Runanubandh - 10 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ઋણાનુબંધ - 10

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ઋણાનુબંધ - 10

રઘુકાકાએ એકદિવસ અજયને પોતાની પાસે બોલાવ્યો, પ્રેમથી પૂછ્યું પણ ખરું કે, 'બેટા! તું શું ચિંતામાં રહે છે. મેં તારા ચહેરા પાછળની પીડા જોઈ છે. જો તું મને ખુલ્લામને કહીશ તો કદાચ હું તારી મદદ કરી શકું.'

અજયને જે હૂંફ એમના પેરેન્ટ્સથી જોઈતી હતી એ રઘુકાકાથી મળી હતી. રઘુકાકાના શબ્દોથી અજયના મનમાં પેસેલી બધી જ વેદના આંખોથી છલકી આવી હતી. અજય રઘુકાકાને વળગી પડ્યો હતો. આજ અજયે બધી જ પોતાના મનની વાત રઘુકાકાને જણાવી દીધી હતી. બસ, આ જ એ ઘડી હતી કે, જેના લીધે અજય રઘુકાકાને પોતાના સગાકાકા જેટલું જ માન આપતો થયો હતો. નાનપણથી લઈને અત્યાર સુધીની બધી જ એ જીણી બાબતો જેના લીધે એ પોતાનું ખરું અસ્તિત્વ ગુમાવતો રહ્યો એ બધું જ અજયે રઘુકાકાને ચિંતિત મને એકીશ્વાસે કહી જ દીધું હતું.

રઘુકાકાએ ખુબ ધીરજ રાખીને અજયના મનને સાંભળ્યું હતું. અજયે જયારે એની વાતને વિરામ આપ્યો, ત્યારે રઘુકાકાએ અજયને પાણીનો ગ્લાસ હાથમાં આપીને એને પાણી પીવડાવી થોડો શાંત કર્યો હતો. રઘુકાકાએ અજયને સમજાવતા કીધું, 'જો અજય ભૂતકાળમાં જે થયું એ ક્યારેય બદલી નથી જ શકવાના, પણ ભવિષ્યને કેમ સુધારવું એ ફક્ત તારા જ હાથમાં છે. તું ઈચ્છે એ તું કરી શકે એટલો તું સક્ષમ છે જ! બસ, ભૂતકાળને મહત્વ આપીને ભવિષ્યને ન બગાડ બેટા, જયારે પણ નાસીપાસ થાય ત્યારે તારાથી વધુ ખરાબ હાલતવાળા ની સાથે જાતને સરખાવી લેવી, આમ કરવાથી ભગવાન માટે આસ્થા પણ વધશે અને તને તારી પરિસ્થિતિથી થતો અણગમો પણ દૂર થઈ જશે. બેટા હું તો કઈ ભણ્યો નથી, પણ એટલું જરૂર જાણું છું કે આજ સાચવીએ તો કાલ જરૂર સુધરે જ છે. હજુ મોડું નથી થયું, આ બંને વર્ષનું સાથે ભણીને પરીક્ષા આપ તું જરૂર એમાં ખરો ઉતરીશ એમ મારુ મન કહે છે. બસ, થોડી જાત સાચવી લે, બાકી મારો ભગવાન તને સાચવી લેશે.' આટલું કહીને રઘુકાકાએ અજયના માથા પર હાથ મૂકીને સાંત્વના આપી હતી.

અજય રઘુકાકાના એક એક શબ્દને મનમાં ઉતારી રહ્યો હતો. રઘુકાકાના શબ્દોમાં ખુબ લાગણીઓ છલકતી હતી. રઘુકાકાના શબ્દોથી અજયને ખુબ પ્રોત્સાહન મળ્યું હતું. શબ્દો અજયના હૃદયને સ્પર્શી ગયા હતા. અજયને અજાણ્યામાં પણ પોતીકી લાગણી જણાઈ રહી હતી. અજય ખુબ ભાવુક થઈ ગયો હતો. એ વધુ કઈ કહી શકે એવી સ્થિતિમાં નહોતો. એ રઘુકાકાને ફક્ત એટલું જ બોલ્યો, 'કાકા હું જરૂર મારુ મન ભણવામાં ચોટાડીશ. હું આ વાતનું તમને વચન આપું છું.' આટલું બોલતાંતો એનો અવાજ રૂંધાઇ જ ગયો હતો.

રઘુકાકાએ પ્રતિઉત્તર આપ્યો, 'અજય તને જયારે જરૂર પડે ત્યારે તું મને કઈ પણ પૂછી શકે છે. કોઈ વાત મનમાં રાખીશ નહીં.'

અજયે સુંદર હાસ્ય સાથે કાકાની વાતને સ્વીકારી હતી.

હાસ્ય એમ જ થોડી મારે ચહેરે છલકાયું હતું,
દોસ્ત! તારી પ્રેમાળ નિર્દોષ વાતે દિલ હરખાયું હતું.

અજય અને રઘુકાકાની આ સંવાદની એવી અસર આવી કે, અજયની ગાડી ખુબ સરસ રીતે ભણવામાં ચડી ગઈ હતી. અજયનું ભણતર એકદમ સડસડાટ પૂરું થયું હતું. અજયમાં આવેલ આ બદલાવનું કારણ માત્ર અને માત્ર રઘુકાકા જ હતા. અજયને હવે જયારે એવું લાગે ત્યારે એ પોતાનું મન રઘુકાકા પાસે હળવું કરી લેતો હતો.

અજયના ભણતર દરમિયાન એના બહુ જાજા ખાસ મિત્રો તો કોઈ નહોતા પણ જે બન્યા એ ખાસ હતા. ક્યારેક મિત્રો સાથે બહાર ફરવા પણ જતો અને સાથે મળીને એ મિત્રો ગ્રુપમાં વાંચતા પણ હતા. અજયને કાજલ માટે થોડી લાગણી જન્મી હતી. એની સંગાથનો સમય ખુબ ગમતો હતો. અજય જયારે પણ એની જોડે હોય ત્યારે વાતાવરણ ખીલી ઉઠતું હતું. બસ એક ખેંચાણ કાજલ તરફથી અજયને હતું, જે અજયને ખુબ ગમતું હતું. આ પ્રેમ હતો કે આકર્ષણ એ અજય સમજે એ પહેલા જ અજયનું ભણતર પુરૂ થયું અને આ લાગણીઓ બદલાતા સમય સાથે અટકી ગઈ હતી. અજયનું મન થોડું એમ પણ ખેંચાયું હતું કે, બંને ડૉક્ટર હોય તો રૂપિયાનો પ્રશ્ન ક્યારેય ઉઠે જ નહીં. કારણકે જે મનમાં બાળપણમાં છાપ પડી એ ક્યારેય ભુંસાતી નથી જ, કહેવાય છે ને પ્રકૃતિ પ્રાણ સાથે જ જાય છે. આથી કદાચ આ વિચાર પણ અજયના મનને કાજલ તરફ વાળી રહ્યો હતો. જે પણ હતું એ અંતર વધતા અટકી ગયું હતું.
અજયને આગળનું ભણતર હજુ કરવું હતું. બધું જ ભણવાનું પતાવ્યા બાદ એ મેડિકલ કોલેજના પ્રોફેસરની જોબ પર લાગી ગયો હતો. ભાવિની પણ ૧૦માં ધોરણમાં આવી ગઈ હતી. ઘરમાં હવે બધા પોતપોતાના કામને ન્યાય આપતા થઈ ગયા હતા, સીમાબેન એની જોબમાં, હસમુખભાઈ એની જોબમાં અને અજય પણ પોતાની જોબમાં ગુંચવાઈ ગયો હતો. ભાવિની ની ૧૨માંની પરીક્ષા પણ હવે પુરી થઈ ગઈ હતી.

