શીર્ષક : લુપ્ત ખજાનો
©લેખક : કમલેશ જોષી
હમણાં એક કોલેજના ફેરવેલ ફન્કશનમાં વિદ્યાર્થીઓએ ટ્રસ્ટીઓ, પ્રાધ્યાપકો વગેરેનું સન્માન કર્યું ત્યારે જેટલી તાળીઓ પડી એના કરતાં વધુ તાળીઓ જયારે સ્ટેજ પર સન્માન માટે પટ્ટાવાળા, ચોકીદાર અને સ્વીપરને બોલાવવામાં આવ્યા ત્યારે પડી. સાધારણ સાડી પહેરેલા સ્વીપર બહેનને જયારે સ્કોલર વિદ્યાર્થીનીએ પુષ્પગુચ્છ આપ્યું ત્યારે એ બહેન ચકળવકળ આંખે ઉપરી સાહેબો સામે લળી-લળીને નમન કરતા હતા અને એમની આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી. એવી જ હાલત ચોકીદાર અને પટ્ટાવાળા ભાઈઓની હતી. જાણે સ્વર્ગ હાથ વેંત છેટું હોય એવો ભાવ એ તમામના હૃદયને ભીંજવી રહ્યો હતો. માણસ પદ, પ્રતિષ્ઠા અને પૈસાનો ભૂખ્યો છે એનાથી અનેક ગણી વધુ ભૂખ એને કદરની, માન-સન્માનની છે. અમારા ક્લાસરૂમના બોર્ડ પર એક સુંદર સુવિચાર વાંચેલો યાદ છે: તમે જયારે કોઈ સુંદર કાર્યને વખાણો છો, એની કદર કરો છો ત્યારે એ કાર્યના કર્તાને એવા વધુ સત્કાર્યો કરવાની પ્રેરણા મળે છે. એથી ઉલટું જે સત્કાર્યોને સન્માનવામાં નથી આવતા એ સત્કાર્યો ધીરે-ધીરે સમાજમાંથી લુપ્ત થઈ જાય છે, ગુમ થઈ જાય છે.
તમે જ બે મિનિટ માટે તમારા બાળપણ અને યુવાનીના દિવસો યાદ કરી જુઓ. કેટલીય એવી પ્રવૃતિઓ અને વ્યક્તિઓ તમારી નજર સમક્ષ પ્રગટ થશે જેણે તમારા બાળપણ અને યુવાનીને યાદગાર બનાવ્યા હોય. એક વડીલે કહ્યું: અમારી સોસાયટીમાં એક સજ્જન ‘ખડી લાયબ્રેરી’ ચલાવતા. સોસાયટીના ચારેય ચોકમાં વારાફરતી એ પોતાની રેકડી ઉભી રાખતા અને નજીકની શેરીમાં રહેતા વાચક મિત્રો રેકડી પાસે આવી જુનું પુસ્તક જમા કરાવી દેતા અને નવું પુસ્તક લઈ જતા. એ ‘ખડી લાયબ્રેરીની પ્રવૃત્તિ’ અને ‘એ સજ્જન’ મારા જેવા અનેક લોકો માટે ગોલ્ડન મેમરી બની ગયા છે. અમને ખબર જ નથી કે ક્યારે એ પ્રવૃત્તિ બંધ થઈ ગઈ અને એ સજ્જન પણ ધીરે-ધીરે દેખાતા બંધ થઈ ગયા. વર્ષો બાદ એમના અવસાનના સમાચાર સાંભળી ઓફિસમાં બેઠા-બેઠા આંખોમાંથી બે અશ્રુબુન્દ સાચે જ સરી પડ્યા હતા. દર રવિવારે સોસાયટીના મંદિરે યોજાતી ‘બાલ સભા’, દર શુક્રવારે છેલ્લી શેરીમાં રહેતા એક સદગૃહસ્થ દ્વારા થતું ડબ્બી ભરી ‘દાળિયા’નું વિતરણ, કેટલાક વડીલો-ભાઈઓ-બહેનો દ્વારા રોજ સવારે ખંજીરા-મંજીરા સાથે નીકળતી ભક્તિ ભજનો વાળી ‘પ્રભાત ફેરી’, મંદિરના પૂજારી કાકા અને કેટલાક ભાવિક ભક્તો દ્વારા રોજ સાંજે આરતી પછી ગવાતા ભાવ-ભક્તિથી પ્રચુર ભજનો, કેટલાક યુવાનીયાઓ દ્વારા રામનવમી કે જન્માષ્ટમીના દિવસોમાં થાળી વગાડી થતા શેરી નાટકો અને એવું ઘણું બધું સાત્વિક-પોષક અને પ્રેરક હતું જેણે મારા, તમારા બાળપણને અને યુવાનીને ખુબ સજાવ્યું, શણગાર્યું અને સોનાનું બનાવ્યું છે પણ કોણ જાણે કેમ અત્યારે એ બધું જ માત્ર ‘યાદ’ બની ગયું છે. ભીતરે એક ડંખ ચોક્કસ કોરી ખાય છે કે આવનારી પેઢીને આ તમામ ‘ગોલ્ડન વારસો’ હેન્ડ ઓવર કરવામાં આપણે નિષ્ફળ રહ્યા છીએ અથવા બેદરકાર રહ્યા છીએ.
એક યુવાને જયારે પૂછ્યું ‘મોઈ દાંડિયા’ એટલે શું? ત્યારે જાણે ભીતરે શૂળ ભોંકાયું હોય એવો અહેસાસ થયો. એક આખી પેઢી મોઈ-દાંડિયા, લખોટી, ગરીયા-ઝારી, મિનિ-ઠેકામણી, ડાબલા-ડુલ, થપ્પો, લંગડી, બત્રીસ-પુતળીનો ખેલ, મદારી-દેરાણી-જેઠાણી, ઘુઘરીયાળો બાવો, રામ-રોટી વાળા દાદા અને ઝાલર-નગારા-ઘંટ વાળી લાઈવ આરતીથી જાણે વંચિત રહી ગઈ. તમે જ કહો તમારી શેરીમાં આંધળો-પાટો રમતા બાળકો તમે ક્યારે જોયા હતા? બેની બદલે બાર પેઢી બેઠી-બેઠી ખાય તોય ન ખૂટે એટલો રૂપિયો ભેગો કરવાની લ્હાયમાં હું અને તમે બોંતેર પેઢીને સદાય મનદુરસ્ત અને તનદુરસ્ત રાખે એવો ‘અસલી ખજાનો’ ક્યાંક ગુમાવી તો નથી બેઠા ને? માન સન્માનના અભાવે શેરી મૂકી કોઈ સજ્જન કે સ્કૂલ મૂકી કોઈ ઉમદા શિક્ષક કે સમાજ મૂકી કોઈ સેવાભાવી સંત કે ભરી સભા મૂકી કાનુડો જતો રહે અને આપણા પેટનું પાણી પણ ન હલે એ આપણા હાયલી ઇન્ટેલીજન્ટ કે સુપર ડેવલપ્ડ કે આધુનિક-મોર્ડન માનવ અને સમાજ હોવા સામે મોટો બધો પ્રશ્નાર્થ નથી?
જાગૃત હોવાનો અર્થ ફેસબુક કે વોટ્સઅપ પર મેસેજીસ ફોરવર્ડ કર્યે રાખવા કે દરેક બાબતે જ્ઞાનચંદ અને રાયચંદ બની ઉપદેશો-સલાહો અને સૂચનો આપ્યે રાખવા એવી ભ્રામક સમજ મારી અને તમારી તો નથી જ એવી મને ખાતરી છે. આજેય જો તમે માત્ર તમારી શેરી અને ઓફિસ પૂરતા કૃષ્ણ બની સત્ય અને ધર્મની બાજુમાં ‘હથિયાર ઉપાડ્યા વગર’ ખાલી અદબ વાળીને ઉભા રહેશો તોયે આખે આખું યુદ્ધ જીતી જવાની તાકાતવાળા પોઝીટીવ અર્જુનો આખે આખી નેગેટીવ કૌરવ સેનાને મ્હાત આપવા સક્ષમ છે. પણ.. અફસોસ કે મારા તમારા જેવા અનેક કૃષ્ણ ચાહકો ભૂલથી કે ડરથી નેગેટીવ બદમાશોના પક્ષમાં અને ઈમાનદાર, સરળ લોકોની વિરુદ્ધમાં છાતી કાઢીને ઉભા રહી ગયા છીએ. સરળ અને સજ્જન લોકોને પ્રશ્નો અને કમેન્ટ દ્વારા પજવતા સમજુ લોકો કૃષ્ણ કાનુડાના હૃદયમાં પણ શૂળની જેમ ખુંચતા નહિ હોય?
મિત્રો, આજનો રવિવાર સમાજમાં રહેલું પ્યોર ગોલ્ડ, સમાજ છોડી જતું રહે, લુપ્ત થઈ જાય એ પહેલા એને ઓળખી, એને બિરદાવીને કાનુડાનું પૂજન કરીએ તો કેવું? કાનુડો કહીને જ ગયો હતો કે હું ‘ધર્મ સંસ્થાપના’ કરવા આવ્યો છું. એ સમયના લોકોએ (કદાચ ત્યારે પણ હું અને તમે જ હોઈશું) કાનુડાએ આપેલો શુદ્ધ ખજાનો એઝ ઈટ ઇઝ જાળવી રાખ્યો હોત તો આજે આપણે જે રીતે સાત-આઠ દાયકા જીવીએ છીએ એના કરતા સાવ જુદી જ રીતે જિંદગી જીવતા હોત એવું તમને નથી લાગતું? ખેર હજુ તો પાંચ હજાર વર્ષ જ વીત્યા છે, કાનુડાની વાંસળીના સૂર હજુયે ધીમા પણ મધુર સંભળાઈ રહ્યા છે ત્યારે થોડી મહેનત કરીશું તો આપણી ગલીને ગોકુળિયું ગામ અને આપણા વિસ્તારને વૃંદાવન બનાવવામાં એટલી મહેનત નહિ પડે જેટલી વીસ-પચ્ચીસ હજાર વર્ષ વીતી ગયા પછી પડશે. તમે આ દિશામાં સહેજ વિચાર કરશો તો પણ ગોવર્ધન પર્વત આખેઆખો ઉપાડી લેનાર કાનુડો તમારી ભીતરે પ્રસન્ન થઈ જશે એની મારી સો ટકા ગેરંટી..
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)