Pranay Parinay - 48 in Gujarati Love Stories by M. Soni books and stories PDF | પ્રણય પરિણય - ભાગ 48

The Author
Featured Books
Categories
Share

પ્રણય પરિણય - ભાગ 48

પ્રણય પરિણય ભાગ ૪૮


વૈભવી ફઈ અને દાદી હજુ આશ્ચર્યથી ગઝલ સામે જોઈ રહ્યાં હતાં. ગઝલને ખૂબ શરમ આવી. તે દોડીને બેડરૂમમાં જતી રહી. તેની ત્યાંથી ભાગવાની ઉતાવળ જોઈને દાદી અને વૈભવીને ખૂબ હસવું આવી રહ્યું હતું.


'આ છોકરાઓ પણ ક્યારે શું કરે એનુ કંઈ નક્કી નહીં.' વૈભવી ફઈ બોલ્યા.


'વિવાનને ખરેખર અમૂલ્ય હિરો મળ્યો છે' દાદી પોરસથી બોલ્યા.


'હાં તો.. કેવા સુંદર દેખાય છે બેઉ એકબીજા સાથે. જાણે રાધા કૃષ્ણની જોડી..'


'હે ભગવાન! તેમનો પ્રેમ હંમેશાં ફળતો ફૂલતો રહે એવું કરજે..' દાદી ભગવાન સામે હાથ જોડીને બોલ્યા.


આ બાજુ, ગઝલ દોડીને તેની રૂમમાં આવી. તેણે ફટાફટ દરવાજો બંધ કર્યો અને દરવાજાને પીઠ ટેકવીને ઉભી રહી. તે જોરજોરથી શ્વાસ લઇ રહી હતી. હમણાં જે બની ગયું એ યાદ કરીને તેણે બંને હાથે પોતાનો ચહેરો ઢાંકી લીધો. તેના હોઠ પર શરમાળ હાસ્ય ફરી વળ્યું.


'બાપરે! કેટલું ઝડપથી બધુ બની ગયું! મને તો કંઈ સમજાયું જ નહી. વિવાન આવી રીતે ચાવી કાઢી લેશે તેવો મને અંદાજ જ નહોતો.. સારુ થયુ કે બધાની આંખો બંધ હતી.' ગઝલ મનમાં બોલી.


જાણે બીજી ગઝલ તેની સાથે વાત કરી રહી હોય તેમ તે સ્વગત બબડી રહી હતી: 'એ હંમેશાં તારા પર ભારે પડે છે..' તેની અંતરમનની ગઝલ તેની સામે આવીને ઉભી રહી ગઈ.


'તું એને પજવવાના પેંતરા બનાવે છે એમાં છેવટે તો તું પોતે જ ફસાઈ જાય છે પછી એ તારી જ મજા લે છે..' અંતરમનની ગઝલ બોલી.


'ના, એવું કંઈ નથી..' ગઝલએ બચાવ કર્યો.


'પણ તું જેવું વિચારે હંમેશાં એના કરતાં વિરુદ્ધ જ એ વર્તે છે..' અંતરમનની ગઝલએ દલીલ કરી.


'અરે! મને હજુ ચાન્સ મળવા દે.. તું જોતી જા.. હું કેવો બદલો લઉં છું એ..' ગઝલ ચપટી વગાડતા બબડી.


'એનાથી બદલો લેવાની અને સતાવવાની ધુનકીમાં તું એની તરફ ખેંચાતી જાય છે તેનું ભાન છે તને?' અંતરમનની ગઝલએ લાલ બત્તી ધરી.


એ મૂંઝાઇને અંતરમનની ગઝલ તરફ જોઈ રહી.


'વિવાન તને ગમવા લાગ્યો છે ગઝલ.. ' તેનું અંતરમન મુસ્કુરાઈને બોલ્યું.


'છટૃ.. એવું કંઈ નથી.. એ વાયડો મને ક્યારેય ગમવાનો નથી..'


'તો પછી તેના વગર પાર્ટીમાં મજા નહી આવે એમ શું કામ બોલી?' અંતરમનની ગઝલ તેની સામે ગુસ્સાથી જોઈને બોલી.


