અધ્યાય ચોથો
સોમપ્રભાત
ભગવાન અર્જુનને કહે છે : મેં જે નિષ્કામ ક્રમયોગ તને બતાવ્યો તે બહુ પ્રાચીન કાળથીચાલતો આવ્યો છે. એ નવી વાત નથી. તું પ્રિય ભક્ત છે તેથી, ને હમણાં તું ધર્મસંકટમાં છે તેમાંથી મુક્ત રવા સારુ, મેં તને આ શીખવ્યો છે. જ્યારે જ્યારે ધર્મની નિંદા થાય છે અને અધર્મ ફેલાય છે, ત્યારે ત્યારે હું અવતાર લઉં છું ને ભક્તોની રક્ષા કરું છું. પાપીનો સંહાર કરું છું. આ મારી માયાને જે જાણે છે તે વિશ્વાસ રાખે છે કે અધર્મનો લાપ જ થવાનો છે. સાધુ પુરુષનો બેલી ઈશ્વર તો છે જ; તે ધર્મનો ત્યાગ નથી કરતો ને છેવટે મને પામે છે. કેમ કે તેઓ મારું ધ્યાન ધરનારા હોવાથી અને મારો આશ્રય લેનારા હોવાથી, કામક્રોધાદિથી મુક્ત રહે છે ને તપ અને જ્ઞાનથી શુદ્ધ થયેલા રહે છે. માણસો જેવું કરે છે તેવું ફળ પામે છે. મારા કાનીનોની બહાર જઈને કોઈ રહી શકતું નથી.
ગુણકર્મના ભેદ પ્રમાણે મેં ચાર વર્ણો પેદા કર્યા છે. એમ છતાં હું તેનો કર્તા છું એમ ન ગણતો. કેમ કે મારે એ કાર્યમાંથી કંઈ ફળ જોઈતું નથી, અને એનું પાપપુણ્ય મને ન હોય. આ ઈશ્વરી માયા સમજવા જેવી છે. જગતમાં જે જે પ્રવૃત્તિ ચાલે છે તે બધી ઈશ્વરી નિયમોને વશ વર્તે છે, છતાં ઈશ્વર તેથી અલિપ્ત રહે છે, અભડાયા વિના, ફળની ઈચ્છા કર્યા વિના જેમ ઈશ્વર વર્તે છે તેમ મનુષ્ય પણ નિષ્કામ રહી વર્તે તો અવશ્ય મોક્ષ પામે. આવો માણસ કર્મમાં અકર્મ જુએ, અને આવા માણસને ન કરવાનાં કર્મની પણ તુરત ખબર પડ્યા કરે છે. જેને વિશે કામના છે, જે કામના વિના થઈ જ ન શકે તે બધાં ન કરવાનાં કર્મ કહેવાય - જેવાં કે ચોરી, વ્યભિચાર ઈ. આવાં કર્મો કોઈ અલિપ્ત રહીને કરી ન શકે. એટલે જેઓ કામના અને સંકલ્પો છોડીને કર્તવ્યકર્મ કર્યે જાય છે તેઓએ પોતાના જ્ઞાનરૂપી અગ્નિ વડે પોતાનાં કર્મો બાળી નાખ્યાં છે એમ કહેવાય. એમ ેણે કર્મફળનો સંગ છોડ્યો છે તે માણસ હમેશાં સંતુષ્ય રહે છે, હમેશાં સ્વતંત્ર હોય છે. તેનું મન ઠેકાણે હોય છે. તે કશા સંગ્રહમાં પડતો નથી, અને જેમ આરોગ્યવાન પુરુષની શારીરિક ક્રિયાઓ સહેજે ચાલ્યા કરે છે તેમ આવા મનુષ્યોની પ્રવૃત્તિઓ સહેજે ચાલ્યા કરે છે. તે પોતે તે ચલાવી રહ્યો છે અવું તેને અભિમાન નથી હોતું, એવું ભાન સરખુંયે નથી. પોતે નિમિત્તમાત્ર રહે છે; - સફળતા મળી તોયે શું, ને નિષ્ફલતા મળી તોયે શું ? તે નથી ફૂલી જતો, નથી ગભરાતો. તેનાં કર્મમાત્ર યજ્ઞરૂપે, સેવાર્થે હોય છે. તે બધી ક્રિયામાં ઈશ્વરને જ જુએ છે ને છેવટે તે ઈશ્વરને જ પામે છે.
યજ્ઞો તો ઘણા પ્રકારના વર્ણવવામાં આવ્યા છે. તે બધાના મૂળમાં શુદ્ધિ અને સેવા હોય છે. ઈન્દ્રિયદમન એ એક જાતનો યજ્ઞ છે. કોઈને દાન કરવું એ બીજો છે. પ્રાણાયમાદિ પણ શુદ્ધિ સારુ આદરેલા યજ્ઞ છે. આનું જ્ઞાન કોઈ જાણનાર ગુરુ પાસેથી મેળવાય. તે મેળાપ વિનય, ધગશ અને સેવાથી જ થઈ શકે છે. બધા વગર સમજ્યે યજ્ઞને નામે અનેક પ્રવૃત્તિઓ કરવા મંડી જાય તો, અજ્ઞાનને લીધે હોવાથી, ભલાને બદલે ભૂંડું પણ કરે, તેથી પ્રત્યેક કાર્ય જ્ઞાનપૂર્વક હોવાની પૂરી આવશ્યકતા છે.
આ જ્ઞાન તે અક્ષરજ્ઞાન નહીં. આ જ્ઞાનમાં શંકાને સ્થાન જ નથી રહેતું. તેનો શ્રદ્ધાથી આરંભ થાય છે ને છેવટે તે અનુભવાય છે. એવા જ્ઞાન વડે મનુષ્ય બધા જીવોને પોતાના વિશે જુએ છે ને પોતાને ઈશ્વરને વિશે જુએ છે, એટલે કે ા બધું પ્રય્ક્ષની જેમ તેને ઈશ્વરમય લાગે છે.
આવું જ્ઞાન પાપીમાં પણ નામી પાપી હોય તેવાનેય તારે છે. આવં જ્ઞાન કર્મબંધનમાંથી મનુષ્યને મુક્ત કરે છે, એટલે કે કર્મનાં ફળ તેને સ્પર્શ કરતાં નથી. એના જેવું પવિત્ર આ જગતમાં બીજું કંઈ નથી. તેથી તું શ્રદ્ધા રાખી, ઈશ્વરપરાયણ થઈ, ઈન્દ્રિયોને વશમાં રાખીને એવું જ્ઞાન પામવા મથજે; તેથી તને પરમ શાંતિ મળશે.
ચત્રીજો, આ અને હવે પછીનો અધ્યાય એમ ત્રણે સાથે મનન કરવા જેવા છે, તેમાંથી અનાસક્તિયોગ શું તેની ખબર પડી રહે છે. એ અનાસક્તિ-નિષ્કામતા-કેમ મળી શકે એ પણ તેમાં થોડેઘણે અંશે બતાવી દીધું છે. આ ત્રણ અધ્યાય બરોબર સમજી લીધા હોય તો પછીના સમજવામાં ઓછી મુશ્કેલી પડે. પછીના અધ્યાયો અનાસક્તિ પામવાનાં સાધનો અનેક રીતે આપણને બતાવે છે. એ દૃષ્ટિએ ગીતાનો અભ્યાસ આપણને જરૂરનો છે અને તેમ કરતાં આપણી રોજની ગૂંચનો ઉકેલ આપણે ગીતામાંથી વિના પરિશ્રમે કરી સકીશું. આ રોજ ટેવ પાડવાથી બની શકે એમ છે. સહુ અજમાવી જુએ. ક્રોધ ચડ્યો કે તુરત તેને લગતો શ્લોક યાદ કરીએ ને શમાવીએ. કોઈનો દ્વેષ થયો, અધીરાઈ આવી, અકરાંતિયાપણું આવ્યું, અમુક કરવું કે ન કરવું એવું સંકટ આવી પડ્યું, - આવા બધા પ્રશ્નોન ઉકેલ શ્રદ્ધા હોય તો ને નિત્ય મનન હોય તો ગીતામાતાની પાસેથી મળી રહે. આમ કરતા થઈ જઈએ તે અર્થે રોજનું પારાયણ છે અને તે અર્થે આ પ્રયત્ન છે.
