અધ્યાય આઠમો
સોમપ્રભાત
અર્જુન પૂછે છે : તમે પૂર્ણબ્રહ્મ, અધ્યાત્મ, કર્મ, અધિભૂત, અધિદૈવ, અધિયજ્ઞનાં નામ દીધાં, પણ એ બધાના અર્થ હું સમજ્યો નથી. વળી, તમે કહો છો કે તમને અધિભૂતાદિરૂપે જાણનારા સમત્વને પામેલા મરણ સમયે ઓળખે છે. આ બધું મને સમજાવો.
ભગવાને ઉત્તર આપ્યો : જે સર્વત્તમ નાશરહિત સ્વરૂપ છે તે પૂર્ણબ્રહ્મ અને પ્રાણીમાત્રમાં કર્તાભોક્તારૂપે દેહ ધારણ કરેલ છે તે અદ્યાત્મ. પ્રાણીમાત્રની ઉત્પત્તિ જે ક્રિયાથી થાય છે તેનું નામ કર્મ : એટલે એમ પણ કહેવાય કે જે ક્રિયાથી ઉત્પત્તિમાત્ર થાય છે તે કર્મ. અધિભૂત તે મારું નાશવંત દેહસ્વરૂપ અને અધિયજ્ઞ તે યજ્ઞ વડે શુદ્ધ થયેલું પેલું અધ્યાત્મ સ્વરૂપ. આમ દેહરૂપે, મૂર્છિત જીવરૂપે, શુદ્ધ જીવરૂપે અને પૂર્ણ બ્રહ્મરૂપે બધેય હું જ છું. અને આવો હું તેનું જે મરણ સમયે ધ્યાન ધરે, પોતાને ભૂલા જાય, કોઈ પ્રકારની ચિંતા ન કરે, ઈચ્છા ન કરે તે મારા સ્વરૂપને પામે જ એમ શંકા ન કરતો. જે સ્વરૂપનું મનુષ્ય નિત્ય ધ્યાન ધરતો હોય ને અંતકાળે પણ તેનું જ ધ્યાન હોય તો તે સ્વરૂપને તે પામે છે. અને તેથી જ તું નિત્ય મારું જ સ્મરણ કરતો રહેજે. મારામાં જ મન બુદ્ધિ પરોવી રાખજે. એટલે મને જ પામીશ. આમ ચિત્ત સ્થિર ન થાય એમ તું કહેશે. તો જાણ કે રોજના અભ્યાસથી, રોજના પ્રયત્નથી એમ એકધ્યાન થવાય જ છે. કેમ કે હમણાં જ તને કહ્યું કે દેહધારી પણ મૂળ વિચારતાં મારું જ સ્વરૂપ છે. તેથી મનુષ્યે પહેલેથી જ તૈયારી કરવી કે જેથી મરણ સમયે મન ચળે નહીં, ભક્તિમાં લીન રહે, પ્રાણને સ્થિર રાખે, અને સર્વજ્ઞ, પુરાતન, નિયંતા, સૂક્ષ્મ તથા બધાનું પાલન કરવાની શક્તિ ધરાવનાર, જેનું ચિંતવન કરતાંયે ઝટ ઓળખી ન શકાય એવા, સૂર્ય જેવું અંધારું-અજ્ઞાન મટાડનાર પરમાત્માનું તું સ્મરણ કરજે.
આ પરમપદને વેદો અક્ષરબ્રહ્મ નામે ઓળખે છે. રાગદ્વેષાદિનો ત્યાગ કરનારા મુનિઓ તેને પામે છે, અને તે પડ પામવાની ઈચ્છા રાખનારા સહુ બ્રહ્મચર્યનું પાલન કરે છે. એટલે કાયાને, વાચાને અને મનને અંકુશમાં રાખે છે, વિષયમાત્રનો ત્રણેય રીતે ત્યાગ કરે છે. ઈન્દ્રિયોને સમેટી લઈને ૐનું ઉચ્ચારણ કરતાં મારું જ ચિંતવન કરતાં જે સ્ત્રીપુરુષ દેહ છોડે છે તે પરમ પદને પામે છે. એવાંઓનું ચિત્ત બીજે ક્યાંય ભમે જ નહીં. અને આમ મને પામનારને, દુઃખનું ઘર એવો જન્મ ફરી પામવાપણું નથી રહેતું. આ જન્મમરણના ચક્રમાંથી છૂટવાનો ઉપાય મને પામવો એ જ છે.
પોતાનાં સો વર્ષના જીવનકાળથી માણસ કાળનું માપ કરે છે ને તેટલા સમયમાં હજારો જાળ પાથરે છે. પણ કાળ તો અનંત છે. હજારો યુગ એટલે બ્રહ્માનો એક દિવસ જાણ. આમાં મનુષ્યના એક દિવસની કે સોવર્ષની શી કિંમત ? એટલા અલ્પ કાળની ગણતરીઓ કરીને ફોકટ ફાંફા શાં મારવાં ? આ અનંત કાળચક્રમાં માણસનું જાવન ક્ષણમાત્ર જેવું છે. તેમાં તો તેને ઈશ્વરધ્યાન જ શોભે. તે ક્ષણિક ભોગોની પાછળ કેમ દોડે ? બ્રહ્માનાં રાતદિવસમાં ઉત્પત્તિ ને નાશ ચાલ્યાં જ કરે છે અને ચાલ્યાં કરશે.
ઉત્પત્તિલય કરનાર બ્રહ્મા એ પણ મારો જ ભાવ છે, અને તે અવ્યક્ત છે, ઈન્દ્રિયોથી કળી નથી શકાતો. આથી પણ પર એવું મારું બીજું અવ્યક્ત સ્વરૂપ છે તેનું કંઈક વર્ણન મેં તારી આગળ કર્યું. તેને જે પામે તેનાં જન્મમરણ ટળે. કેમ કે એ સ્વરૂપને રાત્રિ-દિવસ જેવું દ્વંદ્વ નથી. એ કેવળ શાંત અચળ સ્વરૂપ છે. એનાં દર્શન અનન્ય ભક્તિથી જ થાય. એને જ આધારે આખું જગત છે ને બધે વ્યાપીને તે સ્વરૂપ રહેલું છે.
આમ કહેવાય છે કે ઉત્તરાયણના અજવાળાયિાના દહાડામાં જે મરણ પામે છે તે ઉપર પ્રમાણે સ્મરણ કરતાં મને પામે છે અન ેદક્ષિણાયનમાં, અંધારિયામાં, રાત્રિના મરણ પામે છે તેને પુનર્જન્મના ફેરા બાકી રહે છે. આનો અર્થ એમ કરાય કે ઉત્તરાયણ ને શુકલપક્ષ એ નિષ્કામ સેવામાર્ગ અને દક્ષિણાયન ને કૃષ્ણપક્ષ તે સ્વાર્થમાર્ગ. સેવામાર્ગે મુક્તિ અને સ્વાર્થમાર્ગે બંધન. સેવામાર્ગ તે જ્ઞાનમાર્ગ, સ્વાર્થમાર્ગ તે અજ્ઞાનમાર્ગ. જ્ઞાનમાર્ગે ચાલનારને મોક્ષ, અજ્ઞાનમાર્ગે ચાલનારને બંધન. આ બે માર્ગને જાણ્યા પછી મોહમાં રહી અજ્ઞાનમાર્ગને કોણ પસંદ કરશે ? આટલું જાણ્યા પછી મનુષ્યમાત્રે બધાં પુણ્યફળ છોડી, અનાસક્ત રહી, કર્તવ્યમાં જ પરાયણ રહી, મેં કહ્યું તે ઉત્તમ સ્થાન મેળવવાનો જ પ્રયત્ન કરવો ઘટે.