Pranay Parinay - 46 in Gujarati Love Stories by M. Soni books and stories PDF | પ્રણય પરિણય - ભાગ 46

The Author
Featured Books
Categories
Share

પ્રણય પરિણય - ભાગ 46

પ્રણય પરિણય ભાગ ૪૬


'નાઈન્ટી કિસિસ.. વન કિસ ફોર ઈચ મિનિટ..'


'નાઈન્ટી..' ગઝલ ધીમેથી બબડી.


'રાઈટ..' વિવાન બોલ્યો. ભયથી ગઝલના ગળે શોષ પડ્યો. તેણે ફરીથી ગળા નીચે થૂંક ઉતાર્યું.


'હાં, યાદ આવ્યું! મારે સાડીઓ લેવી હતી..' ગઝલ ફટ કરતી બોલી. ખરેખર તો તેને કશું લેવુ જ નહોતું, વિવાનને પરેશાન કરવાના ચક્કરમાં પોતે ફસાઈ ગઈ હતી.


'ઓકે.. ચલ લઈ લે.' વિવાન મનમાં હસતો સામેની સાડી શોપમાં ઘૂસ્યો. ગઝલ પણ મનમાં વિવાનને ભાંડતી તેની પાછળ ચાલી.


'વેલકમ સર..' સેલ્સમેને સ્વાગત કર્યું.


'અમારા રાણી સાહેબને સાડીઓ લેવી છે. એમને સારામાં સારી સાડીઓ બતાવો.' વિવાને સેલ્સમેનને સૂચના આપી.


'શ્યોર સર.. તમે એ દિવસે મેડમને જે સાડી અપાવી હતી એ જ પેટર્નમાં બીજી બતાવું?'


'એક મિનિટ.. એમણે ક્યારે મને સાડી અપાવી?' ગઝલ ઝીણી આંખો કરીને સેલ્સમેન તરફ જોતાં બોલી.


'અરે મેડમ! યાદ છે? થોડા દિવસો પહેલાં તમે સાડી ખરીદવા આવ્યા હતાં પણ તમને કોઈ સાડી ગમતી જ નહોતી.. ત્યારે આ સાહેબે એક સાડી પસંદ કરીને મને આપીને કહ્યું કે મેડમને આ ગમશે.. અને ખરેખર તમને ગમી ગઈ હતી!'


આ એ જ મોલ અને એજ દુકાન હતી, જયાં ગઝલ અને કૃપા સાડી લેવા આવેલા.


'મતલબ એ દિવસે તે સાડી તમે..' ગઝલ આશ્ચર્યથી આંખો પહોળી કરીને બોલી.


'યસ સ્વીટહાર્ટ. તારી ચોઈસ એકદમ બેકાર છે. એ દિવસે બિચારા બધા સેલ્સમેન પરેશાન થઈ ગયા હતા.' વિવાન હસીને બોલ્યો.


'મારી ચોઈસ બેકાર છે?' ગઝલ બંને હાથ કમર પર ટેકવીને બોલી.


'હમ્મ.. એટલે જ તો તારી માટે બધી ચોઈસ બીજા લોકોએ કરવી પડે છે ને!' વિવાન કટાક્ષમાં બોલ્યો.


'એટલે જ કહું સર, આજે પણ તમે જ પસંદ કરજો. મેડમ ખૂબ કન્ફ્યૂઝ થઇ જાય છે.' સેલ્સમેન બોલ્યો.


'તમે તમારુ કામ કરો.' ગઝલ ગુસ્સાથી બોલી અને મોઢું બગાડીને એક ખુરશી પર બેઠી. આજે પણ તેણે ખૂબ સાડીઓ જોઈ પણ કોઈ સાડી તેને પસંદ નહોતી આવતી. વિવાને અમૂક સાડી સજેસ્ટ કરી તેને પણ તેણે રિજેક્ટ કરી દીધી. ખરેખર તો એ તેને પરેશાન કરવા માટે જ એકપણ સાડી પસંદ નહોતી કરતી.


