Kaliyugma Samsame Dukh Apay Verthi! in Gujarati Short Stories by Dada Bhagwan books and stories PDF | કળિયુગમાં સામસામે દુઃખ અપાય વેરથી!

Featured Books
Categories
Share

કળિયુગમાં સામસામે દુઃખ અપાય વેરથી!

આ જગત વેરથી જ ઊભું રહ્યું છે. આનું બેઝમેન્ટ બીજી કોઈ વસ્તુ નથી. વેર જ છે. જગતનું બેઝમેન્ટ જ વેર છે. આ જગત રાગથી ઊભું નથી રહ્યું કે પ્રેમથી નથી ઊભું રહ્યું. પણ વેરથી જ ઊભું રહ્યું છે. ભગવાને શું કહ્યું, કે પોતે શાનાથી બંધાયો છે ? માત્ર ચાલુ આવતા વેરથી બંધાયો છે. એનાથી જ જગત ચાલતું આવ્યું છે. કન્ટીન્યૂઅસ (સતત) વેરથી ગૂંચો પાડેલી. આ તો પાછો વેરનું ઉપરાણું લે. તે જ પાછું આવતે ભવ આવે અને ગૂંચ ઉકેલવાને બદલે તે વખતે બીજી પાંચ નવી પાડતો જાય !

કોઈકને સહેજેય છંછેડ્યો એટલે એ પોતે બદલો લેવા નિયાણું કરે. આ લોકો કેવા માણસો છે, કે ‘મારું બધું તપ એમાં જાવ, પણ આને તો ખલાસ કરી નાખું !’ એવું નિયાણું કરે. માટે વેર ના બાંધશો. આપણી ભૂલ થઈ તો માફી માગી લેજો અને એ ભૂલનો ઉકેલ લાવજો, પણ કેસ ઊંચો મૂકી દેજો. આ જગત વેરથી ઊભું રહ્યું છે. એટલે કોઈ જગ્યાએ વેર ઊભું રહ્યું હોય, તો આપણે એને ક્ષમાપના કરીનેય, માફી માગીનેય અને પગે પડીને પણ એની જોડે વેર ના બાંધવું અને એની જોડેના વેર છોડાવી નાખવા, કે જેથી એ માણસ ખુશ થઈ જાય, કે ‘ના ભાઈ, હવે વાંધો નથી.’ એની જોડે સમાધાન કરી લેવું. જેથી આપણને અટકાવે નહીં.

ભગવાને કહ્યું છે, કે આ કાળમાં કોઈ ગાળ ભાંડી ગયો હોય તેને જમવા બોલાવજો. એટલી બધી ‘વાઈલ્ડનેસ’ હશે તોય એને ક્ષમા જ આપજો. જો કંઈ ‘રિવેન્જ’ લેવા ગયા ને, તો પછી સંસારમાં પાછા ખેંચાયા. ‘રિવેન્જ’ લેવાનો ના હોય આ કાળમાં. આ દુષમકાળમાં નરી વાઈલ્ડનેસ હોય. શું વિચાર આવે એ કહેવાય જ નહીં. દુનિયા પારના વિચારો હઉ આવે ! આ કાળના જીવો તો બહુ અથડાવાના. આવા માણસ જોડે આપણે વેર બાંધીએ તો આપણે હઉ અથડાવું પડે. એટલે આપણે કહીએ છીએ, ‘સલામ સાહેબ’ કરીને પણ છૂટો. આ કાળમાં તરત માફી આપી દેવી. નહીં તો તમારે ખેંચાવું પડશે.

કોઈ ગમે તેટલું ગાંડુ બોલે, તે ઘડીએ આપણે જવાબ આપીએ, પછી તે ગમે તેટલો સુંદર હોય પણ સહેજેય સ્પંદન ફેંકાઈ જાય તોય ના ચાલે. સામને બધું જ બોલવાની છૂટ છે, તે સ્વતંત્ર છે. અત્યારે પેલા છોકરાં ઢેખાળા નાખે તો તેમાં એ સ્વતંત્ર નથી ? પોલીસવાળો જ્યાં સુધી આંતરે નહીં ત્યાં સુધી સ્વતંત્ર જ છે. સામો જીવ તો ગમે તે ધારે તે કરે. વાંકો ફરે ને વેર રાખે, તો તો લાખ અવતાર સુધી મોક્ષે ના જવા દે ! એટલા માટે તો અમે કહીએ છીએ કે ચેતતા રહેજો. વાંકા મળે તો જેમ તેમ કરીને, ‘ભાઈ સાહેબ’ કરીને પણ છૂટી જજો ! આ જગતથી છૂટવા જેવું છે.

આ જગતમાં એક વેર નથી કરવા જેવું કોઈની જોડે. સામો અવળું બોલે તો આપણે લેટ-ગો કરીને પણ વેર નથી કરવા જેવું. નહીં તો મરી ગયા પછીયે છોડે નહીં.

આપણે કોઈને ખોટા ના કહેશો. કારણ કે, એ તમારી ઉપર ચિઢાશે તો ઊંધો ખેલ કરશે ને વેર બાંધશે. માટે એમને તો કહેવું, કે ‘સાહેબ, તમે બરોબર છો, તમારી વાત અમને ગમી !’ એમ કરીને આપણે આગળ ચાલ્યા જવું. આનો પાર જ નહીં આવે. તમે એમને ખોટા છો, કહેશો તો એ તમને છોડશે નહીં. તમારી જોડે ને જોડે ફર્યા કરશે.

આપણે આપણું કર્મ બંધાય નહીં એવી રીતે રહેવું, આ દુનિયાથી છેટે રહેવું. આ કર્મ બાંધેલા તેથી તો આ કુંટુંબના બધા ભેગા થયેલા છે. આ આપણા ઘરે ભેગા કોણ થયેલા છે ?! કર્મના હિસાબ બંધાયેલા છે તે જ બધા ભેગા થયા છે અને પછી એ આપણને બાંધીને મારે હઉ ! આપણે નક્કી કર્યું હોય, કે મારે એની જોડે બોલવું નથી, તોય સામો આંગળાં ઘાલી ઘાલીને બોલાવ બોલાવ કરે. અલ્યા, આંગળાં ઘાલીને શું કરવા બોલાવે છે ? આનું નામ વેર, બધા પૂર્વના વેર !

આ તો ઘરમાં જ વેર બાંધે. આપણે તો આની આ જ ઓરડીમાં, આની જ જોડે રાત્રે પડી રહેવાનું છે, ત્યાં ઝઘડો કર્યે કેમ પાલવે ? જીવન જીવવાની કળા શું છે, કે સંસારમાં વેર ના બંધાય ને છૂટી જવાય. આ તો જીવન સંગ્રામ છે, જન્મથી જ સંગ્રામ ચાલુ ! ત્યાં લોક મોજમઝામાં પડી ગયું છે !

આ સંસારમાં કેવું છે ? કે દુઃખ પડે તેય ભૂલી જાય, સુખ પડે તેય ભૂલી જાય, નાનપણમાં વેર બાંધે તેય વાત ભૂલી જાય. પછી ભેગા બેસીને ચા પીવે, પાછા બધું ભૂલી જાય. પણ જે વખતે જે અવસ્થા ઉત્પન્ન થઈ, તે અવસ્થામાં ચિત્રાઈને સહીઓ કરી નાખે છે. આ સહીઓ કરેલી પછી ના ભૂંસાય. અને વખત આવે ત્યારે વેરનું ફળ આવે ! માટે વાંધો આ સહીઓ થાય છે તેનો છે. લોક વાત વાતમાં સહીઓ કરી નાખે. અમથા અમથા દબડાવતા જાય, તેમાંય સહીઓ થઈ જાય છે ! અરે, આપણી છોડી કોઈ ઉઠાવી જાય તોય તે વખતે સહીઓ ના કરાય. લોક અવસ્થામાં જ બધું ચીતરી નાખે છે, મારી નાખવાનુંય ચીતરી નાખે !

બે ભાઈ હોય, તે એક દહાડો બંનેનું મન જુદું પડયું, તે બીજે દા’ડે વધારે જુદું પડે. પછી તો ધીમે ધીમે એ ભાઈ ના ગમતો થઈ પડે ને પછી તો વેર બંધાય. પછી એ બેઉ કેટલા દા’ડા ભેગા રહે ? એટલે વેર છોડ્યા વગર છૂટકો જ નથી. આ બધા વેર બંધાયેલા, કેટલાય અવતારના વેર હોય ત્યારે ભેગા થાય. એક ટેબલ ઉપર બેસીને જમે. વેર વગર જોડે જમે નહીં. આ કળિયુગમાં તમરી જોડે જમે છે ને, તે બધા વેરવાળા જ જમે છે. વેરનો સ્વભાવ કેવો છે ? પ્રેમ સહિત હોય, ઘડીમાં પ્રેમ ને પછી વેર. નર્યા વેર... આ ઘડીવાર શાંતિ રહે નહીં, આ કઈ જાતનું છે તે ? એટલે સામા તરફથી જે માર આવે તે સહન કર્યા કરવા અને તે આશીર્વાદ આપીને, મન બગાડીને નહીં. તો બધા વેર છૂટી જશે ત્યારે દહાડો વળશે.

હવે, નોકર જોડે ઝઘડો કરવાથી કંઈ તૂટી ગયેલા કપ-રકાબી આખા થઈ જાય છે ? ખાલી સંતોષ લે એટલું જ ને ? ને ઊલટો કકળાટ થાય એ જુદો પાછો, મનમાં ક્લેશ થઈ જાય એ જુદો. એટલે આ વેપારમાં તો એક પ્યાલા ગયા તે ખોટ, બીજું આ ક્લેશ થાય તે ખોટ, ને ત્રીજું નોકર જોડે વેર બંધાયું તે ખોટ !!! નોકર વેર બાંધે, કે હું ગરીબ છું, તેથી આ મને અત્યારે આવું કહે છે ને ! પણ એ વેર કંઈ છોડે નહીં. આવું બહુ દહાડાનું એવું ભેગું થાય, એટલે નોકર પછી એક દહાડો છરી મારીને જાય. એટલે પછી લોકો બૂમો પાડે કે નોકરો હવે તો મારી નાખે છે ! મારી ના નાખે, તો શું કરે ? તમે એને રોજ માર માર કરો તો પછી એક દહાડો એ આખું મારે !

વેર બાંધીને જ તો આ જગત ઊભું થયું છે. કારણ કે, જરાક જ તરછોડ મારે ને તો પેલો આપણી જોડે વેર બાંધે. આ પટાવાળો હોય એને ‘એય, તું આમ છે, નાલાયક છે’ કહ્યું હોય, તો એ તો વેર બાંધી દે ! કામ લેવાનો કરાર છે અને પગાર આપવાનો કરાર છે. કંઈ ગાળો આપવાનો કરાર છે ? આ વચ્ચે એક્સ્ટ્રા આઈટમ ઘાલવાની શી જરૂર ? આ એક્સ્ટ્રા આઈટમ વચ્ચે ના હોવી જોઇએ ને ? પદ્ધતિસરનો જે કરાર હોય તે પાળવો જોઈએ ને ?

આ ભાવ પ્રતિક્રમણથી લોકો જોડે વેરભાવ બંધ થઈ જાય. તમારે કોઈ ભાઈ જોડે કંઈ ભાંજગડ થઈ હોય, એ ભાઈ કંઈ ઊંધું-છતું બોલી ગયા હોય તો, મનમાં દુઃખ થયું હોય ને તેથી તમારા વિચારો એને માટે બગડ્યા હોય, ખરાબ ધ્યાન થયું હોય, તો તમારે એના શુદ્ધાત્માને યાદ કરીને પ્રતિક્રમણ કરવાનું. એને નહીં, એના શુદ્ધાત્મા જોડે સીધું પ્રતિક્રમણ કરવાનું અને એ દોષના પસ્તાવા લેવાના, માફી માંગવાની અને આવા દોષ ફરી નહીં કરું, એવું પ્રત્યાખ્યાન કરવાનું એટલે એ દોષ ધોવાઈ જાય.

આમ, જ્યાં જ્યાં ઝઘડા થાય, મનદુઃખ થાય, ત્યાં ક્ષમાપના લેવી જોઈએ. સામો વેર ના બાંધે તેવી રીતે ખૂબ ખૂબ ભાવ પ્રતિક્રમણ કરવા જોઈએ, તો આ સંસારની ભટકામણમાંથી છૂટાય.