શ્યામને ઠંડી લાગતી હતી. એણે આમતેમ હાથ ફેરવીને કામળો પડી ગયો હોય તો લેવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એને કામળો મળ્યો નહિ. એને અર્ચના પર ગુસ્સો આવતો હતો કે એ જો વહેલી ઉઠી ન્હાવા ચાલી જાય તો બેડરૂમનો દરવાજો બંધ કેમ નહિ કરતી હોય? કેટલી ઠંડી લાગે છે. એણે જમણી બાજુ ઊંઘમાં જ હાથ ફેરવ્યો પણ કામળો મળ્યો નહિ. ડાબી બાજુ કામળો હશે એમ માની એણે હાથ લંબાવ્યો પણ એનાથી રાડ નીકળી ગઈ.
“કયા હુઆ..?” એને અવાજ સંભળાયો.
“તુમ કમરે કા દરવાજા ખુલા કયું છોડ દેતી હો?” શ્યામે ગુસ્સામાં કહ્યું.
એને કોઈ ઢંઢોળી રહ્યું હતું. એણે આંખો ખોલી. એ ચાર્મિ હતી.
“જનાબ, હમ નાલે મે હે.” એ બોલી.
શ્યામના મગજને એ ક્યાં છે એનું ભાન થતા થોડીક સેકન્ડ થઇ.
“કેટલા વાગ્યા છે..?” આંખો ચોળી પોતે ક્યાં છે એનું ભાન થતા એ ધીમા અવાજે બોલ્યો.
“ત્રણ ચાર વાગ્યા હશે પણ વરસાદ ચાલુ થઇ ગયો છે.”
“તને ઊંઘ નથી આવતી..?” શ્યામ બેઠો થયો. સાથળમાં પીડાના ધીમા સણકા ઉપડતા હતા. હાથની હાલત એને રાત કરતા સારી હોય એમ લાગતું હતું. “હવે તું સુઈ જા.”
“મને ઊંઘ નથી આવતી પણ તું ઊંઘમાં હતો અને તારું શરીર ધ્રુજતું હતું એટલે મેં તને જાગડ્યો.”
“સારું કર્યું નહિતર હું ઊંઘમાં જ મારી ગયો હોત. કદાચ વરસાદને લીધે મને ઠંડી ચડી ગઈ છે..”
“મજાકની વાત નથી ઠંડીને લીધે ઊંઘમાં હૃદય બંધ થવાની શકયતા વધી જાય છે. એ જ સમયે જો વ્યક્તિ જાગતો હોય તો હાર્ટ કામ કરતુ બંધ થવાના ચાન્સ ઓછા થઇ જાય છે.”
ચાર્મિએ ઠપકા ભરી નજરે એની તરફ જોયું.
વરસાદ તો ન કહેવાય. ઝરમર ઝરમર છાંટા હતા પણ જંગલ વિસ્તારમાં માત્ર શર્ટ પહેરીને ચંડીગઢમાં રાત વિતાવવાનું કોઈ સપનામાં પણ ન વિચારી શકે એટલી ઠંડી એ વિસ્તારમાં પડતી હોય છે. ચાર્મિની વાત સાચી હતી. એનું શરીર વધારે પડતું ધ્રુજતું હતું.
“સિગારેટ છે..?”
“તારે ડ્રીંક લેવું જોઈએ...” ચાર્મિએ બોટલ હાથમાં લેતા કહ્યું.
“હું શરાબ નથી પિતો...”
“દેખ, શરાબ ગલત ચીજ નથી. જો એનો પ્રયોગ દવા તરીકે કરો તો એ જીવ બચાવી પણ શકે છે..”
શ્યામને એની વાત સાચી લાગી કે ઠંડીથી બચવા ડ્રીંક માટે પોતાની જાતને બહાનું આપી રહ્યો હતો એ એને સમજાયું નહિ.
“તું ડ્રીંક લઈશ....? એણે પૂછ્યું.
“મને જરૂર નથી...”
“કેમ તને ઠંડી નથી લાગતી...?”
“અત્યાર સુધી આ જાકીટ મારી પાસે હતું.” ચાર્મિએ જાકીટ ઉતારવા માંડ્યું.
“તુ જાકીટ કેમ ઉતારી રહી છે.?”
“કેમકે એની વધારે જરૂર તારે છે..” જેકેટ શ્યામને આપતા ચાર્મિએ કહ્યું, “પહેરી લે એ ઠંડીમાં મદદ કરશે.. તું ઘાયલ છે. તારે એની વધુ જરૂર છે..”
શ્યામે ધ્રુજતા હાથે જાકીટ લીધું અને પહેર્યું.
“મારે કેટલું ડ્રીંક લેવું જોઈએ..?” શ્યામે પૂછ્યું. કદાચ એ જીવનમાં પહેલીવાર પી રહ્યો હતો.
“એક પેગ કાફી છે.”
“ઓકે....”
ચાર્મિએ એક પોલીથીનમાં અડધી બોટલ ખાલી કરી. ખાલી કરેલી અડધી બોટલમાં શરાબ સાથે પાણી ભેળવ્યું.
“પી લે...”
“પુરા..?”
“હા, યાર પુરા..” એ બોલી એ સાથે જ શ્યામ બોટલ ગટગટાવી ગયો.
ખાલી બોટલ એણે બાજુમાં મૂકી. એના મો અને ગાળામાં એક અજબ પ્રકારની કડવાસ અનુભવાતી હતી.
શ્યામને પેટમાં કઈક અજીબ થઇ રહ્યું હોય એમ લાગ્યું. એના રુવાડા ઉભા થતા હોય એવું લાગતું. ઠંડી જાણે કયાય ચાલી ગઈ હોય એમ એ અનુભવી રહ્યો હતો. એણે પ્રથમવાર દારૂ પીધો હતો પણ લોકો કહે છે એવો નશો આવ્યો નહિ.
એને સંપૂર્ણ ભાન હતું. એ જાણતો હતો સામે ચાર્મિ બેઠી છે. તેઓ કીડનેપરના સકંજામાંથી ભાગેલ છે. એને બધું યાદ હતું. ચાર્મિએ એને એક સિગારેટ આપી. એણે સિગારેટ સળગાવી. સીગારેટનો ધુમાડો અંધારામાં વિવિધ આકૃતિઓ રચીને અદ્રશ્ય થતો હતો. ચાર્મિ એની સામે બેઠી હતી પણ એ ધુમાડામાં રચાતી આકૃતિઓમાં અર્ચનાનો ચહેરો જોવાનો પ્રયાસ કરતો હતો.
*
નાળાની બહાર અજવાળું દેખાતું હતું. ધુમ્મસ હોવા છતાં સૂર્યના કિરણો નાળામાં આવવાની કોશીસ કરી રહ્યા હોય એમ નાળામાં અંધારું ઘટ્યે જતું હતું. શ્યામને ચાર્મિનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો.
શ્યામને એના શર્ટ અને પેન્ટ પર જામી ગયેલુ લોહી પણ દેખાતું હતું. એણે ચાર્મિને જગાડી એની સામે પાણીનું પાઉચ ધર્યું.
શ્યામે પાણીનું પાઉચ આપ્યું પણ એ ઠંડીમાં ચાર્મિને મો ધોવાની ઈચ્છા નહોતી.. એણીએ માથું હલાવી ના પાડી.
“કિતને બજે હે?” એ બોલી.
“અભી અભી સૂરજ કી કીરણે જમીન પર ઉતરી હે.. સાતેક વાગ્યા હશે.”
એમની વાતચીતમાં હિન્દી અને ગુજરાતી મિશ્રણ રૂપે જોવા મળતી કેમકે ક્યારેક ચાર્મિ ભૂલી જતી કે શ્યામ ગુજરાતી છે માટે હિન્દીમાં બોલી જતી અને ક્યારેય શ્યામ ભૂલી જતો કે ચાર્મિ ગુજરાતી જાણે છે માટે એ હિન્દીમાં બોલી જતો.
“હું કેટલી વાર ઊંઘી?”
“બે ત્રણ કલાક જેટલું.” એણે કહ્યું, “તને જગાડી કેમકે અજવાળું થવા લાગ્યું છે. હવે આગળ શું કરવું છે આપણે રાત્રે કોઈ ચર્ચા નથી કરી.”
“કઈક આયોજન કરીએ..” ચાર્મિએ પાણીનું એક પાઉચ ખાલી કરતાં કહ્યું.
એણે ચાર્મિને પાણીનું બીજું પાઉચ આપ્યું અને સિગારેટનું પેકેટ બહાર કાઢ્યું.
“લાસ્ટ દો બચી હે.”
“એક એક હો જાયે.” એ બોલી.