પણ એ તો વિવાન હતો!! એ ગઝલનો મકસદ સમજી ગયો. ગઝલએ જોયેલી સાડીઓમાંથી જેટલી તેણે ટ્રાઇ કરી હતી એ બધી સાડીઓ તેણે ખરીદી લીધી એ ઉપરાંત પોતે જે સજેસ્ટ કરી હતી એ બધી પણ ખરીદી લીધી. દુકાન વાળાને તો તડાકો પડી ગયો.


'બધી બેગ્સ મારી ગાડીમાં મુકાવી દો.' બિલ પેઈડ કરીને વિવાને કહ્યુ. અને તેને પોતાના ડ્રાઈવરનો નંબર લખાવ્યો.


'જી સર..' દુકાનદારે કહ્યુ અને ગઝલ તરફ ફર્યો: 'મેડમ, ફરી વાર જરુર આવજો.. તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપીશ..' એ ખુશ થઈને લળી લળીને બોલતો હતો.


બંને જણ દુકાનમાંથી બહાર આવ્યાં ત્યાં રઘુનો ફોન આવ્યો.


'હાં બોલ રઘુ..'


'ભાઈ, પેલો જાપાનીઝ ક્લાયન્ટ તમને મળવા માંગે છે.'


'એ મિટિંગ તો કાલની છે ને?'


'હાં, પણ ડીલ ફાઈનલ કરતા પહેલા એક બે કરેક્શન કરવાના છે એટલે એ આજે મળવા માંગે છે.' રઘુએ કહ્યું.


'અચ્છા, ક્યારની મિટિંગ ફિક્સ કરી છે?' વિવાને પૂછ્યું.


'અર્ધો કલાકમાં.'


'ઠીક છે. હું આવું છું.' વિવાને રિસ્ટ વોચમાં જોતાં કહ્યુ.


ગઝલ તેમની વાત સાંભળીને ખંધુ હસી.


'ચલ તને ઘરે છોડી દઉં.' વિવાન ફોન કટ કરીને બોલ્યો.


'મારે હજુ શોપિંગ કરવાની બાકી છે.'


'તારે તો ફક્ત સાડી જ લેવી હતી ને?'


'ના, બીજુ ઘણુ લેવાનું છે, હમણાં જ યાદ આવ્યું.' ગઝલ આંખો પટપટાવતી બોલી.


'તું મજાક કરે છે ને?' વિવાને આંખો ઝીણી કરીને પુછ્યું.


'હું શું કામ મજાક કરુ? તમારે જવું હોય તો જાવ.. હું શોપિંગ પતાવીને મારી રીતે ઘરે જતી રહીશ.' ગઝલ એકદમ દયામણો ચહેરો બનાવીને બોલી. વિવાને નકારમાં ડોકુ ધુણાવીને એક ઉંડો શ્વાસ લીધો.


'ઓકે, વેઈટ..' વિવાન બોલ્યો.

ગઝલને લાગ્યું કે એ જતો રહેશે અથવા તો મિટિંગ કેન્સલ કરશે. બંને વાતમાં જીત તો પોતાની જ થશે. તેના હોઠ પર ગર્વિષ્ઠ સ્મિત આવી ગયું.


વિવાને મોબાઈલ કાઢીને રઘુને ફોન લગાવ્યો.


'હાં, ભાઈ.'


'રઘુ, હું મેક્સ મેગા મોલમાં છું, તું ક્લાયન્ટને લઈને અહીં આવી જા આપણે અહીં જ મિટિંગ પતાવી લઈશું.'

આ સાંભળીને ગઝલની આંખો પહોળી થઈ ગઈ.


'જી ભાઈ.' રઘુ તેની સિચ્યુએશન સમજી ગયો. તેણે હસીને ફોન કટ કર્યો.


'ચલ આપણે શોપિંગ કરીએ.' વિવાન કોટ હાથમાં લેતાં બોલ્યો.

