Savai Mata - 37 in Gujarati Moral Stories by Alpa Bhatt Purohit books and stories PDF | સવાઈ માતા - ભાગ 37

Featured Books
Categories
Share

સવાઈ માતા - ભાગ 37

આખાં અઠવાડિયાની આૅફિસ અને કૉલેજની બેવડી દોડધામ પછી આજે શનિવારની રજામાં મોડે સુધી સૂઈ રહેવાની રમીલાની પ્રબળ ઈચ્છા હતી પણ તે ઈચ્છાને આજે પ્રબળતાથી દબાવી આવતીકાલ ઉપર ખો આપી દઈ તે ઊઠી. એક તો સમુ - મનુને શાળાએ જવાનું હતું, પિતાજીને પણ જવાનું હતું અને તેણે આજે મોટી મા ને મળવા જવાનું હતું. વળી, લીલા પણ આજથી અહીં ન હતી એટલે મા ને પણ મદદ કરવાની હતી.

સાવ પહેલાં ધોરણમાં ભણતી હતી અને મા નો સાથ છૂટ્યો હતો તે આજે હવે ફરીથી મળ્યો હતો.

મા સાથે બેસીને ચા પીતાં તે વિચારી રહી, "સાવ પહેલાં ધોરણમાં હતી ત્યારે જ મા નો સાથ છૂટ્યો હતો. આજે પંદરેક વર્ષ પછી આ રીતે તેની સાથે રહેવાનો અવસર આવ્યો છે. વિજયામાસી કે મોટી મા એ ક્યારેય તેને તેનાં માતા-પિતાને મળવાની ના નહોતી પાડી પણ પોતે જ રોજે રોજ શાળાએ જવાની અદમ્ય ઈચ્છામાં તેમજ અભ્યાસમાં એટલી મશગૂલ રહી કે કોઈ દિવસ પણ પોતાની જનેતા સાથે એકાદ રાત પણ રોકાઈ નહોતી. કદાચ તેને ખુલ્લા આભ નીચેનાં કાચાં ઝૂંપડાનાં કોઈ જ હેવાં નહોતાં. તેની હરહંમેશની આશા, તેનાં માતા-પિતા અને બીજાં મજૂરો મળી જેવાં સુંદર મકાનો બાંધતાં, તેવાં જ એક મકાનમાં રહેવાની હતી. અને તે મનોકામના તેની આ સખત મહેનતથી શરૂ થયેલ યાત્રામાં માત્ર પોતાનાં માટે જ નહીં, આખાંય પરિવાર માટે પરિપૂર્ણ થઈ રહી હતી.

ચા પીતાં પીતાં તેણે મા ને જણાવ્યું, "આજે મને રજા છે તો હું મોટી મા ને મળતી આવું."

સવલી બોલી, "બુનને તો મારેય મળવું સ, પણ આ બેયની ઈસ્કૂલ આજ વે'લી પૂરી થહેન. કેમની આઉં? તું જઈ આવ."

રમીલાએ કહ્યું, "તને કાલે લઈ જઈશ. આજે તો બેયનું ટ્યુશન પણ હશે ને? કાલ પિતાજી ઘરે હોય એટલે તને પણ આવવાનું ફાવશે. બે - ત્રણ કલાક માટે જઈશું. એકલી રહીશને ઘરે? સાડા અગિયાર વાગતાં સુધીમાં તો આ બેય આવી જશે. અને હા, રસોડામાં અને ઘરમાં બીજું કાંઈ લાવવાનું હોય તો મને કહી દે. લેતી આવું."

સવલીએ પ્રત્યુત્તર વાળ્યો, "આ, ચિંતા ન કર. થઈ જહે. અન જરૂર પડે તો હામેવાળા બુન બૌ હારાં છે. કાલ હાંજ લીલા ગૈ, તાર બી મન કૈ ગયલાં કે, જરૂર પડે એટલે બાયણું ખખડાવવાનું. ને દુકાનનું ન શાકભાજીનું ત તાર બાપુ જ હાંજે લૈ આવે સ. એટલે બધું છે જ. તું જા. "

બેય બાળકો શાળાએ ગયાં પછી રમીલા તૈયાર થઈને નીકળી અને પિતાજીને તેમની દુકાને ઉતારી મેઘનાબહેનનાં ઘર તરફ ગાડી વાળી લીધી. ઘર જેમ જેમ નજીક આવતું ગયું તેમ તેમ તે વધુ ભાવુક થતી ગઈ. આખરે ઘરનાં આંગણે પહોંચી અને ગાડી લોક કરી બારણું જ ખટખટાવવા જતી હતી ત્યાં જ મેઘનાબહેન દરવાજો ઉઘાડી બહાર આવ્યાં.

રમીલાને જોતાં જ તેઓ હરખભેર બોલી ઊઠ્યાં, "જો, મને આજે લાગતું જ હતું કે તું સવારમાં વહેલી જ આવીશ. સવારથી આ ચોથી વખત બારણું ખોલ્યું."

રમીલાની આંખોમાં ક્યારનાંય રોકાઈ રહેલાં આંસુ વહેવા લાગ્યાં.

પોતેય રડમસ અવાજે તેને કહેવા લાગ્યાં, "મા ને ઘરે આવી છું. તે રડાય કાંઈ?", કહી તેને ઘરમાં લીધી.

તેમની ભાવનાઓને પાંચ-સાત મિનિટ વહી જવા દીધાં પછી સોફા ઉપર બેઠેલાં સમીરભાઈએ નિખિલને હાક મારી," નિખિલ, બેટા, આ જો તો તારી મમ્મી અને બહેનને શું થયું? બેયને કાંઈ વાગ્યું તો નથી ને? જો તેમનું રડવું બંધ નથી થતું."

નિખિલ સમજી ગયો કે પપ્પા શું કહેવા માંગે છે. તે બહાર આવી બેયને વહાલથી ભેટી પડ્યો. રૂદન વધે તે પહેલાં જ બોલ્યો, "આ શું રમુ દી? મને તો થયું હવે તું મમ્મીનાં હેતમાં ભાગ નહીં પડાવે પણ લાગે છે કે તું આખાં અઠવાડિયાનો વહાલનો ક્વોટા બે દિવસમાં પૂરો કરીશ. એટલે મારે તો આજે અને કાલે રૂમમાં જ પડી રહેવાનું. મારી તો કોઈનેય પડી જ નહીં હોય, બરાબર ને?"

સમીરભાઈએ સૂર પૂરાવ્યો, "તો ચાલો હું ય લાયબ્રેરી જતો રહું. તને નહીં પૂછે તો મને તો કોણ પૂછશે, નિખિલ?"

રમીલા હસી પડી અને બોલી, પાપા, આને તો નાટક કરવાની ટેવ છે જ. તમને પણ શીખવાડી દીધું?"

બધાં સોફામાં આરામથી બેઠાં. થોડીવારમાં નિખિલ બધાં માટે ચા લઈ આવ્યો. આ અઠવાડિયાનાં પાંચ દિવસ રમીલા વિના કેવાં વીત્યાં તેની વાતો ત્રણેયે રમીલાને કહી. પોતે સાંજે ચાર વાગ્યા સુધી અહીં જ છે એમ રમીલાએ જણાવ્યું અને નિખિલને વાંચવું હોય તો તેનાં ઓરડામાં જવા કહ્યું.

નિખિલે પ્રત્યુત્તર વાળ્યો, "મને પણ લાગતું હતું કે તું આજે આવીશ, રમુદી. મેં આજનો સવારનો સમય તારાં માટે જ રાખ્યો છે. ચાલ, આજે તારી મનપસંદ વાનગીઓ નાસ્તા માટે લઈ આવું." કહેતાં તે ઘર બહાર નીકળ્યો.

સમીરભાઈએ તથા મેઘનાબહેને રમીલાને તેનાં માતા-પિતા તેમજ સમુ - મનુનાં નવી જીંદગીમાં ગોઠવાઈ જવાં અંગે પૃચ્છા કરી. નિખિલનાં આવતાં બધાંએ નાસ્તો કરી ફરી થોડી થોડી ચા લીધી. બપોરનાં ભોજનનાં સમય સુધી ચારેય જણે આખાં અઠવાડિયાની વાતો ખૂટાડી. ત્યારબાદ નિખિલ વાંચવા બેઠો અને રમીલાએ ગઈ કાલે મળેલી પોતાની બંને સહાધ્યાયી યોગિતા અને ભૈરવીની વાત કહી.

તે સાંભળી મેઘનાબહેનને પોતાની બહેનપણી મિતાલીની સંસ્થા યાદ આવી જે યુવાન દીકરીઓને બ્યુટિશીયનનો કોર્સ કરાવી જુદાં જુદાં બ્યુટિપાર્લરમાં નોકરીએ વળગાડે છે. આ સંસ્થા આમ તો નાનકડી જ હતી પણ જરૂરિયાતમંદ દીકરીઓને શોધી તેમને પગભર બનાવવા તત્પર રહે છે.

તેમણે વિચાર મૂક્યો, "આ બેયનો અભ્યાસ તો શરૂ થઈ જશે, સરકારી શાળામાં. જોઈતી ફી પણ મળી જશે. પણ તે બેય ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી તેમનાં બેય બ્યુટિપાર્લર સંભાળવાવાળી યુવતીઓ મિતાલીની સંસ્થામાંથી જ મળી જશે. અને રજામાંયોગિતા અને ભૈરવી તેમજ બાકી દિવસોમાં તેમની મમ્મી જો બ્યુટિપાર્લરમાં બેસે તો કામ કાજ સરળ થઈ રહે."

રમીલા અને સમીરભાઈએ તેમનાં વિચારને વધાવી લીધો. સમીરભાઈએ વિદ્યાર્થીનીઓને ઉચ્ચ શિક્ષણ માટે મદદ કરતી એક સંસ્થામાં ફોન કરી આ બેય દીકરીઓની ઈચ્છા મુજબ કોમર્સ શાખામાં શાળામાં પ્રવેશ તેમજ જરૂરી ફી માટે વાત કરી. હવે, આ બેય દીકરીઓનાં એડમિશન, ફી સહાય માટે જરૂરી કાગળો લઈ રમીલાને કહી તે બેયને પોતાનાં ઘરે બોલાવી લીધાં. રમીલાએ ફોન કરતાં એકાદ કલાકમાં બેય મેઘનાબહેનનાં ઘરે પહોંચી ગયાં.

સાંજ સુધીમાં તો બેયનું શાળામાં એડમિશન તેમની જૂની શાળામાં જ થઈ ગયું. અગિયારમું ધોરણ અધૂરું હતું માટે મેઘનાબહેને તેમને તે જ ધોરણમાં પ્રવેશ લેવડાવ્યો અને પોતે રોજ ત્રણ કલાક તેમને ભણાવશે જેથી તેમને ટ્યુશન ફી ની વ્યવસ્થા ન કરવી પડે. બેય ખૂબ જ ખુશ થઈ ગઈ અને સોમવારથી શાળાએ નિયમિતપણે જશે એવી બાંહેધરી આપી.

મેઘનાબહેન અને રમીલા તે બેયને લઈ મિતાલીબહેનની સંસ્થામાં ગયાં જ્યાં તેમને જોઈએ એવી ત્રણ યુવતીઓ પાર્લરનાં કામ માટે મળી ગઈ. હાલ બેય પાર્લર સારી એવી કમાણી કરતાં હોવાંથી તેમનો પગાર આરામથી નીકળી જાય અને બેયનાં ઘર પણ ચાલી જાય તેમ હતું. આજનું કોઈ કામ આવતીકાલ ઉપર ન છોડવાની ભાવનાવાળાં સમીરભાઈ અને મેઘનાબહેન પાસેથી રમીલા પણ આ ગુણ શીખી હતી અને માટે જ યોગિતા અને ભૈરવીનું કામ એક જ દિવસમાં થઈ ગયું. બેય દીકરીઓ મેઘનાબહેનને પગે લાગી, રમીલાને ભાવપૂર્વક ભેટી પોતપોતાનાં ઘરે જવા નીકળી.

મોડી સાંજ થતાં રમીલાએ ઘરે મા ને ફોન કરી બધાંનાં કુશળ પૂછ્યાં અને પોતે લગભગ નવ વાગ્યે જ ઘરે પહોંચશે તેમ પણ જણાવ્યું. મેઘનાબહેન સાથે ઘરે જઈ, જમી લીધું. કદાચ આવતીકાલે ફરી મળવાનું થશે એમ કહી ઘરે જવા નીકળી. આજે તે ઘણી જ સ્વસ્થ હતી. આ છ દિવસમાં તે પોતાની નોકરી અને અભ્યાસમાં સુપેરે ગોઠવાઈ ગઈ અને પરાંત મોટી મા સાથે પણ સમય વીતાવી શકી એ જ મહત્વની બાબત હતી.

આ તરફ લીલાને સ્વીકારી લેનારો વર્ગ મોટો હતો જ્યારે હજીયે ખચકાટ અનુભવતાં એવાં બે જ જણ - રામજીનાં માતા-પિતા હતાં. પણ રામજીનાં ભાઈ-બહેન ઘણાં જ મક્કમ હતાં.

ક્રમશઃ

મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.

ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻
આભાર
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા