ઉર્મિલા અને મનસુખ સુરજ ઉપર પેટના જણ્યાની જેમ પ્રેમ પાથરવા લાગ્યા.સમયની ગાડી મસ્ત મજાની કિલ્લોલ કરતી દોડી રહી હતી.
રોજ સાંજ પડે ને ઉર્મિલા સૂરજની રાહ જોતી બારણે ઉભી જ હોય. સુરજના આવતા જ ત્રણે જણ સાથે બેસીને વાળુ કરતા.વાળુ કરીને થોડીક વાર અલક મલકની વાતો કરતા.અને પછી સુરજ રાજપરા ચાલ્યો જતો.આ એમનો નિત્યક્રમ બની ગયો હતો.
દર શનિવારે સૂરજ હાલોલ પોતાના ગામ ચાલ્યો જતો.અને એટલે તે શની રવિએ આવતો નહીં.એટલે આ બે દિવસ ઉર્મિલા માટે બહુ જ કપરા જતા. આ બે દિવસ જાણે એના ચેહરા પરની રંગત ઉડી જતી.અને સોમવારે સાંજે જ્યારે એ સૂરજને જોતી ત્યારે જ એના ચહેરા પર આભા દેખાતી.
એમા એક વાર એવું બન્યુ કે સૂરજ. એના બાપને મળવા શનિવારના હાલોલ ગયો.અને સોમવારે પાછો આવવો જોઈએ.પણ એ આવ્યો નહી. મંગળવાર ગયો બુધવાર પણ ગયો. સુરજની સાથોસાથ હરિનો પણ પત્તો ન હતો.મનસુખ અને ઉર્મિલા બંને ચિંતામાં પડી ગયા.શુ થયુ હશે? ઠેઠ શનિવારે. પાંચમે દિવસે હરિ એકલો જ આવ્યો. ત્યારે મનસુખે સૂરજના સમાચાર પૂછ્યા તો હરીએ ભીના સ્વરે કહ્યુ.
"શેઠ સુરજ ઉપર તો ભારે કઠણાઈ થઈ ગઈ."
" કેમ શું થયું?"
મનસુખે ઉચ્ચક જીવે પૂછ્યુ.તો હરિએ માંડીને ગળગળા અવાજે વાત કરી.
"સોમવારે સવારે અમે અહી આવવા તૈયાર થયા.ત્યા અચાનક મગનકાકા ને છાતી મા દુઃખવા લાગ્યુ.સુરજ ડોક્ટર પારેખને બોલાવી લાવ્યો.તો પારેખ સાહેબે અત્યારે ને અત્યારે એમને વડોદરા હાર્ટ હોસ્પિટલમાં લઈ જવાની ભલામણ કરી.એમણે જ એમ્બ્યુલન્સ ને ફોન કર્યો.પણ એમ્બ્યુલન્સ આવે એ પહેલા કાકા ને બીજો જોરદાર અટેક આવ્યો.અને કાકા ઘરે જ ગુજરી ગયા. ચાર દિવસ તો હું સુરજની સાથે ને સાથે જ હતો.પણ આજે મને સુરજે પરાણે મોકલ્યો કે.તુ તો જા હું આવુ ત્યા સુધી શેઠની ગાડી તુ ચલાવજે.અને આપણે ત્યાં નથી એટલે શેઠને ચિંતા પણ થતી હશે.એટલે હું આવ્યો. સુરજ એના બાપા નુ બારમું કરીને જ કામે આવશે. ત્યાં સુધી સાહેબ હું તમારો ટેમ્પો ચલાવીશ."
"કાંઈ વાંધો નહી હરિ.બિચારા સૂરજ ઉપર તો આભ તૂટી પડ્યું નહી."
"હા સાહેબ."
મનસુખે ઘરે આવીને ઉર્મિલાને સુરજ વિશે વિગતવાર વાત કરી તો ઉર્મિલાને પણ ઘણું દુઃખ થયુ.સાથો સાથ સુરજની ચિંતા પણ થઈ એ બોલી.
"આવા સમયે બીચારો સાવ એકલો પડી ગયો.એને અત્યારે ઓથની કેટલી જરૂર હશે.હુ શુ કવ છુ.આપણે એક દિવસ વહેલા જતા રહીશુ.જેથી એના બાપાની બારમાની ક્રિયાના દિવસે આપણે એને ઉપયોગી થઈ શકીએ."
"ભલે.ભલે.જેવી તારી ઈચ્છા,"
ક્રિયાના આગલા દિવસે શેઠ શેઠાણીને આવેલા જોઈ.સુરજ સ્તબ્ધ થઈ ગયો. એણે તો સપને પણ નહોતું ધાર્યું કે તેના શેઠ પોતાના જેવા એક મામૂલી ડ્રાઇવરના બાપની ક્રિયામાં હાજરી આપશે.
"શેઠ તમે?"
હાથ જોડીને એણે પૂછ્યુ.જવાબમા ઉર્મિલા બોલી.
"બેટા તુ અમારા માટે ક્યાં પારકો છે. તારા દુઃખમા સહભાગી થવુ એ અમારું કર્તવ્ય છે."
"આ તમારા હૃદયની મોટપ છે માસી."
ઉર્મિલા પહેલીજ વાર સૂરજના ઘરે આવી હતી.પણ જાણે પોતાનું જ ઘર હોય એ રીતે એણે બારમાનો બધો જ ભાર પોતાના ખંભે ઉપાડી લીધો.
બારમાની ક્રિયામાં જે કાંઈ ખર્ચ થયુ એ બધો જ ખર્ચ મનસુખે કર્યો.બારમુ પતી ગયા બાદ સૂરજ કૃતજ્ઞતા પુર્વક શેઠ શેઠાણી ના પગે લાગ્યો.અને ગદગદિત સ્વરે બોલ્યો.
"તમારું આ ઋણ હુ કેવી રીતે ફેડીસ."
મનસુખે એના વાસા પર હાથ ફેરવતા કહ્યુ.
"અમે કોઈ ઉપકાર નથી કર્યો તારા પર બેટા."
"આ તમારો ઉપકાર નથી તો શું છે? મેં ઘણા શેઠ જોયા છે.કોઈ પોતાના નોકર માટે આટલું નથી કરતા જેટલુ..."
આટલુ બોલતા બોલતા સૂરજ પોતાનું વાક્ય પૂરું ના કરી શક્યો એનુ હૈયુ ભરાઈ આવ્યુ.
સુરજના જોડાયેલા બંને હાથોને પોતાના હાથમાં હેતથી પકડતા ઉર્મિલા બોલી.
"અરે બેટા.અમે તને અમારો નોકર નહી પણ દીકરો સમજીએ છીએ.અને જો તુ આને ઉપકાર સમજતો હો.તો જ્યારે તારો સમય આવે ત્યારે તું ચૂકવી દેજે." મનસુખે ટાપસી પુરતા કહ્યુ.
સમય ધીમે ધીમે વહેવા લાગ્યો સૂરજનો વડોદરામાં એક ઈરફાન કરીને એનો જ હમઉમ્ર મિત્ર હતો.અને એનો સાઉદીમા ખાસ્સો મોટો કારોબાર હતો. ઘણા વખત પહેલા એણે સુરજ ને કહેલુ.
"અરે સુરજ ક્યાં સુધી આમ જ ડ્રાઇવિંગ કરતો રહીશ? મારી સાથે સાઉદી ચાલ તારી લાઈફ બનાવી દઈશ."
પણ ત્યારે સૂરજના પપ્પા જીવતા હતા. અને એ પોતાના પપ્પાને મૂકીને પરદેશ જવા માંગતો ન હતો.પણ હવે પપ્પા રહ્યા ન હતા.અને હવે એ સ્વતંત્ર હતો.
ઈરફાન વર્ષમાં બે ત્રણ વાર વડોદરા આવતો.આ વખતે એ જ્યારે આવ્યો. અને સુરજ ને મળ્યો તો સુરજે એને એ વાત યાદ દેવરાવી.
"તને યાદ છે ઈરફાન.કે એકવાર તે મને સાઉદી આવવા માટે કહેલુ."
" હા હા ચોક્કસ યાદ છે."
"તો હવે મારા માટે કંઈ કરને."
"એમાં કરવાનું શું છે? તું તારો પાસપોર્ટ તૈયાર કરાવી લે.અને ચાલ મારી સાથે જ."
અને એ જ દિવસે ઉર્મિલાએ મનસુખ ને ટપાર્યો.
"હું શુ કહુ છુ.સૂરજના પપ્પાનો સ્વર્ગવાસ થઈને દોઢ મહિનો થઈ ગયો. હવે એ પણ સ્વસ્થ થઈ ગયો હોય એવું લાગે છે.તો હવે આપણે એને દતક લઈ લઈએ તો?"
"હું પણ આ જ વિચાર કરતો હતો વાલી.આપણે આજે જ એની સાથે વાત કરીએ."
વધુ આવતા અંકે