યજ્ઞ-૧
૨૧-૧૦-’૩૦
મંગળપ્રભાત
આપણે યજ્ઞ શબ્દનો ઉપયોગ બહુ કરીએ છીએ. આપણે નિત્યનો મહાયજ્ઞ પણ રચ્યો છે. તેથી યજ્ઞ શબ્દ વિચારી લેવો એ જરૂરનું છે. યજ્ઞ એટલે આ લોકમાં કે પરલોકમાં કંઈ પણ બદલો લીધા કે ઈચ્છ્યા સિવાય પરાર્થે કરેલું કાંઈ પણ કર્મ. કર્મ કાયિક, માનસિક કે વાચિક હો. કર્મનો વિશાળમાં વિશાળ અર્થ લેવો. પર એટલે માત્ર મનુષ્યવર્ગ નહીં પણ જીવમાત્ર. એટલે અને અહિંસાની દૃષ્ટિએ પણ, મનુષ્યજાતિની સેવાને અર્થે પણ બીજા જીવોને હોમવા કે તેમનો નાશ કરવો એ યજ્ઞમાં નહીં ખપે. વેદાદિમાં અશ્વ, ગાય ઈત્યાદિનો હોમ કરવાની વાત આવે છે તેનો આપણે છેદ ઉડાડ્યો છે. સત્ય અને અહિંસાને ત્રાજવે પશુહિંસાના અર્થમાં એવા હોમો ચડી શકતા નથી એટલાથી આપણે સંતોષ માન્યો છે. ધર્મને નામે ઓળખાતાં વચનોના ઐતિહાસિક અર્થ કરવામાં આપણે રોકાતા નથી અને તેવા અર્થ શોધવાની આપણી અયોગ્યતાનો આપણે સ્વીકાર કરીએ છીએ. તે યોગ્યતા મેળવવાનો પ્રયત્ન પણ આપણે નથી કરતા, કેમ કે ઐતિહાસિક અર્થને જીવહિંસા ભાવે તોપણ સત્ય-અહિંસાને સર્વોપરી ધર્મ માન્યા પછી આપણે સારુ તેવા અર્થને રુચતો આચાર ત્યાજ્ય છે.
ઉપરની વ્યાખ્યા પ્રમાણે વિચારતાં આપણે જોઈ શકીએ છીએ કે, જે કર્મમાં વધારેમાં વધારે જીવોનું વધારેમાં વધારે ક્ષેત્રમાં કલ્યાણ થાય, ને જે કર્મ વધારેમાં વધારે મનુષ્ય વધારેમાં વધારે સહેલાઈથી કરી શકે, ને જેમાંથી વધારેમાં વધારે સેવા થતી હોય તે મહાયજ્ઞ અથવા સારામાં સારો યજ્ઞ. એટલે કોઈની પણ સેવાને અર્થે બીજા કોઈનું અકલ્યાણ ઈચ્છવું કે કરવું એ યજ્ઞકાર્ય નથી જ. અને યજ્ઞ સિવાયનું કરેલું કાર્ય એ બંધન છે એમ આપણને ભગવદ્ગીતા અને અનુભવ પણ શીખવે છે.
આવા યજ્ઞ વિના આ જગત એક ક્ષણ પણ ન ટકી શકે. અને તેથી જ ગીતાકારે જ્ઞાનની કંઈક ઝાંખી બીજા અધ્યાયમાં કરાવ્યા પછી ત્રીજા અધ્યાયમાં તેને પહોંચવાના સાધનમાં પ્રવેશ કરાવ્યો, ને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આપણે જન્મથી જ યજ્ઞને સાથે લાવ્યા છીએ. એટલે કે આ દેહ કેવળ પરમાર્થને કારણે આપણને મળ્યો છે એવું સખત વાક્ય ગીતાકારે કહી દીધું. શુદ્ધ જીવન ગાળવા ઈચ્છનારનું બધું કાર્ય યજ્ઞરૂપે હોય. આપણે યજ્ઞ સાથે અવતર્યા એટલે આપણે સદાયના ઋણી - દેવાદાર રહ્યા. તેથી આપણે જગતના હંમેશના ગુલામ સેવક. અને ગુલામને સ્વામી જેમ સેવા લેવાને કારણ અન્નવસ્ત્રાદિ આપે છે તેમ આપણને જગતનો સ્વામી આપણી પાસેથી ગુલામી લેવા ખાતર અન્નવસ્ત્રાદિ આપે તે આભારપૂર્વક લઈએ. તેટલાનો પણ આપણને હક છે એવું ન માનીએ, એટલે કે ન મળે તો સ્વામીને ન વગોવીએ.
આ શરીર તેનું છે; તેની ઈચ્છા પ્રમાણે તેને રાખે કે ન રાખે. આ સ્થિતિ દુઃખદ નથી. દયામણી પણ નથી. જો આપણું સ્થાન સમજી લઈએ તો સ્વાભાવિક છે, અને તેથી સુખદ છે અને ઈચ્છવા યોગ્ય છે. આવું પરમ સુખ અનુભવવાને સારુ અચલિત શ્રદ્ધાની આવશ્યકતા છે જ. પોતાને વિશે ચિંતા જ ન ભોગવવી, બધી પરમેશ્વરને સોંપી દેવી આવો આદેશ મેં તો બધા ધર્મોમાં જોયો છે.
પણ આ વચનથી કોઈને ડરી જવાનું કારણ જ નથી. મન સ્વચ્છ રાખી જે સેવાનો આરંભ કરે છે તેને તેની આવશ્યકતા દિનપ્રતિદિન સ્પષ્ટ થતી જાય છે ને તેમ તેમ તેની શ્રદ્ધા વધતી જાય છે. જે સ્વાર્થ છોડવાને તૈયાર જ નથી, પોતાની જન્મની સ્થિતિને ઓળખવા જ તૈયાર નથી તેને સારુ તોસેવામાર્ગ માજ્ઞ મુશ્કેલ છે. તેની સેવામાં સ્વાર્થની ગંધ આવ્યા જ કરશે. પણ આવા સ્વાર્થી જગતમાં જ્વલ્લે જ જોવામાં આવશે. કંઈક ને કંઈક નિઃસ્વાર્થ સેવા આપણે બધા જાણ્યે અજાણ્યે આપીએ જ છીએ. આ જ વસ્તુને આપણે વિચારપૂર્વક કરતા થઈ જઈએ તો આપણી પારમાર્થિક સેવા કરવાની વૃત્તિ ઉત્તરોત્તર વધ્યા જ કરશે, ને તેમાં આપણું ખરું સુખ છે ને જગતનું કલ્યાણ છે.
યજ્ઞ-૨
૨૮-૧૦-’૩૦
મંગળપ્રભાત
યજ્ઞ વિશે ગયે અઠવાડિયે લખ્યું પણ પેટ ન ભરાયું. જે વસ્તુ જન્મની સાથે લઈને આપણે આ જગતમાં પ્રવેશ કર્યો છે તેને વિશે જરા વધારે વિચાર કરવો નિરર્થક નહીં જાય. યજ્ઞ એ નિત્યનું કર્તવ્ય છે. ચોવીસે કલાક આચરવાની વસ્તુ છે. એમ વિચારતાં, એને યજ્ઞ એટલે સેવા એમ જાણતાં ‘થ્ક્રશ્વઙ્ગેંક્રથ્ક્રસ્ર્ ગભક્રધ્ બ઼્ક્રઠ્ઠભસ્ર્ઃ’ જેવું વચન કહે છે. નિષ્કામ સેવા એ પરોપકાર નથી પણ પોતાની ઉપર ઉપકાર છે, જેમ કરજ ભરવું એ પરોપકાર નહીં પણ પોતાની સેવા છે, પોતાની ઉપર ઉપકાર છે, પોતાની ઉપરથી ભાર ઉતાર્યો છે, પોતાનો ધર્મ સાચવ્યો છે. વળી સંતની જ પૂંજી ‘પરોપકારાર્થે’ એટલે વધારે સારી ભાષામાં સેવાર્થે છે એમ નહીં પણ મનુષ્યમાત્રની પૂંજીમાત્ર સેવાર્થે છે. અને આમ છે તો જીવનમાત્રમાંથી ભોગનો છેદ ઊડી જાય છે ને ત્યાગમય થાય છે અથવા ત્યાગમાં જ ભોગ છે. મનુષ્યનો ત્યાગ એ જ તેનો ભોગ છે. આ પશુ અને મનુષ્ય વચ્ચેનો ભેદ આમ જીવનનો અર્થ કરતાં જીવન શુષ્ક બની જાય છે. કળાનો નાશ થઈ જાય છે ને ગૃહસ્થજીવનનો નાશ થઈ જાય છે એમ આરોપ ઘણા કરે છે ને ઉપલા વિચારને દોષમય ગણે છે. પણ મને લાગે છે કે, એમ કહેવામાં ત્યાગનો અનર્થ થાય છે. ત્યાગ એટલે સંસારમાંથી ભાગીને અરણ્યમાં વાસ કરવો એમ નહીં, પણ જિંદગીની બધી પ્રવૃત્તિમાં ત્યાગની ભાવના હોવી તે. ગૃહસ્થજીવન ત્યાગમય હોય ને ભોગમય હોય. મોચી જોડા સીવે, ખેડૂત ખેતી કરે, વેપારી વેપાર કરે, વાળંદ વાળ ઉતારે એમાં ત્યાગભાવના હોય અથવા ભોગની લાલસા હોય. યજ્ઞાર્થે વેપાર કરનાર કરોડોનો વેપાર કરતાં છતાં લોકસેવાનો જ વિચાર કરશે. તે કોઈને છેતરશે નહીં, તે ઊંધા ખોપ નહીં ખેડે, તે ન કરવાનાં સાહસ નહીં ખેડે, કરોડોનો ધમી છતાં સાદાઈથી રહેશે, કરોડો કમાતાં છતાં તે કોઈનું નુકસાન નહીં કરે, કોઈનું નુકસાન થતું હશે તો કરોડો જતા કરશે. આવો વેપારી મારી કલ્પનામાં જ વસે છે એમ કહી કોઈ હસે નહીં. જગતને સદ્ભાગ્યે એવા વેપારી પશ્ચિમમાંયે છે ને પૂર્વમાંયે છે. ભલે આંગળીને વેઢે ગણી શકાય તેટલા હોય, એક પણ જીવતો નમૂનો હોય તો એવો વેપારી કલ્પના મટી જાય છે. એવા દરજીને તો આપણે વઢવાણમાં જ જોયો. એવા એક વાળંદને તો હું જાણું છું. એવા વણકરને આપણામાંનાં કોણ નથી જાણતા ? વિચાર કરતાં ને શોધતાં આપણને બધા ધંધામાં કેવળ યજ્ઞાર્થે જીવન ગાળતાં ને પોતાનો ધંધો ચલાવતાં માણસો નજરે પડશે. ખરું છે કે, આવા યાજ્ઞિકો પોતાનો ધંધો કરતાં પોતાની આજીવિકા મેળવે છે, પણ તેઓ ધંધો આજીવિકા ખાતર નથી કરતાં, આજીવિકા તેઓને સારું તે ધંધાનું ગૌણ ફળ છે. મોતીલાલ પૂર્વે પણ દરજી હતો ને જ્ઞાન થયા પછી પણ દરજી રહ્યો. તેની ભાવના બદલાઈ એટલે તેનો ધંધો યજ્ઞરૂપ બન્યો, તેમાં પવિત્રતા દાખલ થઈ ને ધંધામાં બીજાના સુખનો વિચાર દાખલ થયો. તેના જીવનમાં ત્યારે જ કળાએ પ્રવેશ કર્યો. યજ્ઞમય જીવન કળાની પરાકાષ્ઠા છે, ખરો રસ જ તેમાં છે કેમ કે તેમાંથી રસનાં નિત્ય નવાં ઝરણાં ફૂટે છે. માણસ તે પીતાં થાકતો નથી, ઝરણાં કદી સૂકાતાં નથી. યજ્ઞ બોજારૂપ લાગે તે યજ્ઞ નથી, ખૂંચે તે ત્યાગ નથી. ભોગને અંતે નાશ છે, ત્યાગને અંતે અમરતા છે. રસ સ્વતંત્ર વસ્તુ નથી, રસ આપણી વૃત્તિમાં રહ્યો છે. એકને નાટકના પડદામાં રસ આવશે, બીજાને આકાશમાં નિત્ય નવા પડદા ઊઘડ્યા કરે છે તેમાં રસ આવે છે, એટલે રસ કેળવણીનો વિષય છે. જે રસરૂપે બચપણમાં કેળવાય, જે રસરૂપે પ્રજામાં કેળવાય તે રસ ગણાય. એક પ્રજાને જે રસમય લાગે છે તે બીજીને રસહીન લાગે છે, એવા દાખલા આપણને મળી રહે તેમ છે.
વળી યજ્ઞ કરનાર ઘણા સેવક એમ માને છે કે આપણે નિષ્કામ ભાવે સેવા કરીએ છીએ એટલે લોકોની પાસેથી જે જોઈએ તે લેવાનો ને ન જોઈતું પણ લેવાનો પરવાનો મળ્યો છે. આવો વિચાર જે સેવકના મનમાં જ્યારે આવ્યો તેયારથી તે સેવક મટી સરદાર બન્યો. સેવામાં પોતાની સગવડના વિચારને સ્થાન જ નથી. સેવકની સગવડ સ્વામી - ઈશ્વર જોનારો છે, તેને આપવી હશે તે અને તો આપશે. આમ વિચારી સેવક જે આવે તે પોતાનું કરી નહીં બેસે. જોઈતું જ લઈ બીજાનો ત્યાગ કરશે. પોતાની સગવડ ન સચવાઈ તોપણ શાંત રહેશે, રોષરહિત રહેસે, મનમાં પણ નહીં કોચવાય. યાજ્ઞિકનો બદલો-સેવકની મજૂરી યજ્ઞ - સેવા જ છે. તેમાં જ તેનો સંતોષ હોય.
વળી સેવાકાર્યમાં વેઠ ઉતારાય નહીં. તે છેવાડે મુકાય નહીં. પોતાનું હોય તો શણગારવું, પારકું છે, વગર પૈસે કરવાનું છે એટલે જેવું અને જ્યારે કરીએ તેવું ને ત્યારે ચાલશે, એમ વિચારનાર ને આચરનાર યજ્ઞના મૂળાક્ષર પણ નથી જાણતો. સેવામં તો સોળે શણગાર પૂરવાના હોય, પોતાની બધી કળા તેમાં ઠાલવવાની હોય. એ પહેલી, પછી આપણી સેવા. મતલબમાં શુદ્ધ યજ્ઞ કરનારને પોતાનું કંઈ જ નથી. તેણે બધું કૃષ્ણાર્પણ કર્યું છે.
યજ્ઞ-૩
(ખાનગી પત્રમાંથી)
રેંટિયા અને ફ્રેન્ચ વિષે તમો લખો છો એમાં પણ સિદ્ધાંતની દૃષ્ટિએ ઊણપ જોઉં છું. રેંટિયાને સર્વાર્પણ કર્યા પછી તે વખત બીજો લાભ લેવામાં ન દેવાય. કોઈ આવીને વાત કરી જાય તો વિવેકને ખાતર કરીએ; પણ વાત કરી જાય તેના કરતાં શીખવી જાય એ શું ખોટું એ ન્યાય અહીં ન ચાલે. વાતમાંથી તો ઈચ્છાએ ઊગરી શકાય, વાત કરનાર પછી લાંબો વખત બેસવા વાત ન કરે. પણ શિક્ષક બન્યા પછી તો પૂરો વખથ બંસવા બંધાયેલ છે. આ બધું રેંટિયાને યજ્ઞરૂપે ચલાવતા હોઈએ ત્યારને સારુ છે. મારે વિશે આ સત્યનો પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યો છું. રેંટિયો ચલાવતાં બીજા વિચારોમાં પડું છું ત્યારે ગતિ ઉપર, આંક ઉપર, સમાનતા ઉપર અસર થાય છે. રોમાંરોલાં કે બિથોવનને પિયાનો ઉપર બેઠેલા કલ્પો, તેમાં એ એવા તન્મય હોય કે ન વાત કરી શકે, ન મનમં બીજો વિચાર કરી શકે. કળા અને કળાકાર જુદાં ન હોય. આ જો પિયાનાને વિશે સાચું હોય તો કેટલું વધારે સાચું રેંટિયાયજ્ઞને વિશે હોવું જોઈએ ? આવું આચરણ આજે ન થઈ શકે એ વાતને નોખી રાખજો. આપણું વિચારક્ષેત્ર અણિશુદ્ધ રાખીશું તો તે પ્રમાણે આચારને કોઈક દિવસ પહોંચીશું જ.
વળી ચેતવું છું કે આમાં થઈ ગયેલાની ટીકા નથી. મને અતિ અધૂરાને ટીકા કરવાનો અધિકાર પણ ક્યાં છે ? જાણું છું તેનો હું પોતે ક્યાં પૂરો અમલ કરું છું ? કર્યો હોત તો ક્યારનો રેંટિયો સાત લાખ ગામડાંમાં ગુંજતો હોત, હજુ હું જે જાણું છું તે જ પ્રમાણે સોએ સો ટકા વ્રતી શકું તો અહીં બેઠો છું છતાં રેંટિયો પવનવેગે પસરે. ‘ગજા વગરનો હાલ મનોરથ રૂપ જો, તોપણ નિશ્ચય ચક્રભગત મનને રહ્યા. પ્રભુઆજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ જો’ (રાયચંદભાઈની ક્ષમા યાચીને કરેલી ચોરી) પણ માલવીયજી જો ભાગવતપુરાણની વાતો કરતાં થાકે તો હું રેંટિયાસંગીતની વાત કરતો થાકું. રેંટિયાપુરાણ તો કેમ જ કહેવાય ? પુરાણ તો આપણી પછીના રચશે, જો આપણે રચવા જેવું કર્યું હશે તો. અત્યારે તો આપણે એનું ભાંગ્યુંતૂટ્યું સંગીત રચી રહ્યા છીએ. છેવટે તેમાં કેવો સૂર નીકળે છે તેનો આધાર આપણી તપશ્ચર્યા, આપણા સમર્પણ પર રહેશે.
...હવે ગયા કાગળનું કંઈક લંબાવું.
મને લાગે છે કે આદર્શ તો એ છે કે યજ્ઞને સમયે મોન હોય અને તે વખતે વિચારો કાં તો રેંટિયાને એટલે ખાદીને લગતા હોય અથવા રામનામ. રામનામનો વિસ્તૃત અર્થ કરવો જોઈએ. ખરું જોતાં રામનામ તો જાણ્યે અજાણ્યે બધી વખતે હોય જ, સંગીતમાં તંબૂરાની જેમ. પણ જે કામ હાથ કરતા હોય તેમાં એકધ્યાન ન હોઈએ તો રામનામનું ઈરાદાપૂર્વક રટણ હોય. રેંટિયો ચલાવતાં આપણે વાતો કરીએ છીએ અથવા કંઈ સાંભળીએ છીએ અથવા બીજું કંઈક કરીએ છીએ. એ ક્રિયા યજ્ઞ તો ન જ થઈ. જો ે યજ્ઞ કર્તવ્ય છે તો તેટલો વખત તો તેમાં હોમાઈ જવો જોઈએ. અને જેનું આખું જીવન યજ્ઞરૂપ છે ને જે અનાસક્ત છે તે એક જ કામ એક વખતે કરશે. આમ જાણતો છતાં (ઓછાવત્તા પ્રમાણમાં) હું જ પહેલો પાપી બન્યો. કેમ કે મેં કોઈ દહાડો નિરાંતે બેસીને એકાંતમાં એટલે મૌનમાં કાંત્યું જ નથી એમ કહેવાય. મૌનવારને દહાડે કાંતતી વખતે ટપાલ સાંભળતો અથવા કોઈને કંઈ કહેવું હોય તો તે. એ કુટેવ અહીં પણ ટળી નથી. પછી શી નવાઈ કે હું કાંતવામાં બહુ નિયમિત છતાં ઢ રહ્યો છું ને કલાકમાં માંડ ૨૦૦ તારને હવે પહોંચ્યો છું ? બીજા પણ ઘમા દોષો મારે વિશે જોઈ રહ્યો છું : જેમ કે તાર તૂટવા, માળ સાફ કરતાં ન આવડવી, ચરખામાંનું ઓછું જ્ઞાન, રૂની જાત ન જાણવી, સમાનતા વગેરે ચોક્કસ રીતે ન કાાઢી શકાય, રેસાની પરખ ન કરી શકાય. આ કાંઈ યાજ્ઞિકને શોભે ? પછી ખાદી ઢીલી ચાલી છે તેમાં શી નવાઈ ? જો દરિદ્રનારાયણ છે, અને તે છે જ, અને જો તેનો પ્રસાદ ખાદી છે અને એ કહેનાર, જાણનાર જે કહો તે હું, તે છતાં મારો અમલ કેવો મોળો ? એટલે આ બાબત કોઈને બીજાને દોષ દેવાનું મન જ નથી થતું. હું તો માત્ર તમને મારા દોષનું અને દુઃખનું, ને તેમાંથી ઉત્પન્ન થતા ભાનનું ને જ્ઞાનનું દર્શન કરાવું છું. જોકે કાકાની સાથે છૂટીછવાઈ આવી વાતો કરી છે છતાં આટલું સ્પષ્ટ તો આજે જ પહેલું તમારી પાસં કરું છું. અને તે સ્પષ્ટ પણ પેલા ફ્રેચના રેંટિયાની સાથે જોડાવાથી થયું. વળી પણ કહું કે તમે પ્રમાણે કર્યું તેમાં હું તમારે સારુ લવલેશ પણ દોષ નથી જોતો. હું રેંટિયાનો કેવો કાચો ‘મંત્રા’ એ જોઈ રહ્યો છું. મંત્રને જાણ્યો પણ તેના વિધિને પૂરો ન આચર્યો, એટલે મંત્ર પૂરી શક્તિ ન પ્રદર્શિત કરી શક્યો. અને જેમ આ રેંટિયાને લાગુ પડ્યું તેમ આવું આખા જીવનને લાગુ પાડી જોજો. એટલે કલ્પનામાં તો તમે જીવનની અદ્ભૂત શાંતિ અનુભવશો ને સફળતા પણ અનુભવશો. ‘યોગઃ કર્મસુ કૌશલમ્’ નો આ અર્થ છે. આમ કરતાં જેયલું તાય તેટલું કરીએ, તેટલું જ હાથ લઈએ ને સંતોષ પામીએ. મને દૃઢ વિશ્વાસ છે કે તેમ કરતાં આપણે પોતાની અને સમાજની તીવ્રતમ પ્રગતિમાં ભાગ લીધો હશે. પણ આ થયું પાંડિત્ય, જ્યાં લગી તેનો સંપૂર્ણ અમલ ન કરું. દિવસે દિવસે આ દિશામાં અમલ તો થઈ રહ્યો છે. બહાર નીકળ્યે શું થશે એ દૈવ જાણે. આમાં આટલો અમલ તો બને તો કરી લેજો. યજ્ઞનિમિત્તે જેટલા તાર માનો તેટલા તો આવી શાસ્ત્રીય રીતે કાઢજો. બાકીના તો ગમે તે સ્થિતિમાં હિંદનું (હિંદુસ્તાનનું) દ્રવ્ય વધારવાને ખાતર કાઢ્યા કરાય. હજુ લખ્યા કરવાનું મન થાય છે, પણ હવે બસ.