trust in Gujarati Moral Stories by Ajay Kamaliya books and stories PDF | વિશ્વાસ

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

વિશ્વાસ

વિશ્વાસ ........

ભાવના આજે સવારથી જ બેચેન છે.એની બહેનપણીઓએ ભાવનાના ઘરવાળા પ્રતાપને મેળે આવવાના સમાચાર મોકલી દીધા છે અને સામેથી જવાબ પણ મળ્યો છે કે,એ જરુર આવશે.
પ્રતાપે બપોરના બે વાગ્યાનો સમય પણ આપ્યો છે ને જગ્યા જ્યાં મેળો ભરાય છે એ ભોળાનાથ મંદિરનો દરવાજો નક્કી થઈ છે.

ભાવનાની બહેનપણી એવી રંજનનું સાસરુ પ્રતાપના ગામમાં છે. રંજનને સંબંધે કુટુંબમાં દિયર થાય છે પ્રતાપ એટલે એ એને સારી રીતે ઓળખે છે એટલે રંજને જ ભાવના અને પ્રતાપની મુલાકાતની ગોઠવણ કરી આપેલ છે.

ભાવના અને પ્રતાપનું સગપણ બાળપણમાં જ થઈ ગયેલ છે.હાલ ભાવનાની ઉંમર સોળ વર્ષની છે ને એ માત્ર ચાર ધોરણ ભણેલ છે જ્યારે પ્રતાપ અત્યારે ઓગણીસ વર્ષનો થઈ ચુક્યો છે અને ધોરણ બાર પાસ કરીને કોમર્સ વિભાગમાં કોલેજના પ્રથમ વર્ષમાં છે.હાલ શહેરમાં છાત્રાલયમાં રહીને અભ્યાસ કરી રહ્યો છે.

આમ તો સમાજના રિવાજ મૂજબ લગ્ન લેવાઈ ગયાં હોય પરંતુ પ્રતાપને એમબીએ થવું છે એટલે લગ્ન માટે હાલ તૈયાર નથી ને એટલા માટે જ તો એણે ભાવના સાથે મુલાકાત કરવાની હા પાડી છે.

કેટ કેટલા વિચારોએ ઘેરી લીધી ભાવનાને! પાંચ દિવસ પહેલાં ગામના શેઠના દિકરા મનોજ સાથે શહેરમાંથી સફેદ રૂમાલ મંગાવ્યો હતો ને એ દિવસથી જ સરખી બહેનપણીઓએ સાથે મળીને રૂમાલ પર સુંદર ભરતકામ કર્યું હતું.રૂમાલના એક ખૂણામાં સુંદર અક્ષરોએ "પ્રતાપ "નામ ચિતર્યું હતું.'રૂમાલ કેવી રીતે આપીશ? પ્રતાપ સાથે વાતચીત કેવી રીતે કરીશ!'વગેરે વિચારોમાં અટવાઈ પડી ભાવના!

પ્રતાપને ક્યારેય જોયો જ નથી પછી એમના રંગ,રૂપ, સ્વભાવ વિશે તો બિચ્ચારી ભાવનાને ક્યાંથી ખબર હોય?એણે તો રંજન અને ક્યારેક આડાકાને માવતર અને અન્ય સગાં સંબંધીઓ પાસેથી પ્રતાપની હોંશિયારીનાં માત્ર વખાણ જ સાંભળ્યાં છે.

મેળાનો દિવસ આવી ગયો.વડીલો પાસેથી મેળે જવાની રજા લેવાઈ ગઈ.આગેવાની ભાવનાના પિતરાઈ ભાઈની ઘરવાળીની હતી.સૌ નવાં નક્કોર કપડાં પહેરીને ઉપડ્યાં મેળે.સૌ ચાલતાં કલાકેકનો રસ્તો કાપીને મેળે પહોંચી ગયાં.મેળે જઈ સૌ પ્રથમ મંદિરે દર્શન કરીને સૌ ઉપડ્યાં મેળાની ભીડમાં.જુદી જુદી વસ્તુઓની ખરીદી થઈ.કોઈએ બંગડી ખરીદી તો કોઈએ પત્તી(રીબીન) કોઈએ આંખમાં આંજવાથી મેંશ(કાજળ) તો કોઈએ વળી આભલાં.(અરીસો) કોઈ વહુવારુએ સાસુ માટે પાંચ ફોટા છીંકણીની ડબ્બી લીધી તો કોઈએ વળી નાના ભાઈ પાવો.થોડું ભણેલી કોઈ વહુવારુએ વળી વેલણ-પાટલી પણ લીધાં.નાસ્તા પાણી થયાં ને છેલ્લે સૌએ સુખડું અને ચવાણું જોખાવ્યાં .ઘડીકમાં બે વાગી ગયા એ ખબરેય ના પડી !

