Prarambh - 52 in Gujarati Classic Stories by Ashwin Rawal books and stories PDF | પ્રારંભ - 52

Featured Books
Categories
Share

પ્રારંભ - 52

પ્રારંભ પ્રકરણ 52

ધનતેરસથી શરૂ કરીને ભાઈ બીજ સુધીના દિવાળીના પાંચ દિવસ ક્યાં પસાર થઈ ગયા એ ખબર પણ ના પડી.

" મારે પંડિતજી સાથે વાત થઈ છે. ૧૫ મી ડિસેમ્બર પહેલાં સાતેક મુરત છે અને ડિસેમ્બરમાં જો લગન ના લેવાં હોય તો પછી જાન્યુઆરીમાં ઉત્તરાયણ પછી બીજાં મુરત આવે છે. " લાભપાંચમના દિવસે સવારે જગદીશભાઈએ કેતનનાં લગ્નની વાત કાઢી.

" જાન્યુઆરીમાં જ રાખો પપ્પા. મારે હમણાં ઘણા કામ છે. ડિસેમ્બર તો હમણાં આવી જશે. " કેતન બોલ્યો.

" ઠીક છે તો પછી તારી અને જાનકીની રાશિ પ્રમાણે મકરસંક્રાંતિ પછીનું કોઈ સારું મુરત જોવડાવી દઉં છું. " જગદીશભાઈ બોલ્યા.

એ દિવસે સાંજે જ જગદીશભાઈએ પંડિતજી સાથે વાત કરી લીધી અને ૨૨ જાન્યુઆરીની તારીખ નક્કી કરી.

રાત્રે એમણે મુંબઈ એમના વેવાઈ શિરીષભાઈ દેસાઈ સાથે વાત કરી.

"શિરીષભાઈ જાનકી અને કેતનના લગનનું મુરત ૨૨ જાન્યુઆરી અમે નક્કી કર્યું છે. તમને આ તારીખ અનુકૂળ તો છે ને ? " જગદીશભાઈ બોલ્યા.

"તમે જે મુહુરત નક્કી કર્યું હોય એ અમારા માટે પણ અનુકૂળ જ હોય. ભલે ૨૨ જાન્યુઆરી અમને મંજૂર છે." દેસાઈ સાહેબ બોલ્યા.

એ પછી જયાબેને કીર્તિબેન સાથે પણ વાત કરી લીધી અને દાગીના તેમ જ કપડાંની ખરીદી માટે એકાદશીના દિવસે જાનકી સુરત આવી જાય એ વાત પણ ફરી રીપીટ કરી લીધી.

" પપ્પા બાકીના ૧૦ કરોડ માટે તમે લાલજીભાઈ ને જરા પૂછી જુઓ ને. તો એ પ્રમાણે હું મુંબઈનો પ્રોગ્રામ બનાવું. " બીજા દિવસે સવારે ચા પીતી વખતે કેતન બોલ્યો.

" હા હું આજે જ લાલજીભાઈ સાથે વાત કરી લઈશ. " જગદીશભાઈ બોલ્યા.

" અરે લાલજીભાઈ હું જગદીશભાઈ બોલું છું. પેલા બીજા ૧૦ કરોડનો હવાલો મુંબઈ ક્યારે પહોંચશે ? " જગદીશભાઈ બોલ્યા.

" હું તો પૂરેપૂરા ૨૦ કરોડ આપવા માટે આજે પણ તૈયાર છું. પરંતુ દેવદિવાળી સુધી આંગડિયા પેઢીઓ બંધ છે એટલે તમે કહેતા હો તો ૨૦ ખોખાં આજે તમારા ઘરે મોકલાવી દઉં અને મુંબઈમાં હવાલો જોઈતો હોય તો બીજા આઠ દસ દિવસ રાહ જોવી પડે." લાલજીભાઈ બોલ્યા.

"ઠીક છે તો પછી મારા ઘરે જ મોકલાવી દો. બંને દીકરાઓ સુરત આવેલા છે તો મુંબઈ લઈ જવાની કંઈક વ્યવસ્થા કરીશું." જગદીશભાઈ બોલ્યા.

અને સાંજે ચાર પાર્સલ જગદીશભાઈ ના ઘરે પહોંચી ગયાં.

" પપ્પા આટલી બધી રકમ આપણે ક્યારે ગણી શકીશું ? " કેતન બોલ્યો.

"ગણવાની હોય જ નહીં. આપણા ડાયમંડ માર્કેટની અને આંગડિયા પેઢીની એક શાખ હોય છે. એક પણ રૂપિયો ઓછો ના હોય. તે દિવસે દસ કરોડ મોકલ્યા એ પણ પૂરા જ હોય ભલે તારો પેલો પાંડે દસ વાર ગણે. " જગદીશભાઈ બોલ્યા.

" અમે હવે પરમ દિવસે મુંબઈ જવા નીકળી જઈશું પપ્પા." સિદ્ધાર્થ બોલ્યો.

"અત્યારે વેકેશન છે એટલે શિવાનીને થોડા દિવસ માટે મુંબઈ મોકલવાની ઈચ્છા હતી પરંતુ લગનનાં કપડાં ખરીદવાનાં છે અને જાનકી પણ અગિયારશે અહીં આવવાની છે એટલે શિવાની ભલે અહીંયા જ રહેતી. " જયાબેન બોલ્યાં.

છેવટે મુંબઈ જવાનો દિવસ આવી ગયો. બંને ભાઈઓએ વહેલી સવારે છ વાગે જ સુરતથી નીકળવાનું નક્કી કર્યું.

" તમારે લોકોને ઘરે પહોંચીને રસોઈ ના બનાવવી પડે એટલા માટે અત્યારે કંઈ નાસ્તો બનાવી દેવો છે ?" આગલા દિવસે સાંજે જયાબેને સિદ્ધાર્થને પૂછ્યું.

"ના..ના.. મમ્મી એવી કોઈ કડાકૂટ કરવાની જરૂર નથી. અમે જઈને કાલે બપોરે હોટલમાં જ જમી લઈશું. ઘર પણ સાફ કરવાનું હશે. " સિદ્ધાર્થ બોલ્યો.

"આ પાર્સલોનું કેવી રીતે કરવાનું છે ?" કેતને પપ્પાને પૂછ્યું.

" તમે બંને ભાઈઓ બે બે પાર્સલ તમારી બંને ગાડીની ડીકીમાં મૂકી દેજો. સુરત અને મુંબઈ વચ્ચે એવું કોઈ ટેન્શન નથી. અને ચેકિંગ હોય તો પણ બિન્દાસ જવાબ આપી દેવાનો. ચેકની સામે પૈસા લીધેલા છે અને ડાયમંડના હિસાબ કરોડોમાં જ હોય છે. " જગદીશભાઈ બોલ્યા.

સવારે વહેલા ઉઠી ચા પાણી પી ૭ વાગે બંને ભાઈઓ પોતપોતાની ગાડીઓમાં ગોઠવાઈ ગયા.

" દિવાળી હતી તો અઠવાડિયું ઘર ભર્યું ભર્યું લાગતું હતું. હવે ફરી પાછું સુનું સુનું થઈ જશે. " વિદાય વખતે જયાબેન બોલ્યાં.

" બસ હવે છેલ્લા છ મહિના મમ્મી. શિવાનીનો અભ્યાસ પૂરો થઈ જાય પછી તો મે મહિનામાં તમારે બધાંએ મુંબઈ આવી જ જવાનું છે. ત્યાં સુધી નવો ફ્લેટ પણ તૈયાર થઈ ગયો હશે." સિદ્ધાર્થ બોલ્યો.

" હા ભાઈ બધું જ જાણું છું છતાં વિદાય વસમી હોય છે. " જયાબેન બોલ્યાં.

એ પછી બંને ગાડીઓ સ્ટાર્ટ થઈ ગઈ અને ચાર કલાકમાં પાર્લા પહોંચી પણ ગઈ.