'અરે… એ.., અં.. એ તો.. પાર્ટીમાં વડીલો એની ઉંમરના લોકો સાથે વાતો કરે અને હું એકલી એકલી બોર થાઉં એટલે કીધું..' તેણે ફરીથી બચાવ કર્યો.


'તું ખોટું કોની સામે બોલે છે? મારા સામે? અરે ગાંડી! હું તો તારુ જ મન છું.. તને પૂરેપૂરી ઓળખુ છું. વિવાન ધીમે ધીમે તારા આ નાનકડા દિલમાં જગ્યા બનાવી રહ્યો છે. તેના પ્રેમનાં પ્રવાહમાં તું તણાતી જાય છે. સાચું કહેજે, તેનુ જબરદસ્તી ગળે મળવું, કિસ કરવું, રાતના બથ ભરીને તેને વળગીને સૂવાનું તને ગમવા લાગ્યું છે ને?' તેનું અંતરમન આજે બધા ખુલાસા કરી રહ્યું હતું.


અંતરમનની સામે ગઝલની બધી દલીલ ખૂટી ગઈ. એ કશું બોલ્યા વગર ચુપચાપ મનની વાત સાંભળતી રહી. સાચું તો બોલતું હતું એનુ મન.. એ અજાણતાં જ વિવાન તરફ ખેંચાઈ રહી હતી.


'એવું કંઈ નથી હં.. તુ જા હવે..' ગઝલ છણકો કરીને બોલી. અને તેના અંતરમનની છબી હસતી હસતી ગાયબ થઈ ગઈ.

ગઝલ વિવાન વિશે વિચાર કરતી બેડમાં આડી પડી. વિવાને ચાવી કાઢવા માટે કરેલી હરકત તેને યાદ આવી અને તેના હોઠ મલકી ગયાં.


**


વિવાન દિવસભર આવતીકાલની મિટીંગની તૈયારી કરવામાં બીઝી રહ્યો. રુદ્રપ્તાપનો એક મોટો પ્રોજેક્ટ લોંચ થવાનો હતો. તે મિહિર સાથે મળીને એ પ્રોજેક્ટ માટેના ટેન્ડરની તૈયારીઓ કરી રહ્યો હતો. તેને ખાનગી બાતમી મળી હતી કે રુદ્રપ્રતાપના સેવન સ્ટાર હોટેલ વાળો જે પ્રોજેક્ટ મલ્હાર કરી રહ્યો હતો તેનો પણ આવતી કાલે ફેંસલો થવાનો છે. એટલે વિવાને તેની પણ તૈયારી કરી હતી.


ઈડીના લફડાને કારણે મલ્હારના બધા કાળા નાણાં બ્લોક થઇ ગયા હતા. તેણે ક્લીન પ્રોપર્ટી ગીરવે મૂકીને ઉભા કરેલા પૈસાથી જેમતેમ કરીને રુદ્રપ્રતાપનાં પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું. આવતીકાલે રુદ્રપ્રતાપે તેને બોલાવ્યો છે, ત્યાં તેનો પણ ફેંસલો થવાનો હતો. અને તેમાં વિવાન પણ અંગત રસ લઈ રહ્યો છે એ જાણીને મલ્હારનું લોહી ઉકળી ઉઠ્યું હતું. તે વિવાનને કેવી રીતે રોકવો તેનો વિચાર કરી રહ્યો હતો ત્યાં તેની નજર ટેબલ પર પડેલા ઝવેરીની પાર્ટીના ઇન્વિટેશન કાર્ડ પર પડી. અને તે ખંધુ હસ્યો.


**


'ગઝલ.. બેટા તૈયાર થઈ ગઈ કે નહીં?'


'ના, ફઈ..'


'અરે! તું હજુ એમ જ બેઠી છે? જા જલ્દી તૈયાર થઈ જા.' વૈભવી ફઈએ કહ્યુ.


'ફઈ તમે લોકો જાવ, મારુ મન નથી.'