ગઝલ મોઢું તમતમાવીને આગળ નીકળી ગઈ.

વિવાન તેનું બાલિશપણું જોઈને મનમાં હસ્યો.


રઘુ આવે ત્યાં સુધી ગઝલએ ખૂબ શોપિંગ કર્યું. તેણે વિવાનના ક્રેડિટ કાર્ડની લિમિટ ઓલમોસ્ટ ખતમ કરી દીધી હતી. પછી તો તેણે ઘણા પેમેન્ટ નેટ બેન્કિંગથી કરવા પડ્યા. વિવાનના બંને હાથ શોપિંગ બેથી ભરાઈ ગયા હતાં પણ એ ગઝલને કશું જ નહોતો કહેતો. ઉલટું તેની સાથે શોપિંગ કરવાની એને ખૂબ મજા આવતી હતી.

તેણે વિક્રમને ફોન કરીને ઓફિસમાંથી બીજુ ક્રેડિટ કાર્ડ મોકલવાનું કહ્યું.


શોપિંગ કરી કરીને હવે ગઝલ પોતે જ થાકી ગઈ હતી. તે કાફેટેરિયા તરફ ચાલી.


'શું થયું? હજુ કંઇ બાકી હોય તો લઈ લે.' વિવાન મજાકભર્યું હસતાં બોલ્યો.


'બાકી જ છે, પણ એ પહેલાં કંઈક ખાવું પડશે, મને ભૂખ લાગી છે.' ગઝલ મોઢું મચકોડીને બોલી.


'ઓકે..'

બંને એક ટેબલ પર બેઠા.


'વેઈટર..' વિવાને વેઈટરને બોલાવ્યો.


'યસ સર..'


'મેડમ માટે..' વિવાન ઓર્ડર આપતો હતો ત્યાં ગઝલએ હાથ આડો ધરીને તેને રોક્યો અને બોલી: 'મારો ઓર્ડર હું જ આપીશ.'


'એઝ યુ વિશ..' વિવાને કહ્યુ.


પછી ગઝલએ ઘણુ બઘુ ઓર્ડર કર્યું. વેઈટર ઓર્ડર લઈને ગયો.

થોડી વાર પછી વેઈટર બધું ખાવાનું લઈને આવ્યો.


'તું આટલું બધું ખાઈ શકીશ?' વિવાને પ્લેટસ તરફ જોઈને પુછ્યું.


'હાં તો!' ગઝલ હોઠ પર જીભ ફેરવતાં બોલી.


'સરસ.. આટલું ખાતા ઓછામાં ઓછો અડધો કલાક તો થશે. ત્યાં સુધી મારી મિટિંગ પણ થઇ જશે.' વિવાને મનમાં વિચાર્યુ.


ગઝલ ખાવામાં મસ્ત ગુમ હતી અને વિવાન બેઠો બેઠો તેની સામે જોઈ રહ્યો હતો. તેણે તેની પ્લેટમાંથી સેન્ડવિચનો એક પીસ ઉપાડ્યો, ગઝલએ ફટ કરીને તેના હાથ પર ટપલી મારી.


'ડોન્ટ ટચ.. પાછી મૂકો..'


'એક જ પીસ લઉં છું. તારી પાસે છેને એટલું બધું?' વિવાને કહ્યુ.


'આ મારો ઓર્ડર છે. તમારે જોઈતું હોય તો બીજુ મગાવી લો.'


'બકાસુર..' વિવાન બબડ્યો.


'શું બોલ્યા?' ગઝલએ આંખો ઝીણી કરીને પૂછ્યું.


'જરા ધીરે એમ કહુ છું. ગળામાં ઠસકું આવશે.' વિવાને કહ્યુ. એના પર ગઝલએ મોઢું વંકાવ્યું અને ખાવામાં ધ્યાન પરોવ્યું.


'ભાઈ..' રઘુએ તેને પાછળથી બોલાવ્યો. વિવાન ઊભો થઈને એ તરફ ફર્યો. રઘુની સાથે બે જાપાનીઝ માણસો આવ્યા હતા.


