સમીર પેલા પેઈન્ટ પ્રમાણે પેલા ગુનેગારને પકડવા માટે બે થી ત્રણ દિવસ સુધી ખૂબજ દોડા દોડ કરે છે પણ તે પકડાતો નથી કે કોઈ લીંક પણ પકડાતી નથી તેથી તે નિરાશ થઈ જાય છે અને ત્રણ દિવસ પછીથી ફરીથી તે પરીને ફોન કરે છે અને પોલીસ સ્ટેશને બોલાવે છે. આ વાત જાણીને કવિશા દેવાંશને કોમેન્ટ કરે છે કે, "શું કરે છે તારો ભાઈ, એક ગુનેગારને નથી પકડી શકતો?"
"એમ, ડ્રગ્સ વેચવાવાળા પકડાઈ જતા હોય તો તો જોઈતું તું જ શું? આ તો આખી ગેંગ હોય અને તેમની જગ્યાઓ રોજ બદલાતી રહેતી હોય તેમ સહેલું થોડું છે તેમને પકડવું? સમીરે દિવસ રાત એક કર્યા છે તો પણ નથી પકડાતાં, પકડાઈ જશે." કવિશાએ કોમેન્ટ કરી તે દેવાંશને લાગી આવ્યું અને તે એકજ શ્વાસે આ બધુંજ બોલી ગયો.
હવે આગળ...
હવે સમીર ગુનેગારને પકડવા માટે કોઈ નવો કીમિયો ઘડી રહ્યો છે અને માટે જ તેણે પરીને પોલીસ સ્ટેશને બોલાવી છે. પરી ઓટો કરીને પોલીસ સ્ટેશને આવી જાય છે પણ સમીર હાજર હોતો નથી એટલે તેને માટે વેઈટ કરે છે. થોડીવાર પછી સમીર આવી જાય છે એટલે સમીર પરીને પોતાની કેબિનમાં બોલાવે છે ચા પાણીનું પૂછે છે અને પહેલા જ્યારે આકાશ તેને મળવા માટે આવ્યો હતો ત્યારે જે જે જગ્યાએ તેને લઈ ગયો હોય ત્યાં ત્યાં પોતાને લઈ જવા માટે જણાવે છે અને પોતાનો નવો પ્લાન તેને સમજાવે છે. પરી સમીરની સાથે તેની કારમાં પહેલા જ્યાં જ્યાં આકાશ તેને લઈને ગયો હતો ત્યાં બધેજ લઈ જાય છે અને સમીર આ દરેક જગ્યાના પોતાના મોબાઈલમાં ફોટા પાડી લે છે અને લોકેશન પણ નાંખી દે છે જેથી તે ફરીથી છાપો મારવા માટે આ જગ્યાએ સહેલાઈથી આવી શકે અને તે પરીને જો આકાશનો ફોટો તેના મોબાઈલમાં હોય તો બતાવવા માટે કહે છે. પરીએ પોતાના નાનીમાને ત્યાં હવન હતું ત્યારે આકાશ સાથે બે ચાર ફોટા પડાવ્યા હતા તે પોતાના મોબાઈલમાંથી શોધી કાઢે છે અને સમીરને બતાવે છે.
આકાશના ફોટા જોઈને સમીર પણ વિચારમાં પડી જાય છે કે, ખૂબજ સારા ખાનદાન ઘરનો દેખાતો આ છોકરો કોઈની ખરાબ સોબતે ચડી ગયો લાગે છે અને માટે જ આ ડ્રગ્સના ધંધામાં ફસાઈ ગયો છે અને આ એવો કાદવ છે કે તેમાંથી બહાર નીકળવું ખૂબજ મુશ્કેલ જ નહીં પણ નામુમકીન છે એકવાર આવા ધંધામાં સંડોવાયા પછીથી એ લોકો તમને બહાર જ નીકળવા દેતા નથી અને જો તમે નીકળવાની કોશિશ કરો તો તમારું ખૂન કરાવી દે છે અને કોઈને તેની ગંધ પણ નથી આવતી. સમીર વિચારે છે કે સારા સારા ઘરના છોકરાઓ અને છોકરીઓ શું કામ આવા ખરાબ વ્યસનો પાછળ ભાગતા હશે અને આમાં સંડોવાતા હશે કદાચ તેમને કોઈ પ્રોપર ગાઈડ લાઈન નહીં મળતી હોય તેવું બની શકે અને આ બધાજ વિચારો સાથે તેણે એક ઉંડો શ્વાસ લીધો. પરી તેને ક્યારની કંઈક પૂછી રહી હતી પરંતુ તે વિચારોમાં ખોવાયેલો હતો અને પછીથી તેણે પરીની સામે જોયું અને તે બોલ્યો કે, "હા બોલ શું કહેતી હતી?"
"અરે યાર, ક્યાં ખોવાઈ જાય છે તું?"
"અરે એ તો આ આકાશ જેવા સારા સારા ઘરના કેટલાય છોકરાઓ આવા ખરાબ ધંધામાં ફસાઈ જતા હશે જેમનું કોઈ ભવિષ્ય જ નહીં રહેતું હોય..!!"
"સાચી વાત છે સમીર તારી, અત્યારનું જનરેશન અમુક વ્યસનો કરવામાં પોતાની જાતને જાણે મહાન સમજે છે અને દેખાદેખીમાં આ બધું જ કર્યે જાય છે તેમને આના પરિણામની ગંભીરતાનું ભાન શુધ્ધાં નથી હોતું અને ગંધ શુધ્ધાં નથી આવતી અને એકવાર આ દલદલમાં ફસાયા પછી બરબાદ થઈ જાય છે તેમનાં મોમ અને ડેડની ઈજ્જત પણ જાય છે અને તેઓ પોતાના છોકરાઓને પણ છોકરીઓને પણ ખોઈ બેસે છે." અને પરીએ જાણે નિસાસો નાંખ્યો.. પરી નિરાશ અવાજે આ બધું જ બોલી રહી હતી.
"આકાશનો ફોટો મને વોટ્સએપ કરી દે ને"
"હા ઓકે."
અને પરીએ આકાશનો ફોટો સમીરને વોટ્સએપ કર્યો અને હવે બંને પાછા વળી રહ્યા હતા એટલે પરીએ સમીરને કહ્યું કે, "મને મારી કોલેજ પાસે જ ડ્રોપ કરી જા ને.."
"ઓકે" કહીને સમીરે પોતાની કાર પરીની કોલેજ તરફ વાળી.
આજે પણ ફરીથી પરી કોલેજ કેમ્પસમાં સમીરની કારમાંથી નીચે ઉતરી એટલે કેમ્પસમાં ઉભેલા બધાજ તેની સામે જોઈ રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે, હવે આનું નામ ન લેવાય આ પોલીસ ઇન્સ્પેકટર આનો બેસ્ટ ફ્રેન્ડ લાગે છે.
પરી સમીરને કોમેન્ટ કરતાં કહે છે કે, "મેં તને બહાર ઉતારવા કહ્યું હતું."
સમીરે પણ સાંભળ્યું હતું પણ તેને પણ પરીને ડ્રોપ કરવા માટે કોલેજ કેમ્પસમાં જ આવવું હતું એટલે તે બોલ્યો, "જો બહાર ઉતારીને ગયો હોત તો આ બધા તારી સામે જુએ છે તેમ એકી નજરે ન જોયા કરત એટલે જ અંદર આવ્યો..અને પછીથી હસ્યો અને આગળ બોલ્યો કે, કોલેજમાં જરા તારો દબદબો રહે ને.."
"તું પણ ખરો છે..અને પરી ખડખડાટ હસી પડી અને તેને હસતાં જોઈને સમીર પણ હસી પડ્યો અને બોલ્યો, "ઓકે ચલ બાય તો મળીએ પછીથી અને તેણે પરીની સામે હાથ લંબાવ્યો એટલે પરીએ પોતાનો નાજુક નમણો હાથ સમીરના હાથમાં મૂક્યો અને સમીરની સામે જોયું અને, "બાય" એટલું બોલી અને કારનો દરવાજો બંધ કરીને પોતાના ક્લાસ તરફ રવાના થઇ સમીરે પણ પોતાની કારનો ટર્ન લીધો અને પોતાના કામે જવા માટે નીકળી ગયો...
શું હવે નવા લોકેશન ઉપરથી સમીર ડ્રગ્સની ટોળકીને પકડી શકશે કે આકાશને પકડવા માટે તેને અમદાવાદ સુધી લાંબા થવું પડશે?
જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે.... આપે પણ આપના અમુલ્ય પ્રતિભાવ ધ્વારા અચૂક મને જણાવવાનું છે કે આ ડ્રગ્સની ટોળકી ક્યાંથી પકડાય તેમ લાગે છે? હું આપના અમુલ્ય પ્રતિભાવની રાહ જોઈ રહી છું.
~ આપની
જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
2/6/23