એમણે સિગારેટ સળગાવી.
“હવે શું કરીશું?”
“પહેલા તો આપણે આજનું ન્યુઝ પેપર વાંચવું પડશે. આપણે એક પોલીસવાળાને મારી નાખ્યો છે અને પોલીસની બાઈક પણ ચોરી કરી છે. જોઈએ કે એમણે કહાનીને કઈ રીતે ફેબ્રિકેશન કરી ફેરવીને રજુ કરી છે. પોલીસનો માણસ ગુનેગાર સાથે ભળેલો હતો એ સાબિત ન થાય એ માટે પોલીસે આપણને ગુનેગાર જાહેર કરી નાખ્યા છે.”
“હા, આમ પણ આપણે અહીંથી જવું પડશે. આપણી પાસે ખાસ પાણી પણ નથી..”
“આપણી પાસે માત્ર ત્રણ ચાર સો રૂપિયા જ છે.” ચાર્મિએ પોતાની નારાજગી પાણીના ખાલી પાઉચ પર ઠાલવી. એના હાથમાં રહેલા પોલીથીન પાઉચના ગુસ્સાથી બે ટુકડા કરી બાજુમાં ફેક્યા.
“મારે કપડા પણ બદલવા પડશે.” એણે એના લોહીથી ખરડાયેલા કપડા સામે જોતા કહ્યું, “આ કપડા ગમે તેનું ધ્યાન ખેચે એમ છે અને બીજા કપડા ખરીદવા આપણી પાસે રકમ પણ નથી.”
“તું ચાલી શકીશ?”
“થોડું ઘણું ચાલી લઈશ આમ પણ ગઈ કાલ કરતા હવે સારું છે..” એણે કહ્યું, “પણ જવું ક્યાં છે?”
“આપણે રૂપિયા અને કપડાનો બંદોબસ્ત કરવો પડશે ને?”
“મારી ઓફીસ નવ વાગ્યે ખુલશે ત્યાંથી આપણને પાંચ દસ હજાર મળી શકે પણ એ મની માંજરામા છે. ત્યાંથી આપણે બાઈક ચોર્યું હતું માટે હવે ત્યાં જવું પણ જોખમી છે.”
“હા અને માર્કેટ જવું પણ જોખમી છે.”
“અર્ચના પાસે જવા માટે પણ સેક્ટર-11 જવું પડે અને ત્યાં તો પોલીસ રોજ જોવા મળે છે.” શ્યામને અર્ચના પાસે જવું પણ યોગ્ય ન લાગ્યું જોકે એ જાણતો ન હતો કે સેક્ટર-11 માં હવે અર્ચના હતી જ નહી. અર્ચના એના બાળકને મારવા ગઈ હતી, એની પાછળ વિક્ટરના માણસો પડ્યા એ બધું શ્યામ જાણતો ન હતો.
“મારી એક ક્લાસમેટ મોહાલીમાં રહે છે.” ચાર્મિએ ઝડપથી વિચારીને એક આશરો શોધ્યો.
“ત્યાં જવું પણ જોખમી છે. મારી ઓફીસનો એક માણસ કંસલ રહે છે. આપણે અહીંથી શહેરમાં દાખલ થયા વિના એના ઘર સુધી જઈ શકીએ એમ છીએ. બસ આપણને કોઈ ઓટો મળી જાય કે કોઈ વાહનમાં લીફ્ટ મળી જાય તો એના ઘર સુધી પહોચવામાં કોઈ રિસ્ક નથી.” શ્યામને એકાએક એનો મિત્ર યાદ આવ્યો.
“એની પાસે પૈસાનો બંદોબસ્ત થઇ જશે?” ચાર્મિએ પૂછ્યું.
“એક બે હજાર મળી જશે અને કદાચ કપડા પણ મળી જશે. કદાચ કઈ ખાવા પીવા મળી જાય તો એ નસીબ કહેવાય કેમકે એ સિંગલ છે.” શ્યામ જાણતો હતો એનો એ મિત્ર વધુ મદદ કરી શકે એમ ન હતો.
“એ ઘરે નહિ હોય તો?” ચાર્મિએ શક્યતા રજૂ કરી.
“તો શું કરીશું?” શ્યામ જરાક ગુંચવાયો હોય એવા ભાવ એના ચહેરા પર દેખાતા હતા.
“ત્યાં જઈએ પણ જો એ ન મળે તો આગળ શું કરવું એ ત્યાં જ નક્કી કરીશું.”
“તો નીકળીશું?”
“કેમ નહી?”
ચાર્મિએ એક બેગમાં પાણીના પાઉચ, બ્રેડ અને દવા લીધા. એણે પહેરલા જેકેટમાં શરાબની બોટલ મૂકી. રિવોલ્વરની સેફટીપીન ઓન કરીને રિવોલ્વર પોતાના જીન્સની ગર્ડલમાં ખોસી. એ નાળા બહાર નીકળ્યા. નાળા બહાર નીકળી રોડ પર આવ્યા.
“આપણે અહીંથી એકાદ કિલોમીટર દૂર એક મદિર છે ત્યાં જઈએ ત્યાંથી આપણને ઓટો કે કોઈ લીફ્ટ મળી જશે.” શ્યામે સુચન કર્યું.
“ઓકે. પણ તું ત્યાં સુધી ચાલી શકીશ?”
“બીજો કોઈ વિકલ્પ છે?” એણે કહ્યું.
એ મંદિર તરફ ચાલવા લાગ્યા. લગભગ મંદિર નજીક પહોચતા પંદરેક મિનીટ થઇ ગઈ કેમકે શ્યામ ઘાયલ અને અશક્ત હતો.
એક વૃદ્ધ માણસ સ્કુટર પર દર્શન માટે આવેલો હતો. ચાર્મિ એની સાથે વાત કરવા લાગી, “અંકલ હમે આપકી મદદ ચાહિયે...”
“કયા હે બિટિયા..?”
“ઇસ લડકે કો કુત્તેને કાટા હે.. રાત કો મની માજરામેં ટ્રીટમેન્ટ કરવાઈથી. ઉસકો આપ કન્સલ છોડ દોગે..?” ચાર્મિએ રીક્વેસ્ટ કરી.
“હા, છોડ દુંગા ઓર તુમે કહા જાના હે..?”
“મેં કોઈ ઔર બાઈક પે લીફ્ટ લેકે આ જાઉંગી..”
“તીન સવારી કા કોઈ ચક્કર નહિ હે ઇધર. યે ગાવ કા રૂટ હે. યહા પુલીસ નહિ હોતી હે. બેઠ જાઓ દોનો.” એ માણસે કહ્યું.
“થેન્ક્સ, અંકલ.” ચાર્મિએ એ વ્યક્તિનો અભાર માન્યો અને તેઓ એના સ્કુટર પાછળ બેઠા. કંસલ આવતા સુધી ચાર્મિ એ અંકલ સાથે વાતો કરતી રહી.
“ઇધર રોક દો, અંકલ...” કંસલ આવતા શ્યામે કહ્યું.
“ઘર તક છોડ દુ બેટા..?.” અંકલે પૂછ્યું.
“નહિ અંકલ, આપકો ખામખા તકલીફ દી હે. હમ ચલે જાયેંગે.. થેન્ક્સ.” શ્યામે સ્કુટર પરથી ઉતરતા કહ્યું. ત્યાના લોકો સાથે એમણે હિન્દીમાં જ વાત કરવી પડતી હતી. એક તો ત્યાં કોઈ ગુજરાતી સમજાતું ન હતું અને આમ પણ કોઈ પુછતાછ કરે કે કોઈ ગુજરાતી છોકરાને જોયો હતો તો સમસ્યા થઇ શકે એમ હતી માટે બધા સામે હિન્દી બોલવું જ હિતાવહ હતું
ચાર્મિ પણ સ્કુટર પરથી ઉતરી. બંને ચાલીને શ્યામની ઓફીસમાં કામ કરતા વૈભવની રૂમ પર પહોચ્યા. સદનસીબે એ ઘરે હતો. શ્યામે દરવાજે ટકોરા માર્યા. વૈભવ દરવાજો ખોલી બહાર આવ્યો. એ શ્યામને જોઇ એકદમ નવાઈ પામ્યો. શ્યામની હાલત જોઈ એ જરાક ગભરાયો.
“કયા હુઆ, શ્યામબાબુ..?”
“કમરે કે અંદર આને દોગે યા નહિ?”
“અરે, હા અંદર બેઠ કે બાત કરતે હે.” વૈભવને ધ્યાનમાં આવ્યું કે શ્યામની હાલત જોઈ એ એમને અંદર લઇ જવાનું ભૂલી જ ગયો હતો.
