જૈનીલનો આનંદદાયી પ્રવાસ !!!
નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ?
બાળમિત્રો તમારાં જેવો જ એક બાળક, તેનું નામ છે જૈનીલ. જૈનીલ આ વખતે ઉનાળા વેકેશનમાં તેના મમ્મી પપ્પા સાથે ગોવાના પ્રવાસે ગયો હતો. જૈનીલે પ્રથમથી જ એક ઉત્તમ પ્રકારની તૈયારી સાથે આયોજનબદ્ધ આનંદદાયી પ્રવાસ કર્યો હતો. તો શું તમારે જાણવું છે કે જૈનીલે કેવી રીતે પ્રવાસનું આયોજન કર્યુ હતુ ? તો ચાલો જાણીએ પ્રવાસ પર્યટન કરતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું ?
પ્રવાસનું સ્થળ :
હા, બાળકો. પ્રવાસનું સ્થળ નક્કી કરવું તે એક ખૂબ જ સંશોધનનો વિષય બની જાય છે. તમે એવી જગ્યાએ જાઓ ત્યાં તમને અને તમારી સાથે આવેલાં સૌને ખૂબ મજા પડે! પ્રવાસનું સ્થળ એવું નક્કી કરો જ્યાં તમે ઘણું બધું ઉપયોગી એવું શીખી શકો. નવું નવું જાણી શકો. નવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ જોઈ શકો. આ બધી વસ્તુઓ તમને અભ્યાસમાં પણ ઉપયોગી બની શકે. પ્રવાસ દરમ્યાન મેળવેલું જ્ઞાન આજીવન તમને યાદ રહે છે અને ઉપયોગી રહે છે. આ રીતે જ્યારે પણ પ્રવાસનું આયોજન થાય ત્યારે તમે અવશ્ય તમારી પસંદગીનું સ્થળ મમ્મી પપ્પાને જણાવો.
પ્રવાસની તૈયારીઓ :
તમારો પ્રવાસ નક્કી થાય પછી તમારે તમારી જાતે જ તમારા માટે જરૂરી એવો સમાન સાથે લેવાનો છે. તમે જ નક્કી કરો. તમારો સામાન તમારી જાતે પેક કરો. મમ્મી પપ્પાને આ બાબતે ખલેલ ન પહોંચે તે ધ્યાન રાખો. ન સમજાય તો જરૂર મમ્મી પપ્પાને પૂછી લો અને પેકિંગ કરો. એક લિસ્ટ તૈયાર કરો અને કયું કામ કર્યું અને કયું કામ બાકી તેનો અંદાજ આવશે આ રીતે તમે મમ્મી પપ્પાને પણ મદદરૂપ થઈ શકો છો.
સાથે શું લઈને જવું ? :
ખૂબ જ અગત્યની બાબત છે. સાથે શું લઈ જવું ? એવી નકામી વસ્તુઓ ન લઈ જવી જે તમને જ બોજારૂપ નીવડે અને છેક પ્રવાસ પૂરો કરીને ઘરે આવીએ ત્યાં સુધી એ વસ્તુઓ વપરાઈ જ ન હોય! ખૂબ જ ઓછો અને જરૂરી સામાન સાથે રાખો. કપડાં, બુટ - ચંપલ તમને અનુકૂળ રહે તેવાં જ સાથે રાખો. વધારાનો નાસ્તો કે ગેમ્સથી તમારી બેગ ભરી ન દો. તમારી બેગ અલગ જ રાખો જેથી કરીને તમે તમારી વસ્તુઓ સાચવીને લઈ અને મૂકી શકો. તમને તમારી વસ્તુઓ સાચવવાની એક સારી ટેવ પણ પડે.
ક્યાંય જવું હોય તો,મમ્મી પપ્પાને સાથે રાખો :
ઘણાં બાળકો કોઈને પૂછ્યા વિના દૂર દૂર સુધી જતાં રહે છે. નદી કે દરિયામાં ખૂબ આગળ સુધી એકલાં જવાનો પ્રયત્ન કરે છે. તમે જ્યાં પણ જાઓ એકલાં જવું નહીં. મમ્મી પપ્પાને કે ટીચરને સાથે રાખો. અજાણ્યા સ્થળે ક્યાંય રસ્તો ભુલાઈ જવાય કે કોઈ અજુગતું ન બને તેની કાળજી રાખવી. આવું બને ત્યારે પ્રવાસની મજા બગડે અને તમારું આયોજન બગડે. તમે આયોજન મુજબ બીજાં સ્થળોએ જઈ ન શકો. તમારી અને સાથે આવેલાં સૌનો સમય બગડે.
ખરીદીમાં સાવધાની :
બહાર જઈએ ત્યારે આડેધડ વસ્તુઓ ખરીદી કરવી નહીં. રમકડાં કે ખાવા પીવાની ચીજ વસ્તુઓ લેવા માટે જીદ કરાય નહીં. તમને ઉપયોગી હશે તો મમ્મી પપ્પા તમને લઈ આપશે. અમુક બાળકો ખરીદીમાં રડારોળ કરીને રમખાણ મચાવી મૂકે છે. જીદ કરીને એવી તો તકલાદી વસ્તુઓ લાવે કે જે ફક્ત થોડી જ મિનિટોમાં તૂટી જાય કે બગડી જાય. સારા બાળકોથી આવું કરાય નહીં. જો તમને કોઈ વસ્તુ જોઈતી હોય તો શાંતિથી મમ્મી પપ્પા પાસે વાત કરો. મમ્મી પપ્પાને યોગ્ય લાગશે તો તમને લઈ આપશે. ન લાવી આપે તો જીદ કરાય નહીં. ડાહ્યાં બાળકોને બધું જ મળે!
પ્રવાસ એટલે મુશ્કેલીઓ વેઠવાની બાદશાહી ઢબ:
ઘર જેવું બધું જ પ્રવાસમાં મળે તેવો આગ્રહ છોડો. પ્રવાસમાં જઈએ ત્યારે ઘણું ચાલવું પડે, ક્યારેક સમયે જમવાનું ન મળે, સમયે સૂવાનું ન મળે, બીજા દિવસે વહેલાં પણ ઉઠી જવું પડે ! ખરું? આ સિવાય અણધારી અનેક મુશ્કેલીઓ પણ પડે જેમકે, પંકચર, ટ્રાફિક જામ કે અન્ય આકસ્મિક ઘટનાઓ. આ બધી જ સમસ્યાઓનો સામનો હસતાં હસતાં કરવાનો. પ્રવાસને આનંદાયક બનાવવાનો છે આ વાતને ધ્યાનમાં રાખીને રહેવું. સમસ્યાઓમાં સમાધાન શોધવું. આવા સમયે સૌને સહકાર આપવો નહીં કે ધમાચકડી મચાવી બીજી મુશ્કેલીઓ ઊભી કરવી.
આ રીતે જૈનીલે તેનો પ્રવાસ કર્યો જે જૈનીલ અને તેની સાથે આવેલાં પરિવાર સૌને માટે આનંદાયી બની રહ્યો. વ્હાલાં બાળકો, હવે જ્યારે પણ પ્રવાસ પર્યટન જવાનું થાય ત્યારે આ બધી જ બાબતોનું ખાસ ધ્યાન રાખવું અને આનંદ કરવો. તો છો ને તૈયાર? તમારાં સફળતાપૂર્વકના પ્રવાસ આયોજન માટે? અને હા, તમે ક્યાં પ્રવાસ કર્યો? કેવી રીતે કર્યો? કેવી મજા પડી? આ બધું મને પત્ર દ્વારા કે મોબાઈલ સંદેશા દ્વારા જણાવવું ભૂલતાં નહીં.