શ્રાપ કે અભિશાપ (ભાગ-૮)
(વિશ્વરાજ કે જે ગાદીપતિ હતા. તેમના પુત્રો ધનરાજ અને દેવરાજને તેઓએ પરણાવી દીધા હતા અને તેઓ તેમની જીંદગીમાં સ્થાયી થઇ ગયા હતા. અચાનક ધનરાજને શહેરમાં નોકરી આવતાં તેઓ પોતાના સહપરિવાર શહેરમાં સ્થાયી થવાનું નકકી કર્યું. વિશ્વરાજ અને તેમના પત્ની કેસરબેને રાજીખુશીથી ધનરાજ અને તેના પરિવારને શહેરમાં મોકલ્યા. તેઓ મહીનામાં એક-બે વાર તો શહેરની મુલાકાતે જતા અને બંને છોકરાઓના બાળકો પણ એકબીજા સાથે હળીમળીને રહેતા હતા. ધનરાજનો પુત્ર નરેશ તેના દાદાને મળવા માટે ગામડે આવે છે અને દાદા સાથેસારો એવો સમય પસાર કરે છે. દાદા તેને થોડી સમજદારીની વાતો કરે છે. જે નરેશના સમજથી બહાર હોય છે. અચાનક જ દાદાનું અવસાન થાય છે તે વાતથી નરેશ આઘાતમાં હોય છે. કેમ કે આગલા દિવસે તો તેણે દાદા સાથે સમય પસાર કર્યો હતો અને સાથે જમ્યા પણ હતા. દાદાના અવસાનથી ઘણા પ્રશ્નો હતા જે વણ-ઉકેલ્યા હતા. જેના જવાબ ફકત ને ફકત વિશ્વનાથ જ આપી શકે તેમ હતા. ધનરાજના સૌથી નાના પુત્ર એટલે કે, ભાનુપ્રસાદે પ્રેમ લગ્ન કરી દીધા હોય છે અને ભાનુપ્રસાદ-જયા બંને પ્રેમી-પંખીડાઓ ભાગી ગયા હોય છે. જયાના પિતાએ પોલીસને ભાનુપ્રસાદનો ફોટો આપ્યો હતો આથી તે જોઇને તેઓ નરેશની ધરપકડ કરી લે છે. જયાના બયાનથી પોલીસ નરેશને કસ્ટડીમાંથી મુકત કરી દે છે. હવે આગળ.....................)
ધનરાજના મોટા પુત્રના લગ્ન તો થઇ ગયા હતા અને દીકરી પણ પરણાવી દીધી હતી. હવે નરેશના લગ્ન કરાવવાના હતા પણ એ પહેલા તો તેમના સૌથી નાના દીકરા ભાનુપ્રસાદે લવ મેરેજ કરી લીધા. ભાનુપ્રસાદના લગ્ન બાદ ધનરાજભાઇ અને મણિબેન તેમના પુત્ર નરેશના લગ્ન કરાવવા માંગતા હતા. નરેશ માટે છોકરીઓ જોવામાં આવી રહી હતી. પણ તેને કોઇ પસંદ જ આવતી ન હતી. એ જ અરસામાં તેમને નરેશના મામાના છોકરાના લગ્નમાં જવાનું થયું. ત્યાં તેની મામીની બહેનની છોકરી પણ આવી હતી અને તે પહેલી નજરમાં જ ગમી જાય તેવી હતી. નરેશના મમ્મી અને તેના પિતા ધનરાજે પણ તે છોકરી જોઇ. તેમને પણ છોકરી પસંદ આવી. આથી તેમણે નરેશના માસી એટલે કે, શાંતાબેનના છોકરાના લગ્ન પતી ગયા પછી તેઓએ તે છોકરી વિશે તેમને જણાવ્યું. શાંતાબેનને તો ઘણા ખુશ થઇ ગયા.‘‘અરે, આ તો મારી બહેનની છોકરી છે અને બહુ લાડકોડથી ઉછરી છે. નરેશ માટે આ યોગ્ય જ રહેશે.’’ એમ તેઓએ જણાવ્યું. આખરે શાંતાબેને તેમની બહેન મંગુને વાત કરી. મંગુબેન પણ આ સગાંથી ઘણી ખુશ થઇ ગયા. તેમના ઘરના લોકોએ પણ આ સગું કરવા માટે હા કહી દીધી. આખરે પછી નરેશ અને તે છોકરી એટલે કે, સુશીલાના સગપણની વાત આગળ વધારવામાં આવી.
