Prarambh - 56 in Gujarati Classic Stories by Ashwin Rawal books and stories PDF | પ્રારંભ - 56

Featured Books
Categories
Share

પ્રારંભ - 56

પ્રારંભ પ્રકરણ 56

કેતને રુચિના બોયફ્રેન્ડનું નામ પણ કહી દીધું અને ચાર વર્ષથી એ છોકરો રુચિની પાછળ પાગલ છે એ પણ કહી દીધું. આ બધું સાંભળીને રુચિ સડક જ થઈ ગઈ ! એના માન્યામાં જ નહોતું આવતું કે આટલું બધું કોઈ કઈ રીતે કહી શકે ?

કેતન આમ તો એક નોર્મલ યુવક હતો. એ કોઈ જ્યોતિષી ન હતો. એ કોઈ ત્રિકાળજ્ઞાની ન હતો. એ એક અબજોપતિ બિઝનેસમેન હતો. છતાં એની પાસે આટલું બધું જ્ઞાન કઈ રીતે હશે એ રુચિ માટે કોયડાનો વિષય હતો. પરંતુ એ કંઈ બોલી નહીં.

ચા પીને કેતન ઉભો થયો અને રુચિની મમ્મીના બેડરૂમમાં જઈને એની માતાને પગે લાગ્યો. એ પછી એ સડસડાટ બહાર નીકળી ગયો અને પોતાની ગાડીમાં બેસીને શ્રી રામકૃષ્ણ મઠ તરફ ગયો. ત્યાં દર્શન કરીને એ પાર્લા જવા માટે નીકળી ગયો.

ઘરે પહોંચ્યો ત્યારે સાડા સાત વાગી ગયા હતા અને સિદ્ધાર્થભાઈ પણ ઘરે આવી ગયા હતા.

"ભાઈ ગોરેગાંવના પ્લૉટ ઉપર તમામ ઝૂંપડપટ્ટી ખાલી થઈ ગઈ છે અને હવે એક મહિનામાં ત્યાં બુલડોઝર પણ ફરી વળશે. એક મહિનામાં આખો પ્લૉટ ખાલી મળી જશે. એ પ્લૉટમાંથી લલ્લન પાંડેએ પોતાનું નામ દૂર કરી દીધું છે અને રુચિએ એ પ્લૉટ ...... એના પોતાના નામે ટ્રાન્સફર કરી દીધો છે." કેતને સિદ્ધાર્થને બધો ફીડબેક આપ્યો.

કેતન બોલવા જતો હતો કે રુચિએ એ પ્લૉટ મને ગિફ્ટ આપ્યો છે અને મારા નામે ટ્રાન્સફર કરી દીધો છે પરંતુ એને અંદરથી કોઈકે રોક્યો અને એનાથી બોલાઈ ગયું કે રુચિએ એના પોતાના નામે ટ્રાન્સફર કરી દીધો છે.

"ચાલો બહુ સરસ. એટલે હવે રુચિ સ્વતંત્રપણે પ્લૉટની માલિક બની ગઈ. પ્લૉટ ખાલી પણ થઈ ગયો છે એટલે તમે લોકો હવે થોડા મહિના પછી ભાગીદારીમાં કન્સ્ટ્રક્શન પણ ચાલુ કરી શકશો. " સિદ્ધાર્થ બોલ્યો.

" જી ભાઈ અત્યારે તો એવું જ લાગે છે. જોઈએ આગળ શું થાય છે. " કેતન એટલું જ બોલ્યો.

એ કહેવા જતો હતો કે રુચિ તો કાયમ માટે હવે અમેરિકા જવાની છે અને બંગલો પણ મારા નામે થઈ ગયો છે પરંતુ હવે એણે આ વિચાર બદલી નાખ્યો. અત્યારે કંઈ જ જાહેર કરવું નથી એવો નિશ્ચય કર્યો.

પરંતુ અમેરિકા જવા વાળી વાત કેતન સિદ્ધાર્થથી લાંબો સમય છાની રાખી શક્યો નહીં. કારણકે રુચિની ૨૩ ડિસેમ્બર રાતની ફ્લાઇટની ટિકિટ આવી ગઈ. એટલે ભાઈથી છાનું રાખવાનો પણ હવે કોઈ મતલબ ન હતો.

"ભાઈ રુચિએ અચાનક કાયમ માટે અમેરિકા પાછા જવાનો નિર્ણય લઈ લીધો છે અને ૨૩ તારીખની ટિકિટ પણ આવી ગઈ છે. એ અમેરિકન સીટીઝન છે. એણે મને મોટું સરપ્રાઈઝ આપ્યું છે. કન્સ્ટ્રક્શનનું તમામ કામ એણે મને સોંપી દીધું છે. એનો ખારનો બંગલો પણ મને એ વાપરવા આપી રહી છે. એ ચાવી મને આપીને જશે." ૨૦ તારીખની રાત્રે જમતી વખતે કેતન બોલ્યો.

"લે કર વાત ! આ તો બહુ કહેવાય !! આટલું મોટું સરપ્રાઈઝ ? " સિદ્ધાર્થ બોલ્યો.

" હા ભાઈ મને પણ આશ્ચર્ય થયું છે. હવે એ પ્લૉટની બધી જ જવાબદારી મારી જ રહેશે. " કેતને પોતાની વાત પૂરી કરી.

બીજા દિવસે મનસુખ માલવિયા મીની ટ્રકમાં જરૂરી સામાન ભરીને પોતાની પત્ની સાથે મુંબઈ આવી ગયો અને મહંત રોડના રૂમ ઉપર સેટ થઈ ગયો. ઘરે બધો સામાન ગોઠવીને એ રાત્રે પતિ પત્ની કેતનને મળવા માટે આવ્યાં.

કેતને બંનેનું સ્વાગત કર્યું અને રેવતીએ એમને માટે ચા પણ મૂકી.

"તમે મુંબઈ આવી ગયા એ સારું કર્યું. તમારું ઘર અહીંથી બહુ દૂર નથી. મારે ક્યાંય પણ જવાનું હશે કે તરત હું તમને બોલાવી લઈશ. તમારા મકાનનું ભાડું અને ડિપોઝિટ મેં ભરી દીધાં છે. જામનગરમાં બધું કેમનું ચાલે છે ? " કેતન બોલ્યો.

"જામનગરમાં તમારી સ્કીમનું કામ ધમધોકાર ચાલે છે. તમારો બંગલો વેચવાની જાહેરાત જયેશભાઈએ પેપરમાં આપી દીધી છે અને લોકો જોવા પણ આવે છે. થોડા દિવસોમાં એ વેચાઈ જશે. સુધાબેને તમને યાદ આપી છે. " મનસુખભાઈ બોલ્યા.

એ પછી પાંચ દસ મિનિટ વાતો કરીને મનસુખભાઈ ઘરે જવા માટે નીકળી ગયા.

૨૩ ડિસેમ્બરે રુચિ અમેરિકા જવા માટે નીકળવાની હતી એટલે સાંજે જ કેતને રેવતીને કહી દીધું.

" ભાભી આજે મારે જમવામાં મોડું થશે. કારણ કે હું રુચિને એરપોર્ટ વિદાય આપવા માટે જઈ રહ્યો છું. તમે લોકો જમી લેજો. મારી રાહ ના જોશો. હું કેટલા વાગે આવીશ એ મને પણ ખબર નથી." કેતન બોલ્યો..

એ પછી કેતને મનસુખભાઈને ફોન કરીને બોલાવી લીધા.

૨૩ તારીખે સાંજે લગભગ સાડા છ વાગે ગાડી મનસુખભાઈને ચલાવવા આપીને કેતન ખાર જવા નીકળી ગયો.

" થઈ ગઈ બધી તૈયારી ? " કેતને બંગલામાં પ્રવેશ કરતાં જ પૂછ્યું.

" જુઓ આ તમે જોઈ જ રહ્યા છો ! ડ્રોઈંગ રૂમમાં ૪ બેગો સિવાય બીજું કંઈ છે જ નહીં. બધું પેક થઈ ગયું છે. આ બંગલા સાથેના અન્નજળ પૂરા થઈ ગયા. " રુચિ બોલી.

