ગયા પ્રકરણમાં સંગીતકાર સચિનદેવ બર્મન ને ગાયક તરીકે આપણે યાદ કર્યા,તો હવે તેમના હોનહાર સંગીતકાર પુત્ર રાહુલદેવ બર્મન એટલે કે પંચમ દા ની સંગીત સફર સાથે જોડાયેલ રસપ્રદ વાતો સાથે રેટ્રોની મેટ્રો સફર કરીએ.આર ડી બર્મન જ્યારે નાના હતા ત્યારે કલકત્તામાં તેમના દાદી પાસે રહેતા પણ વચ્ચે વચ્ચે પિતા પાસે મુંબઈ પણ તેઓ આવતા. ત્યારે સચિનદેવ બર્મન એટલે કે પંચમ દા ના પિતા મુંબઈના સાયન વિસ્તારમાં રહેતા અને ત્યાં જ નજીકમાં અનાદિ બેનર્જી ના ઘરે સંઘર્ષશીલ કલાકારો ની બેઠક જામતી.ત્યાં જ એ જમાનામાં ખૂબ લોકપ્રિય થયેલ ગીત " डोल रही है नैया मेरी... "નુ રિહર્સલ ચાલતું હતું, તે વખતે અશોક કુમાર, રાહુલદેવ ને પણ કહેતા " તુમ ભી સુર લગાવો "અને બાળક રાહુલદેવ 'પ ' એટલે કે-પંચમ સૂર પર આવીને અટકી જતો,વારંવાર આવું થવાથી મજાક-મજાકમાં એમનું નામકરણ પંચમ થઈ ગયું અને પછી તો જિંદગીભર પંચમ નું હુલામણું નામ તેમની સાથે રહ્યું. આર ડી બર્મન ના આલોચકો હંમેશા કહેતા રહ્યાં છે કે "આર ડી બર્મનનુ મ્યુઝિક વેસ્ટર્નાઇઝડ છે, તેમાં ભારતીય તત્વ હોતું નથી " તેમની બોલતી બંધ કરી દીધી ફિલ્મ પરિચય નાં "बीती ना बितायी रैना,बिरहा की जायी रैना भीगी हुई अँखियों ने,लाख बुझायी रैना बीती ना बितायी रैना......" ગીતે. આર.ડી બર્મનના ગ્રુપમાં ભુપિન્દર ગિટાર વગાડતા હતા.હરે રામા હરે ક્રિષ્ના ફિલ્મના "दम मारो दम.. " ગીતમાં પણ તેમણે ગિટાર વગાડી હતી.જો કે "बीती ना बितायी रैना,बिरहा की जायी रैना...." આર ડી બર્મને ભુપિન્દર પાસે ગવડાવ્યું .જેણે ભુપિન્દરને ગાયક તરીકે સફળતા અપાવી.ભારતીય શાસ્ત્રીય સંગીત ના સુંદર ઉપયોગવાળુ પંચમ નું બીજું ગીત અત્યારે મને યાદ આવે છે. ફિલ્મ 'અમર પ્રેમ'નું એ ગીત એટલે "रैना बीती जाये,श्याम ना आये
निंदिया ना आये,निंदिया ना आये रैना बीती जाये .." પંચમદાએ આ ગીતના મુખડામાં બિલાસખાંની તોડીનો ઉપયોગ કરીને જબરજસ્ત ભાવ વિશ્વ સર્જ્યું છે. લતા મંગેશકરે ખુબ સરસ રીતે શ્રુંગારની સાથે સાથે ભારોભાર કરુણ રસ આ ગીતમાં પ્રગટાવ્યો છે. આ બિલાસખાંની તોડી રાગની ઉત્પત્તિ કઈ રીતે થઈ તેની પાછળ એક રસપ્રદ કથા છે.(આમ તો આડવાત લાગશે પરંતુ ફિલ્મ સંગીતના ચાહકોને આ વાત જાણવી ચોક્કસ ગમશે તેમ માની અહીં રજૂ કરું છું) હા તો એ લોકવાયકા એવી છે કે તાનસેનના મૃત્યુ સમયે અકબરને મૂંઝવણ થઈ "દરબારમાં હવે તાનસેનનું સ્થાન એમના ચાર પુત્રોમાંથી કયા પુત્રને આપવું?" એના ઉકેલરૂપે એવું નક્કી થયું કે તાનસેનના ચારે પુત્રોએ વારાફરતી તાનસેનના મૃતદેહ પાસે રાગ તોડી ગાવો.મોટા પુત્ર સુરતસેને શરૂઆત કરી અને નાના પુત્ર બિલાસખાને છેલ્લે રાગ તોડી રજૂ કર્યો. બિલાસખાને રાગ તોડી ગાવાનું શરૂ કર્યું ત્યારે તેમાં થોડો ફેરફાર કર્યો અને શુદ્ધને બદલે કોમળ નિષાદનો પ્રયોગ કર્યો તે સમયે તાનસેનના મૃતદેહનો હાથ અચાનક થોડો ઊંચકાયો અને એને તાનસેનના આશિર્વાદ ગણી બિલાસખાનને તાનસેનનો ઉત્તરાધિકારી બનાવાયો. એ સમયે બિલાસખાને છેડેલ રાગ તોડીનો એ પ્રકાર કહેવાયો "બિલાસખાની તોડી".
તમે તો છો રેટ્રો ભક્તો એટલે તમને "આંધી"ફિલ્મ તો ચોક્કસ યાદ હશે જ આર ડી બર્મન અને ગુલઝારની જોડીએ આ ફિલ્મમાં કવિતા અને સંગીતનો એવો મેળ બેસાડ્યો છે કે સીને સંગીતના રસિયાઓને તો જલસો જ પડી જાય.ફિલ્મનું એક ગીત છે
"तुम आ गए हो नूर आ गया है
नहीं तो चरागों से लौ जा रही थी
जीने की तुमसे वजह मिल गई है
बड़ी बेवजह ज़िंदगी जा रही थी
तुम आ गए हो नूर आ गया है..."દીવા નું તેજ ઝાંખું થવા માંડ્યું હોય અને કોઈ આવીને એમાં તેલ પુરે પછી જ્યોતમાં નવું તેજ પ્રગટી ઉઠે, એવો કોમળ કવિતાનો ભાવ અને એ ભાવને પંચમદા એ સ્વરો દ્વારા કેટલો સચોટ રીતે ઉપસાવ્યો છે તે જાણવા માટે ગીતને ધ્યાનથી સાંભળવું પડે.ગીતની એક કડીની જ વાત કરું. "નહીં તો...pause...ચરાગોસે... pause... સાથે ધીમા નિશ્વાસ જેવો ઉચ્છવાસ અને પછી ધીમા સ્વરમાં... લૌ જા રહી થી.... ગવાય છે. કવિએ અભિવ્યક્ત કરવા ધારેલા ભાવોને બારીકીથી સંગીતમાં ઢાળી પંચમે સંગીતકારની કમાલની સમજના દર્શન કરાવ્યા છે.નિરાંતે આખું ગીત ફરી એકવાર સાંભળ્યા પછી તમે પણ મારી આ વાત સાથે ચોક્કસ સંમત થશો જ.
ફિલ્મ સંગીતના સર્જન વખતે આર ડી બર્મન નવા નવા પ્રયોગો કરવા માટે જાણીતા છે.તેઓ ક્યારેક કોઈ નવું ઇન્સ્ટ્રુમેન્ટ ગીતમાં લઈને આવતા અથવા તો ક્યારેક કોઈ ચીજમાંથી ઉત્પન્ન કરીને નવો યુનિક સાઉન્ડ ગીતમાં ઉમેરતા.નવા સાઉન્ડ અને ઇન્સ્ટ્રુમેન્ટ ના ઉપયોગ સુધી તો ઠીક છે, પણ એકવાર તો એમણે હદ કરી નાખી.એમણે એક મ્યુઝિશિયન ને જ ઈન્સ્ટ્રુમેન્ટ તરીકે ઉપયોગમાં લીધા.તમે વિચારતા થઇ ગયા હશો કે કોઈ માણસને વાદ્ય તરીકે કઇ રીતે ઉપયોગમાં લઈ શકાય ? માણસને વાદ્યની જેમ વગાડી કઈ રીતે શકાય ? થયું એવું કે,એકવાર પંચમ ફિલ્મ સેન્ટરમાં રેકોર્ડિંગ કરતા હતા.એ ગીત માટે એમને કોઈ ખાસ સાઉન્ડની જરૂર હતી. તેઓ એના માટે વિચારતા હતા ત્યાં જ એમની નજર એમના આસિસ્ટન્ટ મારુતિ રાવ પર પડી.આર ડી બર્મન તરત જ તેમની પાસે ગયા અને તેમણે કહ્યું "એક કામ કરો તમારું શર્ટ કાઢો ." મારુતિ ના ના કરતા કરતા છેવટે અચકાતા અચકાતા તૈયાર થયા.