અલી એય! બે તો વાગી ગયા હશે કહીને ટોળું ઉપડ્યું મંદિરના દરવાજે.મંદિરના દરવાજા પાસે અડધાએક કલાકથી પ્રતાપ રાહ જોઈને જ ઉભો હતો.

ટોળામાંથી રંજનની નજર પ્રતાપ પર પડી એ સાથે જ એણે કહ્યું,"અલી ભાવના! જો પેલો ધોળા બુશકોટવાળો ને કાળું પાટલૂન પહેરીને ઉભો છે ઈ જ તારો ધણી,જા હવે." ભાવના ખચકાઈ,શરમાઈને ઉભી રહી.એનો પગ ઉપડતો નહોતો એટલે એક બહેનપણીએ ધક્કો મારીને કહ્યું,"અલી,જાને હવે!શરમાય છે શું? ઈ તારો થનાર ઘરવાળો છે,તારે ક્યાં બીજા પાસે જઈને વાત કરવાની છે?" બે ડગલાં આગળ વધીને વળી પાછી ભાવના ઉભી રહેતાં છેવટે એક ભાભી હાથ ઝાલીને લઈ ગઈ ભાવનાને છેક પ્રતાપની પાસે.પછી આખું ટોળું ત્યાંથી થોડે દૂર જઈને ઉભું રહ્યું.

થોડીવાર ભાવના નીચું તાકીને ઉભી રહી.છેવટે પ્રતાપે કહ્યું,"ભાવના! જમાનો બદલાઈ રહ્યો છે.શરમ છોડને મારી સામે જો."

મહા પ્રયત્ને સંકોચ સાથે ભાવનાએ પ્રતાપ સામે જોયું.ભાવના અને પ્રતાપની આ પ્રથમ મુલાકાત હતી અને પ્રથમ વખત એકબીજાને જોઈ રહ્યાં હતાં.ધીરેધીરે ભાવનાની શરમ છુટી.

સૌ પ્રથમ એકબીજાના પરિવારના ખબર અંતર પુછાયા પછી પ્રતાપે ભાવનાને કહ્યું,"રંજનભાભી સાચું જ કહેતાં હતાં.તું તો ખરેખર આરસની પૂતળી છે! તારી સમજણ અને હોંશિયારીનાં પણ ખુબ વખાણ કરે છે રંજનભાભી. બીજાં બે ચાર સગાં સંબંધીઓ પાસેથી પણ તારાં વખાણ સાંભળ્યાં છે ભાવના!

હવે મારી વાત ધ્યાનથી સાંભળ.તને ખબર છે કે,હું અત્યારે અભ્યાસ કરી રહ્યો છું.હજી અભ્યાસનાં છ સાત વર્ષ બાકી છે,એના પહેલાં આપણાં લગ્ન શક્ય નથી. ભાવના!તું છ સાત વર્ષ રાહ જોઈ શકીશ ને?"

ભાવના વળી પાછું નીચું જોઈને ચૂપચાપ ઉભી રહી. પાંચેક મિનિટ વીતી ગઈ.પ્રતાપે ફરીથી વાત દોહરાવી.

"શું હું તમને ગમું છું? તમને ખબર હશે કે હું ખાલી ચાર ધોરણ ભણી છું.તમે સગાં સબંધીઓ પાસેથી બધું જાણ્યું તો હશે જ.મેં પણ તમારા અભ્યાસ અને તમારી હોંશિયારી વિષે બધું જ જાણ્યું છે.તમે મને ખુબ ગમો છો. તમે છ સાત વરસ તો શું પણ આખો જનમારો કહેશો તોય હું તમારી વાટ જોઈશ.બોલો હવે તમારુ શું કહેવું છે?" આટલું કહેતાં કહેતાં તો ભાવનાને પરસેવો વળી ગયો.