'ગુડ આફ્ટરનુન.. મિ. શ્રોફ.' એક જાપાનીઝ હાથ લંબાવીને બોલ્યો.


'ગુડ આફ્ટરનુન મિ. સાકોઝી.. ગુડ આફ્ટરનુન મિ. કોતોયો..' વિવાને બંને સાથે હાથ મેળાવ્યા. પછી કહ્યુ: 'મીટ માય વાઈફ ગઝલ.'



ગુડ આફ્ટરનુન.. મિસિસ શ્રોફ.. બંને જાપાનીઝએ ગઝલનું અભિવાદન કર્યું.


'ગુડ આફ્ટરનુન..' ગઝલએ ખાતા ખતા જ કહ્યુ.


'શી ઈઝ બિઝી ઈન ઈટિંગ. લેટ્સ સીટ ધેર..' વિવાન તેમને બીજા ટેબલ પર દોરી ગયો.


રઘુ ગઝલની સામેની ચેર પર બેઠો. ટેબલની આજુબાજુ ઘણી બધી શોપિંગ બેગ્સ પડી હતી.


'ભાભી..' રઘુ બોલ્યો.


'હં.'


'આખો મોલ ખરીદી લીધો કે?'


ગઝલ આંખો ઝીણી કરીને તેની સામે જોઈ રહી.


'બસ આટલી જ ખરીદી કરી? આટલામાં શું થાય! હું તો કહું છું કે હજુ ખરીદી કરો..' રઘુ ધીમેથી બોલ્યો.


'હાં, એ તો હું કરવાની જ છું.' ગઝલ બોલી.


'ભાભી.. એક વાત પૂછું?'


'હાં પૂછોને..!'


'તમે આ બધુ ભાઈને હેરાન કરવા માટે જ કરો છો ને?' રઘુ શોપિંગ બેગ્સ તરફ ઈશારો કરીને આંખો નચાવતા બોલ્યો.

જાણે પોતાની ચોરી પકડાઇ ગઈ હોય તેમ ગઝલ થોડી ખચકાઈ.


'ગભરાઓ નહીં.. હું તો કહું છું કે તમે એને હજુ થોડો વધુ ત્રાસ આપો. તમને ખબર નથી, એ ઓફિસમાં અમારી પાસે એટલું બધું કામ કરાવે છે કે અમને છોકરી પટાવવાનો ટાઈમ પણ નથી મળતો. બોલો..' રઘુ ગરીબડું મોઢું કરીને બોલ્યો.


'દુષ્ટ.. નિર્દયી..' વિવાન બેઠો હતો એ તરફ જોઈને ગઝલ બબડી.


'કોણ?' રઘુએ પૂછ્યું.


'તમારા ભાઈ.. બીજુ કોણ હોય! મને પણ એ રોજ ગુસ્સો અપાવે છે.'


'હાં તો.. આવું તે કોઇ હોતુ હશે? તમે કેવા સુંદર નાજુક પરી જેવા છો..! તમને તો કેટલા લાડ લડાવવા જોઈએ..' રઘુ તેને ચઢાવતા બોલ્યો.

ગઝલને રઘુમાં પોતાનો સમદુખિયો દેખાયો.


વિવાન ત્રાંસી નજરે આ તરફ જોતો હતો. દિયર ભોજાઈ શું વાતો કરી રહ્યા છે એ તેને સંભળાતુ નહોતું.


રઘુ એને ચણાનાં ઝાડ પર ચઢાવતાં આગળ બોલ્યો: 'મને તો લાગે છે કે એને તમારી કદર જ નથી.. આટલી સુંદર હિરોઇન જેવી પત્નીની આગળ પાછળ ફરવું જોઈએ, એનો પડ્યો બોલ ઝિલવાને બદલે ગુસ્સો અપાવે એવું થોડું ચાલે?'

રઘુ આગમાં પેટ્રોલ નાખી રહ્યો હતો. ગઝલ હવે ફૂલ ભાવ ખાતી ચણાનાં ઝાડ પર ચઢી ગઈ હતી.


'લ્યો ને રઘુ ભાઈ.. થોડો નાસ્તો કરો..' ગઝલ એક પ્લેટ રઘુ તરફ ખસકાવતા બોલી.


'હું એક પિસ લેવા ગયો તો પણ ના પાડી દીધી અને રઘુને આખી પ્લેટ સામેથી આપે છે.' વિવાન મનમાં બબડ્યો.


રઘુએ વિવાન સામે જોયું, એ પણ તેની સામે જ જોઈ રહ્યો હતો. રઘુ જાણે તેની મજાક ઉડાવતો હોય તેમ મજા લઈને ખાઇ રહ્યો હતો.


'ભાભી.. હું આ પણ લઉં?'


'અરે! હાં હાં, લ્યો ને.. તમને જે ભાવતું હોય તે લ્યો.' ગઝલ વિવાન તરફ જોઈને બધી પ્લેટ રઘુ તરફ સરકાવતી હતી. એ જોઇને વિવાન જલી રહ્યો હતો.


મિટિંગ પત્યા પછી વિવાન જાપાનીઝને વળાવીને રઘુ અને ગઝલ પાસે આવ્યો.


'ભાભી.. બધુ જ બહું મસ્ત ટેસ્ટી હતુ હો!' રઘુ ઓડકાર ખાઈને બોલ્યો.


'હેં ને! રઘુ ભાઈ, તમે આ ટ્રાઇ કરો..' ગઝલ પોતાના હાથમાં રહેલો કોલ્ડ કોફીનો ગ્લાસ રઘુને આપતા બોલી. વિવાને ગ્લાસ વચ્ચેથી જ આંચકી લીધો અને મોઢે લગાવતાં બોલ્યો: 'બિલ મારે ભરવાનું છે..'


'રઘુ ભાઈ…' ગઝલ ટેબલ પરથી ઉભી થતાં બોલી


'હાં ભાભી?'


'ફોલો મી..'.


'જી ભાભી.. આપકા હુકમ સર આંખો પર.' રઘુ વિવાનને એટિટ્યુડ દેખાડતો ગઝલની પાછળ ચાલ્યો.


'સાલુ આ બેવને ક્યારથી જામી ગયું? મારી બાઈડી મારા સિવાય બીજા બધા સાથે કેવુ સરસ વર્તે છે..!' વિવાન માથું ખંજવાળતા બબડ્યો.


હવે રધુ અને ગઝલ શોપિંગ કરતાં આગળ આગળ ચાલતા હતા અને વિવાન તેની પાછળ પાછળ ચાલતો હતો.

એકાદ કલાક સુધી તેમની પાછળ ફરીને વિવાન થાક્યો. છેવટે તેણે એ બંનેને જબરજસ્તી મોલમાંથી બહાર કાઢ્યા. પછી ફોન પર કૃપા અને મિહિરની રજા લીધી અને બધા ઘરે જવા નીકળ્યા. ગઝલ રઘુની કારમાં બેઠી. વિવાન બાકીની બેગ્સ સાથે બીજી કારમાં બેઠો.


બધા ઘરે પહોંચ્યા.


'અરે! આ શું છે રઘુ?' વૈભવી ફઈએ રઘુના તથા નોકરોના હાથમાં શોપિંગ બેગ્સ જોઈને પુછ્યું.


'શોપિંગ કર્યું ફઈ!!' રઘુ બોલ્યો.


'પણ આટલું બધું?!!?' દાદીને પણ આશ્ચર્ય થયું.


'ભાભીએ રીતસર મોલ લુટ્યો..' રઘુ હસતા હસતા બોલ્યો.


'હે..?!!' દાદી અને ફઈ તેની સામે આશ્ચર્યથી જોઇ રહ્યા ત્યાં વિવાન પણ બંને હાથમાં પાંચ પાંચ બેગ્સ લઈને પ્રવેશ્યો. તેની પાછળ ડ્રાઈવરના હાથમાં પણ બેગ્સ હતી.

સૌની પાછળ ખાલી હાથે ગઝલ આવી.


દાદી અને વૈભવી ફઈને સામે જોઈને ગઝલ થોડી ખચકાઇ.


'વહુ બેટા થઇ ગઇ તમારી શોપિંગ?' દાદીએ પૂછ્યું અને ગઝલએ પોક મૂકી.


'બાઆઆ…' બોલતી ગઝલ રડતાં રડતાં દાદીના ગળે વળગી.


'અરે ગઝલ બેટા.. શું થયું?' દાદી મુંઝાઇને ગઝલની પીઠ પર હાથ ફેરવતાં બોલ્યાં.


ગઝલને અચાનક શું થયું એ તો વિવાનને પણ

સમજાતું નહોતું.


'શું થયું બેટા?' કૃષ્ણકાંત આ તરફથી આવતાં બોલ્યા.


'પપ્પા..' ગઝલ હવે તેની પાસે જઈને રડવા લાગી.


'શું થયું દિકરી?' દાદી ગઝલના માથે હાથ ફેરવીને બોલ્યા.


'આ વિવાન..' એટલું બોલીને ગઝલ પાછી રડવા લાગી.


'શું કર્યું એ ડોબાએ?' કૃષ્ણકાંતે વિવાન તરફ જોયું.


'મને શોપિંગ જ ના કરવા દીધી..' ગઝલ હિબકાં ભરતી બોલી.


'ઓહો! હજુ પણ કંઇ લેવાનું બાકી રહી ગયું હતું બેટા?' ફઈ શોપિંગ બેગ્સ તરફ જોઈને બોલ્યા.


'હાં ફઈ.. ઘણુ બધુ રહી ગયું.' ગઝલ આંખો લૂછતા બોલી.


'વિવાન.. શું છે આ બધું?' કૃષ્ણકાંત વિવાન પર ગુસ્સો કરતા બોલ્યા.


'અરે ડેડ.. પહેલા જૂઓ તો, તમારી લાડકી વહુએ કેટલી ખરીદી કરી છે! મારા ક્રેડિટ કાર્ડની લિમિટ ક્રોસ થઇ ગઇ. બાકીનું પેમેન્ટ કંપનીના ડેબિટ કાર્ડથી કરવું પડ્યું.' વિવાન ગઝલ સામે ગુસ્સાથી જોઈને બોલ્યો.


'બા.. પહેલા તેણે જ મને કીધું કે તારે જે જોઇએ એ લઇ લે અને હવે જુઓ..' કહીને ગઝલએ ડૂસકું ભર્યું અને બોલી: 'ત્યાં પણ બધાની સામે મારા પર ખિજાયા..'


હવે દાદીએ પણ વિવાનનો વારો કાઢ્યો.

'વિવાન.. વહુને ખિજાવાની તારી હિંમત કેમ થઈ?'


'અરે દાદી.. એવું કંઈ નથી થયું. મે એને કંઈ નથી કહ્યું..' વિવાન ગભરાઈને બોલ્યો.


'બા.. એ સાચે ખિજાયા.. બહુ જોરથી ખિજાયા.. એ પણ પેલા જાપાનીઝ લોકોની સામે.. રઘુ ભાઈને પૂછો.. એ ત્યાં જ હતા.' કહીને ગઝલએ રઘુ સામે આંખ મારી. બધાં હવે રઘુ સામે જોઈ રહ્યાં હતાં. વિવાન પણ ગુસ્સાથી રઘુ સામે જોઈને સાચું શું છે તે કહેવાના ઈશારા કરી રહ્યો હતો.


વિવાન અને ગઝલ વચ્ચે રઘુ ખરો ફસાયો હતો.

'હં.. હા, હા તો..' એ મોઢે થી 'હાં' અને ડોકુ ધુણાવીને 'ના' કહી રહ્યો હતો.


'રઘુ ભાઈઈઈ..' ગઝલ એકદમ લાડથી બોલી.


'હેં, હા.. ખિજાયા ને.. ભાઈ તો ભાભી પર ખૂબ ખિજાયા.. મેં તો કીધું કે આમ એટલું બધું ના ખિજાવાય.. પણ ભાઈ માને જ નહીં ને.. ભાભી બિચારા રડી પડ્યા.. એની તો રડી રડીને આંખો લાલઘૂમ થઇ ગયેલી બોલો..'


વિવાન હબક ખાઈ ગયો.


'વિવાન..' કૃષ્ણકાંતે ડોળા કાઢીને વિવાનને તતડાવ્યો.


વિવાન ડરથી નીચું જોઈને ઉભો રહ્યો. બિચારાએ ગઝલના એટલા નખરા સહન કર્યા હતાં અને ઉપરથી બધા એનો જ વારો પાડી રહ્યા હતા.


'યસ ડેડ..' વિવાન નીચી મુંડી રાખીને બોલ્યો.


'કાલ ને કાલ વહુને જે જોઇતુ હોય તે અપાવી દે. જોઈએ તો મારુ ક્રેડિટ કાર્ડ લઇ જા. સમજ્યો?' કૃષ્ણકાંત ગુસ્સાથી બોલ્યાં.


'જી ડેડ..'


'ગઝલ બેટા, હવે બરાબર?' કૃષ્ણકાંત ગઝલ તરફ જોતા બોલ્યા.


'હાં પપ્પા.. થેન્કસ.. લવ યૂ.' ગઝલએ તેમને ભેટીને કહ્યુ.


'ઓકે બેટા, જા હવે ફ્રેશ થઈને આવ એટલે બધા સાથે જમી લઇએ.' દાદીએ ગઝલને કહ્યુ.


'હંમ્.. પણ આ બધો સામાન?' ગઝલ શોપિંગ બેગ્સ સામે જોઈને બોલી.


'એ બધું વિવાન લેતો આવશે.. તુ થાકી ગઈ હોઈશ રડી રડીને..' ફઈએ કહ્યુ.


'હાં, એ તો છે.' કહીને ગઝલ દાદરો ચઢીને તેની રૂમમાં જતી રહી.


એ ગયા પછી બધા વિવાન પર હસવા લાગ્યા.


'ડેડ તમે પણ.. એની સામે મને ખિજાવા લાગ્યા.' વિવાને ફરિયાદ કરી.


'બેટા, એ હજુ નાસમજ છે, આ ઘરમાં એ સેટ થઇ રહી છે. તેને એવું ન લાગવું જોઈએ કે તેની બાજુમાં કોઈ નથી.' કૃષ્ણકાંતે હસતા હસતા વિવાનને સમજાવ્યું.


'હમ્મ.. પણ તેણે ખરેખર ખૂબ બધી શોપિંગ કરી છે.' વૈભવી ફઈએ સામાન તરફ નજર ફેરવીને કહ્યુ.


'શોપિંગ નથી કરી.. કાળો કેર વર્તાવ્યો છે.' રઘુ હસતા હસતા બોલ્યો.


'એમાં તારો પણ હાથ છે, સમજ્યો?' વિવાન રઘુ સામે કતરાતા બોલ્યો.


'કોઈ વાંધો નહી, તેની છોકરમતને લીધે આ ઘરમાં હસી ખુશીનો અવાજ તો આવ્યો.. મારી કાવ્યા ઘરે હોત તો એ પણ આવી જ બદમાશી કરતી હોત.' દાદી આંખમાં આંસુ સાથે બોલ્યા.


એ સાંભળીને બધાની આંખો ભીની થઇ ગઇ.

કાવ્યાની વાત નીકળતા જ વિવાનના ગળમાં ડૂમો ભરાઈ આવ્યો. અને એ ત્યાંથી નીકળી ગયો.

.

.


**

ક્રમશઃ


❤ આપના અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો ❤