બંને ભાઈઓએ સાચવીને ચાર બોક્ષ ઉપર ફ્લેટ સુધી ચડાવી દીધાં. પાર્લાની આ ગુજરાત સોસાયટીની સ્કીમ જૂની હતી એટલે એમાં લિફ્ટ ન હતી.

રેવતીએ ઘર ઝાડીઝપટીને સાફ કરી દીધું. આખા ઘરમાં પોતુ પણ કરી દીધું. એ પછી સાડા બાર વાગે બંને ભાઈઓ અને રેવતી જમવા માટે નીકળ્યાં. આજે પણ શબરી રેસ્ટોરન્ટ જ પસંદ કર્યું. પંજાબી ડીશ ત્યાં ખુબ જ સારી મળતી હતી.

જમી કરીને ઘરે આવ્યા પછી બધાંએ થોડો આરામ કરવાનું પસંદ કર્યું.

કેતનની ઈચ્છા આજે જ ૨૦ કરોડ પાંડેને પહોંચાડવાની હતી પરંતુ સ્ટેમ્પ પેપર ઉપર લખાણ હજુ બાકી હતું એટલે આજે મેળ નહીં પડે એમ એને લાગ્યું.

સાંજે ચા પીને કેતન પાર્લેની કોર્ટમાં ગયો અને ગયા વખતે જેની પાસે સ્ટેમ્પ પેપર ઉપર ૧૦ કરોડનું લખાણ લખાવ્યું હતું એ જ નોટરી વકીલ પાસે એણે ૨૦ કરોડનું લખાણ પણ લખાવી દીધું. વકીલને પૈસા ચૂકવીને એ નીકળી ગયો.

બીજા દિવસે સવારે ૯ વાગે એણે પાંડેને ફોન કર્યો.

" પાંડેજી બાકી કે ૨૦ કરોડ તૈયાર હૈ. મેં જો બોલતા હું વો કરતા હું. આપ કિતને બજે મિલોગે તો મેં ઉસી ટાઇમ પે આ જાઉં. " કેતન બોલ્યો.

કેતનના ફોનથી પાંડેના આખા શરીરમાં ખુશીની લહેર પ્રસરી ગઈ. એના રોમે રોમમાં ઉત્તેજના વ્યાપી ગઈ ! ૨૦ કરોડ બહુ મોટી રકમ હતી અને આ રકમમાંથી આઠ નવ કરોડ જેવી રકમ તો એને પોતાને મળી રહી હતી.

"અરે સર જી... આપકો જો ટાઈમ ઠીક લગે. " પાંડેએ કેતનજીની જગ્યાએ સર જી શબ્દ વાપર્યો.

"ઠીક હૈ. તો મૈ પાંચ બજે આસપાસ આ જાતા હું. આપ ઘર પર રહેના. ઔર નીચેસે મૈ ફોન કરુંગા તો છોટુકો જરા ભેજ દેના. ચાર બોક્ષ હૈં " કેતન બોલ્યો.

" જી કેતન જી. " લલ્લન પાંડે બોલ્યો.

એ પછી કેતને જયદેવને ફોન કર્યો.

" સાલ મુબારક જયદેવ. આજે છેલ્લી વાર તારે મારા માટે સમય ફાળવવો પડશે. પાંચ વાગે હું ૨૦ કરોડ લઈને પાંડેના ઘરે પહોંચવાનો છું. " કેતન બોલ્યો.

" નવા વર્ષના તને પણ અભિનંદન. હું ચોક્કસ આવી જઈશ અમારે પણ અત્યારે શૂટિંગો બંધ છે. દેવદિવાળીથી ચાલુ થશે. " જયદેવ બોલ્યો.

એ પછી કેતન લગભગ સાડા ત્રણ વાગે ઘરેથી ચાર બોક્ષ લઈને નીકળી ગયો.

લલ્લન પાંડેની સોસાયટીમાં ગેસ્ટ પાર્કિંગના સ્લોટમાં ગાડીને પાર્ક કરીને કેતને પાંડેને ફોન કર્યો.

