ભૂતનો ભય ૬
- રાકેશ ઠક્કર
જીવની સદગતિ
ગાઢ જંગલની અંદર આવેલા તગાડલી ગામમાં છૂટાછવાયા ઘરો આવેલા છે. એમાં મુખ્ય રોડની બાજુમાં આવેલા શાકરીના ઘરમાં અડધી રાતે રડારોડ ચાલુ થઈ ગઈ હતી.
બાસઠ વર્ષના તિલોબાને અચાનક હ્રદય રોગનો હુમલો આવ્યો હતો અને શ્વાસ ચાલતા બંધ થઈ ગયા હતા. એમનો પુત્ર બાવકુ બીજા ગામમાંથી વૈદ્યને બોલાવી લાવ્યો હતો. એમણે આવતાની સાથે જ નાડી તપાસી તિલોબા સ્વર્ગવાસી થઈ ગયાની જાહેરાત કરી દીધી હતી. તિલોબાની પત્ની શાકરી છાતી કૂટીકૂટીને રડી રહી હતી. તિલોબાની આ મરવાની ઉંમર ન હતી. પણ આયુષ્ય આટલું જ લખાયું હશે એનો અફસોસ શાકરી કરી રહી હતી.
તિલોબા વિશે જાણ થતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. અહીં નજીકમાં કોઈ હોસ્પિટલ ન હતી કે એમને ત્યાં બતાવવા લઈ જવાય. વૈદ્યએ કહ્યા પછી બીજો કોઈ ઉપાય કરવાની જરૂર ન હતી. ઘરના બધા રડતાં હતા ત્યારે લોકોએ અંતિમ ક્રિયાની સામગ્રી ભેગી કરવાનું શરૂ કરી દીધું હતું. તિલોબાની ઉંમર ખાસ ના કહેવાય. આદિવાસી પ્રજા નેવુંથી વધુ ઉંમર સ્વસ્થ રીતે જીવતી હતી. એક જણે કહ્યું:‘હજુ અઠવાડિયા પહેલા તો આપણે કહ્યું હતું કે એમની ઉંમર વધી ગઈ હશે. એમણે બે જણને બચાવવાનું પુણ્ય કર્યું હતું. આ તો ઊંધું થયું. એમની ઉંમર ઘટી ગઈ...’
વાત પણ સાચી હતી. ગયા અઠવાડિયે તિલોબા ગામના ત્રણ જણ સાથે જંગલમાં મધપૂડો શોધવા ગયા હતા ત્યારે એક ભૂખ્યો સિંહ એમની સામે આવી ગયો હતો. તિલોબા પોતાને અને બીજા ત્રણ જણને બચાવવા તૈયાર થઈ ગયા હતા. એમણે સિંહનો મુકાબલો શરૂ કર્યો હતો. જીવ સટોસટની બાજી ખેલી હતી. પરંતુ સંઘર્ષ પછી પણ સિંહે ભગાલાને શિકાર બનાવી એમની સામે જ પતાવી દીધો હતો. ગુસ્સે થયેલા તિલોબા એટલા આક્રમક બન્યા હતા અને ભગાલાને ખાતા સિંહને એક લાકડાથી માથામાં એવો ફટકો માર્યો હતો કે એ ઊભી પૂંછડીએ ભાગી ગયો હતો. તિલોબાએ પોતાની અને બીજા બે ગામવાસીની જિંદગી બચાવી હતી. એકની જિંદગી બચાવી ના શક્યા એનો અફસોસ રહ્યો હતો.
તિલોબાની સાહસ કથા કહેતા બીજાએ કહ્યું:‘ઉપરવાળો એમને અન્યાય કરી રહ્યો છે. બે જણના જીવ બચાવ્યા એની કોઈ કદર ના કરી. એમનો જીવ ખૂંચવી લેતા જરા પણ દયા ના આવી?’
ત્રીજાએ કહ્યું:‘આ મરવાની ઉંમર ન હતી...’ ત્યારે બહાર રોડ પર એક કાર ચિચિયારી પાડીને ઊભી રહી.
બધા બહાર દોડી ગયા. જંગલમાંથી પસાર થતા રસ્તા પર એક કાર નજીકના વૃક્ષને ઘસાઈને ધૂમાડા કાઢતી ઊભી હતી. ગભરાયેલી એક વ્યક્તિ અને ડ્રાઈવર બહાર નીકળી ગયા હતા.
કારના માલિક લાગતી વ્યક્તિ કહી રહી હતી:‘કેવી રીતે ચલાવે છે? આવી બ્રેક મરાતી હશે?’
ડ્રાઈવર હજુ હતપ્રભ હતો:‘સાહેબ, મેં બ્રેક મારી જ નથી. ચોંટી ગઈ છે. હું હમણાં જ જોઉં છું.’
ડ્રાઈવર બ્રેકનું નિરીક્ષણ કરતો હતો ત્યાં ગામ લોકો પહોંચી ગયા.
એક જણે કહ્યું: ‘કશું થયું નથી ને? કોઈ મદદ જોઈએ છે?’
‘ના- ના, નાનો પ્રોબ્લેમ છે.’ કહી એ વ્યક્તિ ડ્રાઈવરની કામગીરી નિહાળવા લાગી. ત્યાં એક જણની નજરે કાર પર ડૉક્ટરનું ચિન્હ જોયું અને પૂછ્યું:‘તમે ડૉક્ટર છો?’ પછી જવાબની રાહ જોયા વગર કહ્યું:‘અમારા ભાઈને જોવા આવશો?’
ડૉક્ટર દલવાડીએ એની પાસેથી જાણકારી મેળવી અને તિલોબાને જોવા ગયા. સદનસીબે એ હ્રદયરોગ નિષ્ણાત હતા. એમણે તિલોબાને તપાસી છાતી પર દબાણ આપી સારવાર આપવાનું શરૂ કર્યું. પાંચ મિનિટમાં તિલોબાના શ્વાસ ચાલવા લાગ્યા હતા. બધાએ એમનો આભાર માન્યો. ડ્રાઈવરને એમની કારમાં કોઈ સમસ્યા દેખાઈ નહીં. થોડી જ વારમાં એ પોતાના રસ્તે પડી ગયા.
તિલોબા પોતાને સાજા જોઈ નવાઈ પામી રહ્યા હતા. ત્યારે દૂર વૃક્ષ પર બેઠેલું ભગાલાનું ભૂત બોલ્યું:‘તિલોબા, તમે મને બચાવી શક્યા ન હતા પણ બીજા બે જણને બચાવ્યા હતા. મેં તમને બચાવી મારા આત્માને શાંતિ અપાવી છે. હવે ખબર નહીં આપણી કયા જન્મમાં મુલાકાત થશે...’
***