નરેશ અને સુશીલાનું નકકી કરવામાં આવ્યું એ વાતથી બધા બહુ જ ખુશ હતા. નરેશ અવારનવાર સુશીલાને મળવા આવતો હતો. એ જમાનામાં ફોન હતા પણ તેનો બહુ ઉપયોગ નહિ. આથી જ નરેશ દર અઠવાડિયે સુશીલાને પ્રેમ પત્ર લખતો. આમ ને આમ સમય વ્યતીત જતો રહ્યો. એ જ અરસામાં ધનરાજે તેનું ઘર બનાવવાનું નકકી કર્યુ. તેમના પિતા વિશ્વરાજ પુત્રની પ્રગતિથી ઘણા ખુશ હતા. એ જમાનામાં ધનરાજનો પગાર ઘણો ઓછો હતો પણ તેમના ત્રણેય દીકરાઓ પ્રાઇવેટમાં વધારે કમાતા હતા. આથી ધનરાજનો બધો પગાર ઘરના હપ્તામાં કપાતો અને ત્રણેય દીકરાઓના પગારમાંથી ઘર ચાલતું. ત્રણ માળનું ઘર તો બની ગયું પણ ધનરાજ અને મણિબેનની ઇચ્છા ઘરનું વાસ્તુ કરવાની હતી અને સાથે-સાથે નરેશની સગાઇ પણ એ જ દિવસે કરવામાં આવે તેમ હતું. આથી નરેશ અને સુશીલાની સગાઇ ઘરના વાસ્તાની દિવસે જ કરવામાં આવી. નરેશના સગાઇમાં આખા કુટુંબના સભ્યોની હાજરીની સાથે આડોશ-પાડોશના લોકોની સંખ્યા પણ વધારે પ્રમાણમાં હતી.
સમયને જતા કયાં વાર લાગે છે? થોડા સમયમાં તો નરેશના લગ્નની તારીખ પણ નકકી કરવામાં આવી. એ જ વર્ષમાં નરેશને ઘરની જવાબદારીની સાથે-સાથે બહેનની પણ જવાબદારી વધી ગઇ હતી. તેના બનેવી થોડા ઠીક ન હતા. આથી તે તેની બહેનને પૈસેટકે મદદ કરતો હતો. આવી મદદ તે બહેનના લગ્ન થયા ત્યારથી જ ચાલુ આવી રહ્યું હતું. પણ બહેન હતી પોતાની એટલે તે બની શકે એટલી મદદ કરતો હતો. શિવરાત્રીના દિવસે નરેશ અને સુશીલાના લગ્ન સંપન્ન થયા. તેમના લગ્નમાં પૂરા કુટુંબના સભ્યોની હાજરી હતી. નરેશના દાદા હયાત નહોતા તા પણ તેના દાદી હાજર હતા. તેઓએ મન માણીને નરેશના લગ્નમાં હાજરી આપી.
નરેશના લગ્ન પછી તેના સીતારા બદલાવાના હતા.
નરેશના લગ્ન પછી તેના જીવનમાં હવે નવી મુસીબત આવવાની હતી એ શું હતી ? દેવીશક્તિ હવે નરેશને ગાદીપતિ બનાવવા માંગતી હતી પણ કેમ? હજી નરેશના પિતા ધનરાજ હયાત હતા તો પણ ? શું કારણ હોઇ શકે ?
(વધુ આવતા પ્રકરણે ભાગ-૯ માં)
- પાયલ ચાવડા પાલોદરા