Prarambh - 54 in Gujarati Classic Stories by Ashwin Rawal books and stories PDF | પ્રારંભ - 54

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

પ્રારંભ - 54

પ્રારંભ પ્રકરણ 54

રુચિએ કેતનને ડીનર પાર્ટી માટે પોતાના બંગલે બોલાવ્યો હતો અને એના માટે એણે સ્વાદિષ્ટ દાળઢોકળી બનાવી હતી.

દાળઢોકળી કેતનની પ્રિય આઈટમ હતી એટલે દિલથી એનો રસાસ્વાદ માણતો હતો. રુચિ પણ એની સાથે ને સાથે જમી રહી હતી. એણે એની મમ્મીને કેતનના આવતા પહેલાં જ જમાડી દીધી હતી.

જમ્યા પછી કેતન ઉભો થયો અને વોશબેસિન પાસે જઈને હાથ ધોઈ નાખ્યા. એ પછી નેપકીન લઈને હાથ લૂછતો લૂછતો ફરી ડાઇનિંગ ટેબલ ઉપર બેઠો.

"અરે તમે તો બહુ જ ઓછું જમ્યા !
કેટલી બધી દાળઢોકળી બનાવી છે મેં ! " રુચિ કેતન સામે જોઈને બોલી.

"મેં તો ધરાઈને જમી લીધું રુચિ. દાળઢોકળી હોય ત્યારે જરા પણ ઓછું જમતો નથી. અને દાળઢોકળી વધી એમાં તમારો વાંક નથી રુચિ. રસોઈ બનાવતી વખતે ક્યારેક અંદાજ આવતો નથી. " કેતન બોલ્યો.

"તો પછી તમે એક કામ કરો. સ્ટીલના ડોલચામાં હું દાળઢોકળી પૅક કરી આપું છું. તમે ઘરે જઈને ડીપ ફ્રીજમાં મૂકી દેજો. સવારે પણ તમે ફરી જમી શકશો. થોડી તમારાં ભાભીને પણ ચખાડજો. " રુચિ બોલી.

" અરે પણ એવું બધું કરવાની ક્યાં જરૂર છે ? તમે પોતે જ ખાઈ લેજો ને કાલે સવારે." કેતન બોલ્યો.

"મારા માટે પણ વધવાની જ છે. અમે લોકો અમેરિકામાં તો રવિવારે સાંજે જે દાળ ભાત શાક કઠોળ વગેરે રસોઈ બનાવીએ એ બધી ડીપ ફ્રીજમાં મૂકી દઈએ. ત્રણ ચાર દિવસ સુધી ચાલે. રોજ ઓવનમાં ગરમ કરીને ખાવાની. ત્યાં તો સવારે વહેલા ભાગવાનું હોય એટલે રસોઈ બનાવવાનો ટાઈમ કોને હોય ? " રુચિ બોલી.

એ પછી કેતન કંઈ બોલ્યો નહીં. રુચિએ જમી લીધા પછી દાળઢોકળી એક ડોલચામાં ભરી દીધી અને વચ્ચે પ્લાસ્ટિક મૂકી ઢાંકણું ટાઈટ બંધ કરી દીધું.

એ પછી એ બેડરૂમમાં ગઈ અને કબાટમાંથી એક ફાઈલ લઈને આવી.

"આ ફાઈલમાં મારા આ બંગલાનાં તમામ પેપર્સ છે. તમે સારો નોટરી વકીલ શોધી તમારા નામનું વેચાણખત બનાવી દો અને જે દિવસે રજીસ્ટ્રાર ઓફિસે જવાનું હોય તે દિવસે મને સહી કરવા બોલાવી લેજો. સાથે સાથે પેલા ગોરેગાંવના પ્લૉટના વેચાણખત ના દસ્તાવેજ પણ બનાવી દેજો. મારી સહીની જ્યારે જ્યારે પણ જરૂર પડે ત્યારે ફોન કરીને મારા ત્યાં આવી જજો અથવા મને બોલાવી લેજો. " રુચિ બોલી.

"ભલે. હવે હું જાઉં રુચિ. આજે જે પણ બન્યું છે એ હજુ પણ મને તો એક સ્વપ્ન જેવું જ લાગે છે. કોઈ અદ્રશ્ય શક્તિ જ આ બધું કરાવી રહી છે. તમે આજે મને બહુ જ મોટું સરપ્રાઈઝ આપ્યું છે. જે કદાચ મારી જિંદગીને બદલી નાખશે એવું લાગે છે. થેન્ક્સ ફોર એવરીથીંગ !! " કહીને રુચિ સાથે હાથ મિલાવીને કેતન બહાર નીકળી ગયો.

બહાર નીકળીને થોડેક જ દૂર શ્રી રામકૃષ્ણ મિશનમાં જવાની એની ઈચ્છા હતી પરંતુ રાતના નવ વાગી ચૂક્યા હતા એટલે મંદિર અત્યારે બંધ થઈ ગયું હોય એ વિચારે એ યુ ટર્ન લઈને એસ.વી. રોડ તરફ આગળ વધ્યો અને પાર્લા જવાનો રસ્તો પકડી લીધો.

રસ્તામાં પણ એને રુચિએ લીધેલા નિર્ણયોના જ વિચારો આવતા હતા. એ બધા વિચારોમાં એ એટલો ખોવાઈ ગયો કે આગળનું સિગ્નલ રેડ થઈ ગયું એ પણ એને ભાન ના રહ્યું અને એની આગળ બ્રેક મારીને ઉભેલી ગાડી સાથે એ ભટકાતાં ભટકાતાં રહી ગયો.

વળતી વખતે પણ સારો એવો ટ્રાફિક હતો એટલે ઘરે પહોંચતાં એક કલાક તો થઈ જ ગયો.

" ભાભી રુચિએ આજે સાંજે મને દાળઢોકળીનું ડીનર આપ્યું હતું. ધાર્યા કરતાં વધારે બની ગઈ હતી એટલે મને આ ડોલચામાં દાળઢોકળી પેક કરી આપી છે. તમે ડીપ ફ્રીઝમાં અત્યારે મૂકી દો. સવારે આપણે ખાઈ લઈશું." ઘરે પહોંચીને ડોલચું રેવતીના હાથમાં આપીને કેતન બોલ્યો.

"વાહ રુચિબેન પણ ખરાં છે ને ! તમને જમાડી તો લીધા પછી ઘરે મોકલવાની ક્યાં જરૂર હતી ! ઠીક છે. હું ડીપ ફ્રીજમાં મૂકી દઉં છું." રેવતી બોલી.

એ પછી રુચિએ આપેલી ફાઈલ લઈને કેતન પોતાના બેડરૂમમાં ગયો અને ફાઈલ કબાટમાં મૂકી. રાત્રિના સવા દસ વાગી ગયા હતા એટલે પછી કેતને સૂવાનું જ પસંદ કર્યું.

વહેલી સવારે ૪:૩૦ વાગે એની આંખ ખુલી ગઈ. હાથ પગ મ્હોં ધોઈને એ સીધો ધ્યાનમાં બેસી ગયો. આજે કોઈપણ હિસાબે સ્વામીજીનો સંપર્ક કરવો જ છે એવા દ્રઢ નિર્ધાર સાથે એ આલ્ફા લેવલમાં ઉતરી ગયો. ધીમે ધીમે ધ્યાનમાં વધુ ને વધુ ઊંડો ઉતરતો ગયો. એના અચેતન મનમાં ચેતન સ્વામીનું સતત સ્મરણ ચાલતું હતું.

આજે એની સંકલ્પ શક્તિ ફળી અને લગભગ વીસેક મિનિટના ઇન્તજાર પછી ચેતન સ્વામીનો હસતો ચહેરો દેખાયો.

"સ્વામીજી આ બધું શું થઈ રહ્યું છે ? મને કંઈ સમજાતું નથી. " કેતન બોલ્યો.

"તું શાની વાત કરી રહ્યો છે ?" ચેતન સ્વામી હસીને બોલ્યા. બંને વચ્ચે મનોમય જગતમાં સંવાદ ચાલી રહ્યા હતા.

"વાહ સ્વામીજી... આપને તો જાણે કંઈ ખબર જ નથી ! રુચિએ મારી સાથે ગઈકાલે રાત્રે જે વાતો કરી એની હું ચર્ચા કરી રહ્યો છું." કેતન બોલ્યો.

" શું વાતો કરી રુચિએ ?" સ્વામીજી બોલ્યા.

" પ્રભુ હવે મજાક છોડો. ખરેખર હું જાણવા માટે આતુર છું કે આ બધું શું ચાલી રહ્યું છે !! ગોરેગાંવનો આટલો મોટો પ્લૉટ રુચિ મને ભેટ આપે છે. એનો આટલો મોટો બંગલો પણ એ મને અડધા ભાવે આપી દે છે અને પોતે કાયમ માટે અમેરિકા ચાલી જાય છે. અને આ બધું એ તમારા કહેવાથી કરી રહી છે ! " કેતન બોલ્યો.

" ના. મારા કહેવાથી નહીં. આ આખી લીલા આપણા સમર્થ ગુરુ સ્વામી શ્રી અભેદાનંદજી મહારાજની છે. એ જ બે દિવસ પહેલાં વહેલી પરોઢે રુચિની પાસે ગયા હતા અને એની સાથે સંવાદ કર્યો હતો ! એમણે રુચિ સાથે શું વાતો કરી એ મને ખબર નથી. તારા ભાવિની અગમ્ય લીલા ગુરુજી પોતે જાણે છે. એમણે તારા માટે જે પણ નક્કી કર્યું હશે એ આપોઆપ થઈ જશે. તારા પ્રારબ્ધના ઘડવૈયા સ્વામી અભેદાનંદજી છે હું નહીં. એ મને તારા માટે કોઈ કાર્ય સોંપે તો હું એ પ્રમાણે કરું છું. બાકી નિર્ણયો તો બધા એમના જ હોય છે." ચેતન સ્વામી બોલ્યા.

" જી સ્વામીજી. પરંતુ રુચિમાં આટલું મોટું પરિવર્તન આવેલું જોઈને મને તો આશ્ચર્ય થાય છે. ગુરુજીના પ્રભાવમાં રુચિએ આટલી મોટી સ્થાવર સંપત્તિ મને એક પણ રૂપિયો લીધા વગર ભેટ ધરી દીધી એ આમ તો રુચિની સાથે થયેલો અન્યાય જ કહેવાય ને ? " કેતન બોલ્યો.

"તું શું બોલી રહ્યો છે એનું તને જરા પણ ભાન છે ? પાપ અને પૂણ્ય, ન્યાય અને અન્યાયની વ્યાખ્યા કરનારો તું કોણ ? ગુરુજી તારા અને રુચિના પૂર્વ જન્મોને પણ જાણે છે. આટલા સમર્થ દિવ્ય મહાત્મા કોઈને પણ અન્યાય થવા દે ખરા ? તું એમના વિશે આવું વિચારી જ કેવી રીતે શકે ?" ચેતન સ્વામી ગુસ્સે થઈ ગયા.

"મને માફ કરશો ગુરુજી.... મારા કહેવાનો મતલબ એવો છે જ નહીં. હું ગુરુજી સામે કોઈ સવાલ નથી ઉઠાવી રહ્યો. મારો સવાલ રુચિના સંદર્ભમાં હતો. પણ મને હવે સમજાઈ ગયું કે મારો પ્રશ્ન બાળક બુદ્ધિનો છે. જનમો જનમનાં આ બધા રહસ્યો હું જાણતો નથી એટલે મારાથી પુછાઈ ગયું. મને ક્ષમા કરી દો ગુરુજી." કેતન છોભીલો પડી ગયો.

" તારો અને રુચિનો પાછલા જન્મનો પણ સંબંધ છે. ઋણાનુબંધ વગર બે આત્મા ક્યારેય પણ ભેગા થતા નથી. અને સમય પાક્યા વગર જગતમાં કોઈ ઘટના બનતી પણ નથી. તારો અને રુચિનો મળવાનો સમય આવી ગયો એટલે મહાન ગુરુજીએ તને મુંબઈ મોકલ્યો અને શિવસાગરમાં રુચિ સાથે તારે મુલાકાત ગોઠવી. આ બધો ગુરુજીનો પ્લાન તારા મગજમાં નહીં બેસે. " ચેતન સ્વામી બોલી રહ્યા હતા.

" માટે તું બસ સાક્ષી ભાવે તારી જિંદગીને જોયા કર. નિર્મોહી થઈને ગુરુજી તને જે પણ આપી રહ્યા છે એનો સ્વીકાર કર. તને એ મુંબઈ લઈ આવ્યા છે તો એમણે તારા માટે કંઈક તો વિચાર્યું હશે ને ! તારો આ જન્મ સામાન્ય નથી. તને મળેલી અનેક સિદ્ધિઓ તારી પાસે આગળ ઉપર ઘણાં કામ કરાવવાની છે. સમય સમય પર તને પોતાને જ અંદરથી પ્રેરણાઓ મળ્યા કરશે. " કહીને ચેતન સ્વામી અદ્રશ્ય થઈ ગયા.

કેતન ધીમે ધીમે ધ્યાનમાંથી બહાર આવ્યો. એણે આજે ચેતન સ્વામીને પોતાના મહાન ગુરુજી વિશે જે સવાલો કર્યા એ બદલ એને ઘણું દુઃખ થયું અને એણે દિલથી સ્વામી અભેદાનંદજીની મનોમન માફી પણ માગી. એ પછી નાહીને એણે ગાયત્રીની ૧૧ માળા કરી.

સવારે ૯ વાગે એણે લલ્લન પાંડેને ફોન કર્યો.

" પાંડેજી કૈસે હો ? મૈં કેતન બોલ રહા હું." કેતન બોલ્યો.

" જી સર બસ આપકી કૃપા હૈ. મેરે લિયે કોઈ સેવા હો તો બતાઇયે. " પાંડે બોલ્યો.

" પાંડે જી થોડા સમય નિકાલો ઔર નગરપાલિકામેં જાકર ગોરેગાંવ કે પ્લૉટસે આપકા નામ હટા દો. સરકારી દફતરમે ઓર ૭/૧૨ કે પેપર્સ મેં ભી સિર્ફ લક્ષ્મીચંદ મખીજા ઓર ઉનકી બેટી રુચિ મખીજા કા નામ હોના ચાહિયે. અબ મૈં યે પ્લૉટ ખરીદ રહા હું તો મેરે નામ પર પ્લૉટ ટ્રાન્સફર કરના હૈ." કેતન બોલ્યો.

લલ્લન પાંડે બરાબર સમજી ગયો હતો કે કેતન સાવલિયા બહુ જ મોટી પાર્ટી છે અને એટલો જ પહોંચેલો છે એટલે કેતન આગળ એ એકદમ નમ્ર થઈ ગયો હતો. કેતને એને ૮ ૯ કરોડનો ફાયદો પણ કરી આપ્યો હતો એટલા માટે પણ એ કેતન ઉપર મહેરબાન હતો.

" જી સર. દો તીન દિન મેં હી આપકા કામ હો જાયેગા. " પાંડે બોલ્યો.

૧૧ વાગે કેતન જમવા બેઠો ત્યારે સૌથી પહેલાં રેવતીએ ફ્રીજમાંથી ડોલચું કાઢીને દાળઢોકળી ગેસ ઉપર ગરમ કરી.

અડધી કેતનની થાળીમાં આપી અને અડવી પોતાના માટે રાખી.

" ભાભી ગરમ ગરમ તમે પણ જમી લો ને ! વારંવાર ગરમ કરવાથી મજા નહીં આવે. " કેતન બોલ્યો.

" હા હું પણ હવે જમવા બેસી જ જાઉં છું. " રેવતી બોલી.

અત્યારે પણ દાળઢોકળીનો સ્વાદ એવો ને એવો જ હતો. જમ્યા પછી રેવતીએ પણ રુચિનાં વખાણ કર્યાં.

"ખરેખર સિંધી હોવા છતાં પણ રુચિ બેને ગુજરાતી દાળઢોકળી બહુ જ સરસ બનાવી છે. " રેવતી બોલી.

આજે બીજું કંઈ કામ ન હતું એટલે જમ્યા પછી કેતન સૂઈ ગયો. લગભગ ચાર વાગે એના ઉપર એના ભાવિ સસરા દેસાઈ સાહેબનો ફોન આવ્યો.

"અરે કેતનકુમાર દેસાઈ બોલું. તમને કાલે સમય હોય તો થોડા સમય માટે માટુંગા આવી જાવ ને ! તમારા માટે સ્યૂટ સીવડાવવો છે અને શેરવાની પણ લેવી છે. અમારી ઈચ્છા છે કે તમારાં કપડાંની પસંદગી તમે જાતે જ કરો. પરમ દિવસ એકાદશી છે તો જાનકી સુરત જવાની છે. તો એ પહેલાં તમારું કામ પતી જાય. " દેસાઈ સાહેબ બોલ્યા.

" ભલે પપ્પા મને વાંધો નથી. બપોરે જમીને ઘરેથી નીકળી જઈશ. " કેતન બોલ્યો.

" અરે કુમાર જમવાનું અમારા ત્યાં રાખો. આ પણ તમારું જ ઘર છે. તમે ઘરેથી ૧૧ વાગે જ નીકળી જાઓ. જમીને થોડો આરામ કરીને પછી આપણે નીકળશું. " દેસાઈ સાહેબ બોલ્યા.

અને બીજા દિવસે કેતન લગભગ ૧૧ વાગે માટુંગા પોતાની ગાડી લઈને જ નીકળી ગયો. એરપોર્ટ તરફ ગાડી લીધી અને પછી હાઇવે ઉપરથી એણે બાંદ્રા તરફ લીધી. ત્યાંથી ધારાવી થઈને એ માટુંગા કિંગ સર્કલ પહોંચી ગયો અને પછી જાનકીને લોકેશન પૂછીને એના ઘરે પણ પહોંચી ગયો.

" આવો આવો. તમારી જ રાહ જોઈ રહ્યાં હતાં. " દરવાજો ખોલતાં જ કીર્તિબેન બોલ્યાં.

કેતન સોફામાં બેઠો. જાનકીએ એને પાણી આપ્યું.

"જમીને થોડો આરામ કરી લો. પછી આપણે ચા પાણી પીને લગભગ ચાર વાગે નીકળીએ." દેસાઈ સાહેબ બોલ્યા.

જમીને કેતને જાનકીના બેડરૂમમાં જઈને એની સાથે અડધો કલાક વાતો કરી અને પછી બે કલાક આરામ કર્યો.

ચાર વાગે ઉઠ્યા પછી બધાંએ ચા પાણી પી લીધાં અને શોપિંગ કરવા માટે બધાં કપડાં બદલીને તૈયાર થઈ ગયાં. કેતન તો તૈયાર થઈને જ આવ્યો હતો.

