Ateet ni Vaat in Gujarati Science by Aadarsh Solanki books and stories PDF | અતિતની વાત

Featured Books
Categories
Share

અતિતની વાત

અતિતની વાત !
•••••••••••

........
સમય: વર્ષ 3289 (વોન્સર આકાશગંગાનાં સમય અનુસાર)
........


ગ્રેન: નોવા, કેવી લાઇફ છે નઈ ?

નોવા: કેમ ગ્રેન, શું થયું?

ગ્રેન: આ જોવે તો છે તું, આ પ્રલય! જે સંસારને ઈશ્વરે આટલી મહેનતથી બનાવ્યું, જે સંસારને બનવામાં કરોડો વર્ષ લાગ્યા તેનો પલભરમાં તેઓએ જ ક્રૂરતાપૂર્વક નાશ કરી દીધો.

નોવા: ના ગ્રેન, આમાં ભગવાનનો કોઈ દોષ નથી, આપણા એ પુરખાઓ એ જ વિકાસનાં નામે કુદરતને એટલું નુકશાન પહોંચાડ્યું કે બધું તબાહ થઈ ગયું.

ગ્રેન: હા એ માતૃભૂમિ જેવી મજા નઈ, પછી ભલેને હીરાનાં બનેલા ગ્રહ પર રહેતા હોય.

નોવા: હા પણ આપણી પ્રજાતિની એક ભૂલનાં કારણે હવે તો અહીં જ રહેવું પડશે.

ગ્રેન: સાવ જેલ જેવું લાગે છે, સાઓન પર તો જે મજા હતી, જીવનની ! કુદરતી દ્રશ્યોની ! ઈશ્વરના સૌંદર્યની ! ખરેખર આ લાલ માટીના રણમાં નથી. મને ખરેખર બોરિસ પ્લેનેટ પર કંટાળો આવે છે. મારે પાછું ત્યાં જવું છે જ્યાં મેં મારું બાળપણ જીવેલું છે, મારો ગ્રહ સાઓન ! મારો દેશ લેક્ટોસિસ ! મારું ગામ ગાઉપેન અને મેં તેની ખુંદેલી એક એક ગલી !

નોવા: હા પણ, છતાં આ બોરિસ પ્લેનેટ સાચા સ્વર્ગ જેવું છે, ના કોઈ ધર્મ ના કોઈ જાતિ ના કોઈ દેશ બધા એકબીજા માટે મરવા તૈયાર થાય એવા લોકો વચ્ચે રહીને ખુબ મજા આવે છે.

(ગ્રેન અને નોવા નામનાં બે અજાણ્યા વ્યક્તિ કોઈ અજાણી જગ્યાએ બેસીને વાતો કરતા હતા, તે જગ્યા વિરાન હતી, આજુબાજુનો પ્રદેશ લાલ માટી અને લાલ અવકાશથી સંપૂર્ણ જગ્યાને લાલાશ બનાવતો હતો. આજુબાજુમાં મોટા ખડકો પડ્યા હતા. તેવી એક શિલા પર આ લોકો બેઠા હતા. તેઓના ખભે પ્રાણવાયુની બોટલ લટકાવી હતી જેની નળી તેઓની નાકમાં જતી હતી, આ ઉપરાંત ઘણા આવા ઉપકરણો તેઓએ પહેર્યા હતા, નિશ્ચિત છે કે આ બધું તેઓએ અહીંના ખતરનાક વાતાવરણથી બચવા કર્યું હશે. તેઓની વાતો સાંભળી લાગતું કે તેઓનાં જૂના ગ્રહનું ત્યાંના રહેવાસીઓ દ્વારા વિનાશ કરાયું હશે, સફળ ટેકનોલોજીનાં કારણે તેઓ આ ગ્રહ પર વસવા આવ્યા હશે. કદાચ તેમની વસ્તી ક્યાંક બાજુમાં જ હશે જેને આવા વાતાવરણથી બચાવવા તેની પર કોઈ સુરક્ષા કવચ હશે, આ બંને કદાચ ફરવા માટે વસ્તીથી દૂર આવ્યા હશે.)

( પણ એક મિનિટ ! કોણ છે આ ગ્રેન અને નોવા? શું છે આ સાઓન પ્લેનેટ? શું છે આ બેરીસ પ્લેનેટ? કંઈ રીતે તેમના ગ્રહનો વિનાશ થયો? કેવી રીતે આ લોકો આ લાલ ગ્રહ પર વસવા આવ્યા? આ બધાનાં જવાબ મેળવવા તો સમયનાં ચક્રને પાછું ફેરવવું પડશે ! આ લોકોનો ઈતિહાસ જાણવો પડશે ! તો શું રાહ જોવાની ? ચાલો થઈ જાવ તૈયાર, આજે જઈશું આપણે ડોમેન પ્રજાતિના સૌથી પ્રિય અને ભૂતપૂર્વ રહેઠાણ એવા સાઓન પ્લેનેટ પર ! અને કરીશું એક અદમ્ય, રોમાંચિત સફર !)
......

અનંત બ્રહ્માંડનાં કોઈ અંધારિયા એકલા ખૂણામાં આવેલી વોન્સર આકાશગંગાના કેનિક સ્ટારની ફરતે ફરતા ચાર ગ્રહોનું મંડળ જ કેનિકનું તારામંડળ હતું. તે ચારેય ગ્રહને ઊર્જા આપનાર તે કેનીક સ્ટાર જ હતો. જે તે ચારેય ગ્રહોનો જીવનદાતા પણ હતો. આ કેનિકનાં તારામંડળનાં ચાર સભ્યો પૈકી એક એ આપણું આ સાઓન જ હતું. સાઓન આ તારામંડળમાં બુદ્ધિશાળી વિકસિત જીવન ધરાવતો એકમાત્ર ગ્રહ હતો, જેની ઉપર ડોમેન પ્રજાતિનાં બુધ્ધિજીવીઓ વસતા હતા. તેઓ ખૂબ આધુનિક હતા, તેમનાં જીવનને આસાન બનાવે તેવી દરેક વસ્તુ તેઓએ શોધી કાઢી હતી અને હજુ પણ આમની પ્રજાતિ પ્રગતિનાં પંથે આગળ જઈ રહી હતી.

પાંચ મહાખંડોમાં વહેંચાયેલા આ ગ્રહ પર ત્રણ મોટા મહાસાગરો હતા, તેઓનો ગ્રહ તેમના તારાથી એટલા અંતરે હતો કે જીવન વસી શકવા અહી પૂરતું તાપમાન અને યોગ્ય વાતાવરણ હતું. આ લોકોનાં પાંચ મહાખંડો જ તેના પાંચ દેશો હતા, જેમના નામ આ પ્રમાણે હતા: હમોનાર્ગ, કોટરોલ, ગ્રેમ્પ, મેલીનોકેટ અને લેક્ટોસીસ; આ પાંચ દેશો સાથે મળીને બનેલા સાઓન પર ચારે તરફ હરિયાળી હતી, ચારેતરફ કુદરત ફેલાયેલી હતી. વાતાવરણ સુંદર હતું, મનમોહક હતું, બધા ડોમેન્સ હળીમળીને રહેતા અને પ્રકૃતિની કદર કરતા અને તેનું ધ્યાન રાખતા.

પણ આ એક નિશ્વિત યુગ સુધી જ મર્યાદિત રહ્યું, દરેક વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે જીવતો હોય છે, બસ હમણાં સુધી ડોમેન પ્રજાતિનાં લોકોમાં તે સ્વાર્થ દેખાતો નહોતો પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. હવે ડોમેનને લાગ્યું કે ડોમેન પ્રજાતિને હવે વધુ આધુનિક અને વિકાસશીલ બનવાની જરૂર છે. આ આધુનિક બનવાની હોડમાં હવે ડોમેને પ્રકુત્તિને નુકશાન પહોંચાડવા માંડ્યું. જે વનો દ્વારા એક જમાનામાં તેઓને બધું પ્રાપ્ત થતું તે વૃક્ષો કાપીને હવે ત્યાં ફેક્ટરી બનવા માંડી. તેઓએ હવે પોતાની જ માતૃભૂમિને બરબાદ કરવાની શરૂઆત કરી દીધી હતી. હવે એક બરબાદીના યુગની શરૂઆત થઈ ગઈ હતી. બરબાદી ડોમેન્સનાં નૈતિક મૂલ્યોની પણ અને તેમની પ્રકૃતિ તથા તેઓની માતૃભૂમિની પણ.

પ્રકૃતિનો જો તમે વિનાશ કરશો તો એ તમારો પણ વિનાશ કરશે જ ! આ વાત લાગે કદાચ સાચી નીવડી, હવે પ્રકૃતિએ પણ પોતાનો પ્રલય બરોબર દેખાડ્યો હતો.

વર્ષ 3214, આ વર્ષ ઘણું ખરાબ રહ્યું, કદાચ આ વર્ષથી જ એક મહાપ્રલયની શરૂઆત થઈ ગઈ હતી ! આ વર્ષ આખું ભૂકંપનાં મોટા આંચકા વાળું રહ્યું. ધરતીમાં એવું કંપન થતું કે જાણે હમણાં ધરતી ફાટીને તેના બે ટુકડા થઈ જશે. કોટરોલમાં 10.5 રિક્ટર સ્કેલની તીવ્રતાનો તે આંચકો ! ઘડીભર તો એવું લાગ્યું કે જાણે ધરતીનો વિનાશ જ થઈ ગયો હોય ! આ વર્ષે લગભગ ભૂકંપમાં કોટરોલ દેશનાં ડોમેન્સની વસ્તીમાંથી 4% વસ્તીનો ભૂકંપમાં જ અંત આવ્યો, આ ખૂબ વિચિત્ર હતું !

વર્ષ 3254 થી 60ની વચ્ચે ! આ વર્ષોમાં ઘણા પ્રલય થયા; ગ્રૅમ્પ ! જે પહેલેથી જ એક સુકો પ્રદેશ છે ત્યાં ભયંકર દુકાળ પડ્યો ને કરોડો ડોમેન્સ મરી ગયા. લેક્ટોસિસનાં જ્વાળામુખીઓ ફાટવાથી ઘણું નુકશાન થયું. આ દેશમાં એક જ સાથે એક જ દિવસે 4 જ્વાળામુખી ફાટ્યા પછી પ્રજામાં ભય ફેલાઈ ગયો. હમોનાર્ગની સ્તુનામી અને કોટરોલનાં જોરદાર તોફાન અને સળંગ વરસાદથી આવેલા પૂર પછી લેક્ટોસિસનાં વિશાળ વર્ષાવન સોટર જંગલમાં લાગેલી આગ સાથે ડોમેન પ્રજાતિને એક પછી એક આંચકા આપી રહી હતી.

આ બધા પ્રલય પછી વિજ્ઞાનિકોએ સમજ્યું કે કુદરતને આપણે જો નુકશાન પહોંચાડીશું તો તે આપણને પણ છોડશે તો નહિ જ ! આ પછી તો આ પ્રજાતિએ બસ શરૂ કરી દીધું પોતાના ગ્રહ તથા તેની પ્રકૃતિને બચાવવાનું એક મહા મિશન; હવે બસ એવી ટેકનોલોજી શોધાતી જે ડોમેન્સને મદદરૂપ થાય પણ તેનાંથી પ્રકૃતિ સાથે છેડછાડ ના થાય, હવે દરેક દેશમાં વૃક્ષો કાપવા, શિકાર કરવા જેવી બાબતો પર પ્રતિબંધ મુકાયો. ફેક્ટરીનાં ધુમાડાને ઓછો કરવા તથા નદીઓમાં દૂષિત પાણી ન છોડવા પર જોર અપાયું. વિવિધ પ્રદૂષણ વિશે જાગૃતિ ફેલાઈ અને ઘણા સારા કાયદાઓનો અમલ પણ થયો અને તે ઉપાય પણ શ્રેષ્ઠ રહ્યા.

