Andhari Raatna Ochhaya - 39 in Gujarati Detective stories by Nayana Viradiya books and stories PDF | અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૯)

Featured Books
Categories
Share

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૯)

ગતાંકથી..

લાઇબ્રેરી ના રૂમમાં બેસી ડેન્સી કામ કરી રહી હતી. તે રૂમના એક ખૂણામાં એક મોટો કબાટ હતો. કબાટ ઘણા દિવસનો અવાવરું પડ્યો હતો .એક દિવસ કંઈ એક કામ માટે તે લાઈબ્રેરીના રૂમમાંથી બહાર ગઈ .એકાદ મિનિટમાં પાછી આવી જુએ છે તો તેના બોસ એ કબાટ પાસે ઉભા ઉભા શરીર પરની ધૂળ ખંખેરે છે. તેને જોઈ તે એકદમ કબાટ તરફ ફર્યો અને તેને ધ્યાનપૂર્વક તપાસવા લાગ્યો ડેન્સી એકદમ અવાક્ બની ઊભી રહી .એક મિનિટમાં તેના બોસ કઈ રીતે આ ઓરડામાં આવી પહોંચ્યા હશે?

ત્યારથી એ કબાટને ઝીણવટપૂર્વક તપાસવા ડેન્સી નું મન ઉત્સુક બની ગયું. આટલા દિવસ તેને તેમ કરવાની તક મળી નહોતી આજે તેણે મળેલી તકનો લાભ લેવાનો વિચાર કર્યો તે દિવસે રાત્રે પોતાના રૂમ બહાર નીકળી એક નાની ટોર્ચ લઈ તે ધીમે પગલે લાઇબ્રેરીના રૂમમાં આવી.

હવે આગળ...

નોકરો પોત પોતાના રૂમમાં હતા .આદિત્યનાથ વેંગડું તબિયત નાદુરસ્ત હોવાને લીધે પોતાના બેડરૂમમાં હતા. આજે આખો દિવસ તેઓ બહાર નીકળ્યા નહોતા .આખા જ મકાનમાં એકદમ ભેંકાર નીરવ નિસ્તબ્ધતા છવાય રહી હતી.
હાથમાં ટોર્ચ લઈ તે એકદમ ચુપકીદી થી ડગલા ભરતી લાયબ્રેરીના રૂમમાં આવી. ભય અને ઉશ્કેરાટથી તેનું હૈયુ ધબકતું હતું. પેલું આલીસાન કબાટ યુગોયુગોના પહેરેગીરની માફક સ્થિર બની ઉભું હતું. ડેન્સી ધબકતી હ્દયે એ ત્યાં આવી ઉભી.
કબાટને અહીં રાખવાનો હેતુ શો હશે? આવી સુંદર ચીજને ઉપયોગમાં શા માટે લેતા નહીં હોય આવા વિચારો કરતા તેને કબાટનું હેન્ડલ પકડ્યું અને તેને ખોલવાનો પ્રયત્ન કરવા લાગી. કબાટને ચાવીથી બંધ કરેલો નહોતો. તેમણે હેન્ડલ ફેરવ્યું કે તરત જ એ આલિશાન કબાટના બારણા ખુલ્યા.
અંદર કંઈ જ નહોતું એકાદ ટાંકણી જેવડી ચીજ પણ નહોતી. ફક્ત ઉપરના ભાગે એક ચમકતી વસ્તુ તેની ટોર્ચના પ્રકાશમાં નજરે પડી. એ શું હશે?
ડેન્સીએ ધીમેથી તેના પર હાથ મૂક્યો પરંતુ તે વસ્તુ લાકડા સાથે જોડાયેલી હોય તેમ લાગ્યું.
એકદમ ઝીણવાટપૂર્વક જોવા માટે તે તેને આમ તેમ હલાવવા લાગી અચાનક તેને એવું લાગ્યું કે તે એકાદ સ્પ્રિંગ કે કંઈક બટન છે ને આ વાત યાદ આવતા તેણે જોરથી તેને પ્રેસ કર્યું.
અને તે સાથે તેની નજર સમક્ષ એક આશ્ચર્યજનક ઘટના બની તેની આંખો ફાટી ને ફાટી રહી ગઈ. કબાટનું નીચલું તળિયું ધીમે ધીમે દિવાલમાં જવા લાગ્યું અને નીચે એક મોટી સુરંગ પોતાનું સ્વરૂપ પ્રગટ કરતી ખડી થઈ ગઈ.

ઘડી ભર તો તે અવાક્ બની ઉભી રહી. કાંપતા હાથે ડેન્સીએ ગુફામાં ટોર્ચ નો પ્રકાશ ફેંક્યો તેને લાગ્યું કે અંદર ઊતરવા માટે નિસરણી મૂકેલી છે આ બધું જોઈ તે એકદમ દિગ્મૂઢ બની ગઈ આ અંધારી સુરંગ કોણ જાણે ક્યાં સુધી જતી હશે!
થોડીવાર વિચાર કર્યા પછી તેણે એ નિસરણીથી અંદર ઊતરવાનો નિશ્ચય કર્યો. આટલા સુધી શોધ કરી તો પછી ભાગ્યમાં હશે તે થશે પણ આગળ તો વધવું જ એવો તેણે નિશ્ચય કર્યો. લાઇબ્રેરીનું બારણું અંદરથી બંધ કરી કપડાં સંકોડતી તે અંદર ઉતરી.
સીડી સાંકડી ને એકદમ કરાર હતી. ચોમેર ભેજવાળી હો
હવાની ગંધ આવતી હતી. સામેનો લાંબો રસ્તો અંધકારથી બિહામણો લાગતો હતો.ડેન્સીના શરીર પર રૂવાંડા એકાએક ખડા થઈ ગયા.
અચાનક જ તેને કાન સરવા કરીને સાંભળ્યું કે ગુફાની પેલી બાજુથી ધીમી વાતચીત થતી હોય તેવું લાગે છે !કોઈ ઉશ્કેરાયેલી સ્થિતિમાં કંઈક બોલી રહ્યું છે. એકવાર તેને લાગ્યું કે આ વાતચીત ઉપરથી સંભળાય છે. પરંતુ જરા વધારે વિચાર કરતા લાગ્યું કે શબ્દો બહુ દૂરથી આવતા લાગે છે .એ વાતચીત કોણ કરે છે ડેન્સી ધીમા પગલા ભરતી આગળ ચાલી.

આ વખતે જો કોઈ તેની સાથે હોત તો ડેન્સી પોતાને અસહાય માનત નહીં. અચાનક જ તેને દિવાકર યાદ આવ્યો
કેવો ભલો માણસ! જેટલો વિવેકી તેટલો સાહસિક અને બુદ્ધિમાન !જો આજે તે સાથે હોત તો ડેન્સી નિશ્ચિંત બની આ બધું તપાસી જોતા.
તેમને સંભળાતા અવાજ ધીમે ધીમે બંધ પડી ગયા. અલૌકિક નિરવતા હવે તેને મૂંઝવવા લાગી તો પણ ટોર્ચના અજવાળાને આધારે ડેન્સી ધીરે ધીરે રસ્તાને છેડે આવી પહોંચી.
છેડા ઉપર જવા માટે સીડીનાં પગથીયાં હોય એવું તેમને લાગ્યું .ધીમે ધીમે તે તેના પર ચડવા લાગી. સીડી પૂરી થાય ત્યાં એક મોટું મજબૂત બારણું હતું .તેનું કડું પકડી ખેંચતા તે ખુલી ગયું ને ડેન્સીની નજરે એક અસાધારણ સાઈઝ નો મોટો રૂમ દેખાયો.
રૂમમાં તપાસ માટે તેને ટોર્ચ ને આમતેમ ફેરવવા લાગી. પરંતુ રૂમ ખૂબ જ અવાવરું લાગતો હતો. આ રૂમમાં બારી કે વેન્ટિલેશન નું નામ નિશાન ન હતું .એક ખૂણામાં બારણું હોય એવી નિશાનીઓ હતી પણ તે અત્યારે બંધ કરી દેવામાં આવ્યું હોય એમ લાગતું હતું. ઠેર ઠેર કરોળિયાના જાળા બાજ્યા હતા.
ઝીણવટપૂર્વક જોતા ડેન્સીને લાગ્યું કે પોતે જે રૂમમાં આવી પહોંચી છે તે વાસ્તવિક રીતે એક મંદિર છે. મંદિરમાંની મૂર્તિ કોણ જાણે ક્યાં અદ્રશ્ય થઈ ગઈ છે. અત્યારે કોઈની દેખરેખ વગર મકાનની આ સ્થિતિ થઈ છે.
આ મંદિરના સંબંધમાં આ મકાનના નોકરો ઘણી દંતકથાઓ અને વાર્તાઓ ઉપજાવીને કહેતા હતા. આ મંદિરમાં ભૂતનો વાસ છે .દર અમાસે ભૂત ના અવાજ મકાનમાં સર્વત્ર સંભળાય છે.
ડેન્સી ભૂત પ્રેતને માનતી નહોતી છતાં આ જુના મંદિરમાં ઊભાં ઊભાં તેના શરીર પર ની રુવાંટી ઉભી થવા લાગી. તેને લાગ્યું કે તેની આસપાસ ઘણા માણસો હાલચાલ કરે છે તેના કંપતા શરીરે પરસેવો છૂટવા લાગ્યો. અને તે ઝડપથી અહીંથી બહાર નીકળી ગઈ.
થોડી દૂર ગયા પછી તેને લાગ્યું કે પોતે રસ્તો ભૂલી છે .
.જે રસ્તે તે આ મંદિરમાં આવી હતી તે રસ્તો આ નથી ટોર્ચના પ્રકાશમાં તેણે જોયું કે આ રસ્તો પહેલાના રસ્તા કરતા સારો ને પહોળો છે પરંતુ આ રસ્તો ક્યાં જતો હશે?
ભયથી ડેન્સીનું હૃદય ધબકવા લાગ્યું તે થોડીવાર તો શું કરવું તે જ વિચારી શકતી નહોતી. તે એમ જ‌ કોઈ પૂતળાની માફક અવાક્ બની ઊભી રહી.

આ શું ! નજીક જ કોઈની વાત જ સંભળાવા લાગી. ડેન્સીને લાગ્યું કે અવાજ પરિચિત છે .આ નિર્જન સ્થળે કોણ કોની સાથે વાત કરતો હશે? તેણે સાંભળ્યું કે કોઈ કહી રહ્યું છે : " હજુ કહું છું આદિત્ય, મારી વાત માન .હવે વધારે જીદ કરીશ તો સાહેબ તારા ટુકડે ટુકડા કરી નાખશે .તુ સમજતો નથી કે તારો અહીંથી છુટકારો થાય તેમ નથી. તારે કહેવું જ પડશે ;સમજ્યો, કહેવું જ પડશે."
શબ્દો પુરા થતા જ સાંભળનાર માણસ ચીસ પાડી ઉઠ્યો તેણે કંઈ પણ જવાબ આપ્યો નહીં.

ફરીથી ક્રોધ ની ગર્જના સંભળાવવા લાગી : "સારું, હજુ પણ કહેવું નથી. હમણાં તને તારી આ જીદ નું શું પરિણામ આવે છે તે જો.ગમે તેટલા બરાડા પાડ પણ તેની કોઈ જ અસર થવાની નથી. સાહેબ તમે છોડવાના નથી. જાઉં છું, તારી આ જીદ તમને હમણાં જ જણાવું છું."

વાતચીત પૂરી થતાં જ બારણા ખુલ્યું ને એક માણસ બહાર આવ્યો. રૂમમાંથી પ્રકાશ બહાર પડ્યો. તે પ્રકાશમાં ડેન્સીએ એકદમ ભયભીત આંખે જોયું કે એ પેલો કપાળ પર ઘા વાળો બદમાશ અબ્દુલા જ ત્યાં આવ્યો છે.

શું હવે અબ્દુલ્લા ડેન્સીને જોઈ જશે? જાણવા માટે વાંચો આગળનો ભાગ.....