ઔષધિનો રાજા: લીમડો
ભારતનું ‘કલ્પવૃક્ષ’ એટલે લીમડો. લીમડો ફક્ત આરોગ્ય રક્ષા માટે જ નહિં પરંતુ પાકરક્ષક ખાતરો બનાવવા માટે તથા પર્યાવરણનાં ઉતમ રક્ષક તરીકે ખૂબજ ઉપયોગી છે. લીમડો ઠંડો, કડવો, હળવો, ગ્રાહી, તીખો, વ્રણશોધક અને મંદગ્નિકર્તા છે. હાલનાં વૈદ્યોના અનુભવમાં પણ આવ્યું છે કે લીમડો અનેક દરદોનો નાશ કરનારો છે. જેથી ચિકિત્સકો તરફથી તેની વિવિધ બનાવટોનો દવા તરીકે ઉપયોગ થાય છે. લીમડાની છાલમાં માર્ગોસિન નામે પ્રબળ જંતુનાશક તત્વ છે. પાનમાં વિટામિન-એ, પ્રોટીન, કેલ્શિયમ, બી માં કડવું દુર્ગધી તેલ હોય છે, જેમાં ઓલિક એસિડ તથા ગંધક હોય છે.
લીમડો ખુબજ ગુણકારી છે પરંતુ ગુણકારી ચીજનું અતિ સેવન પણ ઠીક નથી હોતું બારેમાસ લીમડાનો રસ પીવાનું બધા માટે હિતકારી નથી. ચૈત્ર મહિના દરમ્યાન રોગી-નીરોગી સૌએ લીમડો લેવો જોઈએ. લીમડાનાં પાન શિશિરમાં ખરી જાય છે અને વસંતમાં ફરી નવા પાન ફૂટે છે, તેની પર વસંતમાં નાના,સફેદ રંગના આછી કડવી વાસનાં ફૂલ ઝૂમખામાં થાય છે. ઉનાળાનાં અંતમાં લીંબોળીનાં ફળ થાય છે જે કાચા હોય ત્યારે લીલા રંગની અને પાક્યેથી પીળા રંગની હોય છે. પાકી લિંબોળીમાં ધટ્ટ ચીકણો ને કડવો,મીઠો રસ હોય છે. દરેક લીંબોળીમાં એક મોટું બી હોય છે જેને પીલવાથી તેલ મળે છે. લીમળો ખૂબજ ઉપયોગી છે. તેનાં બધાજ અંગો દવારૂપે વપરાય છે.
ચૈત્ર મહિનો એટલે વસંત ઋતુનો ઉતરાર્ધ. આ મહિનામાં લીમડાના ઝાડ પરા મોર આવે છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણેઆ મહિનામાં મોરનો ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક લોકો લીમડાના મોરનો રસ કરીને પીવે છે. ચૈત્ર મહિનાના પહેલાં આઠ દિવસમાં લીમડાનાં દસ કુમળા પાન, મુઠ્ઠીભર ફૂલ, બે કાળાં મરી, હિંગ, સિંધવ, જીરું અને અજમો મિક્સ કરીને તેનો રસ પીવાથી આખું વરસ નીરોગી રહેવાય છે. ચૈત્રમાં લીમડાના ઝાડ પરજે ઝીણાં ફુલ એટલેકે મોર બેસે છે તેને અને લીમડાનાં કૂણા પાનને સર્વરોગ પરિહારક માનવામાં આવે છે. પહેલાનાં જમાનામાં તો દાતણ માટે પણ લીમડાની ડાળી વપરાતી હતી. તેના ઉપયોગથી દાંતમાં સડો થતો નથી. દરરોજ આ દાતણ કરવાથી દાતની તકલીફ આવતા પહેલાજ અટકી જાય છે. કડવો રસ પેટમાં ઊતરે તો પાચન પણ સુધરે છે. આ પ્રયોગથી ઉનાળામાં જોવા મળતી અળાઈ, ફોલ્લી અને ગૂમડાંથી પણ રક્ષણ મળે છે. લીમડો ઘા રુઝાવે છે અને સોજો ઉતારે છે તેમજ કૃમિ, ઊલટી,તાવ, રક્તદોષ, કફ-પિત, દાહ અને વાયુ મટાડે છે.
ચૈત્ર મહિનામાં ધર્મ અને કર્મ સાથે સ્વાસ્થયની તકેદારી રાખવી ખૂબજ જરૂરી છે. આ સમયગાળા દરમ્યાન વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી જાય છે અને તેના કારણે વાઈરસ અને બેક્ટેરિયા સક્રિય થઈ જતા હોય છે પરિણામે લોકો વધુ સંક્રમિત થાય છે અને બીમારી વધવા લાગે છે. આખા ચૈત્ર મહિનામાં રોજ સવારે ખાલી પેટે લીમડાનાં પાંદડા ચાવીને ખાઈ જવા. આવું કરવાથી પેટના રોગમાંથી મુક્તિ મળશે. આ સાથે લીમડો રોગના સંક્રમણથી દુર રાખશે. ચૈત્ર મહિનામાં લીમડા સાથે સાકર અને ગોળ ખાવાથીફાયદો થાય છે. ચૈત્ર મહિનામાં પામખરમાં દરરોજ ધુપ, કપુર અને લીમડાના સુકા પાંદડાઓ સળગાવો જેથી સકારાત્મક ઉર્જા ફેલાય છે. લીમડાની બહારની છાલ કરતાં અંદરની છાલમાં વધારે ગુણ હોય છે. તેનો રસ કડવો હોવાથી કફ અને પિતનું સમન કરે છે. તેનાં પાન અને છાલ જંતુ રોધક અને બળતરા શમાવનારાં છે. લિંબોળીની અંદરનું બીજ ઘા રુઝાવનારું અને રોગો મટાડનારું છે. લીમડાની છાલના ચૂર્ણ અથવા લીમડાના પાનનો રસ, સિંધવ અને કાળામરીનો ઉપયોગ કરવાથી મલેરિયા રાહત થાય છે.
લીમડો ત્વચાના રોગો માટે ગુણકારી છે. ત્વચાના રોગો માટે કફ અને પિતનો વિકાર જવાબદાર છે લીમડાથી બંનેની શુધ્ધિ થાય છે. લીમડામાં રહેલાં નિમ્બિન, નિમ્બિનિન અને નિમ્બિડિન જેવાં કેમિકલ્સ વાઈરસ અને ફૂગનો નાશ કરે છે. ખીલ થવાં, ખરજવું થવું, ચામડીમાં બળતરા થવી જેવી તકલીફોમાં લીમડાનાં લીલાપાન લસોટીને તેનો લેપ કરવામાં આવે છે. લીમડાનું ટર્વેનોઈડ નામનું તત્વ જંતુ મારવાનું કામ કરે છે. ફલુ અને તાવના દરદીઓની પથારીની આસપાસની હવામાંના વાઈરસનો નાશ કરવા પથારીની ફરતે લીમડાનાં પાન પાથરવામાં આવે છે. દરરોજ સાંજે લીમડાના પાનની ધૂણી કરીને ઘરના ખૂણે-ખૂણે ફેરવવાથી મચ્છરો અને અન્ય બેકટેરિયા નાશ પામે છે. પેટમાં કૃમિ થયા હોય તો લીમડાનો રસ પીવાથી નીકળી જાય છે. પિતને કારણે તાવ આવતો હોય અને પિત ચડી ગયો હોય તો લીમડાનાંપાનનો રસ પીવાથી ઊલટી થઈને પિત બહાર નિકળી જશે. લીમડાનાં પાનના રસમાં ચપટીક ખરી સાકર મેળવીને આઠ-દસ દિવસ સુધી પીવાથી શરીરની વધારાની ગરમી દૂર થાય છે. કોલેરામાં એક તોલો લીમડાનાં પાનમાંચપટીક કપૂર અને એટલીજ હિંગ નાખીને ગોળી બનાવી ખાવાથી કોલેરા સામે રક્ષણ મળે છે. આમ, લીમડો સર્વરોગને હરનાર એવો ઔષધિનો રાજા છે. લીમડાનો એક વૃક્ષ 150 થી 200 વર્ષનું આયુષ્ય ધરાવે છે.