અફસોસ
સતત આવતા ઉધરસના ઠહકાથી આંખો રૂમ ગુંજી ઉઠ્યો. તેણે બેડ પર સુતા સુતા જ સાઈડ ટેબલ પર પડેલ પાણીનો ગ્લાસ પકડવાની કોશિશ કરી, પરંતુ એકદમ આવતી ઉધરસના કારણે હાથનો ધક્કો લાગ્યોને ગ્લાસ નીચે પડી ગયો. મા... પોતાની પત્ની માલતીને બોલાવવા પ્રયત્ન કર્યો,પણ શબ્દો ગળામાં અટવાઈ ગયા. ફરીવાર પ્રયત્ન કર્યો, પરંતુ મોંમાંથી શબ્દો નીકળે તે પહેલાં તો ઉધરસ શરૂ થઇ જતી.
તેણે ધીમે ધીમે બેડ પરથી ઉભા થવાનો પ્રયત્ન કર્યો, પરંતુ શરીર પણ સાથ ના આપતું હોય તેમ ફસડાઈ પડ્યો. થોડીવાર એમ જ પડ્યા રહ્યા પછી ફરી ઉઠવાનો પ્રયત્ન કર્યો. ધ્રુજતાં હાથે બેડની કોરને પકડી ઉભો થયો,અને હાંફવા લાગ્યો. બેડની બાજુમાં દીવાલ પર લગાડેલ અરીસા તરફ તેની નજર ગઈ.
એકીટસે પોતાની જાતને નિહાળવા લાગ્યો શ્રીકાંત મહેતા. ખૂબ મહેનતુ વળી પ્રામાણિક માણસ. રાત-દિવસ જોયા વિના સતત કામમાં રત રહી શ્રીકાંતે યુવાનીના ઉંબરે પહોચતા જે સ્વપ્ન જોયેલા તે અથાગ પ્રયત્નથી સાકાર થઇ ચુક્યા હતાં. માબાપની પસંદ કરેલ છોકરી સાથે લગ્ન કરી શ્રીકાંત ખૂબ જ સુખી હતો. પોતાની મહેનતથી એટલું તો ભેગું કરી લીધેલું કે તે અને તેના સંતાનોના સંતાનો બેઠાં-બેઠાં ખાય તો પણ ખૂટે તેમ નહોતું!
પણ આજે શ્રીકાંતને કઇંક ખૂટતું હોય તેવું લાગતું હતું. અરીસા સામે પોતાની જાતને નિહાળતાં તેની નજર આખા ધ્રુજી રહેલ શરીર પર ગઇ. પાંચ ફૂટની હાઈટ, માથા પર સફેદ અને ઓછા થઇ ગયેલા વાળ, ચહેરા પર પડેલ કરચલીને જોઈ એકદમ ઉદાસ થઈ ગયો. કારણકે આજે તે નિવૃત તો થઈ ગયેલો, પરંતુ એકલો પણ પડી ગયેલો! વળી પોતાની યાદદાસ્ત કમજોર થઈ ગઇ છે તેનું પણ ભાન થયું.
ધીમા ડગલે, ધ્રુજતાં હાથે દીવાલોનો સહારો લેતા તે બહાર કમ્પાઉન્ડમાં આવ્યો. હરિયાળી પથરાયેલ બગીચો વિવિધ ફૂલોની સુગંધથી મહેકી રહ્યો હતો. માલતીને ફૂલોનો ખૂબ શોખ. ઘરમાં નોકર હોવા છતાં પોતાનાં કામોમાંથી પરવારી બગીચામાં ફૂલ છોડ ઉગાડતી. રોજ તેને પાણી પાય. સુકાયેલ પાંદડા દૂર કરી સાફ કરે. આ રોજનો તેનો નિત્યક્રમ. તેણે આજુબાજુમાં નજર ફેરવતા ઝૂલા પર તેની નજર ગઈ. તેની આંખોમાં ભીનાશ આવી ગઈ અને આંખ સામેનું દ્રશ્ય ઝાંખું દેખાવા લાગ્યું. તે થોડી પળ માટે ભૂતકાળમાં ખોવાઈ ગયો.
“ આજે તો રવિવાર છે.” કામે જઈ રહેલ શ્રીકાંતને રોકતા માલતી બોલી, “ક્યારેક તો પરિવાર સાથે સમય વિતાવો.”
“ પરિવાર સાથે સમય વિતાવવા માટે તો કામ કરી રહ્યો છું.” માલતીના ગાલ પર હળવેથી ટપલી મારી.
“ સમય ક્યારે વીતાવશો?” માલતીના અવાજમાં ફરિયાદનો સુર ભળ્યો, “ અઠવાડિયાના સાત દિવસમાં એક કલાક પણ પરિવાર સાથે જમવાનો પણ સમય મળે છે ખરા?”
“ મળશે. એક દિવસ સમય મળશે. જયારે હું મારી ફરજોમાંથી નિવૃત થઈ જઈશ ત્યારે હું અને તું બંને આ ઝૂલા પર બેસી ઘણી બધી વાતો કરીશું.તારા આ નાજુક ખભા પર માથું ટેકવી તને સાંભળ્યા કરીશ. " કહેતા તે માલતીના ખભા પર માથું મુકવા ગયો ત્યાં માલતી શરમાઈને દૂર હટી ગઇ અને બન્ને હાથોથી પોતાનો ચહેરો ઢાંકી દીધો. શ્રીકાંતે માલતીના ચહેરા પરથી હાથ હટાવી વાત આગળ વધારી, " આપણે આપણા પૌત્ર કે પૌત્રીને ખોળામાં બેસી રમાડીશું. તેની સાથે ખૂબ મસ્તી કરીશું. જીવનની એ પળો એ રીતે વીતાવીશું કે અત્યારે તું એકાંતમાં રહે છે, તેની પણ ભરપાઈ થઈ જશે.”
નિવૃત્તિ સમયમાં એકબીજાની સાથે હસી મજાકથી સમય વિતાવવાના જોયેલા શમણાં સમયની ઝપાટે ભાંગીને ચૂરેચૂરા થઈ ગયા.
ધ્રુજતાં હાથે પોતાની આંખો લુંછી ડ્રોઈંગરૂમમાં પ્રવેશી સોફા પર ફસડાઈ પડ્યો. શ્વાસ એકદમ ચડી ગયો. હાંફતી છાતી પર હાથ રાખી આંખો બંધ કરી દીધી. જાણે યુવાનીમાં કરલ ઉધમનો થાક એકીસાથે આજે લાગ્યો હોય તેવું લાગતું હતું. થોડીવાર રહી તેને ધીમેથી આંખો ખોલી. સામેની દીવાલ પર સુખડના હાર ચડાવેલ છબી પર નજર પડતાં જ તેને આંખ મીંચી લીધી. દીવાલ પર લટકતી માલતી અને દીકરા અંકુરની છબી પણ જાણે એમ કહી રહી હતી કે , ‘આજે તમને સમય મળી ગયો?’ પોતાની પાસે કશો જવાબ ના હોય અને જવાબ આપવાની હિંમત પણ ના હોય તેમ શ્રીકાંતે આંખ આડા હાથ ધરી દીધાં, પણ વિચારો પર રોક થોડી લગાવી શકાય. વિચારોએ તેના મગજને ઘેરી લીધું.
વારંવાર એકને એક વાત કહેતી માલતી સાચું જ કહેતી હતી કે “ નિવૃત્તિ માણસનાં જીવનમાં આવે છે, ત્યારે જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા હોઈએ છીએ, પરંતુ ત્યારે સમય વિતાવવાવાળું સાથે ના હોય તો તે નિવૃત્તિ પણ નકામી લાગે છે. પરિવારની જરૂરીયાત પૂરી કરવા પૈસા મેળવવા રાત- દિવસ દોડો છો, તો પૈસા આવી ગયા પછી એ ગુમાવેલો સમય ક્યારેય નહી આવે. માટે માણસે પૈસા સાથે પરિવારને પણ મહત્વ આપવું જોઈએ.”
‘ માલતીની વાત ન સ્વીકારી મેં ગુનો જ કર્યો છે. અત્યારે બધું હોવા છતાં બધું ગુમાવી દીધું હોય તેવું લાગે છે. જે સમય ખર્ચી પૈસા ભેગા કર્યા, તે ભેગા થયેલ પૈસાથી ગુમાવેલ સમય તો હવે નહી ખરીદી શકું. જયારે મારી પાસે પરિવાર હતો ત્યારે તેની સાથે વિતાવવા માટે સમય નહોતો, આજે સમય છે તો પરિવાર જ નથી!...’
શ્રીકાંતને તે ગોઝારી ઘટનાની યાદ આવી ગઇ.
રોડ એક્સીડેન્ટમાં માલતી અને અંકુરને ગુમાવ્યાનો શ્રીકાંતને આઘાત લાગ્યો હતો. થોડા સમય બાદ સ્વસ્થ થયાં પછી ઘરે આવી તેને ઘરમાં નજર ફેરવી. તેને ચોતરફ નજર કરી તો દીવાલો સુનમુન બની તેની સામે જોઈ રહી હતી, જાણે તે દોષી હોય. ખરેખર તે દોષી જ હતો. કારણકે માલતી પતિ સાથે અને અંકુર પિતા સાથે સમય વિતાવવા માંગતો હતો, પણ પૈસાની ઘેલછામાં દોડતા શ્રીકાંતને કારણે મા- દીકરાના ભાગ્યમાં એકલતા જ આવી. આજે તે કર્મના ફળરૂપે શ્રીકાંત પોતે એકાંત ભોગવી રહ્યો હતો.
પીછો ન છોડી રહેલાં વિચારોમાંથી જાણે મુક્ત થવા માંગતો હોય તેમ તેણે ઊંડો નિસાસો નાખતા ડોક ધુણાવી. બે હાથ વચ્ચે માથું દબાવી પોતે પસ્તાવો કરી રહ્યો હતો, પણ અફસોસ કરવા સિવાય તેની પાસે બીજો કોઈ રસ્તો નહોતો.
*સમાપ્ત*