A picture overlaid on the psyche in Gujarati Moral Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | માનસપટ પર છવાયેલું ચિત્ર

Featured Books
Categories
Share

માનસપટ પર છવાયેલું ચિત્ર

વાર્તા:- માનસપટ પર છવાયેલું ચિત્ર
રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




આજે વર્ષો વિત્યા છતાં હિરનાં માનસપટ પરથી એ ચિત્ર દૂર થતું ન હતું. જ્યારે જ્યારે પણ એ એકાંતમાં બેઠી હોય ત્યારે અચૂક એક વાર તો એ આખુંય દ્રશ્ય એની આંખ સામેથી પસાર થઈ જાય છે અને એ આખીય ધ્રુજી ઉઠે છે. આપણી સાથે પણ આવું બનતું જ હોય છે. કોઈક ઘટના કાયમ માટે યાદ રહી જાય છે.


એ સ્કૂલમાં હતી ત્યારની વાત છે. એનાં જ ક્લાસમાં ભણતી એક છોકરી, નામ સંજુ, એક ગરીબ પરિવારમાંથી આવતી હતી. સરકારી શાળા હોવાથી ફી ભરવાની ન હતી. આથી સંજુ ભણવા માટે આવતી હતી. ભણવામાં પણ હોંશિયાર. હિરને પણ સંજુ સાથે સારું બનતું.


એક દિવસની વાત છે. સંજુને સખત તાવ આવતો હતો. સ્કૂલમાંથી એને શિક્ષકે ઘરે જવાનું કહ્યું. એણે ના પાડી. શિક્ષકને સમજાયું નહીં કે આ ઘરે જવાની ના કેમ પાડે છે? એમણે હિરને કહ્યું કે, "હિર, સંજુનું ઘર અહીંથી નજીકમાં જ છે. તુ અને રમેશ જઈને એને એનાં ઘરે મૂકી આવો. એને ખૂબ જ તાવ આવે છે. તબિયત વધારે બગડે એ પહેલાં એને ઘરે મૂકી આવો." માંડ માંડ સંજુ તૈયાર થઈ ઘરે જવા માટે.


સંજુનાં ઘરે પહોંચ્યાં બાદ હિર તો અવાક થઈ ગઈ. એ સમજી ગઈ કે શા માટે સંજુ ઘરે જવા તૈયાર ન્હોતી થતી. સંજુ એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી આવતી હતી. એનાં માતા પિતા મજૂરી કામ કરતાં હતાં. સંજુ ઉપરાંત એમને ચાર અન્ય બાળકો પણ હતાં. જ્યારે તેઓ સંજુને લઈને એનાં ઘરે પહોંચ્યાં ત્યારે એનાં માતા પિતા ઘરે જ હતાં. એનાં પિતા એની મમ્મીને માર મારી રહ્યા હતા. ત્યાંથી આવતી વાસ પરથી જ ખબર પડતી હતી કે સંજુનાં પિતાએ પુષ્કળ દારૂ પીધો હતો. એની મમ્મી ના પાડતી જતી હતી અને પપ્પા મારતા જ જતા હતા. સંજુએ એમને અટકાવવા પ્રયત્ન કર્યો તો એને પણ હડસેલો મારી દીધો. સંજુ પડી ગઈ. ઝડપથી દોડી જઈને હિર અને રમેશે એને ઊભી કરી. આખરે સંજુની મમ્મી બેભાન થઈ ગઈ ત્યારે એના પપ્પા અટકી ગયા.


આ દ્રશ્ય જોઈ હિર તો ધ્રુજવા લાગી. સંજુ 'મમ્મી, મમ્મી' કરતી એની મમ્મીને ઉઠાડવાનો પ્રયત્ન કરી રહી હતી. રમેશ દોડીને પાણીનો પ્યાલો ભરી લાવ્યો. સંજુએ થોડું પાણી એની મમ્મી પર છાંટયું. એમને ભાન તો આવ્યું, પણ ઉભા થવાની તાકાત ન્હોતી. આથી સંજુ આજુબાજુમાં રહેતાં બે ત્રણ બેનને બોલાવી લાવી અને એની મમ્મીને પલંગ પર સુવડાવી. સંજુ માટે આ કાયમનું હતું. એનો નાનકડો જીવ પરેશાન હતો, પણ કોઈને કશું કહી શકતી ન હતી.


હિરે અને રમેશે શાળામાં જઈને એમનાં શિક્ષકોને આ વાત કરી. આખરે એ બધાંએ ભેગાં મળીને સંજુ, એનાં ભાઈ બહેનો અને મમ્મીને ત્યાંથી છોડાવી એક નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યાં. ત્યારબાદ સંજુ શાળામાં તો આવતી હતી, પરંતુ પહેલાં કરતાં વધારે ખુશ અને આત્મવિશ્વાસુ બની ગઈ હતી. એણે હિર, રમેશ અને તમામ શિક્ષકોનો આભાર માન્યો.


એવામાં હિરનાં પપ્પાની બદલી થતાં તેઓ અન્ય શહેરમાં જતા રહ્યા, અને ત્યારબાદ ક્યારેય હિર અને સંજુ મળ્યાં નહીં. પરંતુ તે દિવસે સંજુની મમ્મીને માર મારવાનું જે દ્રશ્ય એણે જોયું હતું એ હિરનાં મનમાં ઘર કરી ગયું હતું. હજુ પણ આ દ્રશ્ય યાદ કરીને એ એટલી જ ગભરાઈ જતી, જેટલી એ તે દિવસે ગભરાઈ ગયેલી. પણ સાથે એક વાતનો સંતોષ પણ હતો એને કે સંજુ અને એનાં પરિવારને એનાં પિતાનાં ત્રાસમાંથી બચાવવા માટે એ નિમિત્ત બની હતી.



આભાર.

સ્નેહલ જાની.