તેમણે શર્ટ કાઢ્યું કે તરત જ આર.ડી.એ તેમની પીઠ પર હળવું હળવું મારવાનું શરૂ કર્યું .બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે આખરે આ શું થઈ રહ્યું છે !! બે ત્રણ વાર આમ કર્યા પછી પંચમેં કહ્યું "હા ઠીક હૈ , ચાલો રેકોર્ડિંગ રૂમમાં જઈએ "અને તમને આશ્ચર્ય થશે પણ એ ગીતના રેકોર્ડિંગ દરમિયાન આર ડી બર્મને મારુતિ રાવ ની પીઠ વગાડી.તે ગીત એટલે ફિલ્મ ડાર્લિંગ ડાર્લિંગ નું
"ऐ भूल गए तुम हमको याद नहीं क्या तुमको
अरे कल मिले थे हम तुम्हें आज फिर मिलना था
अरे मुलाकात एक रात की रात,रात गई बात गई हो रात गई बात गई सब गए " જેમાં ઝીનત અમાન ગાવાનું શરૂ કરે છે તેની આગળ આ ક્લેપીંગ જેવી સાઉન્ડ ઇફેક્ટ નો ઉપયોગ થયો છે. એ જ રીતે "કારવાં" ફિલ્મનાં ગીત"दिलबर दिल से प्यारे..."ની શરૂઆત માં થાળી અને ચમચાથી સાઉન્ડ ઉત્પન્ન કરાયો છે.નાસીર હુસેને બનાવી ફિલ્મ "તીસરી મંઝીલ", તેને સફળતાની મંઝિલે પહોંચાડવા માટે , જોરદાર હિટ સંગીત નો સમાવેશ ,ફિલ્મમાં કરવો જોઈએ તેમ બધાને લાગ્યું. કયા સંગીતકારને ફિલ્મ નું સંગીત સોંપવું તેની ચર્ચા ચાલી ,ચર્ચા દરમિયાન ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી એ strongly આર ડી બર્મન નું નામ સૂચવ્યું. આર ડી બર્મન સાથે બેઠક થઈ અને સંગીતકાર તરીકે તેમનું નામ નક્કી થયું ,પણ ફિલ્મના હીરો શમ્મી કપૂરને લાગ્યું કે "નવાસવા આવેલા નવયુવાન આર.ડી.બર્મન,મારી ઇમેજ ને અનુરૂપ સંગીત નહીં આપી શકે " ઘણી સમજાવટ પછી શિવાજી પાર્ક સ્થિત સંગીતકાર સી.રામચંદ્ર ના ઘરે શમ્મી કપૂર અને આર.ડી.બર્મન ની મીટીંગ ગોઠવાઈ. ફુલ ઓર્કેસ્ટ્રા સાથે પંચમના અવાજમાં રેકોર્ડ થયેલા "ओ हसीना जुल्फों वाली "અને "आजा आजा मैं हूं प्यार तेरा..." ગીતોની રેકોર્ડ સાંભળવા માટે આપી ,તે ગીતો સાંભળ્યા પછી શમ્મી કપૂર ઉત્સાહમાં"યા....હુ" કહીને ઉછળી પડ્યા અને "તીસરી મંઝીલ" ના સંગીતકાર બની ગયા રાહુલ દેવ બર્મન.પછી તો આ ફિલ્મનું એવું હિટ સંગીત આર.ડી.બર્મને આપ્યું કે તે ગીતો આજે પણ રેટ્રો ચાહકોના દિલોદિમાગ પર રાજ કરે છે.