"પાંડેજી છોટુ કો નીચે ભેજો." કેતન બોલ્યો.

" જી બસ દો મિનિટમેં આ જાયેગા." પાંડેએ જવાબ આપ્યો.

એ દરમિયાન જયદેવ પણ બાઈકને અંદર પાર્ક કરીને લિફ્ટ પાસે પહોંચી ગયો.

છોટુ આવ્યો એટલે કેતને એને ચારે ચાર બોક્ષ લિફ્ટ સુધી લઈ જવાની સૂચના આપી અને પોતે ગાડી પાસે જ ઉભો રહ્યો. તમામ બોક્સ લિફ્ટ પાસે પહોંચી ગયા પછી કેતને ડીકી બંધ કરી અને પોતે પણ લિફ્ટ પાસે પહોંચી ગયો.

ચારે ચાર બોક્સ લિફ્ટમાં મૂકીને ત્રણ જણા લિફ્ટમાં ગોઠવાઈ ગયા અને પાંડેના ફ્લોર ઉપર લિફ્ટ ઉભી રહી એટલે તમામ બોક્ષ છોટુએ બહાર કાઢ્યાં.

પાંડેએ આજે પણ દરવાજો ખુલ્લો જ રાખેલો જેથી બોક્ષ સીધાં અંદર લઈ શકાય.

"આઈયે.. આઈયે.. કેતનજી. આપને તો જલદી વાદા પૂરા કર દિયા. આપને ૩૦ કરોડ તીન હપ્તોંમેં પૂરા કરને કી બાત કી થી લેકિન મુજે ભરોસા નહીં થા. ઈતની બડી રકમ કા ઇન્તજામ કરના કોઈ બચ્ચોં કા ખેલ નહીં હૈ ફિર ભી આપને કરકે દિખાયા. " પાંડે બોલ્યો.

"હમને તો કર કે દિખાયા અબ આપકો કરકે દિખાના હૈ. " કેતન હસીને બોલ્યો.

" જબ પૂરી રકમ મેરે પાસ આ ગઈ હૈ તો મૈ ભી કરકે દિખાતા હું. આપ બિલકુલ ચિંતા ના કરેં. " પાંડે બોલ્યો.

" આજ તીન નવેમ્બર હૈ. અગલે તીન ડિસેમ્બર તક કા સમય મૈં આપકો દેતા હું. તબ તક મેં આપકો ડિસ્ટર્બ નહીં કરુંગા. " કેતન બોલ્યો.

" જી ઠીક હૈ. " લલ્લન પાંડે બોલ્યો.

" એક ઔર રિક્વેસ્ટ હૈ પાંડેજી. મુઝે પુરા પ્લોટ ખાલી ચાહિયે. મતલબ બુલડોઝર લગા કે સારે મકાન ગીરા દો. જો ભી મલબા નિકલે વો ભી આપકા. ઉસમેં ભી આપકો કમાઈ હો સકતી હૈ." કેતન બોલ્યો.

લલ્લન પાંડે માટે તો આ ખુશીના સમાચાર હતા. કારણકે આટલા મોટા પ્લૉટનાં ૧૧૫ મકાનો તોડીને પણ એ ઘણા બધા પૈસા કમાઈ શકતો હતો. જે પણ ઈંટો નીકળે પતરાં નીકળે તે બધું જ એના કામમાં આવવાનું હતું.

" જી ઠીક હૈ. એકદમ ખાલી પ્લૉટ હી મિલેગા આપકો. " પાંડે બોલ્યો.

" મુઝે ઔર ભી સેવા આપકી લેની હે લેકિન વો બાદમે બતાઉંગા. " કેતન બોલ્યો.

" જી હમ સેવા કે લિયે તો બૈઠે હૈં. " પાંડે હસીને બોલ્યો.

