Runanubandh - 14 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ઋણાનુબંધ - 14

Featured Books
Categories
Share

ઋણાનુબંધ - 14

અજય મમ્મીના મુખેથી વાત સાંભળીને અવાચક જ થઈ ગયો. પણ ચહેરા પર એણે પોતાના મનના હાવભાવ પ્રગટ ન જ થવા દીધા. બધાંના ચહેરાની ખુશી એને એમ જ રાખવી હતી વળી, અજયને રઘુકાકાના શબ્દો પણ યાદ આવ્યા કે કુદરત તને કોઈક અણસાર આપશે. અચાનક આ મમ્મીની વાત એને કુદરતની કોઈક અણસાર જ લાગી હતી. સીમાબેન અજયને બોલ્યા, 'દીકરા તું નહીં માને પણ તને વરરાજો બનેલ જોવા હું હવે ખુબ આતુર છું. મને બહુ જ આનંદ થયો, બસ તમે બંન્ને રૂબરૂ પસંદ કરો એટલે તું જો તારા લગ્ન તો જલ્દી જ લઇ લેવા છે.' આમ બોલતા એમણે પોતાના દીકરાના દુખડા લીધા.

અજય નાસ્તો ને ચા પીને ફ્રેશ થવા પોતાના રૂમમાં ગયો. એને અચાનક શું થયું કે એણે પપ્પાએ પ્રીતિની બાયોડેટા જે મેસેજથી મોકલી હતી એ ફરી પોતાના મોબાઈલમાં જોઈ હતી. હવે અજયને રઘુકાકાના શબ્દો અસર કરી રહ્યા હતા. આને જ તો કહેવાય ઋણાનુબંધ.. સબંધ કોઈ જ નહીં છતાં પણ વ્યક્તિ એકબીજાની વાત સમજી પણ શકે અને એકબીજાને સરળતાથી સમજાવી પણ શકે. એક એવું બંધન કે જે કોઈજ બંધનમાં બાંધેલ ન હોય છતાં પણ લાગણીથી બંધાયેલ રહીએ બસ, આવું જ ઋણાનુબંધ અજય અને રઘુકાકાનું હતું. અજય માટે મનના એકદમ શ્રેષ્ઠ ખૂણામાં રઘુકાકા ક્યારે પોતાનું સ્થાન બનાવી ગયા એ અજય જાણતો જ હતો. રઘુકાકા હંમેશા એવા પથ પર સાથ આપતા કે, અજયની લથડાયેલ જિંદગી સરળ બની જતી હતી. આજ પણ અજય એટલો બધો હતાશ હતો કે એ આવા સમયે કેમ કોઈ જીવનસાથી માટેની પસંદગી કરે? પણ રઘુકાકાના શબ્દો એના મનને હૂંફ આપીને સાચા પથ પર પણ લાવી રહ્યા હતા.

અજયે પ્રીતિની બાયોડેટા ચીવટથી જોઈ, એ પછી એણે પ્રીતિનો ચહેરો જોયો, એક સામાન્ય દેખાવ છતાં પણ આકર્ષણ ભારોભાર પ્રીતિના ચહેરામાં અજયને દેખાય રહ્યું હતું. અચાનક એ પ્રીતિના ચહેરાને જોઈને મનમાં ગીત ગણગણવા લાગ્યો, 'ના ગજરેકી ધાર ના મોતિયો કે હાર, ના કોઈ કિયા શીંગાર ફિર ભી કિતની સુંદર હો...' હવે વિધાતાના લેખ અજયના જીવનમાં ભાગ ભજવવા લાગ્યા હતા. હવે જે પણ થઈ રહ્યું હતું એ બધું જ એના ભાગ્યમાં હતું. અજયને પ્રીતિના ચહેરાને જોવો ગમ્યો હતો. પ્રેમની પછડાટ પછી આ પ્રીતિનું અજયના જીવનમાં આગમન અજયને ખુબ આકર્ષિત કરી રહ્યું હતું. કદાચ પ્રીતિનું આગમન ન થયું હોત તો શું અજય કાજલ તરફના એના વલણને સરળતાથી બદલી શકત? ના, બિલકુલ નહીં. કુદરત બધું જ એટલું સારી રીતે આપણને યોગ્ય જીવન આપે છે કે જે ખરેખર આપણા માટે યોગ્ય જ હોય! પણ આપણે એ જીવનને જીવતા આવડતું જ નથી. આ એક બહુ જ દુઃખની વાત છે. બસ, આજ કુદરતે અજયની હાલતને સાચવવા જ પ્રીતિનું અચાનક આમ એના જીવનમાં આગમન કર્યું હતું.

અજય પ્રીતિના ફોટાને જ નીરખી રહ્યો હતો. ભાવિની અચાનક અજયના રૂમમાં આવી અને ભાઈને પ્રીતિનો ફોટો જોતા જોઈ ગઇ, એ ભાઈને ચીડવવા લાગી કે, 'ભાઈ હવે બે જ દિવસ બાકી છે પછી રૂબરૂ જ જોજો પ્રીતિને! આમ કહી એ હસવા લાગી.'

અજય ફક્ત હળવું હસીને બાથરૂમમાં નાહવા જતો રહ્યો હતો. અજયને પણ બોલવું ઓછું જ ગમતું હતું. જ્યાં હસીને કામ ચાલે ત્યાં કેમ છો પણ ન પૂછે. બસ, આવો જ અજય હતો. બહુ ઓછો ખુલાસો કરતો હતો.

અચાનક એક ચહેરો દિલને સ્પર્શી ગયો,
અચાનક દિલના ધબકારને વધારી ગયો,
અચાનક લાગણીના તાંતણાને બાંધી ગયો,
દોસ્ત! અચાનક જીવનમાં સર્વથી વિશેષ બની ગયો!

અજય જમતી વખતે પણ અચાનક એ જ ગીત ગણગણવા લાગ્યો. મનમાં જ ગુંજતો હતો, પણ એના સુરને ભાવિની સમજીને બોલી, ઓહો.. વાહ ભાઈ! શું વાત છે? આ વખતે પણ અજયે ખાલી હાસ્યથી જ વાત પતાવી હતી.

આમ આનંદમાં જ દિવસો ઝડપથી વીતી ગયા હતા. અંતે એ દિવસ આવી જ ગયો હતો કે, જયારે પ્રીતિ અને અજય રૂબરૂ મળવાના હતા. અજયનું મન ખુબ બેચેન હતું. એને પેલા એમ થતું હતું કે પ્રીતિ ના પાડે તો સારું અને હવે પ્રીતિનું આકર્ષણ એટલું વધી ગયું કે, હવે અજયને ડર હતો કે ક્યાંક પ્રીતિ ના પાડશે તો? અજયના મનમાં આ ત્રણ/ચાર દિવસમાં ખુબ ફેરફાર થયા હતા. પણ અજયને આજની ક્ષણ ખુબ રોમાંચિત કરી રહી હતી.

આ તરફ પ્રીતિ પણ ખુબ અલગ જ લાગણી અનુભવી રહી હતી. એને તો એજ નહોતું સમજાતું કે એ વાત શું કરશે? બસ, બીક લાગતી હતી. આમ કોઈ જીવનસાથીની પસંદગી માટે આવે એ પહેલો અનુભવ હતો. આથી પ્રીતિને શરમ પણ ખુબ આવતી હતી. વળી, સૌમ્યાની મજાક કરવાની આદત પ્રીતિને નોર્મલ રહેવામાં ખુબ ભાગ ભજવી રહી હતી. સવારના અગિયારની આસપાસ એ લોકો પ્રીતિના ઘરે સાગરભાઈ સાથે આવવાના હતા. પ્રીતિ આઠ વાગ્યાથી ઘડી ઘડી સમય જોયા કરતી હતી. આજ સમય જલ્દી પસાર થતો જ નહોતો. પ્રીતિને અજયને જોવાની ઇચ્છાનો એટલો અતિરેક હતો કે આજ સમય પસાર જ થતો નહોતો. ઘરની સફાઈ, રસોઈ અને હવે પોતે પણ તૈયાર થઈ જ ગઈ હતી. પ્રીતિએ ફરી ઘડિયાળ જોઈ, અગિયાર વાગ્યા અને એજ સમયે ડોરબેલ રણકી હતી.

દરવાજાની બહાર ઉભેલ અજયના ધબકાર વધી ગયા હતા, અને દરવાજાની અંદર ઘરમાં રહેલ પ્રીતિના ધબકાર પણ વધી ગયા હતા. વિચારોમાં બંનેના ચાર દિવસ પેલા જે ફેર હતો એ ફેર સમાન લાગણીમાં ફેરવાય ગયો હતો.

સૌમ્યાએ દરવાજો ખોલીને અજયના આખા પરિવારને અને સાથે આવેલ સાગરકાકાને પણ આવકાર આપ્યો હતો. સૌમ્યાએ એમને સોફા પર બેસવા કહ્યું, અને પોતે અંદર મમ્મીપપ્પાને કહેવા ગઈ કે મહેમાન આવી ગયા છે. પ્રીતિ જાણી ચુકી હતી કે, અજયનો પરિવાર આવી ગયો છે. પણ એમ બહાર આવવાની એની બિલકુલ હિમ્મત નહોતી.

પરેશભાઈએ હસમુખભાઈને હાથ મિલાવી આવકાર આપ્યો, અને કુંદનબેને સીમાબેનને હાથ મિલાવી આવકાર આપ્યો હતો. સાગરભાઈએ હળવી મજાક કરી વાતાવરણને એકદમ નોર્મલ કરી દીધું હતું. તેઓ બોલ્યા, 'પરેશભાઈ આ મિત્રને ભૂલી ગયા?' સાગરભાઈના શબ્દો સાંભળીને બધા જ હસી પડ્યા હતા. પરેશભાઈ અને કુંદનબેને બધા તરફ હાસ્ય કરીને એમને આરામથી બેસવા જણાવ્યું હતું. અજય તો પ્રીતિની જ રાહ જોઈ રહ્યો હતો. પણ પ્રીતિ ડર અને શરમના લીધે બહાર જ ન નીકળી. કુંદનબેને પ્રીતિને સાદ આપ્યો, આથી પ્રીતિ પાણીના ગ્લાસ ભરેલી ટ્રે સાથે બહાર આવી હતી. તેના જેમ જેમ કદમ અંદરથી હોલ તરફ વધી રહ્યા હતા એમ એમ પ્રીતિના ધબકાર પણ ખુબ ઝડપથી વધી રહ્યા હતા. પ્રીતિને સેજ પરસેવો પણ વળી આવ્યો હતો. અજયની નજર હવે પ્રીતિ બહાર નીકળે એ જગ્યાએ જ સ્થિર થઈ ગઈ હતી. બધી જ રીતે હોશિયાર કુંદનબેનના ધ્યાનમાં આ બાબત નોંધાઈ ગઈ હતી. એમને તો આજ ક્ષણે ખાતરી થઈ ગઈ કે, અજયની આ સગપણ માટેની હા જ આવશે! મનોમન ખુશ પણ થયા, કારણકે અજય પણ પ્રીતિના તોલે આવી જ શકે એવો બધી જ બાબતે નિપુર્ણ હતો. હંમેશા દીકરીની મા ને એજ ચિંતા હોય કે મારી દીકરીને જમાઈ કેવો મળશે? એ વહાલસોઈ દીકરીની જિંદગી ખુશીઓથી ભરશે કે નહીં? કુંદનબેનને બધું જ સારું જણાતું ભવિષ્યના ભૂગર્ભમાં કંઈક અલગ જ રૂપ રજુ થવાનુ હતું. પણ આતો વિધાતાના જ લેખ હતા. આથી ખુબ હોશિયાર એવા કુંદનબેન પણ અહીં ધાપ ખાઈ ગયા હતા.

પ્રીતિએ હોલમાં પ્રવેશ કર્યો. વડીલોથી પાણી આપવાની શરૂઆત કરતા એ અજય પાસે પહોંચી. અજય એને જોતો જ રહ્યો એમાં પાણીનો ગ્લાસ પણ અજયે લીધો નહીં, પ્રીતિ એ હવે અજયની તરફ નજર કરી હતી. હવે બંનેની નજર મળી હતી.

શું પ્રીતિ અજય સાથે સામાન્ય રહી વાત કરી શકશે?
શું હશે અજયનો પહેલો પ્રીતિને સવાલ?
કેમ આપશે પ્રીતિ અજયના પ્રશ્નોના જવાબ? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોતસાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