યું તમે કોણ છો? હું લક્ષ્મી દેવી છું. આટલા દિવસથી રહેતી પણ હવે છોડી દેવાથી જ્યાં બળ રહે ત્યાં હું રહું છું. તમે તમારા સુચારિત્ર્યથી ત્રણે લોક અને ધર્મને વશ કર્યા હતા. આમ ઇન્દ્રે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી, પ્રહ્‌લાદની સેવા ચાકરીની બદલામાં પ્રહ્‌લાદનું સુચારિત્ર્ય હરી ગયા.

આમ સુચારિત્ર્ય જ્યાં નિવાસ કરે છે. ત્યાં ધર્મ, સત્ય, સત્કાર્ય, બળ અને લક્ષ્મીદેવી અચૂક નિવાસ કરે છે. ત્યાં સુખ, શાંતિ ને સંતોષભર્યું વાતાવરણ હંમેશા મહેકતું રહે છે.

ચારિત્ર્ય મહિમાની આ લેખ માળા વિવિધ સામયિકોમાં વર્ષો પૂર્વે પ્રગટ થઇ હતી. તે આજે પુસ્તક રૂપ પ્રગટ થતાં, અંતરમાં આનંદની હેલી ઉમટી રહી છે. આ લેખ માળા વાંચનથી પ્રેરણા બોધપાઠ મળશે. તે પ્રમાણે મનુષ્ય પોતાના જીવનમાં ઉતારી, અનુસરશે તો જીવન સાર્થક બનાવી ધન્યતા અનુભવશે.

****

૧ : શરીરના અંગોની સંભાળ

સ્ત્રી અને પુરુષો પોતાના શરીરના અંગોને રૂપાળાં રાખવા જાતજાતના ક્રીમ, પાવડર, લોશન વગેરેનો ઉપયોગ કરે છે. સમાજમાં મેળાવડામાં, લગ્ન પ્રસંગે, પાર્ટીમાં કે ઓફિસમાં પોતે અન્યથી કેમ વધુ રૂપાળા દેખાય તેનો સંભારી તે પ્રયત્ન કરે છે. તેમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ કેમ રૂપાળી, દેખાય તે માટે જાતજાતના કીમિયા અજમાવે છે. પણ જ્યારે સ્વાસ્થ્યનો પ્રશ્ન આવે છે ત્યાં આગળ રૂપ ગૌણ બની જાય છે. શરીરના દરેક અંગોનું જતન કરવાની જવાબદારી સ્વીકારવી જ પડે તો જ શરીર સ્વાસ્થ્ય સારું રહે. શરીરના અંગો જેવા કે આંખ, કાન, નાક, ગળું, હાડકાં, હાથ પગ, દાંત આમ દરેક અંગની સારી રીતે માવજત કરી હોય તો સ્વાસ્થ્ય દીર્ઘાયું બની રહે. ડૉક્ટર પાસે જવાની જરૂર ન રહે

આંખની માવજત :- આંખ ન હોય તો જીવન અંધકારમય બની જાય છે. જીવનમાં અંધારું છવાઇ જાય છે. તેથી જરૂર પડે ત્યારે આળસ રાખ્યા વગર ડૉક્ટર પાસે જવું જ રહ્યું. આંખને સારી રાખવા આરામ વિરામ અને વ્યાયામ જરૂરી છે. વધુ વાંચન પછી વિરામ, અધિક જાગરણ પછી આરામ સાથે તેને ચેતનવંતી રાખવા વ્યાયામ જરૂરી છે. થાકેલી આંખો પર પામિક કરો, આંખ પર ઠંડા પાણીની છાલક મારો, આંખને વારંવાર પટપટાવો. આખમાં ધૂળ, કચરો, પાવડર, કે ક્રીમ ન જાય તેની કાળજી રાખો. આંખોને તડકાથી, ગરમીથી, પવનથી બચાવવી જોઇએ. જો તમે આંખોની બરાબર માવજત કરો નહીં તો તમને વહેલો મોતીયો, ઝામર કે અંધાપો આવવાની શક્યતા રહે છે. નંબર હોય તો ચશ્મા પહેરો. આંખને સ્વસ્થ રાખવા પોષણક્ષમ ખોરાક લો. વિટામિન એ, ડી. ખોરાકમાં વધુ લો.

