અવંતિકા "વસુધા-વસુમાં એક એક પ્રકરણ રસપૂર્વક વાંચી રહી હતી... એ મોક્ષને કહી રહી હતી કે “માણસની માણસાઇની ઊંચાઇ કેટલી ? વસુમાંની માણસાઇ તો હિમાલયથી ઊંચી સાબિત થઇ....”
મોક્ષે કહ્યું “ આમ સમજણ પડે એમ કહે ફોડ પાડીને બોલ. શું થયું ? અવંતિકાએ કહ્યું “આગળનાં પ્રકરણમાં મેં વાંચ્યુ કે સરલા એનાં સાસરે હતી અહીં ગુણવંતભાઇ અને ભાનુબેન એટલે કે એમની સાસુ એકલાંજ હતાં. વસુધાએ ત્યાં પગ નહોતો મૂક્યો. “
“વસુધા ડેરીથી વાગડ પાછી ફરી રહી હતી ત્યાં ગામમાંથી ખબર પડી કે ભાનુબેન પડી ગયાં છે એમને થાપાનું હાડકું ભાંગી ગયુ છે કોઇ કરનાર નથી વસુધાએ પહેલાં સાંભળ્યું ના સાંભળ્યું કર્યું પછી ગુણવંતભાઇ એનાં સસરાનો વિચાર આવતાં જીપ એનાં સસરાનાં ઘર તરફ લીધી. હવે વસુધા પોતેજ ડ્રાઇવ કરીને બધે જવા માંડી હતી.”
“એનાં સાસરાનાં ઘર સામે ઉભી રાખી અને ત્યાં ગુણવંતભાઇ બહાર દોડી આવ્યાં એમણે કહ્યું “વસુ દીકરા તું ? આવ આવ જો તારી માં તો ખાટલાં પકડીને બેઠી... અહીં. હોસ્પીટલમાંથીજ ડોક્ટર બોલાવેલા તાત્કાલીક સારવાર મળી ગઇ પણ, ડોક્ટર કહે છે 1 મહિનો ખાટલામાંજ આરામ કરવો પડશે”.
વસુધા સાંભળી રહી હતી ગુણવંતભાઇ એનાં સસરાએ કહ્યું “મેં સરલાને તરત ફોન કર્યો છે એણે કહ્યું 3-4 દિવસ પછી અવાશે એનાં સસરાની તિથી છે એની સાસુએ તરત આવવા ના પાડી. “
વસુધા સાંભળી રહી હતી એણે ચંપલ કાઢ્યાં અને પગ હળવેથી ઉપાડી આંગણમાં મૂક્યો.. પોતાની ટેક તોડી… ગુણવંતભાઇને કહ્યું “પાપા મને સમાચાર મળ્યાં ગમે તેમ તોય પીતાંબરનાં માતા છે એટલે આવી છું પોતાની સાસુ છે કે કોઇ સંબંધ છે એવો ઉલ્લેખ ના કર્યો એ અંદર ગઇ. “
ભાનુબહેન ખાટલામાં સૂતા હતાં પગ તકીયા પર મૂકેલો મોટો પાટો બાંધેલો.. એમણે આંખો ખોલી વસુધા સામે જોયું.. વસુધાએ કહ્યું “તમને કેમ છે ? દવાખાનાથી કંઇ દવા વગેરે લાવવાનું છે ? ત્યાં મેં તમારી ખાસ કાળજી લેવાય એવી સૂચના આપી છે”.
ભાનુબહેન થોડીવાર મૌન રહ્યાં પછી બોલ્યાં “તું તો મારાં ઉંબરે પગ નહોતી મૂકવાની.. કેમ આવી ?” ગુણવંતભાઇ કંઇક બોલવા ગયાં. વસુધાએ એમને હાથ કરી રોક્યાં અને બોલી.. “આમતો કહેવત એવી છે કે છોરું કછોરું થાય માવતર કમાવતાર નહીં પણ અહીં અવળું છે.. મને ખબર છે આ ગુણવંતભાઇ ભટ્ટનું ખોરડું છે જ્યાં એમનાં દીકરા પીતાંબર સાથે મારાં લગ્ન થયેલાં. આજે નથી રહ્યાં પીતાંબર હું એકલી છું. હું એકલી છું એટલે મારાં ઉપર ભાનુબેન ભટ્ટ તમે ગમે તેવું આળ મૂકો.. હેરાન કરો.. મેં શું કર્યું છે આ ઘર માટે એ હું નહીં ગણાવું તમને અને આખાં ગામને ખબરજ છે. મારે મારી જણનારી જનેતા માં છે મારે પણ દીકરી છે. કુટુંબ છે ભાઇ છે બધાં છે બધાની લાગણી ફરજ સમજું છું.”
“મેં પ્રણ લીધું હતું કે આ આંગણે પગ નહીં મૂકું છતાં આવી છું એક પીતાંબરનાં પૂરાં થઇ ગયેલાં સંબંધની રૂએ. પીતાંબર છે નહીં એમની ગેરહાજરીમાં મારું સમજી મેં બધુ કરેલું એમાં કોઇ નવાઇ નથી કરી પણ પછી એવું લાગ્યું કે તમને મારાં માટે માનની દૂરની વાત છે લાગણી નથી. ભારોભાર તિરસ્કાર છે તમારાજ દીકરાની વહુ હોવા છતાં તમે મારાં પડખે રહેવાને બદલે મને હંમેશા ટોકી ગમે તેમ બોલ્યાં. મારી છોકરી ઉપર અસર ના થાય એટલેજ મેં આ ઘર ખોરડું છોડ્યું”.
“ઇશ્વરને પ્રાર્થના કરુ છું તમને સાજા કરે તમારી તંદુરસ્તી સારી રહે. સરલાબેન આવે નહીં ત્યાં સુધી હું નર્સની વ્યવસ્થા કરું છું એ હમણાં કલાકમાં અહીં આવી જશે. બાકી તમને કોઇ બીજી મદદની જરૂર હોય ડેરીએ ફોન કરી દેજો બધીજ વ્યવસ્થા તાત્કાલિક થઇ જશે”.
“જયમહાદેવ” એમ કહી પાછળ જોયા વિનાં વસુધા સડસડાટ બહાર નીકળી ગઇ. ગુણવંતભાઇ અને ભાનુબહેન જતાં જોઇ રહ્યાં.
ગુણવંતભાઇએ કહ્યું “ભાનુ તેં સામે રહીને બધુજ બગાડ્યું છે આટલી સારી સમજું છોકરીને તે કડવા વેણ કીધાં એ ઘર છોડીને જતી રહીં એણે કહ્યું ને આકુ પર કોઇ ખોટો પ્રભાવ ના પડે એટલે જઉં છું આકુને આપણાં માટે ક્લેશ કે ગુસ્સો ના આવે એટલે એણે આવું પગલું ભર્યુ આટલી સમજદાર નથી તું કે તારી સરલા..”.
ભાનુબહેન કહે “એણે માં કહી ના બોલાવી ભાનુબેન ભટ્ટ કીધુ એણે સંબંધજ વિચારી દીધો હવે જાણે હું એની કંઇ છુંજ નહીં” એમ કહેતાં કહેતાં આંખમાં પાણી આવી ગયાં.
ગુણવંતભાઇ કહે “તું એનેજ લાયક છે તેંજ તારી ઘોર ખોદી છે એને ખબર પડી એની ફરજ બજાવી ગઇને ? તું એને ક્યારે સમજી છું કે આટલી અપેક્ષા રાખે છે ?”
ભાનુબહેન રડી પડ્યાં બોલ્યાં “સરલાનાં બાપા મારી ભૂલ થઇ છે એને કહો મને માફ કરે હું ફરી કદી એને કંઇ નહીં કહું મારી આકુ મને ખૂબ યાદ આવે છે બધાંને કહો મને માફ કરે એ આપણાં ઘરે પાછી આવી જાય. હું એનાં પગ પકડી માફી માંગવા તૈયાર છું.”
ગુણવંતભાઇની આંખમાં ઝળઝળીયા આવી ગયાં. બોલ્યા “છેક હવે ભાન આવ્યું ઠીક છે અંતે ભાન તો આવ્યું મોડી મોડી પણ જાગી... હું વસુધા સાથે વાત કરીશ. તારાં લીધે હું ડેરી પણ નિયમિત નથી જતો.”
“તને ખબર છે ને એણે વાગડમાં પણ, ડેરી, પશુદવાખાનું, હોસ્પિટલ અને સ્કૂલ ફાળો ઉધરાવી દાતા ઉભા કરી ચાલુ કરાવ્યું બધે એનાં નામની ગાથા ગવાય છે. જે પરાગ જોડે એને તું ... એને એ ભાઈ માનતી હતી અને એનાં પણ એની પસંદની છોકરી જોડે લગ્ન કરાવ્યાં. એનાં માંબાપ કેટલા ભાગ્યશાળી છે કે આવી દીકરી રત્ન એમનાં ઘરે જન્મયુ છે.”
ભાનુબહેન કહે “એને કહો થોડી દોડધામ ઓછી કરે એની પણ ઊંમર વધતી જાય છે”.
મોક્ષે કહ્યું “વાહ એમની સાસુ સુધરી ખરી તેં આખુ પ્રકરણ વાંચ્યું સાંભળવાની મજા આવી પછી આગળ “?
વધુ આવતા અંકે - પ્રકરણ-123