'બેટા, એ લોકોને ખરાબ લાગે ને? ક્યારેક આપણું મન ના હોય તો પણ સંબંધ સાચવવા માટે થઈને જવું પડે. કામને લીધે વિવાન નહી આવી શકે, હવે તું પણ ના આવે તો એ લોકોને ખોટુ લાગે ને? તને કંટાળો આવશે તો આપણે તરત જ ઘરે આવતાં રહીશું બસ?' ફઈએ ગઝલને સમજાવી.


ઓકે ફઈ, હું આવું છું. પણ શું પહેરુ..'


'હવે ટાઈમ ઓછો છે તને જે પસંદ આવે તે ડ્રેસ પહેરી લે.'


'ઓકે.. હું આવું ફટાફટ કહીને ગઝલ તૈયાર થવા ગઈ.


'હાં આવ.. અમે નીચે વેઈટ કરીએ છીએ.'


થોડીવાર પછી ગઝલ તૈયાર થઈને નીચે આવી. તેણે બ્લેક કલરનું શોલ્ડરલેસ લોંગ વન પીસ પહેર્યું હતું. વન પીસ પર મોટા રેડ સ્ટોન જડેલું બ્રોચ લગાવ્યું હતું. એક તો એ ગોરી હતી તેમાં બ્લેક વનપીસ અને ઉપરથી તેની મોટી કથ્થઈ આંખો.. જાણે કયામત જમીન પર ઉતરી આવી હતી. સિમ્પલ મેકઅપ કરીને તેણે વાળને ફ્રેન્ચ રોલ કરીને ઉપર બાંધ્યા હતા, થોડીક લટોને ગોળ કર્લ કરીને ગરદન પર છોડી હતી. ગઝલ આજે સિમ્પલ છતાં ખૂબ જ આકર્ષક દેખાતી હતી. નીચે આવીને તેણે નોકરના હાથમાં એક બેગ સોંપીને કંઇક સુચના આપી. પછી દાદી વગેરે બેઠા હતા ત્યાં ગઈ.


'ખૂબ સુંદર લાગી રહી છે.' દાદી તેના ગાલ પર હાથ ફેરવતાં બોલી. ગઝલ ખિલ ખિલ હસી. તેના ગાલમાં મસ્ત ખંજન પડ્યા.


'માં.. નીકળીએ?' કૃષ્ણકાંતે પૂછ્યું.


'હાં ચલો..'


બધા હિરાલાલ ઝવેરીની પાર્ટીમાં પહોચ્યા.


**


વિવાન હજુ ઓફિસમાં જ હતો.


'બોસ, આઠ વાગવા આવ્યા.' વિક્રમે કહ્યુ.


'હમ્મ.. ગોઈંગ..'


'અરે પણ કઇ બાજુ ગોઈંગ? ઘરે કોઈ નથી.' રઘુ બેઉ હાથ ફેલાવીને બોલ્યો.


વિવાને પ્રશ્ન સૂચક નજરે તેની સામે જોયું.


'બધા ઝવેરી અંકલને ત્યાં પાર્ટીમાં ગયા છે.' રઘુ મોઢુ બગાડીને બોલ્યો.


'રઘુ ભાઈ, તમારે પણ જવું હતું કે?' વિક્રમ તેના હાવભાવ જોઈને બોલ્યો.


'હાં તો, ભાભીની સાથે ગયો હોત તો તેની ફ્રેન્ડસ્ સાથે ઓળખાણ થઈ હોત ને!'


'તે કોઈને ઓળખતી નથી.' વિવાન હસતાં હસતાં બોલ્યો.


'અને ભાભીની એક જ ફ્રેન્ડ છે, પેલી નીશ્કા..' વિક્રમ રમતિયાળ હસતા બોલ્યો.

નીશ્કાનુ નામ સાંભળીને રઘુનો હાથ અનાયસે જ પોતાના ગાલ પર ગયો. એ દિવસે નીશ્કાએ કાનની નીચે વળગાડી હતી એની યાદ આવી ગઈ. એ જોઈને વિવાન જોર જોરથી હસવા લાગ્યો.


'હસો નહીં, તમારા કારણે જ થયું હતું એ બધું. નહિતો એ વાંદરીની હિંમત નથી કે આ સિંહને લાફો મારી જાય.' રઘુ કોલર ટાઈટ કરીને હોઠ નીચે દાંત દબાવતા બોલ્યો.