કાનની માવજત :- સારી રીતે સાંભળવા માટે કાનની માવજત કરવી રહે. કાન ખોતરો નહીં. મેલ કાઢવા હેટપીન, ચાવી, પેન્સીલ કે બોલપેન કે ચૂંકનો ઉપયોગ ન કરો. મેલ કાઢનાર પાસે જ મેલ કઢાવવો. કાનમાં સણકા મારતા હોય તો ડૉક્ટરની સલાહ લઇ દવા કરો. મોટા અવાજો, રેડીઓ, ટી.વી. વોકમેનને મોટા અવાજોથી ન સાંભળો, નહિતર, બહેરાશ આવે. જ્યારે તરવા માટે જાવ ત્યારે કાનમાં પાણી ન પેસી જાય તે માટે એરપ્લગ પહેરવો હિતાવહ છે.

પગની માવજત :- પુરુષો કરતાં સ્ત્રીઓને પગની ખાસ સંભાળ રાખવાની જરૂર છે. ઊંચી એડીના વિવિધ પ્રકારના ચંપલ, સેન્ડલ પહેરતાં જોવા મળે છે. પણ તેનાથી ઘણીવાર કમરમાં, પગમા,ં પાનીનો દુખાવો થઇ રહે છે. બહુ ફીટ પગરખાથી મચકોડ આવી શકે. ઘૂંટી કાળી પડી જાય. ચામડી જાડી ને ચેતનવિહિન થઇ જાય. કાંકરાવાળી જમીન પર ખુલ્લા પગે ચાલવું નહીં. પગ પર વધુ વજન આવવાથી સાંધામાં દુખાવો થઇ રહે છે. બહુ લાંબા સમય ચાલવાથી કે ઊભા રહેવાથી પગમાં દુઃખાવો થઇ રહે છે. તેથી પગને આરામ મળે તેમ કરવું. જ્યારે પગ દુઃખે ત્યારે ગરમ પાણીમાં બોળી રાખવાથી દુઃખાવો કે થાક ઓછો થશે. બેઠાડું ન રહેતાં ચાલવાની આદત પાડવી સારી.

નાકની માવજત :- ઘણા લોકોને અચાનક નસકોરી ફૂંટે છે. ગરમીમાં ફરવાથી, સૂકી હવા લેવાથી કે પોતાનું લોહીનું ઊંચું દબાણ હોય તોય નસકોરી ફૂટે છે. નાકને થોડીવાર દબાવી રાખવાથી વહેતું લોહી અટકી જશે. માથે ઠંડા પાણીની ધાર કરવાથી લોહી બંધ થઇ, રાહત થશે. નાકમાં વાળ હોય તે ખાસ જરૂરી છે. આપણે જે હવા શ્વાસમાં લઇએ છીએ તેમાં ધૂળ, કચરો કે જીવાણું આવતા હોય છે, તેને વાળ અટાકાવે છે. અને સ્વચ્છ હવા ફેંફસાને આપે છે. નાકતી શ્વાસ લેવાની ટેવ પાડવી જોઇએ. નાકમાં ગમે તે નાખી ખોતરવું ન જોઇએ. નહીં તો લોહી નીકળવાની સંભાવના રહે. નાકને ગૂંગાથી કે બીજી કચરાથી જરૂર સ્વચ્છ રાખો. નાકમાં લીટ ભરી ન રાખો.

દાંતની માવજત :- સવારે ઊઠતાં જ વાસી મુખમાં સારી ફ્લોરાઇડવાળી ટૂથ પેસ્ટથી બ્રશ કરવું જરૂરી છે. સાથે કોગળા કરવા અને પેંઢાને મસાજ કરવું જરૂરી છે. દાંતમાં સડો થતો હોય, પરૂ થતું હોય તો તરત જ ડૉક્ટરની સારવાર કરવી જોઇએ. વધુ પડતું ગળપણ ખાવું હિતાવહ નથી. બાંળકોને વારંવાર ચોકલેટ, પીંપરમીટ આપી દાંત ખરાબ ન કરશો. વાંકાચૂંકા દાંત હોય તો ડેન્ટીસ્ટ પાસે ટ્રીટમેન્ટ કરાવો. કેટલીક એન્ટીબાયોટીકક્સના વપરાશથી દાંત પીળા કે કાળા પડી જાય છે. દાંત અને ગાલની વચ્ચે તમાકુ પાન મસાલા છીંકણી રાખવાની મોંનું કેન્સર થવાની શક્યતા વધુ હોય છે. દાંતનું ચોકઠું પહેરતા હોય તેમણે જરૂર ન હોય ત્યારે ચોકઠું કાઢી પેઢાને આરામ આપવો જોઇએ. દિવસમાં ખાધા પછી પાણીના કોગળા કરી, દાંત સ્વચ્છ રાખી,મોંની દુર્ગંધ દૂર કરવાની ટેવ પાડવી જોઇએ.