"તમે મારી ગાડીમાં જ આવી જાઓ. તમારી ગાડી ભલે અહીં રહેતી." નીચે ઉતરીને દેસાઈ સાહેબ બોલ્યા.

દેસાઈ સાહેબ દાદરમાં આવેલા રેમન્ડના એક મોટા શોરૂમમાં ગાડી લઈ ગયા.

કેતને સ્યૂટ માટે લાઈટ ગ્રે કલરનું કાપડ પસંદ કર્યું. સાથે અંદર પહેરવા માટે સફેદ શર્ટ અને ડાર્ક ગ્રે કલરની ટાઈ પસંદ કરી. એક બ્રાઉન કલરનું ઝીણા ચેક્સ વાળું તૈયાર બ્લેઝર પણ લીધું. એ પછી ટેઈલર વિભાગમાં જઈને સિલાઈનું માપ પણ આપી દીધું.

એ પછી ઝભ્ભા શેરવાની વિભાગમાં જઈને કેતને પોતાના માટે મરૂન કલરની એક સરસ શેરવાની પસંદ કરી. દેસાઈ સાહેબે પણ પોતાના માટે લગ્નમાં શોભે એવો એક સરસ ઝભ્ભો ખરીદ્યો.

બધી ખરીદી પતી ગઈ એટલે દેસાઈ સાહેબે કાઉન્ટર ઉપર જઈને બિલ ચૂકવી દીધું.

ઘરે આવ્યા ત્યારે સાંજના સાડા છ વાગી ગયા હતા.

" ચાલો હવે હું નીકળું. મારું કામ પતી ગયું છે. " કેતન બોલ્યો.

" એવું હોય તો રાત્રે અહીંયા જમીને જ જજો ને ! ફટાફટ ભાખરી શાક બનાવી દઈએ." કીર્તિબેન બોલ્યાં.

" ના મમ્મી હવે હું નીકળું." કહીને થોડું પાણી પી કેતન નીકળી ગયો. સાથે જાનકી નીચે સુધી વળાવવા આવી.

"કાલે હું સુરત જવાની છું. મારે લાયક ત્યાંનું કંઈ કામ હોય તો કહો. " જાનકી બોલી.

" મોબાઈલ આવ્યા પછી આજના યુગમાં દુનિયા બહુ નાની થઈ ગઈ છે. ઘરમાં બેઠાં બેઠાં અમેરિકા પણ બીજી જ મિનિટે વાત કરી શકો છો. પહેલાં જેવું હવે રહ્યું નથી કે સંદેશા આપવા પડે. " કેતન હસીને બોલ્યો.

" હમ્... એ વાત તો સાચી જ છે. એક વાત પૂછું સાહેબ ? " જાનકી બોલી.

" હા હા પૂછને ! " કેતન બોલ્યો.

" લગ્ન માટે હું જેટલી એક્સાઇટેડ છું એટલા તમે નથી દેખાતા. તમે અને હું બંને યુવાન છીએ. થોડા દિવસોમાં આપણાં લગ્ન છે છતાં બેડરૂમમાં આપણે એકલાં હોઈએ તો પણ ના કોઈ રોમાન્સ ના કોઈ મજાક મસ્તી ! સાવ અતડા અતડા રહો છો. આવું કેમ ? " જાનકીએ ખૂબ જ માર્મિક સવાલ પૂછ્યો હતો.

"ખરેખર તો એવું કંઈ જ નથી. હું આમ પણ થોડો શરમાળ તો છું જ. લગ્ન પહેલાં અમુક છૂટછાટો લેવાનું મારા સ્વભાવમાં નથી. છતાં લગ્ન માટે હું પણ એટલો જ ઉત્સાહિત છું." કેતન હસીને બોલ્યો.

જો કે અંદરથી એને પોતાને લાગ્યું કે જાનકીની વાત સાવ ખોટી તો નથી જ !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)