apology in Gujarati Short Stories by Jagruti Pandya books and stories PDF | માફી

Featured Books
Categories
Share

માફી

માફી

ગૌરીને છેલ્લાં પાંચ વર્ષથી પગે દુઃખાવો ખૂબ જ રહે. શરૂઆતમાં ઘરેલુ ઉપચાર કર્યા. આયુર્વેદિક દવા કરવા વૈદ્યની સલાહ લીધી. ઓર્થોપેડીક ડૉકટરને બતાવ્યું. વિવિધ પ્રકારની કસરતો અને યોગાસનોનો અભ્યાસ પણ કર્યો. પણ, તેનું દર્દ ઓછું થતું નહોતું. ખાસ કંઈ જ કારણ ન હતું. છતાં પણ ક્યારેક અસહ્ય દર્દ રહેતું. હજુ ગૌરીની ઉંમર પણ એટલી બધી નહોતી કે તેને ઘૂંટણ દુઃખે. ચાળીસ વર્ષ હતાં. વજન પણ માપનું હતું.

ગૌરીને મિત્ર વર્તુળ બહુ મોટું. તેની સખીઓ સાથે વિક એન્ડ પાર્ટીઓ નિયમિત જતી અને આખો દિવસ તેની સાસુમા અને દેરાણીની વાતો કર્યા કરતી. તેના સાસુમા તેની દેરાણીની સાથે રહેતાં હતાં. ગૌરી તેનાં પતિ અને બાળકો સાથે અલગ રહેતી. ગૌરી તેનાં સાસુને ખૂબ જ નફરત કરતી હતી. ગૌરી જેટલી નફરત કરતી હતી તેટલાં બધાં તેનાં સાસુ ખરાબ નહોતાં. ગૌરીને દિકરીની જેમ જ રાખતાં હતાં. ગૌરી કામચોર અને આળસુ હતી માટે તેનાં સાસુ તેને ખૂબ જ પ્રેમથી સમજાવતાં. ગૌરી કામ ન કરે, બહાનાં બતાવે કે ગુસ્સો કરે તો પણ પ્રેમથી સમજાવતાં. પણ, સ્વતંત્ર વિચારો વાળી ગૌરી તેની દેરાણી આવ્યા પછી અલગ રહેવા ગઈ.

ગૌરીની વિક એન્ડ પાર્ટીમાં એક્વાર તેની સખી લક્ષ્મીના નવા પડોશી રમાબહેન આવ્યા હતાં. લક્ષ્મીએ રમાબહેનનો સૌને પરિચય કરાવ્યો. રમાબહેન આ બધાં કરતાં ઉંમરમાં સહેજ મોટાં હતાં. રમાબહેન ખૂબ ભલાં અને શ્રદ્ધાળુ હતાં. ગૌરીએ તેની ટેવ મુજબ સાસુમાની કુથલી શરુ કરી દીધી. બધાં હસી હસીને ગૌરીની વાતોનો આનંદ લેતાં હતાં. ગૌરી સાસુમાની નકલ કરવા ઉભી થતી હતી ત્યાં જ અચાનક તેને પગનાં ઘૂંટણે સણકો માર્યો. એકદમ ઊભી થઈ શકી નહીં. તરત જ રમાબહેન ઉભા થઈ ગયા અને ગૌરીને પગે માલિશ કરતાં કરતાં તેનાં ઉપચારો જણાવતાં હતાં. ગૌરીએ કહ્યું, ' રમાબહેન કોઈ જ ઉપચાર બાકી રાખ્યો નથી. બધાં જ ડૉક્ટરોને બતાવ્યું પણ આ દર્દ મટતું જ નથી. ' રમાબહેને આજે પાર્ટીમાં તેની બધી વાતો સાંભળી હતી તે પરથી તેનો સ્વભાવ તરત જ પારખી ગયા હતા. રમાબહેને કહ્યું, " મારી પાસે એક અકસીર ઈલાજ છે. તમારે આ દર્દ મટાડવું છે ? જો ખરેખર તમે આ દર્દમાંથી છુટવા માંગતાં હોવ તો હું કહું તેમ કરશો ? ગૌરી બોલી, ' તમે કહો તેમ કરીશ. ' રમાબહેને કહ્યું, " આજે જ તમારાં સાસુમા પાસે જાઓ અને માફી માંગો. " રમાબહેનની વાત સાંભળી ગૌરી ચોંકી ગઈ અને બોલી, ' શું વાત કરો છો ! આ કેવી રીતે શક્ય છે ? રમાબહેન બોલ્યાં, " તમારે આ દર્દ મટાડવું છે ? " ગૌરીએ હા પાડી. રમાબહેન કહે, " આટલાં બધાં ઉપચારો કર્યા હવે આટલું કરવામાં તમને શું વાંધો છે ? આજની તમારી વાતો પરથી મને એટલો ખ્યાલ આવ્યો છે કે તમે સાસુમાને ખૂબ જ નફરત કરો છો. આટલી બધી નફરત સારી નહીં. આ જ નફરત તમને દર્દ આપે છે. તમે દુઃખી થાઓ છો. કોઈપણ વ્યક્તિની અતિશય નિંદા કુથલી કરવાથી આપણે જ તેનાં ફળ ભોગવવા પડે છે. તમને જ્યાં સુધી આ દર્દ ઓછું ન થાય ત્યાં સુધી દરરોજ કે અઠવાડિયામાં બે વખત સાસુમા પાસે જઈને માફી માંગો. " ગૌરી તેનાં દર્દથી કંટાળી ગઈ હતી. તેને થયું, મારા બા મારા વડીલ છે. તેમની માફી માંગવાથી જો આ દર્દ ઓછું થતું હોય તો મને માફી માંગવામાં મને કોઈ જ નાનમ નહીં આવે.

કીટીપાર્ટી પતાવી ગૌરી સીધી જ સાસુમા પાસે ગઈ. સાસુમા ગૌરીને જોઈને ખુશ ખુશ થઈ ગયા. ઘરનાંને ગૌરીનો હસતો ચહેરો ઘણાં વર્ષો પછી જોવા મળ્યો. ગૌરી દોડીને સીધી જ સાસુમાનાં ચરણોમાં બેસી ગઈ. ખૂબ જ હૃદયપૂર્વક , બે હાથ જોડી બા પાસે માફી માંગી. સાસુમાનો ગૌરી પ્રત્યેનો ભાવ પહેલાં હતો તેવો જ અત્યારે પણ હતો. પણ ગૌરી મા ના પ્રેમને સમજી શકી નહીં. ઘરનાં સાથે બેસી ગૌરીએ બહુ વાતો કરી. આજે એને બધાં પોતાનાં લાગ્યાં. ગૌરીનો પતિ શિવમ પણ સીધો જ બા પાસે આવી ગયો હતો. બધાં સાથે જમ્યા અને રાત્રે છૂટા પડ્યા. રાત્રે સુતી વખતે જાણે ચમત્કાર થયો. કોઈપણ ઉપચાર વગર ગૌરીના પગની પીડા અડધોઅડધ ઓછી થઈ ગઈ હતી. બીજે દિવસે ગૌરીએ સવારે વહેલાં રમાબહેનને ફોન કર્યો. રમાબહેને આ પ્રયોગ ચાલુ રાખવા જણાવ્યું. એક અઠવાડિયામાં જ ગૌરીનો દુઃખાવો ગાયબ થઈ ગયો. જાણે પહેલાં કંઈ જ ન થયું હોય તેવું એકદમ નોર્મલ. ગૌરી હવે તેની અંદરના શત્રુને ઓળખી ગઈ. તેને સમજાઈ ગયું કે, હું પોતે જ મારો શત્રુ છું. ગૌરી તેના સાસુમાને તેના ઘરે લઈ ગઈ. ઘરનાં બધાં ખુશ હતાં. રમાબહેનની વાતથી ગૌરી બધું જ સમજી ગઈ. તેનું હૃદય પરિવર્તન થયું. આ પછી ગૌરીએ ધીરે ધીરે તેને પરેશાન કરતાં અંદરના તમામ શત્રુઓનો નિકાલ કરી દીધો. હૃદય પરિવર્તન પછી ગૌરીનું જીવનપરિવર્તન થઈ ગયું.

જાગૃતિ પંડ્યા, આણંદ.