એકવાર સલિલ ચૌધરી ને પૂછવામાં આવ્યું કે તમારા સિવાય ફિલ્મ ક્ષેત્રના કયા સંગીતકારને તમે પ્રતિભા વાન સમજો છો ? જવાબમાં પળનોય વિલંબ કર્યા વગર સલિલ દા એ કહ્યું "આર ડી બર્મન "
આપણાં સૌનાં પ્યારા પંચમ એટલે કે આર ડી બર્મન એટલે કે રાહુલદેવ બર્મન,ખૂબ વિનોદી સ્વભાવના હતા .તેઓ પોતાના પરમ મિત્ર ગુલઝારને'સફેદકૌવા' કહીને હંમેશા ચિડવ્યા કરતા.આશા ભોંસલે સાથે તેમણે લગ્ન કર્યા પછી ,આશા ભોંસલેના સફાઈ મેનિયા ને ધ્યાનમાં રાખી એકવાર મજાકમાં તેમણે ઝાડુ ની ગિફ્ટ આપી હતી બોલો...(પછી આશા ભોંસલે ઝાડુ લઈને એમની પાછળ એમને મારવા દોડે જ ને) સંગીત જેટલો જ રસ તેમને ભોજનમાં હતો તમે જાણીને નવાઈ પામશો,કે તેમણે પોતાના ટેરેસ ગાર્ડનમાં ૪૦ પ્રકારના લીલા મરચાંના છોડ ઉગાડયા હતા,સૂપના પેકેટ તેઓ છેક હોંગકોંગથી મંગાવતા. ફિલ્મ સંગીતમાં પોતાના જમાના પ્રમાણે આધુનિકતા ની લહર લાવનારા તો ઘણા સંગીતકારો છે,પણ સમકાલીન સંગીતમાં એક વિરાટ લહેરની જેમ રચનાત્મકતાના તમામ પાસાઓને એક સાથે લાવવાનું શ્રેય તો સંગીતકાર આર.ડી બર્મન એટલે કે આપણા પંચમ દા ને જ આપવું પડે.કલકત્તા ની સ્કૂલમાં અભ્યાસ કરતા બાળક રાહુલદેવે શાળાના વાર્ષિકોત્સવમાં હાર્મોનિયમ પર જબરજસ્ત કલાકારી બતાવી ,ત્યારે ઓડિટોરિયમમાં ઉપસ્થિત તેના પિતા ભાવવિભોર થઈ ગયા તેમણે રાહુલદેવ ને પૂછયું "મોટો થઈને શું બનીશ?" અને આત્મવિશ્વાસ સભર જવાબ મળ્યો "સંગીતકાર" પિતા એસ ડી બર્મને તરત જ તેમને બ્રજેન વિશ્વાસ પાસે તબલા શીખવા મોકલ્યા,ત્યારબાદ ઉસ્તાદ અલી અકબરખાં પાસે તેમણે સરોદ વાદનની કલા પણ શીખી લીધી.અલી અકબરખાં, પંડિત રવિશંકર અને અન્નપૂર્ણાજી ની, બંદિશો અને ધૂનો સર્જન કરવા માટે થતી બેઠકોમાં ઘણીવાર રાહુલદેવ પણ ઉપસ્થિત રહેતા.આમ તેમણે સંગીત નિયોજનના મહત્વપૂર્ણ પાસાંઓનું જ્ઞાન મેળવ્યું .આર ડી બર્મન ના સંગીતે કેબ્રે ને એક નવી ઓળખ આપી. ફિલ્મ "અપના દેશ "નું ગીત
"दुनिया में, लोगों को,धोखा कभी हो जाता है
आँखों ही, आँखों में यारों का दिल खो जाता है.." યાદ છે ને? જેની લાઉડ ગ્રંટિંગ એટલે કે તીવ્ર ઘરઘરાટે કેબ્રે ને એકદમ નવું રૂપ આપ્યું .જે આર ડી બર્મનની વિશિષ્ટ લાક્ષણિકતા બની ગઈ.1972 માં પ્રદર્શિત થઈ ફિલ્મ 'જવાની દિવાની'. રૂઢિઓને તોડતી અને વિચારધારા તથા વ્યવહારના સ્તર પર નવા શિખરોનું સર્જન કરતી નવી પેઢીનું, પ્રતિનિધિત્વ કરતું વિશિષ્ટ સંગીત આ ફિલ્મ માટે આર.ડી.બર્મને તૈયાર કર્યું.આધુનિક ઇલેક્ટ્રોનિક વાદ્ય સંયોજન અને તેમાંય ખાસ કરીને ગિટાર નો લાજવાબ ઉપયોગ આ ફિલ્મના સંગીતને વિશિષ્ટ બનાવનાર પાસા હતા.આ ફિલ્મનું એક મસ્ત ગીત છે "जानेजां ढूंढता फिर रहा हु तुम्हे रात दिन ,मैं यहाँ से वहा, मुझको आवाज दो छुप गए हो सनम तुम कहा,मै यहाँ तुम कहा मै यहाँ ..." જેમાં ઇકો ઇફેક્ટ સાથે ઊંચા સ્કેલ અને પછી bass દ્વારા આશા ભોંસલેના સ્વરની અસીમ સંભાવનાઓને પંચમે ચમત્કારિક રૂપે ઉપસાવી છે.