પ્રતાપે તરત જ પ્રત્યુતર આપ્યો,"અરે ભાવના! તું આવું બધું શા માટે બોલે છે?તું મને ખુબ ગમે છે.ખુબ ગમે છે.ખુબ ગમે છે.તારે આખો જન્મારો રાહ જોવાની નથી.માત્ર છ સાત વરસની જ વાત છે.તું લગીરેય ચિંતા ના કરીશ. હું તારો છું ને તારો જ રહીશ."

ખુશીનાં આંસુઓને ઝડપભેર લુંછીને,હ્રદયમાં હિલોળા લઈ રહેલ પ્રેમ સ્પંદનોને છુપાવીને મહા મહેનતે ભરત ભરેલો રૂમાલ ભાવનાએ પ્રતાપ સામે ધર્યો.પ્રતાપે ભાવનાનો રૂમાલવાળો હાથ પકડીને રૂમાલ ધ્યાનથી જોયો અને પછી બોલ્યો,"વાહ ભાવના વાહ!મારે હવે બીજું કશું જ કહેવું નથી.લગ્ન સુધી તારી આ યાદગીરીને જીવની જેમ સાચવીને રાખીશ.બસ, હવે અત્યારે એક વખત મને નામ લઈને બોલાવ.તારા મુખેથી પ્રેમભર્યા શબ્દોમાં મારે મારું નામ સાંભળવું છે."

ભાવના પ્રતાપ સામે નજરથી નજર મેળવીને બોલી," દુનિયાના મોંઢે સાંભળ્યું છે કે,જેનું નામ છે એનો નાશ છે. હું તમારુ નામ તો નહીં જ બોલું."
"અરે ગાંડી! એવું કંઈ ના હોય. ઠીક છે,આ મારી ભાવનાની ભાવના છે!સારુ,હવે બેફિકર થઈને રહેજે."- કહીને પ્રતાપે ભાવનાના ગાલ પર ટપલી મારી.

ભાવના શરમાઈને પગના અંગુઠાથી જમીન ખોતરવા લાગી.એ ખુબ જ ખુશ હતી.આમેય ભારતીય નારીને બીજું જોઈએ પણ શું! પતિની લાગણી અને વિશ્વાસ....

"શહેરમાં સાચવીને રહેજો ને ભણવામાં ધ્યાન રાખજો.આજથી આ ભોળાનાથની સામે ટેક લઉં છું કે, તમને નોકરી ના મળે ત્યાં સુધી આ પગમાં પગરખાં નઈ પહેરુ!તમને નોકરી મળશે ત્યારે તમારા હાથે મારી ટેક પુરી કરાવીશ." કહીને ઘડીનાય વિલંબ વગર ભાવનાએ પગરખાં કાઢીને મંદિરના દરવાજા પાસે બેઠેલ ભિક્ષુક પાસે જઈને એને આપી દીધાં. પગરખાં આપી આવીને એ વળી પાછી પ્રતાપ સામે નજર કરતી મુંગા મોંઢે ઉભી રહી.

પ્રતાપ ઘડીભર તો ભાવનાને જોઈ રહ્યો ને પછી બોલ્યો, "અરે ગાંડી! આવી ટેક લેવાય?છ સાત વરસ પગરખાં વગર રહેવાય! ફોક કર આ ટેક."

ભાવના ચુંદડીનો છેડો આમળતાં આમળતાં નીચું જોઈને બોલી,"તમે ચિંતા ના કરો.ઘરબાર છોડીને તમે નોકરી માટે આટલી બધી મહેનત કરી રહ્યા છો તો પછી હું આટલુંય ના કરી શકું? તમે મારી ચિંતા જ છોડી દો."

લાગણીઓ પર કાબૂ મેળવવાનું નક્કી કરીને મેળે આવેલ પ્રતાપ જ અતિશય લાગણીશીલ બની ગયો.ઘણા પ્રયત્ન છતાં એની આખો ભીની થઈ ગઈ.એ ભીની આંખે બોલી ઉઠ્યો,"વાહ રે ભારતીય નારી વાહ! ધન્ય છે ભાવના તને!"

ભાવનાનો એની ચુંદડી પકડેલો એક હાથ અનાયાસે પ્રતાપની આખો તરફ લંબાયો ને આંસું લુંછીને જ રહ્યો. ભાવિ પતિના શરીરે લગ્ન પહેલાં હાથ અડાડીને જાણે મહાપાપ કર્યું હોય તેમ ભાવના શરમની મારી લાલચોળ થઈ ગઈ અને પરસેવાથી પણ રેબઝેબ થઈ ગઈ.

આમ બન્નેના લાગણીભાવને એકરૂપ કરીને બન્ને છુંટાં પડ્યાં.મેળેથી ઘેર આવીને ભાવનાએ પ્રતાપનાં આંસું લુંછેલ ચુંદડીના એ છેડાને કાતરથી કાપીને પોતાના બટવામાં મુકી દીધો.

ભાવનાના ગામમાં ચાર ધોરણની પ્રાથમિક શાળા છે. શાળામાં ભણાવતાં હેમલતાબેન ભાવનાના પડોશમાં જ રહે છે.ભાવનાએ બહેન સાથે ઘરોબો વધારી દીધો.ઘરનું કામ-કાજ આટોપીને બહેનના ઘરે જઈને વિવિધ રસોઈ શીખવી, અંગ્રેજી શબ્દો અને વાક્યો શીખવાં.....આ જ ભાવનાનો નિત્યક્રમ બની ગયો.ભાભીઓ અને બહેનપણીઓની મીઠી મશ્કરી બની ગઈ ભાવના.'લ્યો,આ ધણી મોટો ભણેશરી છે તે બેનબાનેય ભણવાના કોડ જાગ્યા!'

મીઠી મશ્કરીઓ તો ભાવનનાને શેર શેર લોહી ચડાવતી હતી.ચિંતા હતી તો માત્ર ભાવનાનાં માબાપને હતી.એમને તો મેળામાં અપાયેલ કોલની વાતનીયે ખબર હતી અને ભાવનાયે લીધેલ ટેકની પણ ખબર હતી પરંતુ આ તો માબાપનો જીવ! એટલે તો ચાર પાંચ મહિને નિયમિત વેવાઈના ઘરનો તાગ મેળવી લેતાં હતાં ભાવનાનાં માબાપ. ખાધે પીધે પ્રમાણમાં ઠીક ઠીક કહી શકાય એવો ભાવનાનો પરિવાર.એક નાનો ભાઈ અને માતા-પિતા -આમ ચાર જણનું કુટુંબ એટલે બીજી કોઈ ઝાઝી ફિકર નહીં.

સમય વીતતો રહ્યો.વાર તહેવારે રંજન દ્વારા ભાવના અને પ્રતાપ એકબીજાના ખબર અંતર પુછતાં જ રહ્યાં.એકબીજાનું સાનિધ્ય અનુભવવા પ્રતાપ પાસે રૂમાલ હતો તો ભાવના પાસે પ્રતાપનાં આંસુંથી ખરડાયેલ ચુંદડીનો છેડો.

આખરે પ્રતાપ એમબીએ થઈ ગયો ને એક ફાયનાન્સ કંપનીમાં નોકરી પણ મળી ગઈ.

ભાવનાની ખુશીનો પાર નહોતો.ભાવનાની ટેક પુરી કરવાનો સમય આવી ગયો અને લગ્નનો પણ,પરંતું કુદરતને કંઈક બીજું જ મંજુર હતું કે શું?

પ્રતાપને એ સમયે ખુબ ઉંચી પદવી કહી શકાય એવી નોકરી મળતાં જ પ્રતાપના પિતાજી સાતમા આસમાનમાં વિહરવા લાગ્યા.સમાજ તો ટાંપીને જ બેઠો હતો. દિકરીઓમાં પણ ઉચ્ચ અભ્યાસનો યુગ શરૂ થઈ ગયો હતો.ભણેલ દિકરીઓના માબાપનો પ્રતાપના ઘેર ધસારો વધી ગયો.ચડામણીઓ શરૂ થઈ ગઈ.

એમબીએ થયેલ દિકરાનું સગપણ માત્ર ચાર ધોરણ ભણેલી કન્યા સાથે? પ્રતાપના પિતાજીનો તોર વધતો ગયો ને છેવટે એક કોલેજ કરતી છોકરી ઉપર પસંદગી ઢોળાઈ.
સમાચાર મળતાં જ પ્રતાપ હાંફળો ફાંફળો ઘેર દોડી આવ્યો.એને તો અત્યાર સુધી એમ જ હતું કે, ભાવના સાથે લગ્નની તૈયારીઓ હવે જલ્દી શરૂ થઈ જશે.આવીને તરત જ પિતાજી સાથે વાતચીત કરી ને થોડી શરમ છોડીને ખચકાતાં ખચકાતાં પ્રતાપે કહ્યું ,"બાપુ! મારે ભાવના સિવાય બીજું કોઈ ના જોઈએ. હું એને વચન આપી ચુક્યો છું.એણે મારી સાત સાત વરસ રાહ જોઈ છે."

દિકરાની વાત પર કોઈ ધ્યાન જ ના હોય તેમ પ્રતાપના પિતાજી ગર્વભેર બોલ્યાં,"બેટા !ક્યાં એમનું ગરીબ ખોરડું અને ક્યાં આપણે? એવી કન્યાથી મારુ આંગણું ના શોભે. હું તારા ભલા અને આપણા પરિવારના સુખ માટે કહી રહ્યો છું."

પ્રતાપ સમજાવતો રહ્યો, વિનંતી કરતો રહ્યો પરંતું પથ્થર પર પાણી!
એમાંય જમાનાના ખાધેલ પિતાજીએ અંતિમ તીર છોડ્યું,"જો પ્રતાપ! તારે મને જીવતો ભાળવો હોય તો આ સબંધ ફોક કરી દે અને આ જે માગું આવ્યું છે એ સ્વિકારી લે."પ્રતાપના હાથ હેઠા પડ્યા.

વાત વાયુવેગે સમાજમાં પ્રસરી ગઈ.ભાવનાના પરિવાર સુધી પહોંચતાં તો શું વાર લાગે પછી?

ભાવનાનાં માબાપને જે ભીતિ હતી એ જ થયું. ભાવના હચમચી ગઈ પરંતુ એને ઉંડે ઉંડે શું વિશ્વાસ હતો એ તો ભાવના જ કહી શકે.
પ્રતાપ એના પિતાજીની પસંદગી જીગિષા સાથે રાજદૂત મોટરસાયકલ પર શહેરમાં બગીચે ફરવા જઈ રહ્યો હતો.એને ના કોઈ હરખ હતો કે ના કોઈ ઈચ્છા, આકાંક્ષાઓ.બસ એ તો હાલતું ચાલતું યંત્ર બની ગયો હતો.વિચારહીન અવસ્થામાં મોટરસાયકલ પરનો કાબુ ગુમાવતાં જ અથડાયો રસ્તાની બાજુમાં ઉભેલ ઝાડ સાથે. માથામાં ખાસ્સું એવું વાગ્યું.જીગિષાના હાથ પગ છોલાયા.

દવાખાને દાખલ કરાયાં બન્ને જણને. મગજ ઉપર માર પડેલ હોવાથી પ્રતાપે મગજ સંતુલન ગુમાવી દીધું હતું. ઘણી બધી સારવાર પછી પણ પ્રતાપને સારુ ના થયું.

સદાય સદાબહાર પ્રતાપ ગાંડો બનીને ઘેર આવ્યો.
જીગિષા સાથેનો સબંધ જીગિષાનાં માબાપે ફોક કર્યો. 'ગાંડાને કોણ દિકરી આપે! એમ કહીને.'

આખી ઘટનાની વાત ભાવના સુધી પહોંચી. ભાવનાને રંજન દ્વારા સમાચાર તો બધા મળેલ જ હતા કે, 'પ્રતાપની નવા સબંધ માટે ચોખ્ખી ના હતી પરંતુ એના પિતાજીએ મોતની ધમકી આપીને પ્રતાપ પાસે પરાણે હા પડાવી હતી.'

અત્યારે તો ભાવનાને એક જ ચિંતા હતી પ્રતાપના ગાંડપણની.મનમાં કંઈક ગાંઠ વાળીને ભાવના એક દિવસ તેના પિતાજી પાસે નીચું જોઈને ઉભી રહી.પિતાજીએ પુછ્યું, "શું કહેવું છે દિકરી?"

કાયમ માબાપ સામે મર્યાદાશીલ રહેતી ભાવના આંખોમાં આંસુ સાથે શરમાતાં શરમાતાં બોલી,"બાપુ મને રંજન સાથે"એમના" ઘેર એકવાર જવા દેશો?મારી પગરખાં પહેરવાની ટેક પુરી કરવા!"

પિતાજીને ટેકની ખબર તો હતી જ છતાંય બોલ્યા, "બેટા!આપણા પરિવારની આબરૂના લીરેલીરા ઉડાડ્યા છે એ લોકોએ.સમાજના રીત રિવાજ મુજબ સબંધ પણ છુટો થયો છે.પરંતું મને ખબર છે કે છોકરાનો કોઈ વાંક નહોતો એટલે માત્ર એકવાર તને જવાની ના નઈ પાડું.તને ઉંડે ઉંડે વિશ્વાસ હોય તો જઈ આવ એકવાર."

એટલું કહીને ભાવનાના પિતાજી ભીની આંખે સરકી ગયા ત્યાંથી.
ભાવના પિતાજીની વેદના સમજી શકતી હતી....
બીજા દિવસે ભાવના અને રંજન નિકળ્યાં પ્રતાપને ગામ જવા.રંજને સવારના અગિયારેક વાગે પ્રતાપના ઘરની ડેલી ખખડાવી.પ્રતાપની માતાએ દરવાજો ખોલ્યો ને આગંતુકને ઓળખવાનો પ્રયત્ન કર્યો. રંજન તો કુટુંબની વહુવારુ હતી એટલે ઓળખી ગયાં પરંતુ ભાવનાને ઓળખવામાં વિલંબ થયો.આમેય છેલ્લા સમયની પરિસ્થિતિથી ભાવના સાવ લેવાઈ ગઈ હતી.પ્રતાપનાં માતા ભાવનાને ઓળખે એ પહેલાં તો એ સડસડાટ ઓસરીમાં ખાટલા પર બેઠેલ પ્રતાપ સામે જઈને ઉભી રહી ને એકીટશે પ્રતાપને જોવા લાગી.
પ્રતાપનો શુષ્ક અને ભાવહીન નિસ્તેજ ચહેરો અને એમાંય પાછું ગાંડપણ ભરેલું હાસ્ય! સમસમી ગઈ ભાવના.

કંઈક તાકાત ભેગી કરીને ભાવના ધીમેથી બોલી,"હું ભાવના.મેળામાં મહાદેવના મંદિરના દરવાજા પાસે આપણે મળ્યાં હતાં એ ભાવના. ભરત ભરેલો રૂમાલ કે જેના ખુણામાં તમારુ નામ ચિતર્યું હતું એ તમને આપનાર હું ભાવના.તમને નોકરી નહી મળે ત્યાં સુધી પગમાં પગરખાં નહીં પહેરુ એવી ભોળાનાથની સામે ટેક લેનાર હું ભાવના."

પ્રતાપ એકીટશે ભાવનાને જોઈ રહ્યો.એનું હાસ્ય તો અટકી ગયું પરંતું ચહેરા પર અન્ય કોઈ ફેરફાર ના દેખાયો.

હ્રદયને કઠણ કરવાની લાખ કોશિશ છતાંય લાગણીપ્રવાહમાં ખેંચાઈ ગઈ ભાવના! એની આંખોમાંથી બોર બોર જેવડાં આંસું ટપકવા લાગ્યાં.

રડતી આંખે ભાવનાએ ફરીથી એ જ વાક્યો દોહરાવ્યાં.પ્રતાપ થોડો ટટ્ટાર થયો.એ અમિનેષ નજરે ભાવનાને જોઈ જ રહ્યો.
ત્રીજી વખત ભાવનાએ એ જ વાક્યોનું પુનરાવર્તન કર્યું.પ્રતાપ ખાટલામાંથી ઉઠીને સાવ ભાવનાની નજીક આવ્યો.એ કંઈક યાદ કરતો હોય તેમ તેની આખો ચકળવકળ થવા લાગી.

ભાવનાએ એકદમ લાગણીમય બનીને ચોથી વખત વાક્યો દોહરાવ્યાં.
ચમત્કાર થયો જાણે! પ્રતાપનું ગાંડપણનું હાસ્ય ભાવનાના વાક્યો સાથે ક્યારનુંય કરમાઈ ચુક્યું હતું.એની પાંપણો પર અશ્રુબિંદ બાઝતાં ગયાં,ધીરેધીરે આંખો ચૂવા લાગી ને પ્રતાપના મોંઢામાંથી તૂટક તૂટક અક્ષરો સર્યા.... "ભા...વ.. ના...... "

જાણે ભાવના કોઈ જાદુ કરી રહી હોય એવું અજબ બની રહ્યું હતું. હા,એ જાદુ જ હતું. સાત્વિક,નિર્ભેળ અને નિર્દોષ પ્રેમનું જાદુ.પ્રતાપ સંપૂર્ણ ભાનમાં આવી ગયો.એણે ફરીથી "ભાવના" નામ દોહરાવ્યું ને એ ભાવનાને જોતો જ રહ્યો.

એ સમયે ગામડા ગામમાં કોઈ દિકરી એના સબંધ ભગ્ન થયેલ સાસરીયામાં ગઈ હોય એ અચરજભર્યું હતું ને એટલે જ ત્યાં ભીડ એકઠી થઈ ગઈ હતી અને આ બધું કુતુહલવશ જોઈ રહી હતી.

ભાવનાની ખુશીનો કોઈ પાર નહોતો.છતાંય ભાવનાએ જલ્દીથી બધા માનસિક આવેગો ખંખેરી નાખ્યા. પ્રતાપ બીજું કંઈ બોલે એના પહેલાં તો થેલીમાંથી પગરખાં કાઢીને પ્રતાપને વિનંતીભર્યા સ્વરે કહ્યું, "લ્યો આ પગરખાં ને હાથમાં લઈને મને પાછાં આપો તો હું મારી ટેક પુરી કરુ.તમને નોકરી મળી ગઈ છે."
પ્રતાપ પગરખાં હાથમાં લઈને ભાવનાને પહેરાવવા આગળ વધ્યો પરંતું ભાવનાએ પગરખાં લઈ લીધાં ને ચાલવા માંડી.

પ્રતાપે "ભાવના!મારી ભાવના.ઉભી રહે ભાવના.મને બે શબ્દો બોલવા દે"-શબ્દો પોકાર્યા જે ભાવનાની પીઠ પર પડઘાઈ રહ્યા હતા.
ભાવના ડેલીએ પહોંચી ગઈ ત્યારે રૂદનભર્યો અને દબાયેલ અવાજ આવ્યો, "બેટા ભાવનાવહુ! તમે તમારી ટેક તો પૂરી કરી પરંતુ હું મોટાઈ અને અભિમાનથી ભરેલો તમારો સસરો ટેક લઉં છું કે,જ્યાં સુધી તમારાં કંકુ પગલાં આ ઘરમાં નહીં થાય ત્યાં સુધી પ્રતાપના સોગંદ ખાઈને કહું છું કે, મારા માટે અન્ન જળ હરામ છે."

ભાવનાના પગ જમીન સાથે ખોડાઈ ગયા.
વીસમી સદીના એંસીના દાયકાનું ગામડા ગામનું અજીબ પ્રણયદ્રશ્ય સર્જાયું.પ્રતાપ ભાવનાના જમણા ખભે હાથ મુકીને ઉભો હતો.બન્ને નિતરતા નયને એકમેકને તાકી રહ્યાં હતાં અને પ્રતાપનાં માતાપિતા બન્નેના માથા પર હાથ મુકીને કરેલ ભૂલને પસ્તાવા સ્વરૂપે વહાવી રહ્યાં હતાં.

ઘડીભરમાં તો મોટા થાળમાં કંકુ ઘોળાયાં, ભાવનાને એમાં ઉભી રાખીને કંકુ પગલાં પડાયાં.
સાસુએ તો વહુનાં ઓવારણાં લીધાં પરંતુ સસરાએ તો પગલાંની ભાતના કંકુને માથે ચડાવ્યું.
પ્રતાપના ઘરના લોકો ને પોતાની ભૂલ સમજાણી જેણે ખરાબ સમયમાં પણ પ્રતાપ નો સાથ નો છોડ્યો એ ભાવના જ હતી. અને એ જ પ્રતાપ માટે યોગ્ય છે.
આમ, ભાવના ને તેના પ્રેમ પર વિશ્વાસ હતો એટલે તે એના પ્રેમને પામી શકી.

પછીતો ધામધૂમથી બંને ના લગ્ન થયા અને વર્ષોના ત્યાગ, પરિશ્રમ, મહેનત અને સમર્પણ પસી બંને એ એક નવા સુંદર જીવનની શરૂઆત કરી.

પૂર્ણ....
.......................