Lakshmijine Valva Sanmarge ae Javabdaari Aapni in Gujarati Short Stories by Dada Bhagwan books and stories PDF | લક્ષ્મીજીને વાળવા સન્માર્ગે એ જવાબદારી આપણી

Featured Books
Categories
Share

લક્ષ્મીજીને વાળવા સન્માર્ગે એ જવાબદારી આપણી

દાન કરવું એટલે શું કે ખેતરમાં વાવી આવવું એટલે એનું ફળ મળશે. દાન એટલે બીજા કોઈ પણ જીવને, મનુષ્ય હોય કે બીજા પ્રાણી હોય તેમને સુખ આપવું. એનું નામ દાન. અને બધાને સુખ આપ્યું, એટલે એનું ‘રિએક્શન’ આપણને સુખ જ આવે. સુખ આપો તો તરત જ સુખ તમારે ધેર બેઠા આવે !

તમે દાન આપતા હોય તો તમને અંદર સુખ થાય. પોતાના ઘરના રૂપિયા આપો છતાં સુખ થાય. કારણ કે, સારું કામ કર્યું. સારું કામ કરે એટલે સુખ થાય અને ખરાબ કામ કરે તે ઘડીએ દુઃખ થાય. એના ઉપરથી આપણને ઓળખાય કે કયું સારું ને કયું ખોટું ?

દાન એટલે શું ? એવું છે ને, એ દાન પોતે આપીને લેવા માગે છે. સુખ આપી અને સુખ લેવા માંગે છે. મોક્ષ માટે દાન નથી આપતો. એ સુખ લોકોને આપો તો તમને સુખ મળશે. જે તમે આપો તે મળશે. એટલે એ તો નિયમ છે. એ તો આપવાથી આપણને પ્રાપ્તિ થાય છે. લઈ લેવાથી ફરી જતું રહે છે.

માનસિક શાંતિ જોઈતી હોય તો આપણી ચીજ બીજાને ખવડાવી દેવી. રોટલી-શાકનું પીપડું ભરીને લાવજો. અને આ ગરીબો બધાને ખવડાવજો. તે ઘડીએ આનંદ કેટલો બધો થાય છે તે જોજો. શાંતિ પ્રાપ્ત કરવાનો અખતરો કરી જોજો. એવી રીતે જ્યાં હોય ત્યાં, કોઈ જાનવર હોય, આ માંકડા હોય છે, તેમને ચણા નાખ નાખ કરે તો તે કૂદાકૂદ કરે, ત્યાં આંનદનો પર નહીં રહે. એ ખાતા જશે અને મહીં આનંદનો પાર નહીં રહે. આ કબૂતરાંને ચણ નાખે તે પહેલા કબૂતરાં આમ કૂદાકૂદ કરવા માંડે. અને ચણ નાખ્યું, પોતાની વસ્તુ તે બીજાને આપી કે મહીં આનંદ શરુ થઈ જાય. હમણે કોઈ માણસ રસ્તામાં પડી ગયો અને એનો પગ ભાંગી ગયો અને લોહી નીકળતું હોય, ત્યાં ધોતિયું ફાડીને આમ બાંધું તે વખતે આનંદ થાય. ભલે ને, ત્રણસો રૂપિયાનું ધોતિયું હોય, તે ફાડીને બાંધે પણ તે ઘડીએ પોતાને આનંદ ખૂબ થાય.

પૈસો સદુપયોગમાં જાય એવો ખાસ ખ્યાલ કરો. નહીં તો પૈસો વધારે હશે, તો એ અધોગતિમાં લઈ જશે. માટે એ પૈસાનો ગમે ત્યાં આગળ સદુપયોગ કરી નાખો.

પૈસા સાચવવા એ તો બહુ મુશ્કેલી ! એના કરતા ઓછું કમાઈએ તે સારું. અહીં બાર મહીને દસ હાજર કમાયા અને એક હાજર ભગવાનને ત્યાં મૂકી દે, તો એને કંઈ ઉપાધિ નથી. પેલો લાખો આપે અને આ હાજર આપે, બેય સરખા, પણ હજારેય કંઈક આપવા જોઈએ, લૂખ્ખું ના રાખવું. ઓછામાંથી પણ કંઈક આપવું અને વધારે હોય અને તે આ ધર્મ બાજુ વળી ગયું, એટલે આપણે પછી જવાબદારી નથી, નહીં તો જોખમ. બહુ પીડા એ તો ! પૈસા સાચવવા બહુ મુશ્કેલી, બહુ ઉપાધિ બધી.

આ કાળની લક્ષ્મી તો ટકે એવી જ નથી. પણ એનો રસ્તો બદલી નાખવાનો. પેલે સંસારના રસ્તે જાય છે, તો એનું વહેણ બદલી નાખવાનું ને ધર્મના રસ્તે વાળી નાખવાની. તે જેટલી સુમાર્ગે ગઈ એટલી ખરી. ભગવાન આવે પછી લક્ષ્મીજી ટકે, તે સિવાય લક્ષ્મીજી ટકે શી રીતે ? ભગવાન હોય ત્યાં ક્લેશ ના થાય ને એકલી લક્ષ્મીજી હોય તો ક્લેશ ને ઝઘડા થાય. લોકો લક્ષ્મી ઢગલાબંધ કમાય છે, પણ તે કમજરે જાય છે. કોઈ પુણ્યશાળીના હાથે લક્ષ્મી સારે રસ્તે વપરાય. લક્ષ્મી સારા રસ્તે વપરાય ને, તે બહુ ભારે પુણ્ય કહેવાય.

આ તો લોકસંજ્ઞાથી બીજાનું જોઈને શીખે છે. પણ જો જ્ઞાનીને પૂછીએ ને તો તે કહેશે, કે ‘વધારે હોય તો નાખી દે ધર્માદામાં અહીંથી. એ જ તારે ખાતે જામે થાય છે. ને આ બેન્કનું જમે નહીં થાય. જે ધર્માદામાં નાખતો હોય, તેને અડચણ પડે નહીં. ખરે ટાઈમે તો એક ધર્મ જ તમને મદદ કરીને ઊભો રહે. માટે ધર્મના વહેણમાં લક્ષ્મીજી જવા દેજો.’ એવું જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે.

પૈસાનો સ્વભાવ કેવો છે ? ચંચળ છે. એટલે આવે અને એક દહાડો પાછા જતા રહે. માટે પૈસા લોકોના હીતને માટે વાપરવા. જ્યારે તમારો ખરાબ ઉદય આવ્યો હોય, ત્યારે લોકોને આપેલું તે જ તમને હેલ્પ કરે. એટલે પહેલેથી જ સમજવું જોઈએ. પૈસાનો સદ્વ્યય તો કરવો જ જોઈએ ને ?

કંઈ જોડે લઈ જવાય છે ? જે નાણું પારકા માટે વાપર્યું એટલું જ નાણું આપણું, એટલી આવતા ભવની સિલક. એટલે કોઈને આવતા ભવની સિલક જો જમે કરવી હોય તો નાણું પારકા માટે વાપરો. પછી પારકો જીવ, એમાં કોઈ પણ જીવ, પછી એ કાગડો હોય ને એ આટલું ચાખી પણ ગયો હશે, તોય પણ તમારી સિલક ! પણ ખાધું-પીધું, ઘર માટે વાપર્યું એ બધી તમારી સિલક ન હોય, એ તો ફરજિયાત છે. એટલે કંઈ છૂટકો છે ? પણ જોડે જોડે સમજવું જોઈએ કે પારકાને માટે નહીં વપરાયું, એ બધું ગટરમાં જ જાય છે.

બહાર જબરજસ્ત પવન હોય. આપણા ઘરના બારી-બારણાં બધા બંધ હોય. અંદર ઘરમાં બફારો-ગરમી લાગતા હોય તો આપણે જોઈએ, કે બહાર સરસ પવન છે, ઝાડ-પાન સરસ હાલે છે. તો આપણે બારી ખોલીએ તોય પવન રૂમમાં આવે જ નહીં ત્યાં શું કરવું ? એટલે ત્યાં ક્રોસ વેન્ટીલેશન કરીએ. એક બારી ખોલી તો તેની સામેની બીજી બારી ખોલીએ, તો પવન ધસમસતો અંદર પ્રવેશે. શાથી ? પવનને જવાની જગ્યા કરી એટલે પવન રૂમમાં આવવાની શરૂઆત થઈ.

આપણા લોકો લક્ષ્મી હોય છતાં વધુ ભેગી થાય એવી આશા રાખે. અને મનમાં વિચારે, કે લક્ષ્મી આવશે તો ધર્મમાં આપીશું. પણ લક્ષ્મીનો કાયદો જુદી જાતનો છે. આપે તો આવે. ધર્માદામાં આપે તો લક્ષ્મી ઘરમાં આવે.

લક્ષ્મીને જો આંતરશો તો પછી નહીં આવે. એટલું ભરેલું ને ભરેલું રહેશે. અને આ બાજુથી જો જવા દેશો તો બીજી આવ્યા કરશે. નહીં તો આંતરેલી રાખશો તો એટલી ને એટલી રહેશે. લક્ષ્મીનુંય કામ એવું છે. હવે કયા રસ્તે જવા દેવું એ તમારી મરજી ઉપર આધાર રાખે છે, કે બૈરાં-છોકરાંના મોજશોખ ખાતર જવા દેવું કે કીર્તિ માટે જવા દેવું કે જ્ઞાનદાન માટે જવા દેવું કે અન્નદાન માટે જવા દેવું ? શેને માટે જવા દેવું એ તમારી પર છે પણ જવા દેશો તો બીજું આવશે. જવા ના દે તેનું શું થાય ? અને જવા દે તો બીજું ના આવે ? હા, આવે !