એ પછી કેતને ૨૦ કરોડના સ્ટેમ્પ પેપર ઉપર પાંડેની સહી લઈ લીધી અને સાથે જયદેવની સાક્ષી તરીકે સહી કરાવી પોતાની સહી પણ કરી દીધી. એ પછી વીસ કરોડનો ચેક પણ કેતને પાંડે પાસેથી લઈ લીધો.

આ બધું પત્યું ત્યાં છોટુ આઈસ્ક્રીમના ચાર બાઉલ લઈને આવ્યો.

" ઈતના બડા કામ આપને કિયા હૈ તો આજ આઇસ્ક્રીમ તો બનતા હી હૈ. " પાંડે હસીને બોલ્યો. આજે એ ખૂબ જ ખુશ હતો. ૩૦ કરોડ જેવી રકમ એના હાથમાં આવી ગઈ હતી !!

આઇસ્ક્રીમ ખાઈને બંને મિત્રો પાંડેના ઘરેથી નીકળી ગયા.

" આજે હું એકદમ ફ્રી છું આજે તારે મને શૂટિંગ જોવા લઈ જવો હોય તો લઈ જઈ શકે છે. " કેતન બોલ્યો.

" હા પણ અત્યારે પ્રિયંકા ઘરે હશે. આજે એનું શૂટિંગનું શિડયુલ નથી. મારું શૂટિંગ પણ સાડા સાત વાગે શરૂ થશે. અત્યારે હજુ છ વાગ્યા છે. જો કે તને બીજા કલાકારોનું શૂટિંગ જોવા ચોક્કસ મળશે. " જયદેવ બોલ્યો.

"કંઈ વાંધો નહીં આપણે ફિલ્મસિટીમાં એક ચક્કર મારીએ. શૂટિંગ જોવા મળે તો પણ ઠીક અને ના મળે તો પણ ઠીક. મને તો કોઈ ફરક પડતો જ નથી." કેતન બોલ્યો.

"ઠીક છે મારી પાછળ પાછળ આવ." જયદેવ બોલ્યો અને એણે પોતાની બાઈક આગળ રાખી.

જયદેવ હતો એટલે ફિલ્મસિટીમાં પ્રવેશવાની કેતનને એન્ટ્રી મળી ગઈ. કેતન જયદેવની પાછળ પાછળ ગાડી ચલાવતો રહ્યો. વચ્ચે વચ્ચે ઘણાં બધાં શૂટિંગો ચાલતાં હતાં પરંતુ એ બધાં બહારથી જોઈ શકાતાં ન હતાં.

જયદેવનો સાવધાન ઈન્ડિયા સીરીયલ નો સ્ટુડિયો આવ્યો એટલે જયદેવે બાઈકને જમણી બાજુ અંદર લીધી. અંદર થોડેક દૂર ગયા પછી એણે બાઈકને પાર્ક કરી અને કેતનને પણ ગાડી પાર્ક કરવાની સૂચના આપી. ચારે બાજુથી પતરાંને ફીટ કરવામાં આવ્યાં હતાં અને એક નાનકડા દરવાજામાંથી અંદર પ્રવેશ થતો હતો. ત્યાં પણ સિક્યુરિટી વાળો ઊભો હતો.

કેતન જયદેવની સાથે અંદર ગયો. અંદર જાતજાતના સેટ લગાવેલા હતા. કેમેરા રાખેલી ટ્રોલી ફરતી હતી. ડાયરેક્ટરનો અવાજ પણ સંભળાતો હતો. નાના મોટા કલાકારો સાઈડમાં ઊભા હતા.

" આગળના એપિસોડનું અત્યારે શૂટિંગ ચાલે છે. તું આ સીરીયલ જોતો નથી એટલે તને ખબર નહીં પડે પણ આ જ અમારી દુનિયા છે. લોકો ટીવી જુએ ત્યારે વાહ વાહ કરતા હોય પરંતુ અહીં અમારો તો પરસેવો નીકળી જતો હોય છે. શિયાળામાં તો કંઈક સારું હોય છે બાકી ઉનાળામાં તો શૂટિંગમાં ત્રાસ થઈ જતો હોય છે." જયદેવ બોલ્યો.