" સાચી વાત છે. દરેક ઘર સાથેના આપણા ચોક્કસ સમય સુધીના ઋણાનુબંધ હોય છે. એ પૂરા થઈ જાય એટલે એ જગ્યા છોડવી જ પડે છે. આપણે કેટલા વાગે નીકળવાનું છે ?" કેતન બોલ્યો.

"બસ આપણે અડધી કલાકમાં નીકળીએ જ છીએ. હું તમારી રાહ જ જોતી હતી. એક વાગ્યાનું ફ્લાઈટ છે એટલે દસ વાગે તો ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પહોંચી જવું જ પડે. સહારા એરપોર્ટ બહુ દૂર નથી છતાં પણ ટ્રાફિકનો કોઈ જ ભરોસો નહીં. મોડા માં મોડા સાડા આઠ વાગે નીકળી જવું પડે. " રુચિ બોલી.

" હા એ વાત સાચી છે. તમે જમવાનું શું કર્યું ? " કેતન બોલ્યો.

" હમણાં થોડો નાસ્તો કરી લીધો છે અને એરપોર્ટ ઉપર તો જમવાની વ્યવસ્થા છે જ. " રુચિ બોલી.

" હા અને ટાઈમ પણ તમારી પાસે ઘણો બધો છે. સિક્યુરિટી ચેક થઈ જાય પછી તમે ફ્રી જ છો. " કેતન બોલ્યો.

" આપણે તમારી જ ગાડીમાં એરપોર્ટ જઈએ. બેગો વધારે છે એટલે બીજી એક ટેક્સી કરી લઈશું જેમાં હું બેસી જઈશ. મારી ગાડી ઘરે જ મૂકીને જાઉં છું. એની ચાવી પણ તમને આપતી જાઉં છું. ગાડી તમારા નામે ટ્રાન્સફર કરવાનું આરટીઓનું ફોર્મ પણ મેં ભરી દીધું છે અને મારી સહી પણ કરી દીધી છે. ગાડીની આર.સી બુક અને ઇન્શ્યોરન્સ પેપર્સ પણ હવે તમે રાખો. તમારા જેવી ધનાઢ્ય વ્યક્તિ બીએમડબલ્યુ માં ફરે એ જ શોભે ! " રુચિ હસીને બોલી.

" તમે તો હવે હદ કરો છો રુચિ. " કેતન બોલ્યો.

" નિઃસ્વાર્થ ભાવમાં હદ જેવું કંઈ હોતું નથી. આટલો મોટો બંગલો છોડીને જાઉં છું તો પછી ગાડીની તે શું માયા !!!" રુચિ હસીને બોલી અને એણે આર.સી બુક તથા બીજા પેપર્સ કેતનને આપ્યા.

"તમારે ટેક્સીમાં બેસવાની જરૂર નથી. હું મારા ડ્રાઇવર મનસુખભાઈને લઈને જ આવ્યો છું. મારી ગાડી હું ચલાવી લઈશ અને મનસુખભાઈ ટેક્સીમાં બેસી જશે. " કેતન બોલ્યો.

" ચાલો એ પણ ઠીક છે. મેં માળીને બધી વાત કરી દીધી છે. એમનું નામ બનવારીલાલ છે. ઉંમરના કારણે હું એમને અંકલ જ કહું છું. બિહારી છે. એમણે પણ તમારો નંબર સેવ કરી દીધો છે. રોજ એ બે કલાક માટે આવે છે. હું એમને મહિને ૧૦૦૦૦ આપી દઉં છું. જસ્ટ તમારી જાણ માટે. " રુચિ બોલી.

" ઓકે. હું એમની સાથે વાત કરી લઈશ. " કેતન બોલ્યો.

બરાબર ૮:૩૦ વાગે રુચિએ બંગલાને લૉક લગાવી દીધું અને ચાવી કેતનના હાથમાં આપી દીધી. કેતને જમણા હાથમાં ચાવી લીધી અને બંને આંખે અડાડી પેન્ટના ખીસ્સામાં મૂકી દીધી.

કેતને મનસુખભાઈને અંદર બોલાવી લીધા અને બધી બેગો ગેટની બહાર મૂકાવી. એ પછી એક ટેક્સીને ઉભી રાખી ચારે ચાર બેગો એમાં સેટ કરી દીધી. મનસુખભાઈ આગળ બેસી ગયા. ટેક્સીવાળાને સહારા એરપોર્ટ લઈ લેવાની સૂચના આપી.

લગભગ એકાદ કલાકમાં જ બંને ગાડીઓ એરપોર્ટ પહોંચી ગઈ. મનસુખભાઈએ ટેક્સીમાંથી ચારે ચાર બેગો ઉતારી લીધી. હેન્ડબેગ તો રુચિની પાસે જ હતી. ટ્રોલી લાવીને બેગો એમાં ગોઠવી દીધી. કેતન ટ્રોલી લઈને છેક એન્ટ્રાન્સ ગેટ સુધી ગયો. અંદર જવા માટે કેતનને પરમિશન ન હતી એટલે એ બહાર જ ઉભો રહ્યો.

રુચિ કેતનને ગેટ ઉપર જ ભેટી પડી. એની આંખો ભીની થઈ ગઈ. એનું હૈયુ ભરાઈ આવ્યું. વિદાય વખતે એ રડી પડે એ પહેલાં જ એ ટ્રોલી લઈને અંદર સરકી ગઈ અને પછી એણે પાછળ ફરીને જોયું જ નહીં. રુચિ જ્યાં સુધી દેખાતી રહી ત્યાં સુધી કેતન એક નજરે એની સામે જોતો રહ્યો. ભાગ્ય વિધાતાના સ્વરૂપમાં પોતાના જીવનમાં આવેલી રુચિ કાયમ માટે અદ્રશ્ય થઈ ગઈ !!

એક નિઃસાસો નાખીને ભારે હૈયે કેતન ગેટ ઉપરથી પાછો ફર્યો અને પોતાની ગાડીમાં જઈને બેઠો.

" ઘરે જ લઈ લો. " કેતન માત્ર એટલું જ બોલ્યો. એનું હૈયુ આજે બેચેન હતું.

રુચિની ગેરહાજરી એને બહુ જ સાલતી હતી. બંને વચ્ચે દોસ્તીનો એક નિર્મળ પ્રેમ હતો. રુચિમાં કેતન માટે સમર્પિતતા હતી. કયા ઋણાનુબંધથી એ બંને થોડા દિવસો માટે ભેગાં થયાં એ કેતનને હજુ પણ સમજાતું ન હતું. ગુરુજીની લીલા ખરેખર અકળ હતી !

કેતનને રુચિની ગાડીની સલામતીનો વિચાર આવ્યો પરંતુ ગાડી બંગલાની સાઈડમાં અંદરની બાજુ વ્યવસ્થિત રીતે પાર્ક કરેલી હતી. ઉપર શેડ પણ બનાવેલો હતો એટલે ગાડીને બીજો કોઈ વાંધો આવે એવો ન હતો. છતાં સવારે માળીને કહીને ગાડીનું ધ્યાન રાખવાનું કહેવું પડશે. - કેતને વિચાર્યું.

કેતન ઘરે આવ્યો ત્યારે રાત્રિના ૧૧ વાગી ગયા હતા. ગાડી પાર્કિંગમાં મૂકાવી એણે મનસુખભાઈને છૂટા કર્યા અને પોતે ઉપર ભાઈના ફ્લેટમાં પહોંચી ગયો.

રેવતી કેતનની રાહ જોતી જાગતી જ હતી. જેવો કેતન આવ્યો કે તરત જ રસોઈ ગરમ કરી એણે દિયરને જમવા બેસાડી દીધા.

ભૂખ બરાબરની લાગી હતી. જમવામાં રેવતીએ ભાખરી, ભીંડાનું શાક અને ખીચડી બનાવ્યાં હતાં. સાથે દૂધ હતું.

બીજા દિવસે સવારે ૯ વાગે કેતને રુચિના માળીને ફોન કર્યો.

"અરે માલી અંકલ મૈં કેતન બોલતા હું. રુચિ મેડમને તુમ્હારા નંબર દિયા હૈ. મેં તુમકો મિલના ચાહતા હું. કિતને બજે મિલોગે ?" કેતન બોલ્યો.

" જી સા'બ અભી આ જાઈયે. મૈં બંગલે કે પાસ મેં હી હું. તુરંત આ જાઉંગા. " માલી બોલ્યો.

કેતને મનસુખ માલવિયાને ફોન કર્યો. ૧૫ મિનિટમાં માલવિયા આવી ગયો.

" ખાર લીંકિંગ રોડ ઉપર આપણે ગઈકાલે જ્યાં ગયા હતા ત્યાં લઈ લો." કેતને ગાડીમાં બેઠા પછી કહ્યું.

એકાદ કલાકમાં ગાડી રુચિના બંગલે પહોંચી ગઈ. કેતને માળીને ફરી ફોન કરી દીધો.

દસેક મિનિટમાં માળી ચાલતો ચાલતો રુચિના બંગલા પાસે આવી ગયો. કેતને નીચે ઉતરીને ગેટ ખોલ્યો. માળીની ઉંમર ૫૫ વર્ષ આસપાસની હશે પણ મજૂરીના કારણે ૬૦ નો દેખાતો હતો.

" અંકલજી મેરી બાત સુનો. તુમ બડે હો ઈસી લિયે મેં અંકલ હી બોલુંગા. તુમકો તો પતા હી હોગા કિ યહ બંગલા અબ મૈંને ખરીદ લિયા હૈ ઔર યે ગાડી ભી અબ મેરી હૈ. મેડમ હંમેશા કે લિયે અમેરિકા ચલી ગઈ હૈ." કેતન બોલ્યો.

"જી સા'બ મેડમને મુઝે સબ બતાયા હૈ. આપકા નંબર ભી દિયા હૈ." માળી બોલ્યો.

" ચલો ઠીક હૈ. તુમકો યે ગાર્ડનકી પરવરીશ ચાલુ હી રખની હૈ. ઔર સાથ સાથ યે ગાડીકો ભી રોજ ભીગે કપડેસે સાફ રખના હૈ. યે બંગલેકો ભી બહારસે એકદમ સાફ સુથરા રખના હૈ જૈસે અંદર કોઈ રહેતા હો. મેં કભી ભી દેખને કે લિયે યહાં આ સકતા હું. મૈં તુમકો હર મહિને ૨૦૦૦૦ દે દુંગા. બોલો યે દોનો કામ કર પાઓગે ?" કેતને પૂછ્યું.

" ક્યું નહીં સા'બ ! બંગલેકી રોજ સાફ સફાઈ હોગી ઓર ગાડી ભી એકદમ ક્લીન રખુંગા સા'બ. " માળી બોલ્યો.

કેતને એના હાથમાં ૨૦૦૦૦ રૂપિયા આપ્યા.

" આજ સે તુમ્હારી યે નઈ નૌકરી ચાલુ. " કેતન બોલ્યો. માળી એટલો બધો હરખમાં આવી ગયો કે એણે કેતનને સલામ કરી.

" ઔર સુનો. મહિને મેં એક બાર મેં તુમકો બંગલેકી ચાબી દે દુંગા. પૂરે બંગલેકી ઉપર નીચે એકદમ સાફ સફાઈ કર દેના. ઉસકે મેં તુમકો અલગ પૈસા દુંગા. " કેતન બોલ્યો.

" જી સા'બ હો જાયેગા. આપ બિલકુલ ફિકર ના કરેં. " માળી બોલ્યો.

એ પછી કેતન બહાર આવીને ગાડીમાં બેઠો.

" મનસુખભાઈ આ બંગલો હવે મારો છે. મેં ખરીદી લીધો છે. અંદર જે બીએમડબલ્યુ ગાડી પડી છે એ પણ મારી જ છે. આ લોકેશન બરાબર યાદ રાખી લેજો. તમને એકલાને મોકલું તો તમને યાદ રહે એટલા માટે. કારણકે મારો વિચાર એવો છે કે આ ગાડીને અહીં મૂકી દઉં અને બીએમડબલ્યુ વાપરવાનું ચાલુ કરી દઉં. " કેતન બોલ્યો.

" જી શેઠ. વિચાર તો એકદમ સારો છે કારણ કે આટલી મોંઘી ગાડી પડી રહે એ બરાબર નહીં. અને મને આ બંગલો બરાબર યાદ રહી ગયો છે. હું એકલો પણ આવી શકીશ. શેઠ, મુંબઈ આવીને તમે સારી પ્રગતિ કરી છે. " મનસુખભાઈ બોલ્યા.

" હા ગુરુજીની કૃપા છે. ભવિષ્યમાં હું આ બંગલામાં રહેવા આવું તો તમારા માટે પાછળ સર્વિસ ક્વાર્ટર પણ તૈયાર જ છે. " કેતન હસીને બોલ્યો.

એ પછી કેતને ગાડીને રામકૃષ્ણ મઠ તરફ લેવા મનસુખભાઈને સૂચના આપી. રસ્તો એ બતાવતો ગયો.

દર્શન કરીને કેતને ગાડી પાર્લા તરફ લેવરાવી. રસ્તામાં જ જયદેવ ઠાકર નો કેતન ઉપર ફોન આવ્યો.

"કેતન ક્યાં છે અત્યારે તું ? " જયદેવ બોલ્યો.

" અત્યારે તો હું મારી ગાડીમાં છું. ખારથી પાર્લા જઈ રહ્યો છું. " કેતન બોલ્યો.

" અરે હું તને એક સમાચાર આપવાના ભૂલી ગયો. તને યાદ છે તું જ્યારે ફિલ્મસિટી સ્ટુડિયોમાં શૂટિંગ જોવા આવ્યો હતો ત્યારે મારા સહકલાકાર સદાશિવ કાંબલે વિશે એક આગાહી કરેલી ?" જયદેવ બોલ્યો.

" હા એક જાડિયા વિશે મેં કહ્યું હતું કે આ કલાકારનું આયુષ્ય એક મહિના પછી હાર્ટ એટેકથી પૂરું થઈ જશે." કેતનને યાદ આવ્યું.

"હા હું એની જ વાત કરું છું. તેં ત્રણ નવેમ્બરે મને કહ્યું હતું. તારા કહેવા પ્રમાણે પાંચમી ડિસેમ્બરે જ ચાલુ શૂટિંગે એ ઢળી પડ્યો અને હોસ્પિટલ પહોંચતાં પહેલાં જ એણે દેહ છોડી દીધો. આજે તો પંદર વીસ દિવસ જેવું થઈ ગયું. હું તને કહેવાનું જ ભૂલી ગયો. અત્યારે અચાનક યાદ આવ્યું એટલે તને ફોન કર્યો. તુ સી ગ્રેટ હો યાર !! " જયદેવ બોલ્યો.

"પ્રભુ એના આત્માને શાંતિ આપે. એને દૂરથી જોઈને જ મને અચાનક અંતઃસ્ફુરણા થયેલી એટલે મેં તને કહેલું." કેતન બોલ્યો.

"એક બીજા સારા સમાચાર પણ તને આપવાના છે કેતન." જયદેવ બોલ્યો.

" હા બોલ ને. " કેતન બોલ્યો.

" મારી વાઇફ પ્રિયંકા પ્રેગનન્ટ છે. ગઈકાલે જ ટેસ્ટ કરાવ્યો તો પોઝિટિવ આવ્યો છે." જયદેવ ઉત્સાહથી બોલ્યો.

"દિલથી કોન્ગ્રેચ્યુલેશન્સ !! " કેતન બોલ્યો અને એણે ફોન કટ કર્યો.

કેતન સંસારચક્રની ગતિવિધિ વિશે વિચારી રહ્યો. એક બાજુ એક આત્માની વિદાયનો ખરખરો તો બીજી બાજુ બીજા આત્માના આગમનનાં અભિનંદન !

સંસારમાં આવાગમનની આ પ્રક્રિયા નિરંતર ચાલતી જ રહે છે ! રુદન અને હાસ્ય જાણે કે એક જ સિક્કાની બે બાજુ છે !! ક્યાંક સૂર્ય આથમે છે તો ક્યાંક સૂર્ય ઉગે છે !

માટે જ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહી ગયા છે કે સ્થિતપ્રજ્ઞ બની સાક્ષીભાવે જીવન જીવવું !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)