વાર્તા:- મા કેવી રીતે હા પાડે?
રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
એક મા પોતાનાં બાળકને જેટલો વહાલ કરે છે એટલો તો કદાચ પોતાની જાતને પણ નહીં કરતી હોય. એક સ્ત્રી માટે એનો પરિવાર જ એની દુનિયા હોય છે. પરંતુ જો એ સ્ત્રી મા હોય તો એની જીંદગી બાળકની આસપાસ જ ફરતી રહે છે. આવામાં જો એક માનું બાળક શારિરીક ખામી સાથે જન્મ્યું હોય તો તો એ સમાજની પણ ઉપરવટ જઈને એનો ઉછેર કરે છે. આવી જ એક માતાની વાર્તા રજૂ કરી રહી છું.
સંજય અને ઊર્મિ બંને એક આદર્શ યુગલ તરીકે ગણાતાં હતાં. જ્યારથી એમનાં લગ્ન થયાં ત્યારથી સૌનાં મોઢે એમનાં વખાણ જ સંભળાતા હતાં. બંને પોતાનાં પરિવારમાં સુખેથી અને શાંતિથી વડીલોની છત્રછાયા હેઠળ ખુશ હતાં. એમની આ ખુશીમાં એક વધુ ખુશી ઉમેરાઈ જ્યારે તેમને ખબર પડી કે તેઓ માતા પિતા બનવાના છે. ઘરનાં સૌ સભ્યો પણ એકદમ ખુશ! આ ખુશી ગર્ભાવસ્થાના ચોથા મહિને બેવડાઈ. સોનોગ્રાફી કરતાં ખબર પડી કે ઉર્મિંનાં ગર્ભમાં જોડિયા બાળકો છે.
ખૂબ જ સરસ સારસંભાળ સાથે દિવસો પસાર થવા લાગ્યાં. ઊર્મિની સીમંતવિધી પણ ખૂબ જ સારી રીતે થઈ ગઈ. એનાં સાસરે એવો આગ્રહ હતો કે ડિલીવરી એમને ત્યાંથી જ થાય એટલે ઊર્મિ બે ત્રણ દિવસ એનાં પિયરે રહીને સંજય સાથે ફરીથી સાસરે આવી ગઈ. સૌ કોઈ ઊર્મિનું ખૂબ જ ધ્યાન રાખતાં હતાં. એને અગવડ ન પડે, તકલીફ ન થાય તેની કાળજી લેવાતી હતી.
એક રાત્રે અચાનક જ ઊર્મિને અસહ્ય પીડા ઉપડી. હજુ તો આઠમો મહિનો જ ચાલી રહ્યો હતો. સૌ ચિંતાતુર થઈ ગયા. તાત્કાલિક એને હૉસ્પિટલ લઈ ગયા. ત્યાં ડૉક્ટરે કહ્યું કે, "સિરિયસ કેસ છે. હમણાં જ ડિલીવરી કરવી પડશે. બાળકોનો જીવ જોખમમાં છે." તાત્કાલિક ડિલીવરી કરવામાં આવી. નસીબ સારાં હતાં કે બંને બાળકો પણ જીવિત રહ્યાં અને ઊર્મિને પણ કશું નહીં થયું.
પરંતુ દુઃખદ ઘટના એ હતી કે જોડિયા બાળકોમાં જે દિકરી હતી તે સંપૂર્ણ સ્વસ્થ હતી અને દિકરો બધી રીતે સ્વસ્થ હતો પણ એનો ઉપલો હોઠ ન્હોતો અને મગજ અવિકસિત હતું. ડૉક્ટરની સલાહ હતી કે આ બાળકને જીવાડવું શક્ય નથી. કહેતાં હો તો એની ટ્રીટમેન્ટ બંધ કરી દઈએ. બધાંએ દુઃખી મને હા પાડી. સંજયનું મન ન્હોતું માનતું છતાં એણે ફોર્મ ઉપર સહી કરી દીધી.
ઊર્મિને આ વાતની ખબર પડી. એણે ડૉક્ટરને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, "મને કોઈ વાંધો નથી આ બાળક સાથે. એની ટ્રીટમેન્ટ બંધ નથી કરવાની. હું એની સંભાળ રાખીશ." અને એણે પોતાનાં દિકરાને પોતાનાં ખોળામાં લઈ એનાં મોંમાં સીધી દૂધની ધારા વહેતી કરી. ઉપરનો હોઠ નહીં હોવાથી બાળક ધાવી શકે એમ ન્હોતું, પણ ઊર્મિ તો મા હતી! એ કેમ મરવા દે બાળકને? આ ઘટના જોઈને સંજયને પણ પોતાની સહી કરવાની બાબત પર પસ્તાવો થયો. એણે પોતાનો નિર્ણય બદલ્યો અને બંને બાળકોને ઉછેરવામાં ઊર્મિને સંપૂર્ણ સહકાર આપવાનું વચન આપ્યું.
એમ જ થોડું કહેવાયું છે, "મા તે મા, બીજા વગડાના વા". ઊર્મિ જેવી હિંમતવાન માતાઓને લીધે જ ઘણાં બાળકો તદ્દન અસ્વસ્થ હોવાં છતાં પણ જીવી ગયાં અને કેટલાંય તો સંપૂર્ણ પણે સ્વસ્થ પણ થઈ ગયા.
સાર એટલો જ છે કે બાળક જેવું હોય એવું સ્વીકારો. પછી એને કેમ વાળવું એ માતા પિતાનાં જ હાથમાં છે. બાળકનો સ્વીકાર કરો એટલે આપોઆપ જ બધાં રસ્તાઓ ખુલવા માંડે. ભલે જન્મ અને મૃત્યુ આપણાં હાથની વાત નથી, પરંતુ કોઈકને જીવાડવામાં જો આપણે મદદરૂપ થઈ શકીએ તો ચોક્ક્સ જ મદદરૂપ થવું જોઈએ.
આભાર.
સ્નેહલ જાની