જયદેવે કેતનને એક ખુરશી લાવી આપી અને પોતે ફ્લોર ઉપર જઈને ડાયરેક્ટર સાથે કંઈક વાત કરી આવ્યો.

" મારી પાસે અડધો કલાક છે. એ પછી મારે મેકઅપ અને કપડાં બદલવા માટે અંદર જવું પડશે." જયદેવ બોલ્યો અને કેતનની બાજુમાં બીજી ખુરશી લાવીને બેઠો.

" પેલો જાડિયો કલાકાર કોણ છે ? " કેતને અચાનક પૂછ્યું.

"એનું નામ સદાશિવ છે પરંતુ આ એપિસોડમાં એ ગુનેગારનો રોલ કરે છે. કેમ તું એને ઓળખે છે ?" જયદેવે પૂછ્યું.

" હું તો અહીં કોઈને પણ ઓળખતો નથી. તને ખાલી કહી રાખું છું. તું એને ભૂલેચૂકે પણ વાત ના કરતો. એને લગભગ એક મહિના પછી હાર્ટ એટેક આવશે. એનું આયુષ્ય પૂરું થઈ જશે." કેતન બોલ્યો.

" અરે પણ એ તો બહુ સારો માણસ છે. નવરાશના સમયમાં બધાને હસાવતો હોય છે. " જયદેવ બોલ્યો.

" પણ મેં ક્યાં કહ્યું કે એ ખરાબ માણસ છે ? એનું આયુષ્ય પૂરું થઈ જાય છે એટલું જ મેં તને કહ્યું. આ વાત તારા મનમાં જ રાખજે." કેતન બોલ્યો.

" હે ભગવાન. તું કહે છે તો પછી એ સાચું જ હશે. કારણ કે મને તારો અનુભવ થઈ ગયો છે. બહુ દુઃખ થયું આ સાંભળીને. " જયદેવ બોલ્યો.

એ પછી કેતને શૂટિંગમાં ધ્યાન પરોવ્યું. બધાના સંવાદો પણ સાંભળતો રહ્યો અને રીટેક પણ જોતો રહ્યો. એકના એક સીન ૩ થી ૪ વાર ભજવાતા હતા અને પછી ઓકે થતા હતા. કેમેરા સામે રોતી અભિનેત્રી શોટ ઓકે થતાં જ હસવા લાગતી હતી. આ પણ એક અલગ જ માયાવી દુનિયા હતી.

"ચાલ હવે હું જાઉં છું જયદેવ. રસ્તો મને ખબર છે એટલે હું નીકળી જઈશ." કેતન બોલ્યો અને ઉભો થઈને બહાર નીકળી ગયો.

ફિલ્મસિટીમાંથી બહાર નીકળી ગયા પછી કેતને હાઈવે તરફનો રસ્તો પકડ્યો. અને હાઇવે ઉપર ચડી ગયા પછી એણે રુચિ મખીજાને ફોન કર્યો.

" રુચિ કેતન બોલું. આપણું કામ પતી ગયું છે. ૨૦ કરોડ રૂપિયા પાંડેને આપી દીધા છે. સામે ચેક અને લખાણ પણ લઈ લીધું છે. મેં એને એક મહિનાનો ટાઈમ આપ્યો છે. બુલડોઝર ફેરવીને એ આખો પ્લૉટ ખાલી કરીને આપણને આપશે. " કેતન બોલ્યો.

" વાઉ ! જબરદસ્ત કામ કરી રહ્યા છો તમે તો કેતનજી. મારે તમને હવે આવતી કાલે એક પાર્ટી આપવી પડશે. આ પાર્ટીમાં મારે તમને એક સરપ્રાઈઝ પણ આપવાનું છે. " રુચિ બોલી.

" સરપ્રાઈઝ ??" કેતને આશ્ચર્યથી પૂછ્યું.

" હા સરપ્રાઈઝ ! તમે વિચાર્યું પણ નહીં હોય એવું સરપ્રાઈઝ !! " રુચિ બોલી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)