'થોડી ભૂલ તો તમારી પણ હતી હો રઘુ ભાઈ..' વિક્રમ બોલ્યો.


'ભાઈ, લાગે છે કે તમારે પાર્ટીમાં જવું જોઈએ.. ત્યાં ભાભી તમારી વેઈટ કરે છે.' રઘુ વાત બદલાવતા બોલ્યો.


'મેં એને સવારે જ કહી દીધું હતું કે હું નહીં આવું, એટલે એ વેઈટ નહીં કરે.' વિવાન લેપટોપમાં જોતો બોલ્યો.


'ભાભીનું સ્ટેટસ જોયું તમે?'

વિવાન રઘુ સામે જોઈ રહ્યો.


'ફોન ચેક કરો એકવાર..' રઘુ મૂછમાં હસતો બોલ્યો.


વિવાને તેનો ફોન અનલોક કર્યો અને વ્હોટસ્એપમાં જઈને ગઝલનુ સ્ટેટસ જોયું. તેણે એક સેલ્ફી લઈને નીચે "વેઈટિંગ" કેપ્શન મૂક્યું હતું. ફોટોમાં ગઝલએ એકદમ ક્યૂટ રીતે ગરીબડો ફેસ બનાવ્યો હતો. એ જોઈને વિવાન મનમાં હસ્યો.


'મેં કીધું હતુંને કે ભાભી રાહ જૂએ છે!' રઘુ બોલ્યો.


'હવે તો જશો ને બોસ?' વિક્રમે પૂછ્યું.


'હમ્મ.. લેટ્સ ગો.' વિવાન ઉભો થતા બોલ્યો.


'આમ જ જશો કે?' રઘુ બોલ્યો.


'કેમ? શું થયું?' વિવાને પૂછ્યું.


'ભાભીના ડ્રેસ સાથે થોડુ ઘણું મેચિંગ કરીને જાવ.'


'એના માટે તો ઘરે જવું પડે.. હવે એટલો સમય નથી.' વિવાન ઘડિયાળમાં જોઈને બોલ્યો.


'ભાભીએ કપડા મોકલ્યા છે.' રઘુ હસતા હસતા બોલ્યો.


'વ્હોટ?' વિવાન આશ્ચર્યથી બોલ્યો.


'હાં, ભાભીએ મને સાંજના જ ફોન કરીને કહી દીધું હતું કે ડ્રાઈવર સાથે કપડાં મોકલ્યા છે, એ કામ પતાવીને ફ્રી થાય એટલે પાર્ટીમાં આવવાનું છે.

તમે બીઝી હતા એટલે મને કીધું.'


'રઘુ.. તારે મને પહેલા ના કહેવાય? સાલું તમે દિયર ભોજાઈ મળીને ક્યારેક તો શું ગેમ રમો છો એ જ સમજાતું નથી.' વિવાન ચિડાઈને બોલ્યો.


'પણ તમે તો પાર્ટીમાં જવાના જ નહોતા ને?' રઘુ આંખો ઝીણી કરીને બોલ્યો.


'શટ અપ.. કપડાં ક્યાં છે?'


'તમારા સ્યૂટમાં મુકાવ્યા છે.' રઘુ મોઢુ ચડાવીને બોલ્યો.


વિવાન તરત જ ઓફિસમાં તેનો પ્રાઈવેટ સ્યૂટ હતો તેમાં ગયો.


**


કૃષ્ણકાંત બધાને લઈને પાર્ટીમાં પહોચ્યા. ઝવેરી ફેમિલીએ તેમનું ખૂબ સુંદર રીતે સ્વાગત કર્યું,


'કૃષ્ણકાંત ભાઈ, વિવાન ના આવ્યો?' હીરાલાલ ઝવેરીએ પૂછ્યું.


'એ કામમાં થોડો બિઝી છે.' કૃષ્ણકાંતે કહ્યુ.


'હાં.. આઈ નો, તમારો દિકરો ખૂબ મહેનતું છે.' હીરાલાલે કહ્યુ.


'આ અમારી વહુ, ગઝલ..' કૃષ્ણકાંત ગઝલની ઓળખાણ કરાવતા બોલ્યા.


'અરે! હું આવ્યો હતો રિસેપ્શનમાં. થેન્કસ્ ફોર કમિંગ બેટા..' હીરાલાલ ગઝલના માથે હાથ ફેરવીને બોલ્યા.


'આરવી..' હીરાલાલે તેની દિકરીને સાદ પાડ્યો.


'યસ ડેડ..' આરવી નજીક આવી.


'બેટા આ ગઝલ છે, એને તારી સાથે લઇ જા..'


'યસ ડેડ, કમ ગઝલ.' આરવી ગઝલને તેની જોડે લઇ ગઈ. એક ટેબલ પર તેના બધા ફ્રેન્ડસ્ ડ્રિન્કસ એન્જોય કરી રહ્યા હતા.


'લિસન ફ્રેન્ડઝ, ધીસ ઈઝ ગઝલ..' આરવી એ ગઝલની ઓળખાણ કરાવી.


'ઓહ! હાય ગઝલ..' બધાએ ગઝલને આવકારી.


'હાય એવરીવન..' ગઝલએ અભિવાદન ઝીલ્યું.


'યૂ આર મિસિસ વિવાન શ્રોફ રાઈટ?' આરવીની એક ફ્રેન્ડે પૂછ્યું.


'યસ..' ગઝલએ સ્માઈલ કરીને કહ્યું.


'માય ગોડ! હાઉ લકી યુ આર.. તને વિવાન મળ્યો. આઈ વોઝ ટ્રાઈંગ ઓન હિમ સિન્સ એજીસ, પણ મને ભાવ જ નહોતો આપતો..' બીજી ફ્રેન્ડ બોલી.


'લુક એટ હર એન્ડ લૂક એટ યૂ, આટલી સુંદર પરીને છોડીને એ તને ભાવ શું કામ આપે?' એક ફ્રેન્ડ ટીખળ કરતાં બોલ્યો.


'પોઈન્ટ છે..' આરવીએ કહ્યું. બધા એમ જ ગપ્પાં મારતાં ડ્રિન્કસ માણી રહ્યાં હતાં.


'અરે! ગઝલ, તું પણ લેને કંઇક.' આરવી તેને ડ્રિન્ક ઓફર કરતાં બોલી.


'નો થેન્કસ, હું ડ્રિન્ક નથી કરતી.' ગઝલએ કહ્યું.


'ઓહ! એટલા મોટા બિઝનેસમેનની વાઇફ અને ડ્રિંક નથી કરતી?' આરવીની એક ફ્રેન્ડ બોલી.


'નહીં..' ગઝલએ વિનમ્રતાથી કહ્યુ.


'કોઈ વાંધો નહી, આજે લે થોડું.' આરવી તેને ફોર્સ કરતા બોલી.


'નહીં.. પ્લીઝ..' ગઝલ ના પાડી રહી હતી અને બધા તેને ફોર્સ કરતા હતા.


'સ્ટોપ ઈટ ગાયઝ..' પાછળથી અવાજ આવ્યો.


બધાએ પાછળ ફરીને જોયું તો મલ્હાર સામે આવી રહ્યો હતો.


'કોઈને ડ્રિન્ક ના ફાવતું હોય તો પરાણે ફોર્સ નહીં કરવાનો..' મલ્હાર બોલ્યો.


'ઈટ્સ ઓકે મલ્હાર, અમે તો જસ્ટ તેને ડ્રિન્ક ઓફર કરી રહ્યા હતાં.' આરવી બોલી.


'ઓફર કરવામાં અને ફોર્સ કરવામાં ફરક હોય છે, કમ ગઝલ..' મલ્હાર તેનો હાથ પકડીને સાઈડમાં લઇ ગયો.


'આ શું વચ્ચે આવ્યો?' આરવીની એક ફ્રેન્ડ બોલી.


'આ ગઝલ એજ છેને જેના લગ્ન આ મલ્હાર સાથે નક્કી હતા પણ લગ્નના દિવસે જ વિવાન શ્રોફ સાથે ભાગી ગઈ..?' એક છોકરો બોલ્યો.


'ઓ..! પુરાના પ્યાર..!!' આરવી ટીખળમાં હસતા બોલી એટલે બધા હસવા લાગ્યા.


'થેન્કસ.' ગઝલ મલ્સારનાં હાથમાંથી હાથ છોડાવતા બોલી.


'તારા માટે કંઈ પણ..' મલ્હારે કહ્યુ. ગઝલને થોડું અજીબ લાગી રહ્યું હતું.


'આઇ એમ સોરી, એ દિવસે મેં બહુ ખરાબ બિહેવિયર કર્યું હતું.' મલ્હાર ગરીબડો ફેસ બનાવીને બોલ્યો.


'તારા ડેડ જે શબ્દો મિહિર ભાઈને મારા વિશે બોલ્યા પછી તું પણ એ દિવસે એવું જ બોલ્યો એનાથી મને ખૂબ હર્ટ થયું.' ગઝલ નિર્દોષતાથી બોલી ગઈ.


'એ દિવસે સેલવાસમાં જે બધુ બની ગયું અને પછી અચાનક તું સામે આવી ગઈ એટલે હું મારા પર કંટ્રોલ ના રાખી શક્યો. આઇ એમ સોરી ફોર ઈટ. એન્ડ વન થિંગ આઇ વોન્ટ ટુ ટેલ યૂ ધેટ.. આઇ સ્ટિલ લવ યુ ગઝલ..' મલ્હારે ફરીથી તેનો હાથ પકડ્યો.


'ઇટ્સ નોટ ફેર મલ્હાર, એન્ડ થિંગ્સ આર ડિફરન્ટ નાઉ.. હવે હું બીજા કોઈની પત્ની છું.' ગઝલએ પોતાનો હાથ છોડાવ્યો.


'આઇ નો ધેટ બટ આઈ હેડ ટુ ટેલ યુ.' મલ્હાર ચહેરા પર નકલી દુખ લાવીને બોલ્યો.


'આઈ કેન અન્ડરસ્ટેન્ડ, આઈ હોપ યુ કેન મુવ ઓન એન્ડ ફાઈન્ડ સમવન વ્હુ લવ્ઝ યુ.' ગઝલ ખરા દિલથી બોલી.


'આઈ એમ હેપ્પી ફોર યૂ એન્ડ વિવાન.. બાય ધ વે, વિવાન ક્યાં છે?' મલ્યારે અવાજમાં ખોટી હમદર્દી ભેળવી. બાકી અંદરથી તો એ ઈર્ષ્યાની આગમાં સળગતો હતો.


'એ બીઝી છે એટલે નથી આવ્યા.' ગઝલએ જવાબ આપ્યો.


'કોઈ એવું તો શું બીઝી હોય કે પોતાની પત્નીને પણ સમય ના આપી શકે!' મલ્હાર કટાક્ષયુક્ત સ્વરે બોલ્યો.


'કાલે તેની એક ખૂબ અગત્યની મિટિંગ છે, એમા બીઝી છે.' ગઝલએ ચોખવટ કરી.

અગત્યની મિટિંગ વાળી ગઝલની વાત મલ્હારને અંદર સુધી ચચરી ગઈ.


'ઓહ! હાં, એ ખૂબ પ્રોફેશનલ છે એ મને ખબર છે.' મલ્હાર વ્યંગમાં બોલ્યો અને ઉમેર્યુ: 'બિઝનેસની આગળ તેને કશું દેખાતું જ નથી.. માં બાપ, પત્ની કોઈ નહીં..'


'એવું નથી, ફેમિલી તેની ફર્સ્ટ પ્રાયોરીટિ હોય છે.' ગઝલએ વિવાનનો બચાવ કર્યો.


'કેટલી ભોળી છે તું ગઝલ.. વિવાનને તું ઓળખતી નથી.. એ ખૂબ સ્વાર્થી માણસ છે. સ્વાર્થની સામે આ પ્રેમ, લાગણી કે સંબંધોની તેને મન કોઈ કિંમત નથી. સમય આવ્યે તને એ સમજાશે.' મલ્હાર તેને વિવાનની વિરુદ્ધ ચડાવવાની પૂરી કોશિશ કરી રહ્યો હતો.


'ના ના.. તારી ભૂલ થાય છે મલ્હાર, વિવાનને ફેમિલી વધુ વ્હાલી છે.' ગઝલએ તેની વાતનો છેદ ઉડાડી દીધો.


'ઓકે બાબા.. તું કહે છે તો હશે બસ?' મલ્હારે કહ્યુ. પછી બોલ્યો: 'ગઝલ, તારો નંબર તો આપ.. નવો નંબર જ નથી મારી પાસે.'


ગઝલએ તેને પોતાનો નંબર લખાવ્યો.


'ઓકે, ચલ ત્યાં મારા બીજા ફ્રેન્ડઝ વેઈટ કરે છે. યુ એન્જોય.' મલ્હાર હાથ લંબાવીને બોલ્યો.

ગઝલએ હાથ મળાવ્યો. તે બે સેકન્ડ ગઝલની સામે જોઈને ઉભો રહ્યો.


'જતા જતા તને એક સલાહ આપુ છું.. તું વિવાન પાસે બહું અપેક્ષાઓ નહીં રાખતી, નહિતર દુઃખી થઈશ.' એમ કહીને એ ત્યાંથી નીકળી ગયો.


ગઝલ વિચારમાં પડી ગઈ. પોતે એટલું કહ્યું તો પણ વિવાન પાર્ટીમાં આવ્યો નહીં એ વાતનું ગઝલને મલ્હારની વાત સાંભળ્યા પછી હવે રહી રહીને ખરાબ લાગી રહ્યું હતું. તે વૈભવી ફઈ અને દાદી બેઠા હતા ત્યાં ગઈ.


'બા..'


'હાં બેટા! શું થયું?' તેનો ઊતરી ગયેલો ચહેરો જોઈને દાદી બોલ્યા.


'કંઇ થયું નથી પણ મારે ઘરે જવું છે.'


'પણ હજુ હમણાં જ તો આપણે આવ્યા છીએ.' ફઈ બોલ્યા.


'ફઇ, પલીઝ ચલોને.. મને અહિ ગમતું નથી.'


'ઠીક છે, ચલ..' દાદી તેને લઇને કૃષ્ણકાંત પાસે આવ્યા.


'કૃષ્ણા.. અમે ઘરે જઈએ છીએ.' દાદીએ કહ્યુ.


'કેમ, શું થયું માં?' કૃષ્ણકાંતે ચિંતાથી પૂછ્યું.


'વહુને અહીં ગમતું નથી.'


'ઠીક છે હું ડ્રાઈવરને બોલાવી લઉં છું. એ તમને છોડીને પાછો મને લેવા આવી જશે.' કૃષ્ણકાંત ફોન હાથમાં લેતાં બોલ્યાં.


'ભાઈ, હું અને ગઝલ જઈએ, તમે અને માં અહીં રોકાઓ. બધા નીકળી જઈશુ તો ખરાબ લાગશે.' વૈભવી ફઈએ વ્યહવારુ વાત કરી.


'હાં એ વાત પણ છે.' દાદીએ કહ્યુ.


વૈભવી અને ગઝલ ઘરે જવા નીકળ્યા. એ લોકો ગયા પછી દસ જ મિનિટમાં વિવાન પાર્ટીમાં આવ્યો.


.


.


**


ક્રમશઃ


શું ગઝલ સાચે જ વિવાન તરફ ખેંચાવા લાગી છે?


શું એનુ અંતરમન એ વાતનો જ પડઘો પાડી રહ્યું હતું?


ગઝલ નીકળી ત્યાં સુધી વિવાન પાર્ટીમાં નહોતો આવ્યો એટલે તેના પર મલ્હારની ચઢામણીની અસર થશે?


વિવાનની માંડ પાટે ચઢેલી ગાડી શું પાછી પાટા પરથી ઉતરી જશે?


મલ્હારના ચાલુ પ્રોજેક્ટનું શું થશે?


**


❤ આપના અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો. ❤