Wiper of tears in Gujarati Short Stories by Parth Prajapati books and stories PDF | આંસુનો લૂછનાર

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

Categories
Share

આંસુનો લૂછનાર

આંસુનો લૂછનાર

અમદાવાદમાં ઓચિંતું કામથી જવાનું હોઈ વિજયે જેવો પોતાની ફોર્ચ્યુનર ગાડીનો સેલ માર્યો કે તરત જ ગાડી ચાલું થવાને બદલે રીસાઈ ગયેલી પ્રેમિકાની માફક ઘરરર ઘરરર કરીને શાંત થઈ ગઈ. વિજયની આ લાડકવાઈ ગાડી આજે તેનો સાથ આપવા માગતી ન હતી. આખરે સમયની પાબંદીને ધ્યાનમાં રાખીને વિજયે બસમાં મુસાફરી કરવાનું નક્કી કર્યું. ગામની ભાગોળે જેવી બસ આવીને ઊભી રહી કે એ તરત જ બસમાં બેસી ગયો. તેની બાજુમાં એક મેલાંઘેલાં જૂનાં કપડાં અને બરછટ વાળવાળો એક વૃદ્ધ માણસ બારીની બહાર તાકીને જોઈ રહ્યો હતો. તેને જોતાં લાગતું કે તે આ ગામનો કોઈ પરિચિત હોવો જોઈએ. આ ગામ સાથે એને કોઈ વર્ષો જૂનો નાતો હોવો જોઈએ. વિજયે થોડું ધ્યાનથી જોયું તો આંખોમાં ચમકારો થયો અને હૃદય બોલી ઊઠ્યું કે આ તો તારા બાળપણનાં મિત્ર રાહુલના પપ્પા પસાકાકા છે!

રાહુલ અને વિજય બંને બાળપણનાં લંગોટીયા દોસ્તારો, સાથે રમે અને સાથે જ જમે. ગામનાં સૌથી ધનવાન વ્યક્તિનો પુત્ર હોવા છતાં વિજયનો મોટા ભાગનો સમય રાહુલનાં ઘરે જ વીતતો. પસાકાકા પણ બંનેને સરખો પ્રેમ આપતા. તેમણે વિજયને ક્યારેય પારકો ગણ્યો જ ન હતો. સમયનાં વહેણની સાથે વિજય વધારે સારું ભણતર મેળવવા ગામથી દૂર શહેર જઈને વસ્યો અને રાહુલ અને પસાકાકા ગામમાં જ રહી ગયાં. વિજયે શહેરમાં જ પોતાનો મોટો ધંધો શરૂ કરી નાખ્યો અને પરીવાર સાથે અમદાવાદમાં જ રહેવા લાગ્યો. આજે વર્ષો પછી તે તેનાં ગામમાં તેના મિત્ર અને પસાકાકાને જ મળવા આવ્યો હતો. પરંતુ પસાકાકાના ઘરે આજે બીજા કોઈનું બાળક રમતું મળ્યું. તપાસ કરતાં ખબર પડી કે પસાકાકા તો ઘર અને જમીન બધું વેચીને ક્યાંક જતાં રહ્યાં છે. એટલે આજે મૂરઝાયેલા મોઢે એ પાછો ફર્યો હતો. પણ નસીબનો ખેલ જુઓ કે આજે પસાકાકા એને બસમાં જ મળી ગયાં.

તેને પસાકાકાને પોતાની ઓળખાણ આપી. પસાકાકા પહેલાં તો ન ઓળખ્યાં પણ જ્યારે અતીતની સ્મૃતિઓને ઝંઝોળીને જોયું તો તરત યાદ આવ્યું કે આતો મારો લાડલો વિજય છે. પસાકાકાની આંખે ઝળઝળિયાં આવી ગયા. તે અચાનક વિજયને ભેટી પડ્યાં અને ભાવવિભોર થઈ ગયા. તેઓ જાણે તેમના રાહુલને ભેટી રહ્યાં હોય એમ સમય જાણે એક પળ માટે અટકી ગયો હતો. વિજયની આંખો પણ ભીની થઈ ગઈ. વિજયે પૂછ્યું કે, ‘ રાહુલ ક્યાં છે? અને તમે કેમ આવી હાલતમાં? ’ શું થયું તમારી સાથે? ’ પસાકાકાએ કહ્યું કે, ‘ રાહુલ તો અમેરીકાની મોટી કંપનીમાં નોકરી કરે છે. એને તો અહીંયા આવવાનો પણ સમય નથી. આતો એને વિદેશ મોકલવાનો હતો એટલે મે મારી જમીન અને ઘર બધું વેચી દીધું અને હાલ અમદાવાદની એક કંપનીમાં નોકરી કરું છું.’ વિજય વિશ્વાસ ન હતો કરી શક્તો કે જેનો દીકરો અમેરીકામાં મોટી કંપનીમાં નોકરી કરતો હોય એના બાપને અમદાવાદમાં આટલી ઉંમરે નોકરી કરવાની શી જરૂર? પણ એને આવા બધાં સવાલો પૂછવા ઠીક ના લાગ્યાં. એને બસ આનંદ હતો કે એનો મિત્ર અત્યારે અમેરીકામાં કોઈ મોટી કંપનીમાં છે. પસાકાકાની હાલત હજુ પણ વિજયની સમજમાં આવતી ન હતી. એને એમ લાગ્યું કે એકલા રહેવાને લીધે તેઓ કદાચ પોતાના પર ધ્યાન નહી આપી શક્તાં હોય. એટલે આમ અસ્તવ્યસ્ત રહેતાં હશે.

વાતવાતમાં અમદાવાદનું ગીતામંદિર બસ સ્ટેન્ડ આવી ગયું અને વિજય જેવો પસાકાકાને પગે લાગવા નીચે નમ્યો કે જોયું કે તેમનો એક પગ પ્લાસ્ટીકનો હતો! અને બાજુમાં એક લાકડાંનો દંડો હતો. વિજયની આંખો ભરાઈ આવી, તેણે પૂછ્યું કે, ‘ કાકા! આ શું થઈ ગયું?’ કાકાએ જરાં પણ ગભરાયા વગર સ્મિત સાથે કહ્યું કે આતો કિસ્મતની દેન છે. એક દિવસ બસમાં ચઢતાં ચઢતાં આવી જ એક બસ નીચે મારો પગ આવી ગયો હતો. જિંદગી છે દીકરા, આવું તો ચાલ્યાં કરે! તું મારી ચિંતા ના કરતો.’ પછી વિજયે પસાકાકાને હાથ પકડીને નીચે ઉતાર્યાં. આજે વિજય પસાકાકાની ટેકણ લાકડી બન્યો હતો. વિજયે તેમને પોતાની ગાડીમાં એમની કંપની સુધી મૂકી આવવાનું કહ્યું પણ પસાકાકાએ એમ કરવાની ના પાડી. છેલ્લે પોતાના ધ્રુજતાં હાથ વિજયના માથા પર ફેરવીને પસાકાકા ક્યાંક આગળ નીકળી ગયાં. પસાકાકાનો એ પ્રેમાળ સ્પર્શ વિજયને અંદરથી ધ્રુજાવી ગયો હતો.

સાંજના ૫ વાગ્યે વિજય પોતે અંગત કામથી અને પોતાની ગાડી લેવા ગામડે જવા ગીતામંદિર બસ સ્ટેન્ડ આવી પહોંચ્યો. તે બસની રાહ જોઈને બાંકડે બેઠો હતો અને મોબાઇલમાં વ્યસ્ત હતો એવામાં ભીખ માગતો એક હાથ એની તરફ લંબાયો. એણે માથું ઊંચું કર્યું તો જોયું કે આ તો પસાકાકા છે. પસાકાકા પણ વિજયને જોઈને હચમચી ગયા. બંનેની હાલત કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ! જે પસાકાકાને એ સવારે બસ સ્ટેન્ડે છોડીને ગયો હતો એ પસાકાકા સવારથી સાંજ સુધી અહીં ગીતામંદિર બસ સ્ટેન્ડે ભીખ માગી માગીને પોતાનું પેટિયું રળતાં હતાં. જે પસાકાકાના ઘરેથી કોઈ ખાલી હાથે પાછું જતું ન હતું એ પસાકાકા આજે ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ વાતે વિજયને અંદરથી હચમચાવી દીધો હતો.

વિજયે પોતાની તરફ લંબાયેલો એ તરત જ હાથ પકડી લીધો અને પસાકાકાને પોતાની પાસે બેસાડીને સઘળી હકીકત જણાવવા કહ્યું. પસાકાકાએ કમને કહ્યું કે, ‘રાહુલને વિદેશ મોકલવા પોતાની બધી જમીન, ઘર અને જીવનભરની મૂડી ખર્ચી નાખી. રાહુલ વિદેશ તો ગયો પણ પાછો ક્યારેય ના આવ્યો. શરૂઆતમાં એને થોડાં પૈસા મોકલ્યાં પણ પછી તો એ પણ બંધ કરી દીધાં. હવે તો એણે એનો ફોન નંબર પણ બદલી નાખ્યો છે. બધું વેચાઈ ગયાં પછી હું નોકરીની તલાશમાં આમ તેમ ભટકતો રહેતો અને એક દિવસ આવી જ દોડધામમાં બસ નીચે મારો એક પગ આવી ગયો અને હુ અપંગ થઈ ગયો. હવે આ અભાગિયાને કોણ નોકરીએ રાખે! જુવાનીમાં ખુમારીભેર જીવતો તારો આ પસોકાકો આજે કોઈની સામે હાથ લાંબો કરતાં પહેલાં હર ઘડીએ હજાર વાર મરે છે. રોજ પોતાનાં આત્મસન્માનનું ખૂન થાય પછી ભીખ માગવા માટે હાથ લાંબો થાય છે. એમ કહેતાં કહેતાં પસાકાકાના ગળે ડૂમો ભરાઈ આવ્યો.’ બસ, કાકા હવે કાંઈ કહેવાની જરૂર નથી. એમ કહીને વિજયે પસાકાકાને અટકાવ્યાં. ‘તમે ચાલો મારી સાથે, મારા ઘરે.’ ના બેટા, એમ કોઈના પર બોજ ના બનાય. વિજય જાણતો હતો કે પસાકાકા એમ નહિ માને, એટલે એણે વાત બનાવીને કહ્યું, ‘અરે! હું ક્યાં તમને બોજ બનવાનું કહું છું? મારી કંપનીમાં કામ કરતાં લોકોની હાજરી પૂરવા માટે મારે તમારા જેવા જ એક માણસની જરૂર છે. તમારે બસ ટેબલ પર બેઠાં બેઠાં વર્કર્સની હાજરી જ પૂરવાની છે. એના માટે તમને પગાર પણ મળશે અને રહેવા માટે ક્વાર્ટર્સ પણ.’ વિજયની વાત સાંભળતાં જ પસાકાકાના હોઠો પર વર્ષોથી પડેલાં સ્મિતનાં દુકાળ પર ખુશીનો વરસાદ વરસવા લાગ્યો. વિજયને તેની અનુભૂતિ પસાકાકાની આંખોથી થઈ રહી હતી.
લેખક: પાર્થ પ્રજાપતિ
(વિચારોનું વિશ્લેષણ)

લેખકનો બ્લોગ:- https://www.parthprajapati.com/?m=0