ચાર્મિ અને શ્યામ વૈભવ સાથે ઘરમાં ગયા. શ્યામે જેકેટના પોકેટમાંથી શરાબની બોટલ કાઢીને વૈભવને આપી. એકાદ વર્ષ સુધી તેમણે એક જ ઓફીસમાં કામ કર્યું હતું માટે શ્યામ વૈભવ વિશે ઘણું જાણતો હતો. શ્યામ જાણતો હતો કે વૈભવ દારૂ માટે જીવ પણ આપી દે એવો માણસ હતો. એ દારૂનો પક્કો પુજારી હતો.
દારૂની લતના કારણે દર મહિનાની પચીસ કે છવ્વીસ તારીખે સિંગલ હડ્ડી વૈભવને ઓફીસના કોઈ વ્યક્તિ જોડેથી પાંચસો કે હજારની ઉધારી કરવી પડતી. જોકે પગાર મળતા જ એ રકમ ચૂકવી દેતો. વૈભવ એકલો જ રહેતો. શ્યામે એક બે વાર એને ફેમીલી વિશે પૂછેલું પણ કઈ જવાબ મળ્યો ન હતો. બસ વૈભવ એટલુ જ કહેતો બીતી હુઈ બાત કો યાદ કરને સે કયા ફાયદા...?
એ પછી શ્યામ પણ એને કયારેય એના પરિવાર વિશે ન પુછતો. આમ પણ શ્યામને કોઈના પર્સનલ જીવનમાં દખલ કરવી પસંદ નહોતી.
“મેડમ, કોફી પીતે હો યા ચાય?” વૈભવે ચાર્મિને પૂછ્યું.
“કુછ ભી ચલેગા પર ચાય મિલ જાયે તો અચ્છા રહેગા.” ચાર્મિએ હસીને જવાબ આપ્યો.
વૈભવે ચા બનાવી એ બંનેને એક એક કપ પકડાવ્યો અને પોતે પણ એક કપ લઇ એમની સામે લાકડાની ખુરશીમાં ગોઠવાયો.
ચા પીવાથી શ્યામ અને ચાર્મિના મનને થોડી રાહત થઇ.
“અબ બતાઓ કયા હુઆ..? તુમ કહા ચલે ગયે થે..? તિન મહીને સે તુજે કોલ ટ્રાય કર રહા થા પર ફોન સ્વીચ ઓફ હી કયું હોતા હે..?” વૈભવે પૂછ્યું.
શ્યામે એને બધી વાત કરી. એને વાત કરવામાં કઈ જોખમ જેવું ન હતું. શ્યામે એને માત્ર એટલુ જ જણાવ્યું કે એ અને ચાર્મિ ઓટોમાં બેઠા હતા એ સમયે બંનેને કોઈ અજાણ્યા લોકોએ ઉઠાવી લીધા અને તેઓ કેદમાં હતા. તેઓ મોકો મળતા ભાગી નીકળ્યા છે. પણ ભાગતી વખતે કુતરાએ એની હાલત બગાડી નાખી. ત્યાર બાદ થયેલ ગોળીબાર અને એક મર્ડરની વાત એમણે વૈભવથી છાની જ રાખી. તેઓ એને ડરાવવા માંગતા ન હતા. એમને એ પણ ડર હતો કે કદાચ એ બધી વાત સાંભળ્યા પાછી વૈભવ એમની મદદ કરવાથી ઇનકાર પણ કરી દે. આજે પોલીસના લફડામાં કોણ પડે? ગુનો હોય કે ન હોય પોલીસવાળાને મોકો મળી જાય પછી પાંચ પચ્ચીસ આપ્યા સિવાય સ્ટેશનના ધક્કા બંધ ન જ થાય એ સનાતન સત્યથી ભારતમાં ભાગ્યે જ કોઈ અજાણ છે.
“હમેં થોડા બહુત પેસા ઔર કપડે ચાહિયે.” શ્યામે ભૂતકાળની વાતમાં થોડા ઘણા ફેરફાર કરી પતાવી અને તરત મદદ માટે હાથ લંબાવ્યો ત્યારે વૈભવે સૂચન કર્યું.
“હમેં પોલીસ કમ્પલેઈન કરની ચાહિયે.”
“હમ કમ્પલેઇન નહિ કર શકતે. હમ મેરે ઘરમે કિસીકો બતાયે બીના ભાગે હુવે થે. હમ કમ્પલેઈન કરના નહિ ચાહતે હે.”
“પર તુમ્હારે ઘર પે સબકો પતા તો ચલ હી ગયા હોગા..? ઉન્હોને કમ્પલેઇન ભી દર્જ કરવાઈ હોંગી.”
“મેરે પાપાને મિસિંગ રીપોર્ટ લિખવાઈ હોગી તો મેં કેહ દુંગી કી મેં ગુસ્સેમેંથી ઈસલીયે એક સહેલી કે ઘર ચલી ગઈ થી.” ચાર્મિએ જવાબ આપ્યો.
વૈભવને કોઈ શક ન થાય એ ધ્યાન રાખવું એમના માટે બહુ જરૂરી હતું.
“જેસી આપકી મરજી. અભી મેરે પાસ હજાર હી પડે હે. પાંચસો હજાર કી તીન નોટ હે પર વો કિસી કામ કી નહિ હે. સરકારને વે નોટ બંધ કરદી હે.”
“કયું?” શ્યામને ત્રણ નોટ નકામી છે એ સાંભળી ધ્રાસકો પડ્યો પણ છતાં એ દારૂના પુજારી જેના ઉપર લોકોના લેણા હોય એની પાસે હજાર રૂપિયા હતા એ વાત પણ કુદરતી ચમત્કાર સમી લાગી!
“ઉન નોટ પે બેન લગા દિયા હે મોદી સરકારને.” શ્યામે આપેલી બોટલ હાથમાં રાખીને વધારે રાહ જોવાઈ નહી એટલે વૈભવે તરત ઉભા થઇ એક પેગ બનાવી હોજરીમાં રેડયો.
“કોઈ બાત નહિ. હજાર હી સહી. ઓર હા વાપસ કરનેમેં થોડા ટાઈમ લગેગા.” શ્યામે કહ્યું.
“કોઈ બાત નહિ. વાપસ નહિ કરોગે તો ભી ચલેગા. એક દોસ્ત દુસરે કે કામ નહિ આયેગા તો દોસ્તી કા મતલબ હી કયા રહેગા.” કહી એણે શ્યામને સોની દસ નોટ આપી અને એક જોડી સારા કપડા આપ્યા.
એના કપડા શ્યામને થોડાક નાના પડે એમ હતા. એણે લોહી વાળું એનું પેન્ટ અને શર્ટ ઉતારીને એક બેગમાં મુક્યા. વૈભવે આપેલ પેન્ટ અને શર્ટ પહેરી લીધા.
એ ઠંડીમાં નહાવું એને યોગ્ય ન લાગ્યું. એને બીમાર થવું પરવડે તેમ ન હતું. ચાર્મિએ એક શોલ પોતાના શરીર પર વીંટાળી લીધી જેથી લોહીવાળું ટી-શર્ટ છુપાવી શકાય.
શ્યામે વૈભવ પાસે પાણી મંગાવ્યું અને એક પેનકીલર પાણી સાથે ગળા નીચે ઉતારી.
“વૈભવ, તુમ્હારા મોબાઈલ નંબર લીખ કે દો. મેરા ફોન, વોલેટ, ઔર વોલેટ કે અંદરકા ડેબીટ કાર્ડ ભી સાલોને લે લિયા હે.” શ્યામે એના હાથમાં ખાલી ગલાસ પાછો આપતા કહ્યું.
“એક કામ કર, મેં તુમ્હે એક ફોન હી દે દેતા હું..” વૈભવ હસ્યો.
“ફિર તુમ કયા કરોગે?”
“મેરે પાસ એક્સ્ટ્રા ફોન હે બટનવાલા. પુરાના હે મેં યુઝ નહિ કરતા હું.. સિર્ફ બાત હોગી. નયા સીમ લે લેના.”
“નહિ, ફોન કી જરૂરત નહિ હે.” શ્યામે કહ્યું.
“રખ લો યાર.”
“ચાર્મિકા ફોન ઉસકી એક ફ્રેન્ડ કે વહા હે, હમ વહાં સે લે લેંગે.”
“જેસી તેરી મરજી.” એણે ફોન ટેબલના ડ્રોઅરમાં પાછો મૂકી દીધો.
“અબ કહા જાઓગે?”
“મેં ગુજરાત જાઉંગા. કુછ મહિનો કે બાદ વાપસ આઉંગા.” વૈભવ અર્ચના વિશે કઈ જાણતો ન હતો એટલે એને શ્યામની વાત ગળે ઉતરી ગઈ.
“ઓકે. મેરે લાયક કોઈ કામ હો તો બોલના. ગુજરાત જાકે ભૂલ મત જાના.”
“ગુજરાત પહુચકે મેં તુજે કોલ કરુંગા.,” શ્યામે કહ્યું.
એ વૈભવનો આભાર માનીને નીકળ્યા. નવા કપડા મળી ગયા એટલે હવે શ્યામ લોકોના ધ્યાનમાં આવે તેમ ન હતો. હવે એની જોડે હજારથી વધારે કેશ પણ હતી. એ કંસલથી ઓટો કરીને નયા ગાવ પહોચ્યા. નયા ગાવ પહોચીને તેમણે એક ઢાબામાં છોલે-પરાઠા ખાધા. કાઉન્ટર પર પેમેન્ટ કરતી વખતે શ્યામે જોયું કે દૈનિક ભાસ્કરના પહેલા પાના પર કોઈ ન્યુઝ એમના કામના ન હતા. પહેલા પાના પર નોટ બંધી અને બેંકની બહાર લાઈન અને કેશની અછત જેવા સમાચાર હતા. અંદરના પાને આવેલા સમાચાર લોકોના ધ્યાનમાં ઓછા આવે છે એટલે તેઓ વધુ સલામત હતા.
એ ફરી ઓટો કરીને મોહાલી પહોચ્યા. કદાચ એ વિસ્તારમાં પોલીસ એમની તપાસ નહિ કરતી હોય એમ એમને લાગ્યું. કદાચ શહેરમાં દરેક ગાડી, ઓટો વગેરેનું સઘન ચેકિંગ કરવું પોલીસ માટે પણ તકલીફદાયક રહેતું હશે. કદાચ પોલીસ મણી માજરા અને ઇન્ડસ્ટ્રીઅલ એરિયામાં સઘન ચેકિંગ કરી રહી હશે.
એ મોહાલી બસસ્ટેશનથી થોડે આગળ ઓટોમાંથી ઉતર્યા.
“આપણે આગળ ચાલીને જ જવું પડશે..” ચાર્મિ બોલી, “કદાચ આપણે જે ઓટોમાં બેઠા એ ડ્રાયવર પોલીસના હાથમાં આવી જાય તો?”
“સમજી ગયો...” શ્યામે કહ્યું, “જો બધે સી.સી.ટી.વી. હોય તો?”
“તો આપણે રોડ પરથી કિડનેપ પણ ન થયા હોત ને?”
મોહાલી એના માટે એટલું પરિચિત ન હતું. મોહાલીમાં પંજાબી ભાષાનું પ્રભુત્વ વધારે છે. શ્યામ ત્યાં એકાદ બે વાર પહેલા આવેલો હતો જોકે એની મુલાકાતો બસ સ્ટેશન પુરતી સીમિત હતી.
શ્યામને ચાલતી વખતે સાથળમાં દુખાવો થતો હતો છતાં આશ્ચર્ય ગણાય એમ એ લંગડાયા વગર ચાલતો હતો. કદાચ પેનકિલરનો કમાલ હશે.
“મેડીસ્ટોરમાં તેં પીટબુલ કરડ્યો છે એમ કહ્યું હતું?”
“હા, કેમ?”
“પેઈનકિલર અસરકારક છે એટલે એવું મને લાગ્યું.”
“આર્મીમાં કોઈને ગોળી વાગી જાય અને તાત્કાલિક હોસ્પિટલ લઇ જઈ શકાય એમ ન હોય ત્યારે પણ અમે આ જ પેઈન કિલરનો ઉપયોગ કરીએ છીએ. એનામાં ડાઈ હાર્ડ ડ્રીંકરને પણ નશો આપી શકે એટલો પાવર છે.”
ચાર્મિ શકય હોય ત્યાં સુધી મુખ્ય રસ્તાને બદલે ગળીઓમાં ચાલી રહી હતી. ત્રીસેક મિનીટ ચાલ્યા પછી એમને રેસીડેન્ટલ વિસ્તાર દેખાયો.
“હજુ કેટલું ચાલવું પડશે.?”
“દસ મિનટ.”
“ચાલતા જવામાં કે કારમાં?”
“આપણે ચાલીને જઈ રહ્યા છીએ કે આપણી પાસે કાર છે?”
“સમજી ગયો.”
દસ મિનીટ ચાલ્યા પછી એ બંને એક ઘર આગળ ઉભા રહ્યા. ચાર્મિએ બારણે ટકોરા માર્યા. થોડીક વારમાં એક વૃદ્ધાએ દરવાજો ખોલ્યો.
“સત સરી અકાલ..” ચાર્મિ ઝૂકીને બોલી.
“સત સરી અકાલ, દસો.” વૃદ્ધા પંજાબીમાં જ બોલ્યા.
“કી ગુરપ્રિત ઈથે રહી રિહા હે..?” ચાર્મિએ પંજાબીમાં પૂછ્યું.
“હં, પર તુ કૌન હે..?” વૃદ્ધાએ પૂછ્યું ત્યારે જ શ્યામને ખ્યાલ આવ્યો કે ચાર્મિ આ માજીને ઓળખતી નથી.
“મૈ ઉસદી દોસ્ત હા.”
“તેરા નામ કી હે?”
“ચાર્મિ...”
“ઠીક ભૈ, ગુરપ્રિત દુજી મઝલ’તે રહીદા હે..” વૃદ્ધાએ જવાબ આપ્યો.
“કી ઉહ હુના મૌજુદા હે..?” ચાર્મિએ પૂછ્યું.
“હા, કી’ઉનકી આજ ઐતવાર હે. જાઓ..”
સેકન્ડ ફ્લોર પર એક રૂમ હતી. તેઓ સેકન્ડ ફ્લોર પર ગયા. ચાર્મિએ રૂમના દરવાજે ટકોરા માર્યા.
બારણું ખુલ્યું. એક પચીસેક વર્ષની યુવતી બહાર આવી. એ ફોર્મલ પંજાબી ડ્રેસમાં હતી. એને જોઈને શ્યામને ખબર પડી ગઈ કે એ નોકરીયાત હશે. એના અનુમાન મુજબ એ શિક્ષિકા હોવી જોઈએ.
*
વિક્ટર અને હેરીસ ભવ્ય ડાઈનીંગ રૂમમાં એકમેકની સામે ચેરમાં ગોઠવાયેલા હતા. તેમની કોફી ટેબલ પર ઠંડી થતી હતી પણ જાણે બંને કોઈ ઊંડા વિચારોમાં ડૂબેલા હોય એમ કોફી તરફ એમનું ધ્યાન બિલકુલ નહોતું.
“કેન યુ થીંક ઓફ એની રીઝન વાય આર્મી એન્ડ ડીટેકટીવ હેલ્પ શ્યામ...?” વિક્ટર ચુપકીડીથી કંટાળી ગયો હોય એમ પોતાનો કોફીનો કપ હાથમાં લેતાં બોલ્યો.
“આઈ કાન્ટ ફાઈન્ડ એની રીઝન ઇફ શ્યામ ઇઝ નોટ મલિક...” હેરિસે કોફીનો એક સીપ લીધો અને ફરી કપ ટેબલ પર રિપ્લેસ કર્યો.
“યુ આર રાઈટ... ધ ઓન્લી કનેકશન બિટવિન આર્મી એન્ડ શ્યામ ઈઝ પોસીબલ ઇફ શ્યામ ઈઝ નો વન બટ મલિક ડીસગાઈઝડ એઝ અ કોમન પર્શન.”
“વોટ અબાઉટ સાયમન...?” હેરિસે ફરી કપ હાથમાં લીધો.
“નોટ સર્ટેઇન બટ આઈ થીંક મલિક હેઝ કિલડ હિમ બેફોર ડીસગાઈઝિંગ એઝ શ્યામ...”
“વોટ શૂડ વી ડુ નાઉ...?” હેરીસ ગૂંચવાયેલો લાગતો હતો.
“ફાઈન્ડ ક્રિસ્ટી એન્ડ રોઝી ઈમીડીયેટલી.” વિક્ટરે ખાલી કપ ટેબલ પર મુક્યો અને ઉભો થઇ ડાઈનીંગ રૂમ બહાર તેની રાહ જોઈ રહેલી બી. એમ. ડબલ્યુ. તરફ જવા લાગ્યો.
હેરીસ હજુ એ જ ટેબલ પર બેઠો હતો. એ ફરી કઈક વિચારતો હતો – એના મનમાં એક ભયાનક યોજના આકાર લઈ રહી હતી.
ક્રમશ: