“યસ.”
“પણ કેમ આજે જ?”
“કેમકે આજ જેવો સોનેરી મોકો ફરી કયારેય નહિ મળે.”
“સોનેરી મોકો? એ કઈ રીતે?” શ્યામે પૂછ્યું કેમકે હજુ એને સમજાતું નહોતું.
“આજ એકનો જન્મદિવસ છે. એ બધા સાંજ પડતાં જ નશામાં ચુર થઇ જશે.. અને નશામાં ધુત માણસ ભલે ગમે તેટલો ચાલાક હોય એને થાપ આપવી સરળ બની જાય છે.”
“કઈ રીતે ભાગીશું એ મને સમજાવી દે એટલે હું કોઈ ગરબડ ન કરી બેસું.” ચાર્મિની આંખોમાં ચમક જોઈ શ્યામે ઉત્સાહથી કહ્યું.
“દેખ આ લોકોને રૂપિયામાં કોઈ રસ નથી. મેં એને દસ લાખની ઓફર આપી પણ એણે એ તરફ ધ્યાન પણ આપ્યું નથી. એણે કહ્યું કે એ સ્કીન ટ્રેડમાં છે એટલે એ હરામીઓને જીસ્મમાં કોઈ રસ ન હોય એ પણ દેખીતું છે.”
“તો એમણે આપણને જીવતા કેમ રાખ્યા છે..?” શ્યામ ફરી મુંજાયો.
“કેમકે આપણને જીવતા રાખવા એ એમની મજબૂરી છે. એમને આપણા પાસેથી કોઈ એવી માહિતી જોઈએ છે જે એમના માટે એકદમ જરૂરી છે. ભગવાનનો પાડ માન કે તને કોઈ સવાલોના જવાબ ખબર ન હતી જો તે એ જવાબો આપ્યા હોત તો એમણે તને ક્યારનોય મારી નાખ્યો હોત. એ લોકો પ્રોફેશનલ છે.”
ચાર્મિ શ્વાસ લેવા રોકાઈ એટલે શ્યામની ધીરજ ખૂટી. એ બધું સમજવા માંગતો હતો પણ વચ્ચે બોલવું એને ઠીક ન લાગ્યું.
“એ લોકો ફોરેનમા છોકરીઓ સપ્લાય કરે છે એ લોકો હ્યુમન ટ્રેફિકીગના ધંધામાં છે જે માણસ અંદર આવ્યો એ અનુભવી હતો જોકે એને આપણને ડરાવવા જે એના ધંધા વિશે માહિતી આપી એ એની ભૂલ હતી એ છતાં પણ મને લાગે છે કે એ કોઈ ટ્રેઈન્ડ વ્યક્તિ હતો. પોલીસ કે આર્મીનો માણસ. પોલીસ એમાં ભળેલી ન હોય તો હ્યુમન ટ્રેફીકિંગ અશક્ય છે.”
“હોમમીનીસ્ટર એમની સાથે મેળેલ હોઈ શકે..” શ્યામે પૂછ્યું.
“ના, જો મીનીસ્ટર એમની સાથે ભળેલ હોય તો એમની ફાઈલ ચોરી કરવાની કોઈ જરૂર જ ન રહે અને એમનું લેપટોપ ક્યારેય હેક થયું જ ન હોત.”
“પણ એમાં ગુજરાત અને ગોવા ક્યાં ફીટ થાય છે..?”
“ગોવામા દરેક માણસ અમીર છે. કામ-સે-કમ ત્યાં ફરવા જનાર દરેક માણસ અમીર હોય છે. ત્યાં જનારા મોટા ભાગના અમીર માણસો, નેતા, અફસર ઐયાશી કરવા જ જતા હોય છે. આ લોકો કદાચ અહીંથી ગોવા છોકરીઓ સપ્લાય કરતા હશે.”
“અને ગુજરાત..?”
“છોકરીઓ વિદેશ મોકલવા માટે હવે મુંબઈ સલામત નથી રહ્યું માટે ગુજરાતના દરિયા કિનારાથી એ કામ ઔધોગિક માલ સાથે હેરફેર કરવું વધુ સલામત છે પણ ચંડીગઢ હજુ એમાં ક્યાંય બંધબેસતું નથી આવતું..” હવે મુંજાવાનો વારો ચાર્મિનો હતો.
“ચંડીગઢ ફીટ થાય છે..”
“કઈ રીતે..?” ચાર્મિએ એની સામે આશાભરી નજરે જોયું.
“ચંડીગઢથી નેપાળ બોર્ડર એકદમ નજીક છે..”
“સમજ ગઈ. તુમ ટ્યુટર ગલત બન ગયે. તુમે તો મેરે સાથ હોના ચાહિયે થા.” ચાર્મિ એની સમજશક્તિ જોઇને હસી. કદાચ એને લાગ્યું હશે કે ભાગવામાં આ માણસ જરૂર કામ આવશે.
“ચંડીગઢથી દિલ્હી પંજાબ કાશ્મીર અને નેપાળ જેવા સ્થળોએ આસાનીથી જઈ શકાય છે. ચંડીગઢ એક એવું સ્થળ છે જે નેપાળની નજીક છે પણ એટલું નજીક નહિ કે સીમાની સિક્યુરીટીનું ધ્યાન એમાં ચાલતી કોઈ પ્રવૃત્તિ પર જઈ શકે.” શ્યામ હવે જાસુસી વાર્તાના કોઈ પાત્ર જેમ બોલવા લાગ્યો હતો.
“હવે મને બધું સમજાઈ રહ્યું છે.” ચાર્મિએ ઉત્સાહથી કહ્યું.
“એ લોકો નેપાળી યુવતીઓના બીઝનેશમાં છે એ તો સમજાયું... તું જાસુસ છે એટલે તને કિડનેપ કરી એ પણ સમજાય એમ છે પણ હું કેમ..? મને કેમ કેદ રાખ્યો છે એ હજુ સમજાઈ નથી રહ્યું..?”
“તારું ગુજરાતના હોવું અને અર્ચના સાથે જોડાયેલા હોવું એ બે જ કારણો દેખાઈ રહ્યા છે.”
“કદાચ એમ જ હશે.. હવે પ્લાન શું છે?”
“સાંભળ...”
ચાર્મિના શબ્દો કોઈ સાંભળી ન લે એ માટે શ્યામ થોડો ચાર્મિ નજીક ખસ્યો.
“એ ખડતલ માણસે કહ્યું હતું કે દરવાજો બંધ થતા જ કરંટ ચાલુ થઇ જાય છે માટે આપણે એ સમયે જ ભાગવું પડશે જયારે દરવાજો ખુલ્લો હોય..”
“એટલે કે બલબીર રૂમમાં હોય એ સમયે..?”
“હા, હવે આ સ્લાઇડીંગ દરવાજો મેન્યુઅલી બહાર કોઈ સ્વીચથી ખૂલતો અને બંધ થતો હશે. કદાચ રિમોટ સીસ્ટમથી પણ કામ કરતો હોઈ શકે! જોકે એટલી આધુનિક ટેકનીક હોય એવું આ દરવાજો જોતા લાગતું નથી છતાં આપણે કોઈ રિસ્ક ન લઇ શકીએ. જો વધારે સેફટી મેજર હશે તો દરવાજો ઓટોમેટીક ટાઈમ સીસ્ટમથી પણ કામ કરતો હોઈ શકે..”
“તો કઈ રીતે નીકળીશું..?” દરવાજા તરફ એક અછડતી નજર કરી શ્યામ ધીમા અવાજે ઉત્સાહથી બોલી ઉઠ્યો.
“તુ દરવાજાની ગ્રીલ પર પગ મૂકી દેજે એટલે સેન્સર કામ ન કરી શકે. સેન્સર કામ નહી કરી શકે તો દરવાજો ઓટોમેટીક બંધ નહિ થાય.”
“એ કામ ખાસ મુશ્કેલ નથી.” શ્યામને એ કામ સરળ લાગી રહ્યું હતું કેમકે એને અનુભવ નહોતો.
“કામ સરળ નથી. દરવાજા પર પગ મૂકી ઉભા રહેવામાં પણ એક જોખમ છે. પૂરું ધ્યાન રાખવાનું છે. જો તારા શરીરનો કોઈ પણ ભાગ દરવાજાની બહાર દેખાતો હશે તો બહારથી કૂતરાઓ આવીને તને ફાડી ખાશે અને આપણા આખા પ્લાન પર પાણી ફરી વળશે.”
કૂતરાઓનું નામ સાંભળી શ્યામ ધ્રુજી ઉઠ્યો. ખબર નહી કેમ એના મનમાં કુતરાઓનો ડર જરા વધુ પડતો હતો.
“જયારે બલબીર અંદર આવે આપણે એના પર ઓચિંતો હુમલો કરવો પડશે, આપણે એને એ રીતે સરપ્રાઈઝ આપવી પડશે કે એને ગન વાપરવાનો કે નીકાળવાનો સમય ન મળે કેમકે જો એ ગન નીકાળવામાં સફળ થયો તો આપણને વીંધી નાખશે અને કદાચ આપણે એની ગોળીથી બચી ગયા તો પણ બહાર એના સાથીઓ સાવધાન થઇ જશે અને આપણે બહાર નીકળીએ એ પહેલા તેઓ ઘેરી લેશે. એ સ્થિતિમાં પણ પ્લાન ચોપટ થઇ જશે.”
“તો આ કામ કઈ રીતે પાર પાડીશું?” શ્યામે પૂછ્યું.
“એ વ્યક્તિને ચીસ પાડવાનો પણ મોકો ન મળે એ રીતે એને નોક આઉટ કરવો પડશે.”
“મારે શું કરવાનું છે?” શ્યામના અવાજમાં ડર અને ચિંતાના ભાવ ભળેલા હતા.
“બસ તારે એના પર હુમલો કરવા માટે ઉભા થવાનો ખોટો દેખાવ કરવાનો છે. જેવો તું ઉભો થઈશ કે તરત જ એ પોતાની ગન નીકળવાનો પ્રયાસ કરશે એ સમય દરમિયાન એનું પૂરું ધ્યાન તારા અને એની ગન પર હશે હું એને એકાએક હુમલો કરી એને ચોકાવી નાખીશ અને એને ચીસ પાડવાનો પણ મોકો નહી આપું.”
“આર યુ સ્યોર યુ કેન ડુ ઈટ?” શ્યામને વિશ્વાસ થતો નહોતો કે એ પાતળી સુકલકડી એ પહેલવાન જેવા ખડતલ માણસને બેભાન કરી શકશે.
“આઈ એમ સ્યોર અને કદાચ એ બેભાન ન થાય તો તારે એ જ ક્ષણે એના મો પર તારો હાથ દાબી દેવાનો છે જે ક્ષણે હું એના પર હુમલો કરું.” ચાર્મિએ સુચના આપી.
“એની ગન?”
“મને ખાતરી છે કે હું એને ગન નીકળવાનો મોકો તો નહિ આપું.”
“અને બહારના શિકારી કૂતરા?” શ્યામ ડર સાથે બોલ્યો.
“મેં અહી આવ્યા પછી એકવાર પણ કૂતરાઓને ભસતા સાંભળ્યા નથી એનો અર્થ એ છે કા’તો અહી કોઈ કૂતરા છે જ નહિ એ લોકો આપણે ભાગવાનો પ્રયાસ ન કરીએ એ માટે આપણને ડરાવી રહ્યા છે અથવા જો અહી કૂતરા છે તો એ વેલ ટ્રેન્ડ છે અને ક્યારેય ભસતા નથી.”
“જો બીજો ઓપ્સન સાચો હશે તો?”
“તો પણ કોઈ ડર નથી કેમકે જો કુતરા વેલ ટ્રેન્ડ હશે તો અંદર કોઈ અવાજ ન થાય ત્યાં સુધી એ બહાર જ રહેશે અંદર નહિ આવે અને આપણે એ માણસને ચીસ પાડવાનો કે ગોળી છોડી અવાજ કરવાનો મોકો તો આમ પણ આપી શકીએ એમ જ નથી. જો એવું થયું તો ભલે કુતરા નહિ હોય તો પણ આપણે માર્યા જઈશું.”
“કૂતરા અંદર નહિ આવે પણ આપણે બહાર તો જવું પડશે ને?” શ્યામે પૂછ્યું અને પોતાના પ્રશ્નનો જવાબ પણ એ પોતે જ બોલી ગયો, “હા, પણ એ પછી આપણી પાસે ગન હશે માટે તું કૂતરાઓને શૂટ કરી શકીશ..”
“ના, હું એમ નહિ કરી શકું. હું બની શકે ત્યાં સુધી ગોળી ચલાવવા નથી માંગતી.”
“કેમ?”
“કેમકે આપણી પાસે એક જ ગન હશે અને એમાં મેક્સીમમ છ ગોળીઓ. જો બે ગોળીઓ કૂતરાઓ પર નિશાન ચુક્યા વિના વાપરીએ તો પણ બાકી બચે ચાર અને માત્ર ચાર ગોળીઓને સહારે એક ગન ફાઈટ વહોરી લેવી મને યોગ્ય નથી લાગતું.”
“તો શું કરીશું?”
“કૂતરાઓને ગન વિના જ હેન્ડલ કરવા પડશે.”
“પણ કઈ રીતે?”
“આપણે કઈક વિચારવું પડશે કેમકે જો કુતરાઓ પર ગનનો ઉપયોગ કરીશું તો બધા સાવધ થઇ જશે અને અહીંથી નીકળવું અશક્ય બની જશે. આપણે અહી જે લોકો છે એમને અંધારામાં રાખીને જ છેતરવા પડશે.”
“એ કઈ રીતે?”
“આજે રાત્રે પાર્ટી છે માટે એ બધા કોઈ એક કમરામાં જ હશે. આપણે એ કમરાને બહારથી લોક કરી દેવો પડશે.”
“પણ એ કયા કમરામાં હશે એ કઈ રીતે ખબર પાડીશું?”
“એ લોકો જે કમરામાં હશે એ કમરાની લાઈટો ચાલુ હશે અને એ લોકો નશામાં હશે તો ચોક્કસ શોર પણ કરતા હશે.”
“એ છતાં દરવાજો લોક કરવા જવું રિસ્કી નથી?”
“ગન ફાઈટ થાય એના કરતા ઓછું રિસ્કી છે. આપણી પાસે માત્ર એક ગન અને છ ગોળી હોય અને દુશમન પાસે કદાચ મીની મશીન ગન હોય તો પણ નવાઈ ન કહેવાય કેમકે એ સ્કીન ટ્રેડના ધંધામાં છે. આ સંજોગોમાં ગન ફાઈટ કરવા કરતા વધુ જોખમી કશું જ ન હોઈ શકે.” ચાર્મિએ સમજાવ્યું.
“પણ એમને દરવાજો તોડી કે બારી તોડી બહાર આવતા ખાસ સમય નહિ લાગે.” શ્યામે શક્યતા નોધાવી.
“હા પણ એટલા સમયમાં આપણે ખુલ્લામાં પહોચી ગયા હોઈશું એટલે ખાસ જોખમ નહી રહે. જયારે મને કિડનેપ કરી હું બેધ્યાન હતી નહિતર ખુલ્લામાં ક્યારેય મારું નિશાન ચૂકતું નથી.”
“ભગવાનને મારી પ્રાથના સાંભળી એટલે તું કિડનેપ થઇ છો.”
“વોટ?”
“હા, તું કિડનેપ ન થઇ હોત તો હું ક્યારેય અહીંથી જીવતો બહાર ન નીકળી શકોત. કહે છે ને ભગવાન કોઈને કોઈ રૂપમાં આવીને મદદ કરે છે. તું મારા માટે એનું જ એક રૂપ છો.”
“યાર, મેં ભગવાન નહિ હું.” ચાર્મિ હસી.
“તો ભગવાન કા ભેજા હુવા ફરિસ્તા..?” એણે કહ્યું.
“મીસ્ટર, મેં લડકી હું.”
“ફરીસ્તે કા હિન્દી ફેમીનાઈન કયા હોતા મુજે પતા નહિ હે. સોરી. ગુજરાતી કે નીયમ સે ફરીસ્તી..” એણે કહ્યું અને બંને હસી પડ્યા.
“ઠીક હે. હવે બધું સમજાઈ ગયું..?”
“બધું નહિ કૂતરા બાકી છે.”
“કેમ કૂતરાઓનો ડર લાગે છે?” ચાર્મિએ મજાક કરતી હોય એમ કહ્યું.
“પ્રીતુ પાસે લેબ્રા હતો એટલે મને ખબર છે એ પ્રકારનો એક કુતરો પાંચ માણસો પર પણ ભારી પડી શકે છે. એનો હાથોહાથ મુકાબલો કરવો અશક્ય છે. અને એ માણસે કહ્યું કે બહાર એક પીટબુલ પણ છે..”
“તો?”
“ખબર છે અમેરિકામાં પીટબુલ વિશે શું કહે છે..?”
ચાર્મિએ નકારમા માથું હલાવ્યું.
“અમેરિકામાં એમ કહેવાય છે કે પીટબુલને એના માલિક અથવા બંદુકની ગોળી સિવાય કોઈ શાંત કરીં શકતું નથી.” શ્યામ ગભરાયેલો લાગતો હતો.
“તને લેબ્રા અને પીટબુલ વિશે ખાસ્સું જ્ઞાન છે. યાદ કર કોઈ એવી બાબત જે આપણને કુતરાઓ સામે લડવામાં મદદ કરી શકે..”
ક્રમશ: