શ્યામ બાઈકના ટેકે ઉભો થયો અને ચાર્મિની પાછળ બેઠો. એના હાથ પગમાં પારાવાર વેદના થતી હતી. એની આંખો સામે અંધારામાં પણ અંધારા આવતા હતા. એનામાં બેસવાની પણ શક્તિ નહોતી. એણે એનું માથું ચાર્મિના ખભા પર મુક્યું. એનો ડાબો હાથ એને અસહ્ય વેદના આપતો હતો. એણે જમણા હાથથી બાઈકના છેડે કેરિયર મળી જાય તો પકડવાની કોશીસ કરી.
ચાર્મિએ બાઈકને 20 કિમી/કલાકની સ્પીડ આપી હશે. કાચા મેટલ રોડ પર એનાથી વધુ સ્પિડ આપી શકાય એમ નહોતી. શ્યામ પકડી શકે એવી કોઈ વસ્તુ એના હાથમાં આવી નહિ. એના માટે સમતોલન જાળવવું મુશ્કેલ હતું. એણે એનો જમણો હાથ ચાર્મિની કમર પર થઈને ચાર્મિના પેટ પર રહેલા જેકેટને પકડી શકાય તેમ મુક્યો. ચાર્મિને પણ એની હાલતની ખબર હશે એટલે એણીએ કોઇ પ્રતિક્રિયા આપી નહિ. એકાદ કિમી આમ મેટલ રોડ પર ચાલ્યા પછી ચાર્મિએ બાઈક ઉભું રાખ્યું.
શ્યામે ચાર્મિના ખભા પરથી માથું ઉચકી જોયું. સામે મોટો ગેટ હતો. ચાર્મિ ઉતરીને ગેટ ખોલવા ગઈ. ગેટ ખોલી ચાર્મિ બાઈક પર આવી. ચાર્મિએ બાઈક ગેટની બહારના રોડ પર લીધું. હવે રોડ સ્મૂથ હતો. હવે બાઈકને વધુ ગતી આપી શકે તેમ હતી પણ ચાર્મિ હજુ પણ એ જ ધીમી ગતિએ બાઈક ચલાવી રહી હતી. એણીએ બાઈકની હેડલાઈટ પણ ચાલુ કરી ન હતી. કદાચ ઉતાવળમાં ભૂલી ગઈ હશે હેડ લાઈટ ચાલુ કરવાનું કે પછી જાણી જોઇને એણીએ હેડલાઈટ ચાલુ કરી નહિ હોય એ શ્યામ નક્કી કરી શક્યો નહિ.
હેડલાઈટના અભાવે ચાર્મિ ઝડપ કરી શકતી ન હતી. પાંચેક મિનીટ વીતી હશે ત્યાં રોડ ડાબી બાજુ વળી ગયો. વળી પાંચેક મિનીટ પછી રોડ જમણી બાજુ વળી ગયો. પાંચેક મિનીટ ચાલ્યા પછી એને અંધારામાં પણ માણસો દેખાતા હતા. એણે એક ઊંડો શ્વાસ ભર્યો. હવે એને અહેસાસ થયો કે એ ખુલ્લી હવામાં શ્વાસ લઇ રહ્યો છે.
સ્ટ્રીટલાઈટો દેખાવા લાગી હતી. સ્ટ્રીટ લાઈટના અજવાળામાં ચાર્મિ બાઈકની ગતી વધારી શકે તેમ હતી પણ ચાર્મિએ બાઈક એક સાંકડી ગળીમાં વાળ્યું એટલે સ્પીડ વધારવી શક્ય ન રહી. એ જ ગતિએ આડા અવળી ગળીઓમાંથી બાઈક મેઈન રોડ પર પહોચ્યું.
ઘણા સમય પછી આટલો પ્રકાશ શ્યામે જોયો. સામે આખા બિલ્ડીંગ પર શાઈનીંગ બોર્ડ ઝળકતું હતું. બોર્ડમાં હિન્દી અને અંગ્રેજીમાં લખેલું હતું : એચ.ડી. એફ.સી. બેંક.
“ચાર્મિ, આપણે ફેઝ-વનમાં છીએ..” એણે કહ્યું કારણકે અહી કંપનીના કસ્ટમરસ પાસેથી પેમેન્ટ લેવા માટે એ ઘણીવાર આવતો. એ નવો ચંડીગઢમાં આવ્યો ત્યારે ઇન્ડસ્ટ્રીઅલ એરિયા ફેઝ-1માં એને અંદરની ગલીઓ એટલી યાદ રહેતી નહિ એટલે ફેઝ-1માં ગમે ત્યાંથી પેમેન્ટ લઈને એ પહેલો તો આ બેંક જોડે આવી જતો. બેંક પાસે આવ્યા પછી ઓફીસ સુધી જવાનો રસ્તો સરળ હતો એટલે એને યાદ રહી ગયો હતો.
“તું કઈ રીતે કહી શકે..?” ચાર્મિ બોલી.
“હમણાં ગઈ એ બેન્કનું બોર્ડ જોઈ મને ખયાલ આવ્યો..” એણે કહ્યું.
“સારું છે તું ચંડીગઢના રસ્તાઓથી પરિચિત છે..”
“પોલીસમાં જઈ ફરિયાદ કરીએ.....?”
ચાર્મિએ જવાબમાં બાઈકની હેડ લાઈટ ચાલુ કરી. હેડ લાઈટની સાથે સાથે સ્પીડોમીટર ડોક પર રેડ અને બ્લ્યુ લાઈટો વારાફરતી જબકવા લાગી. બાઈકની બેકલાઈટની ઉપર પણ એવી જ લાઈટો જબકતી હતી.
“આ તો પોલીસની બાઈક છે....!” એણે નવાઈથી કહ્યુ.
“અને બદકિસ્મતીથી આપણે જ્યાં કેદ હતા અને મેં જે માણસ પર બુલેટ ચલાવી એ માણસ પણ પોલીસનો જ માણસ હતો...” એ બોલી.
“ટ્રાફિક પોલીસ કે....?” એણે પૂછ્યું.
“ટ્રાફિક નહિ અને કોઈ સામાન્ય હવાલદાર પણ નહિ એ કોઈ ઓફિસર હતો...” વાત કરતી વખતે પણ ચાર્મિના મનમાં કઈક ગડમથલ ચાલુ હતી.
“કિડનેપર સાથે પોલીસ પણ ભળેલી હશે..? હવે પોલીસ પાસે જવું મતલબ ફરી એ જ સ્થળે પહોચી જવું જ્યાં હું મહિનાઓથી કેદ હતો...”
“હા, હવે બહાર આવીને કેવું ફિલ થાય છે..?” શ્યામ ગભરાતો હતો એટલે ચાર્મિએ વાત બદલતા પૂછ્યું.
“મને દવાખાને પહોચવાની જરૂર છે કેમકે કુતરાઓ જરાય દયાળુ ન હતા પણ એક પોલીસ અધિકારીને ગોળી મારીને હવે હોસ્પિટલ જવું પણ શક્ય નથી..”
“આપણી પાસે ખાસ સમય નથી શ્યામ. એ લોકોએ ડોર તોડી નાખ્યો હશે કા’તો એમના સાથીઓને કોલ કરીને બોલાવી લીધા હશે એ લોકો આપણને શહેરમા શોધી રહ્યા હશે અને પોલીસનો માણસ આપણા હાથે મર્યો છે માટે પોલીસે કોઈ અલગ જ કહાની બનાવી આપણને પકડવા પુરા શહેરમાં નાકાબંધી કરી દીધી હશે.” ચાર્મિ પણ મૂંઝાયેલી હતી.
“આપણે ભાગ્યા એને પંદર મીનીટ તો થઇ ગઈ છે. હાફ અવર પહેલા તો એ લોકો નાકાબંધી કરી જ નાખશે એટલામાં તો આપણે બેરિઅર પણ ક્રોસ નહિ કરી શકીએ...”
“શું કરીએ..? કઈક વિચારીએ પણ પહેલા કોઈ સલામત સ્થળ શોધવું પડશે... આમ રસ્તા પર રહેવું જોખમી છે.” ચાર્મિએ કહ્યું.
“મની માજરા જઈએ...” શ્યામે આસપાસની ચીજો પર ધ્યાન રાખતા સુચન કર્યું.
“કેમ..?” ચાર્મિએ બાઈક રેલ્વે સ્ટેશન તરફ ઘુમાવી.
“દસ વાગ્યા સુધી મની માંજરામા દવા મળી જશે. ત્યાં મેડીકલ સ્ટોર ખુલ્લા હશે. મારી ઓફીસ પણ ત્યાંથી નજીક છે એટલે એ વિસ્તારથી હું એકદમ પરિચિત છું. આકસ્મિક ક્યાંક છુપાવાની જરૂર પડી તો એ કામ સરળ બની જશે. અને એ વિસ્તારમાં પોલીસ પણ ભાગ્યે જ દેખવા મળે છે. મની માંજરાથી આપણે સાતકેડી કે કેમ્બાલા જેવા આસપાસના ગામમાં છુપાઈને રહી શકીશું.”
“ત્યાં આસપાસ જંગલ છે...?”
“જંગલ જેવું જ છે અને બધે મોટે ભાગે સિંગલ પટ્ટી રોડ છે. રોડની નીચે વરસાદનું પાણી નીકળવા માટેના નાળા છે જે અત્યારે એકદમ સુકા પડ્યા હશે જે રાત પસાર કરવા માટેના શ્રેષ્ઠ સ્થળ છે..”
“ઓકે, તો પહેલા દવા લઇ લઈએ અને ત્યાં જઈએ..”
“લેફ્ટ લઈ આગળની લાઈટ પાસેથી રાઈટ લઇ લેજે..”
ચાર્મિએ શ્યામની સુચના મુજબ બાઈક રાઈડ કર્યું.
“હવે હેલમેટ વગર આ મોટી લાઈટો કઈ રીતે પાર કરીશું... અહી હેલમેટ ફરજીયાત છે...” રેલ્વે સ્ટેશન દેખાતા શ્યામે કહ્યું.
“જોઈએ..”
“પોલીસનું બાઈક છે તો ટ્રેકર કે જી.પી.એસ. પણ હશે જ....”
“આપણે મોટી લાઈટો આવતા પહેલા જ બાઈક છોડી દઈશું.”
સિગ્નલ લાઈટથી થોડે દૂર ચાર્મિએ બાઈક ઉભી રાખી.
શ્યામને ટેકો આપી ધીમેથી સિગ્નલની નજીક પહોચી. ચાર્મિએ એક ઓટોને હાથ કર્યો. ઓટો રોકીને એને અંદર બેસાડ્યો. ચાર્મિ પણ ઓટોમાં ગોઠવાઈ.
“મની માજરા...” ચાર્મિએ ઓટો ડ્રાઇવરને ઝડપથી સુચના આપી.
“કયા હુઆ હે ભાઈસાબ કો..?” ઓટો ડ્રાયવરે પૂછ્યું.
“શરાબ પીકે ગીર ગયા.” ચાર્મિએ તાત્કાલિક જે સુજયુ એ જ જવાબ આપ્યો.
“મેડમ, હોસ્પિટલ લે જાઓ ના ફિર...?” ડ્રાયવરે સલાહ આપી ત્યારે શ્યામને ગમ્યું નહી પણ એ ચુપ રહ્યો..
“ઘર લે જા રહી હું. પડોશ મેં ડોક્ટર રેહતા હે ઉસસે પટ્ટી કરવા દુંગી. જી તો કરતા હે કી દવાઈ હી ના કરવાઉ...” ચાર્મિએ તદ્દન એક પત્નીના લહેકાથી કહ્યું જેથી પેલાને એમ લાગે કે આ મિયા બીબી હશે અને પતિ દારૂડિયો હશે.
“ઠીક હે...” કહી એણે ઓટો મારી મૂકી.
“ઇધર હી ઉતાર દો ભૈયા, પાસમેં હી ઘર પડતા હે..” મણી માંજરા આવતાં ચાર્મિએ ઓટો રોકાવી.
ઓટોવાળાએ કઈ બોલ્યા વગર એમને ત્યાં ઉતારી દીધા.
તેઓ બસસ્ટેશનથી થોડેક દુર ઉતર્યા હતા. મોટી લાઈટો પાસ થઇ ગઈ હતી. ચાર્મિ શ્યામને ટેકો આપી ધીમેથી બસ સ્ટેશન પાસે લઇ ગઈ. એને બસ સ્ટેશનના બાકડા પર બેસાડી ચાર્મિ સામેના મેડીકલ સ્ટોરમાં ગઈ. સ્ટોરમાંથી બહાર આવી એ બાજુના પ્રોવિઝન સ્ટોર પર ગઈ. ચાર્મિ પાછી ફરી ત્યારે એના હાથમાં બે બેગ હતી. બેગ લઇ એ એની પાસે આવી. એને ટેકો આપીને બસ સ્ટેશનમાંથી બહાર લઇ ગઈ.
“હવે શું કરીશું?”
“ફરી કોઈ બાઈક ઉઠાવવું પડશે...” ચાર્મિ આમતેમ નજર ફેરવતી હતી. રાતનો સમય હોવાના કારણે બસ સ્ટેશન પર એકલ દોકલ મુસાફરો સિવાય ખાસ ભીડ ન હતી.
“અહી બાઈક મળવું મુશ્કેલ છે. મોટર માર્કેટ જઈએ તો કદાચ ત્યાં બાઈક મળી જાય. ત્યાં કેટલાય બાઈકો પાર્ક કરેલા હોય છે.”
“હા, આમ અહી સ્ટેશન નજીક છે એટલે બાઈક ચોરી કરવામાં જોખમ પણ વધુ છે.”
શ્યામ ચાર્મિના ટેકે ધીમેથી આગળ વધવા લાગ્યો. તેઓ મોટોર માર્કેટ પાસે પહોચ્યા પણ ત્યાં કોઈ બાઈક દેખાતું હતું નહિ.
“હવે શું કરીશું?”
ચાર્મિએ રિવોલ્વર નીકાળી. “હજુ એમાં ત્રણ ગોળી છે...” કહી ચાર્મિ આછું હસી. એ સમજી ગયો કે હવે ચાર્મિ રિવોલ્વરની અણીએ કોઈનું બાઈક લેવાની છે.
“તું વાત વાત પર ગન કેમ કાઢી દે છે..?
“તો શું કરું..”
ચાર્મિએ જવાબ આપ્યો પણ ત્યાં જ એની નજર સામે દેખાતા એક ઠેકા પર પડી. એ એક સામાન્ય લીક્વર શોપ હતી પણ એની આગળના ભાગે બે બાઈક પાર્ક કરેલા હતા.
ચાર્મિની આંખો ચમકી. એ ધીમેથી રોડ ક્રોસ કરીને એ ઠેકા તરફ જવા લાગી. ઠંડીના કારણે ઠેકા આસપાસ કોઈ દેખાતું ન હતું. ચાર્મિ ત્યાં એક ચક્કર લગાવીને શ્યામ પાસે આવી. એને લઈને પાછી ઠેકા પાસે ગઈ. એક બાઈક જોડે એ ઉભી રહી.
“તુ ઠેકા પર જઈ શરાબ ખરીદવાના બહાને એને કમ-સે-કમ પાંચ મિનટ વાતોમાં ઉલઝાવી રાખ..” ચાર્મિએ પેલાના પર્સમાંથી એને સો-સોની ત્રણ નોટ કાઢીને આપી.
શ્યામ લંગડાતો ઠેકાના કાઉન્ટર પાસે ગયો. એણે દુકાન માલિકને સારી બ્રાંડનું એક ક્વાટર આપવા કહ્યું.
ઠેકેદાર શેલ્ફ તરફ બોટલ લેવા ગયો ત્યારે શ્યામને બહારના ભાગે એક કટાકો સંભળાયો. એ સમજી ગયો ચાર્મિએ સ્ટેરીંગ લોક તોડી નાખ્યું હતું. ઠેકાવાળાએ એ અવાજ સાંભળી પાછળ જોયું.
“ભાઈસાબ, જલ્દી દો ના...” શ્યામ દારૂડિયા જેમ ડોલવા લાગ્યો.
“દેતા હું ઇતની ભી કયા જલ્દી હે બેવડે...” ઠેકાવાળો ફરી શેલ્ફ તરફ ફર્યો.
શ્યામે બહારની તરફ નજર કરી. ચાર્મિ બાઈકનો વાયર ખેચી રહી હતી.
“ભાઈસાબ દો દે દેના એક સે કુછ નહી હોને વાલા...” શ્યામને લાગ્યું કે એણે થોડોક વધારે સમય દુકાનદારને વ્યસ્ત રાખવો પડશે.
દુકાનદાર બે બોટલ લઈને પાછો આવ્યો. શ્યામે દુકાનદારને ત્રણ સો રૂપિયા આપ્યા. એણે શ્યામને એસી પાછા આપ્યા.
શ્યામ બંને બોટલ લઈને ચાર્મિ પાસે પાછો ફર્યો. ચાર્મિએ એક બેગ હાથમાં લીધી. એણે બન્ને બોટલ ચાર્મિની હાથમાં રહેલી એક બેગમાં મૂકી. ચાર્મિએ એને ટેકો આપ્યો. અને એને લઈને એ ધીમે ધીમે આગળ ચાલવા માંડી.
“શું થયું...?”
“થોડુક ચાલવું પડશે.”
બંને ચાલીને બારથી થોડાક આગળ ગયા. થોડેક દૂર જઈને ચાર્મિ અટકી શ્યામના હાથમાં બંને બેગ આપી, “હું બાઈક લઈને આવું છું તું બેસવા માટે તૈયાર રહેજે.” શ્યામ કઈ જવાબ આપે એ પહેલા ચાર્મિ બાઈક તરફ જવા લાગી.
*
અર્ચના તરત જ દિલ્હી બસ સ્ટેશન પહોચી. બસસ્ટેશન પર અર્ચનાએ ફોન ફેંકી દીધો. એ દિલ્હીથી ગોહાના જતી બસમાં બેઠી. એ પહોચી ગોહાના. રાતના બારેક વાગ્યે એ ગોહાના ઉતરી. એ ઓટો કરીને હોસ્ટેલ પહોચી. હોસ્ટેલની મીસટ્રેસ એને અડધી રાતે જોઇને ભડકી ગઈ. એણીએ બધી વાત કરી.
વિક્ટર નામ સાંભળતા જ મિસટ્રેસ ગભરાઈ ગઈ અને બોલી, “વિક્ટર તુમે જિન્દા નહિ છોડેગા.”
“આપ વિક્ટર કો પેહ્ચાનતી હો?” અર્ચનાએ પૂછ્યું.
“હા, પિછલે દસ સાલોસે વિક્ટરકા ખોફ ફેલા હે. ઇસકે ખિલાફ કોઈ સબુત નહિ હે. ઉસને સી.બી.આઈ.કે ચાર અફસરોકા ભી કત્લ કર દિયા હે પર કોઈ સબુત નહિ હે. તુજે મરના હોગા...”
“મરના?” અર્ચનાએ વિસ્મયથી કહ્યું.
“વિક્ટર તુજે માર ડાલે ઇસસે અચ્છા હે તુમ ખુદ અપને આપકો માર ડાલો.”
“શ્યામકી મોત કે બાદ મુજે જીને મે કોઈ દિલચસ્પી નહિ હે. પર મેં શ્યામકી અખીરી નિશાની કો જિન્દા રખના ચાહતી હું.” એ રડતા રડતા બોલી.
“ઈસલીયે કહ રહી હું તુજે મરના હોગા. અર્ચનાકો મરના હોગા.” મિસટ્રેસે આખો પ્લાન એને સમજાવ્યો.
ક્રમશ: