Geetabodh - 12 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | ગીતાબોઘ - 12

Featured Books
Categories
Share

ગીતાબોઘ - 12

અધ્યાય બારમો

મંગળપ્રભાત

આજ તો બારમા અધ્‌.નો સાર આપવા ધારું છું. એક ભક્તિયોગ છે. વિવાહપ્રસંગે દંપતીને પાંચ યજ્ઞોમાં આ પણ ેક યજ્ઞરૂપે કંઠ કરી મનન કરવાનું તેઓને કહીએ છીએ. ભક્તિ વિના જ્ઞાન ને કર્મ સૂકાં છે ને બંધનરૂપ નીવડવાનો સંભવ છે એટલે ભક્તિમય થઈને ગીતાનું આ મનન આદરીએ.

અર્જુન ભગવાનને પૂછે છે : સાકારને પૂજનારા અને નિરાકારને પૂજનારા ભક્તોમાં વધારે સારા કોણ ? આ પ્રશ્નનો જવાબ આપતાં ભગવાન કહે છે : જેઓ મારા સાકાર રૂપનું શ્રદ્ધાપૂર્વક મનન કરે છે, તેમાં લીન થાય છે તે શ્રદ્ધાળુ મારા ભક્ત છે. પણ જેઓ નિરાકાર તત્ત્વને ભજે છે અને તેને ભજવા સારુ જેઓ ઈન્દ્રિયોમાત્રનો સંયમ કરે છે, બધા જીવો પ્રત્યે સમભાવ રાખે છે, તેમની સેવા કરે છે, કોઈને ઊંચનીચ નથી ગણતા તેઓ પણ મને પામે છે. એટલે બેમાં શ્રેષ્ઠ અમુક એમ ન કહેવાય. પણ નિરાકારની ભક્તિ શરીરધારીથી સંપૂર્ણ રીતે થવી અશક્ય ગણાય. નિરાકાર એ નિર્ગુણ છે એટલે માણસની કલ્પનાથી પણ પર છે. તેથી સહુ દેહધારી જાણ્યે અજાણ્યે સાકારના જ ભક્ત છે. એટલે તું તો મારા સાકાર વિશ્વરૂપમાં જ તારું મન પરોવી દે, બધું તેની પાસે ધરી દે. પણ એ ન કરી શકાય તો ચિત્તના વિકારોને રોકવાનો અભ્યાસ પાડ એટલે ટમનિયમાદિનું પાલન કરી પ્રાણાયામ-આસનાદિની મદદ લઈ મન ઉપર કાબૂ મેળવ. આમ પણ ન કરી શકતો હોય તો જે કંઈ કરે તે મારે જ સારુ કરે છે એવી ધારણાથી તારાં બધાં કામ કર; એટલે તારો મોહ, તારી મમતા મોળાં પડશે ને તેમ તેમ તું નિર્મળ - શુદ્ધ થતો જઈશ ને તારામાં ભક્તિરસ આવશે. આ પણ ન થઈ શકે તે કર્મમાત્રના ફળનો ત્યાગ કરી દે, એટલે કે ફળની ઈચ્છા છોડી છે. તારે ભાગે જે કામ આવી પડ્યું એ કર્યા કર. ફળનો સ્વામી માણસ થઈ જ નથી શકતો. ફળ ઉપજાવવામાં ઘણાં અંગો ભેળાં થાય ત્યારે તે ઊપજે છે, એટલે તું નિમિત્તમાત્ર થઈ જા. આ ચાર રીત મેં બતાવી તેમાં ચડતીઊતરતી કોઈ છે એમ ન સમજ. એમાંની જે ફાવે તેથી તું ભક્તિનો રસ લઈ લે. એવું લાગે છે કે, ઉપર જે યમનિયમ-પ્રાણાયામ-આસનાદિનો માર્ગ બતાવ્યો તેના કરતાં શ્રવણમનન આદિ જ્ઞાનમાર્ગ સહેલો હોય, તેના કરતાં ઉપાસનારૂપ ધ્યાન સહેલું હોય, ને ધ્યાન કરતાં વળી કર્મફળત્યાગ સહેલો હોય. બધાને સારુ એક જ વસ્તુ સરખી નથી હોતી. ને કોઈને તો બધા માર્ગો લેવા પડે છે. તે એકબીજામાં ભળેલા તો છે જ. જ્યાંત્યાંથી તારે તો ભક્ત થવું છે. જે માર્ગે ભક્તિ સધાય તે માર્ગે તે સાધી લે. ભક્ત કોને કહેવાય એ હું તો તને કહી દઉં. ભક્ત કોઈનો દ્વેષ ન કરે, કોઈના પ્રત્યે વેરભાવ ન રાખે,જીવમાત્ર સાથે મૈત્રી રાખે, જીવમાત્ર પ્રત્યે કરુણા કેળવે, આમ કરવા સારુ મમતા મેલે, પોતે મટી શૂન્યવત્‌ થઈ જાય. દુઃખસુખ સરખાં ગણે, કોઈ દોષ કરે તેને ક્ષમા આપે, (એમ જાણીને કે પોતે પોતાના દોષો સારુ જગત પાસે ક્ષમાનો ભૂખ્યો છે) સંતોષી રહે, પોતાના શૂભ નિશ્ચયોમાંથી કદી ડગે નહીં, મન બુદ્ધિથી માંડીને બધું મને અર્પે. એનાથી લોકોને ઉદ્વેગ ન થાય, તેઓ ન ડરે, તે પોતે મુક્ત હોય, તેને કશા પ્રકારની ઈચ્છા ન હોય, તે પવિત્ર હોય, કુશળ લોકોથી ન દુઃખ માને કે ડરે. મારો ભક્ત હર્ષ, શોક, ભય વગેરેથી મુક્ત હોય; તેણે મોટા મોટા આરંભો છોડ્યા હોય, નિશ્ચયમાં દૃઢ રહેતો છતો શુભ અને અશુભ પરિણામ બંનેનો તે ત્યાગ કરે, એટલે કે તેને વિશે નિશ્ચિત રહે. તેને શત્રુ કોણ ને મિત્ર કોણ ? તેને માન શું, અપમાન શું ? એ તો મૌન ધારણ કરી જે મળ્યું તેથી સંતોષ પામી એકલો હોય નહીં એમ રહી વિચરે અને બધી સ્થિતિમાં સ્થિર થઈ રહે. આ પ્રમાણે જે શ્રદ્ધાવાન થઈને વર્તે તે મારા પ્રિય ભક્ત છે.

નોંધ :

પ્રશ્ન : ભક્ત આરંભ નહીં કરે એટલે શું છે એકાદ દૃષ્ટાંતથી સમજાવશો ?

જવાબ : ભક્ત આરંભ નહીં કરે એટલે કે કોઈ પણ વ્યવસાયના તેણે ઘાટ નહીં ઘડ્યા હોય. વેપારી હોઈ આજે કાપડનો વેપાર કરે છે તો આવતી કાલે લાકડાનો ઉમેરવાનો ઉદ્યમ કરે અથવા કાપડના વેપારમાં જ આજે એક દુકાન છે, કાલે બીજી પાંચ કાઢીને બેસે એનું નામ આરંભ. ભક્ત તેમાં ન પડે. આ નિયમ સેવાકાર્યમાં પણ લાગુ પડે છે. આજે ખાદી મારફતે કરે છે તો કાલે ગાય મારફતે, પરમ દિવસે ખેતી મારફતે, ને ચોથે દિવસે દાક્તરી મારફતે, એમ સેવક પણ પછાડા ન મારે. તેને ભાગે જે આવે તે પૂરી રીતે કરી છૂટે. જ્યાં ‘હું’ ગયો ત્યાં ‘મારે’ શું કરવાનું હોય ? ‘સૂતરને તાંતણે મને હરજીએ બાંધી, જેમ તાણે તેમ તેમની રે. મને લાગી કટારી પ્રેમની’ ભક્તના સર્વ આરંભ ભગવાન રચે છે. તેનાં બધાં કર્મ પ્રવાહપ્રાપ્ત હોય તેથી તે ‘ગધ્ભળ્ઝ્રક્રશ્વ સ્ર્શ્વઌઙ્ગેંશ્વઌબ્નભૅ’ રહે. સર્વારંભત્યાગનો પણ આ જ અર્થ છે. સર્વારંભ એટલે સર્વ પ્રવૃત્તિ કે કાર્ય નહીં પણ તે કરનારા વિચારો, ઘોડા ઘડવા. તેનો ત્યાગ એટલે તે આરંભો ન કરવા, ઘોડા ઘડવાની ટેવ હોય તો છોડી દેવી. ‘શ્નઘ્ૠક્રઙ્મ ૠક્રસ્ર્ક્ર ૐખ્મધ્ શ્નૠક્રધ્ ત્ક્રતજીસ્ર્શ્વ ૠક્રઌક્રશ્વથ્બૠક્રૅ’ આ આરંભ ત્યાગથી ઊલટો છે. આમાં મને લાગે છે કે, તમારે પૂછવાનું બધું સાઈ જાય છે. બાકી રહ્યું હોય તો પૂછજો.