અજયની જોબમાં જ કાજલને અન્ય પ્રોફેસરની વેકેન્સી લિવ પર થોડા સમય માટે ફરી જોબ મળી હતી. અજયના મનમાં જે લાગણી હતી એ કાજલને જોઈને ફરી સળવળી ઉઠી હતી. કાજલ નો ક્લીક એનો મિત્ર હતો એ જાણી એ ખુશ હતી પણ એથી વિશેષ કઈ જ નહોતું. ખાસ્સા વર્ષો બાદ બંને એકબીજાને જોઈને ખુબ ખુશ થઈ ગયા હતા. અજય હવે મક્કમ પણે અનુભવવા લાગ્યો હતો કે આ પ્રેમ જ છે. પણ કયારે કાજલને એ જણાવવું એ સમયની રાહ જોઈ રહ્યો હતો.

અજયની જોબને ૨વર્ષ જેટલો સમય થઈ ચુક્યો હતો. સીમાબેન પોતાની રજાનાં દિવસોમાં ઘરે આવ્યા ત્યારે એમણે ઘરમાં અજયના લગ્ન માટેની વાત ઉચ્ચારી હતી. બધા સીમાબેનની વાત સાથે સહમત થઈ ચુક્યા હતા, સિવાય કે અજય..

સીમાબેને અજયના ચહેરાના હાવભાવ પરથી જ અંદાજો લગાવી લીધો કે, અજય હજુ લગ્નમાટે તૈયાર નથી. એમણે કહ્યું, જો બેટા, આપણી નાતમાં આમપણ ભણેલી છોકરીઓ ઓછી મળે છે. અને એમાં પણ તારી ઉમર પણ વધતી જાય છે. હું બહુ વિચારીને જ આ પ્રસ્તાવ બધા સમક્ષ મુકું છું. મને આશા છે જ કે તું ના નહીં જ પાડે!' આવા સીમાબેનના શબ્દો સાંભળીને અજયે હા કહેવી જ પડી, અને આમ પણ પહેલેથી જ એને બધું સ્વીકારતા જ તો શીખ્યું હતું. આ વાત પણ સ્વીકારી લીધી હતી.

સીમાબેને પોતાની વાત આગળ વધારતા કહ્યું, આજ એક બહુજ સરસ અને પ્રતિષ્ઠિત કુટુંબમાંથી અજય માટે પ્રસ્તાવ આવ્યો છે. છોકરી ભણેલી છે. એમના માતાપિતાને બે દીકરીઓ જ છે. આ મોટી દીકરી છે, અને એક એની નાની બેન છે. નાનું સુખી કુટુંબ છે. ભાઈઓ નથી એટલે બંને દીકરીઓને એમના દીકરાની જેમ જ ઉછેરી છે. વળી, પરિવારના બધા જ સભ્યો ભણેલા છે આથી છોકરીની પરવરીશ સરસ રીતે જ થઈ હોય! આપણા પરિવારને શોભે એવી મને એ છોકરી માટે લાગણી ઉદ્દભવી રહી છે. વળી, નામ પણ એનું એટલું જ પ્રેમાળ છે. હા, પ્રીતિ છે એનું નામ.

અજયને પ્રીતિ નામ સાંભળીને થોડું મન સળવળ્યું, કદાચ વિધાતાના લેખ બંનેને જોડવા પ્રયત્ન કરી રહ્યા હોય એમ પ્રીતિ નામથી જ અજયની પ્રીત પ્રીતિ માટે ફૂટી નીકળી હતી.

તારા નામ માત્રથી રુહે ઉઠી ઝણઝણાટી,
તારા મળ્યા પહેલા જ અનુભવાઈ અનુભૂતિ,
મોહની જાળ એ મચાવી મનમાં તાલાવેલી,
દોસ્ત! તને પ્રત્યક્ષ જોવા થનગને મારા દિલની ખલબલી!

શું હશે અજયના પ્રીતિને મળ્યા બાદના હાવભાવ?
શું બંધાશે બંને ભવોભવના બંધનથી કે હજુ કાજલ બનશે અડચણનો ભાગ? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોતસાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