ગુંજતા ઇકો નો પ્રભાવ ,સ્કેલ પરિવર્તન અને બદલાતી રીધમ નું આવું સુંદર ઉદાહરણ ભાગ્યે જ જોવા મળે.ઓર્કેસ્ટ્રેશન નું ક્રાંતિકારી રૂપ એ પંચમના સંગીતનું અભિન્ન અંગ હતું .આર ડી બર્મને નવા વાજિંત્રોની સાથોસાથ પ્રચલિત વાદ્યોને પણ નવી ઓળખ આપી. વિશ્વમાં ક્યાંય પણ કોઈ નવું વાજિંત્ર વાગ્યું એવી તેમને જાણ થાય તો તે વાજિંત્ર મેળવવા ની તેઓ પૂરી કોશિશ કરતા."ખુશ્બુ" ફિલ્મનું એક મસ્ત ગીત "ओ मांझी रे,अपना किनारा,नदिया की धारा है ..ओ मांझी रे ..." જરા ધ્યાનથી સાંભળવા જેવું છે. સોડાની બોટલમાં પાણી ભરી તેમાં ફૂંક મારીએ અને જે અવાજ ઉત્પન્ન થાય,તે અવાજનો ઉપયોગ પંચમદાએ આ ગીતમાં બખૂબી કર્યો છે. ગુલઝાર ઘણીવાર વાતચીતના અંદાજમાં ગીતો લઈને આવે,આવા સંવાદાત્મક ગીતોને પણ લાજવાબ તર્જ માં પરોવવાની જબરજસ્ત કલા હતી આપણા પંચમ દા પાસે. મુશ્કેલ લય સાથે કર્ણપ્રિય તાલનો આવો સુમેળ ભાગ્યેજ જોવા મળે. ક્યારેક તો આ વાતચીત આત્મમંથન નું રૂપ લઈ લે તેવી બનતી. ફિલ્મ લિબાસ નું ગીત "क्या बुरा है क्या भला हो सके तो जला दिल जला क्या बुरा है क्या भला..." પણ આ પ્રકારની જ અભિવ્યક્તિ છે ,અને આ ગીતની ખાસ વાત એ પણ છે કે ,આર.ડી બર્મનનું લતા મંગેશકર સાથે આ એક માત્ર યુગલ ગીત છે.
ચલતી કા નામ ગાડી" ફિલ્મના મસ્ત ગીત ની વાત ન કરીએ તો પંચમ એટલે કે આર.ડી બર્મન પર નો લેખ અધુરો જ રહે. ફિલ્મ ચલતી કા નામ ગાડી ના સંગીતકાર આમ તો એસ ડી બર્મન હતા,પણ એમના આસિસ્ટન્ટ તરીકે સંગીતકાર જયદેવ અને આર ડી બર્મન આ ફિલ્મમાં કામ કરતા હતા. ફિલ્મના એક ગીત માટે અશોકકુમારે સંગીતકાર એસ ડી બર્મન ને ખંડવામાં સાંભળેલા કોઈ લોકગીતની બંદિશ સંભળાવી અને બર્મનદા રાજી થઇ બોલ્યા "ભાલોઈ આછેવ" એટલે કે સરસ છે,પણ કિશોર કુમારને તો ગીતમાં રમુજી ટચ જોઈતો હતો,ત્યારે ગંભીર લાગે તેવી બંદિશ કેવી રીતે ચાલે? એનો ઉપાય શોધ્યો તરવરાટથી ભર્યા યુવાન પંચમે એટલે કે આર ડી બર્મને.એમણે બંદિશ માં વચ્ચે વચ્ચે કાર ના હોર્ન અને બીજા નટખટ ધ્વનિના અટકચાળા ઉમેર્યા. લોકગીતની મધુરપ વચ્ચે ,ટેં ટું જેવા નટખટ ધ્વનિનો સરવાળો થયો ને ગીત મસ્તી ભર્યું બની ગયું.
331 ફિલ્મોમાં લાજવાબ સંગીત આપી ફિલ્મ સંગીતની દુનિયામાં અમર થઈ ગયેલા અત્યંત પ્રતિભાવાન સંગીતકાર આર ડી બર્મન ને ,ચોથી જાન્યુઆરી ૧૯૯૪ ના રોજ આવેલા એક જોરદાર હૃદયરોગના હુમલા એ ,આપણી પાસેથી છીનવી લીધા જોકે સુંદર ગીત રચનાઓને કારણે આજે પણ તેઓ તેમના ચાહકોના હૃદયમાં બિરાજે છે.
સંગીતકાર આર ડી બર્મન વિશે તો આખો ગ્રંથ લખી શકાય પણ રેટ્રો ની મેટ્રો સફર ક્યાંક તો અટકાવવી પડે એટલે અત્યારે તો અહીં વિરમીએ.
ક્રમશઃ
© શ્વેતલ પટેલ
સુરત.