પીઠની માવજત :- આપણી ઉઠવા બેસવાની ખરાબ આદતને લઇને ક્યારેક પીઠનો દુઃખાવો થઇ આવે છે. તે દૂર કરવા માટે આપણે અમૂક રીતે જ ઊઠવું બેસવું જોઇએ. ટટ્ટાર બેસવાથી, ઊભવાથી પીઠ કે કમરનો દુઃખાવો થતો નથી. સીધી પીઠવાળી ખુરશી પર બેસવું. શરીરનું વજન જાંઘ પર, ઘૂંટણ પર અનેપગ પર આવે તે રીતે બેસવું. ડનલોપવાળા ગાદલામાં નહિં સૂતાં સાદા ગાદલામાં સૂવું જેથી કમર કે પીઠનો દુઃખાવો થાય નહિં. જો કે કેલશિયમ ઓછું હોય તો પણ કમર દુઃખે છે. એક જ સ્થિતિમાં બેસી રહેવાથી, ઉભા રહેવાથી, હદ વગરનું ચાલવાથી પણ દુઃખાવો થાય છે. જેથી શરીરને આરામ આપવો જોઇએ.

મનની માવજત :- મનુષ્યના મનનો મૂડ, મિજાજ બદલાતો રહે છે. મનને ખુશ મિજાજમાં રાખવાનો પ્રયત્ન કરવો જોઇએ. કોઇ ટેન્શનમાં રહેવું ન જોઇએ. સદા હસતા રહો. મન એક એવું અંગ છે કે તેની અસર સમગ્ર શરીર પર પડી રહે છે. એટલે મનને યોગ્ય દિશામાં વાળી રાખવું જોઇએ. મનને માંદુ ન પડવા દો. મન જેટલું પ્રફુલ્લિત હશે તેટલું માનવ શરીર ઉત્સાહી ઉમંગી અને આશાસ્પદ બની રહેશે. મનમાં ખોટા વિચારો ન લાવવા. લાગણીશીલ મન પણ સારું નથી. મનની ઉદાસીનતાને દૂર કરવા પ્રયત્ન કરવો જોઇએ. મનને શક્તિ સ્ફૂર્તિમાં રાખો. રસ રુચિવાળી પ્રવૃત્તિમાં જોડી રહો. મનને ખુશ રાખવા વાતાવરણ બદલતા રહેવું. પ્રકૃત્તિથી લહેરાતાં દૃશ્યો કે પ્રકૃતિના ખુશનૂમા સાન્નિધ્યમાં લયલીન બનાવી રાખવું જોઇએ. નદી કિનારે કે પર્વતમાળા, બાગ બગીચામાં લહેરાત ફળ ફૂલ, આચ્છાદિત વનરાજી, હિમાચ્છાદિત બર્ફીલા પર્વતોને નિહાળો. તેનો ભરપૂર આનંદ માણો. છેલ્લે ઇશ્વર સ્મરણ છે જ. તેનાથી જરૂર મન હળવું થશે. મનુષ્યે ખાસ જોવાનું કે શરીરના અંગોને રૂપાળા ભલે બનાવો. પણ સાથે તે નિરોગી રહે તેવી કાળજી દરકાર જરૂર રાખજો.

 

૨ : તન મનની તંદુરસ્તી

“રાત્રે વહેલા જે સૂઇ વહેલા ઊઠે વીર,

ધન, બુદ્ધિ, બળ બહુ વધે, સુખમાં રહે શરીર;”

અઢળક ધન દૌલત, માલ મિલકત કરતાં સાચું ધન તો આરોગ્ય ધન છે. લાખો કે કરોડોની મિલકતોથી પણ શું? યશ કીર્તિની ધજા પતાકા ફરફરતી હોય તો પણ શું? બહોળા કુટુંબ કબિલાથી પણ શું? જ્યાં શરીર સારું ન હોય, આરોગ્ય સારું ન હોય ત્યાં ધનની કોઇ કિંમત છે ખરી?

“શરીરે સુખી તો સુખી સર્વ વાતે

શરીરમાદ્દં ખલુ ધર્મ સાધનમ્‌”

આ બધાં સૂત્રો મનુષ્યના આરોગ્યની, તંદુરસ્તીની, સુખાકારીની જ વાત કરે છે. એવું આરોગ્ય કાંઇ એમને એમ નથી આવતું. આરોગ્યમાં સર્વપ્રથમ બાબત સદાચારની છે. સદાચાર અને આરોગ્યને ગાઢો સંબંધ છે.

જે મનુષ્ય પોતાનાં સર્વ કામોમાં નિયમિત છે. તેનું જીવન સુખમય રીતે પસાર થાય છે. તેની તંદુરસ્તી સુંદર સચવાઇ, રોગોને જોજનો દૂર ધકેલી રહે છે. તે સર્વપ્રકારે ધન્ય થઇ રહે છે. જીવનમાં નિયમિત કસરત, નિયમિત આહાર વિહાર, ઊંઘ અને નિયમિત જાગરણથી મનુષ્યના શરીરને સર્વ રીતે સારું પોષણ મળી, સ્ફૂર્તિલું બની રહે છે. મનુષ્ય દિવસ દરમિયાન જે પણ કાર્ય કરે છે તેમાં સદાચાર અને ચારિત્ર્યશીલતા હોવી જોઇએ.

મનુષ્યે તાજો, પૌષ્ટિક, સુપાચ્ય અને માફકસરનો ખોરાક લેવો જરૂરી છે. ખોરાકને બરાબર ચાવીને ખાવાથી મોંનો રસ ભળે છે. તેથી તેનું બરાબર પાચન થાય છે અને સર્વ અંગોનું ઘટતું પોષણ મળી, આરોગ્ય સચવાય છે. બહું ઊંઘ કે ઉજાગરા કરવા નુકસાનકારક છે. બહુ રખડવું કે ગમે તેમ મુસાફરી કરવી શરીર માટે હિતાવહ નથી. તંગ કે ચુસ્ત કપડાં પહેરવાથી ચામડીના રોગો ઉદ્‌ભવી શકે છે. સાથે ચારિત્ર્યને પણ એ શોભાસ્પદ નથી. સ્ત્રીઓને, વિદ્યાર્થીનીઓને, યુવતીઓને એવાં તંગ કપડાં કેવાં લાગે? એમાં સંસ્કારનો મલાજો રહેતો નથી. વિનય કે વિવેક કે મર્યાદાનો લોપ થતો નિહાળી શકીએ છીએ. એવા કપડાં પહેરવાથી અંગોનાં આકર્ષણો જ એમાં તરી આવે છે. શૃંગાર ભાવ, કામુક ભાવ, વિલાસિત મનમાં ઉત્પન્ન થઇ અધમ માર્ગે વવી જવાથી, તન મનનું આરોગ્ય બગડે છે. ખૂબ ખાવાથી અપચો કે બંધકોશ થવાથી અનેક દર્દો ઉદ્‌ભવે છે. અઠવાડીએ એકવાર ઉપવાસ કરવો એમ કરવાથી અંગોને આરામ મળશે અને આરોગ્ય સચવાશે.

આંખોને ખૂબ કામ આપવાથી, તાણી તાણીને જોવાથી, વાંચવાથી કે સીનેમા, ટી.વી. આંખો ખેંચીને જોવાથી આંખોનું આરોગ્ય બગડે છે. તેને આરામ આપવો હિતકર છે રોજ નિયમિત ફરવા જવાનું રાખવું, મનને શાંત રાખવું, શરીરના પ્રત્યેક અંગોને કામ કરી રહ્યા પછી આરામ આપવો આરોગ્ય માટે જરૂરી છે. કાર્યોને નિયમિત કરવાં એમાં સદાચાર છે. ચારિત્ર્યશીલતા અને તંદુરસ્તી પણ સમાએલી છે.

સર્વકામમામં કાળજીપૂર્વકનું કામ સદાચારનો સહારો અને ચારિત્ર્યનું રસાયન હશે તો આરોગ્ય શારીરિક તંદુરસ્તી જીવનપર્યંત સાચવી શકાશે અને જીવન જીવવા જેવું લાગશે અને સ્વાર્થ, પરાર્થ કે લોકો પયોગી કાર્યો પણ થઇ શકશે અને જીવન સાર્થક્ય સાધી, સુખ શાંતિભર્યું દીર્ઘ આયુષ્ય ભોગવી શકાશે.