પહેલા સાઓન પર ત્યાંની જમીનમાંથી મળતા એક પેટ્રોલિયમ નામક ખનિજ દ્રવથી ત્યાંના પરિવહન વાહનો તથા બીજા સાધનો ચાલતા, જેનાથી ખૂબ પ્રદૂષણ થતું, વિજ્ઞાનીઓ એ હવે સોલાર ઊર્જાથી ચાલતા વાહનો તથા ઉપકરણો બનાવ્યા. દૂષિત અને ઉપયોગમાં લેવાયેલ પાણી ફરીથી સ્વચ્છ કરીને પી શકાય તેવી શોધો કરી, હવે કાગળ બનાવવા વૃક્ષો કાપવાની જરૂર નહોતી, તેની પ્રદ્ધતિ પણ હવે કુદરતને લાભદાયી થઈ ગઈ. હવે કદાચ ડોમેન સુધર્યો હતો, કારણ કે પ્રલય તેણે અનુભવ્યો હતો.

હા તે પણ સાચું હતું કે ડોમેન પૂર્ણપણે સુધર્યો નહોતો, તેનામાં હજી પણ કુદરતને નુકશાન પહોંચાડવાનાં લક્ષણ હતા. તે હજુ પણ પ્રકૃતિને નુકશાન પહોંચાડવાનું ભૂલ્યો નહોતો, બસ તેનામાં થોડો ફેરફાર થયો હતો. ડોમેન્સ હવે સ્વાર્થી બની ગયો હતો, તે પ્રકૃતિને હવે નુકશાન ન પહોંચાડી તેના જેવા જ તેના ભાઈ ડોમેનને નુકશાન પહોંચાડતો. આમતો બે વ્યક્તિ વચ્ચે ઝગડવાનું આજથી નથી ચાલતું, હજારો વર્ષો પહેલા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા બધા ડોમેન્સ બીજા લોકો સાથે ઝગડતા રહેતા, જ્યારે તેઓનો પરિવાર બને તો એક પરિવારનો સભ્ય પોતાના પરિવારના અસ્તિત્વ માટે બીજા પરિવાર સાથે લડતો રહેતો. આ પછી એક સાથે રહેતા સમાજો બીજા સમાજ સામે ટકરાયા કરતા અને પછી વિવિધ દેશ બન્યા, પછી પોતાનાં દેશનું અસ્તિત્વ ટકાવી રાખવા તથા પોતાની સીમા સમૃદ્ધ કરવા તે દેશનો પ્રધાન બીજા દેશ સાથે લડ્યા કરતો. લડવું તે માનવ મનની વિકૃતિ છે, કોઈ ઈર્ષ્યાથી તો કોઈ લોભથી લડવું તે દરેક જીવનો સ્વભાવ છે.

સાઓન ગ્રહનાં પાંચો દેશ વચ્ચે પહેલેથી આંતરિક ટકરાવ અને મતભેદ થતાં રહેતા તો ક્યારેક નાના-મોટા યુદ્ધ પણ થતાં રહેતા હતા. પણ આ રાજનીતિ આ યુગમાં વિસ્તરી, આપસી શત્રુતાને કારણે આ પાંચેય દેશો બે પક્ષમાં વિભાજીત થયાં. લેક્ટોસિસ અને હમોનાર્ગની શત્રુતા પ્રખ્યાત છે, તેઓની વચ્ચે વર્ષોથી મતભેદો થતાં જ રહ્યા છે. લેક્ટોસિસની સહાયે સદાય ગ્રેમ્પ અને મેલીનોકેટ રહ્યું જ છે, તેનું કારણ છે કે આ બન્ને દેશોનો પરમ શત્રુ કોટરોલ હમોનાર્ગનાં પક્ષમાં છે; અહીં રાજનીતિનું આવું છે, સ્વાર્થ માટે જ મિત્રતા છે !

આમતો બંને પક્ષો વચ્ચે આંતરિક મતભેદ અને ટકરાવ ચાલતા જ રહે પણ આ વખતે લેક્ટોસિસ અને તેનાં મિત્ર દેશો દ્વારા બનેલા સંગઠન 'મેલિગ્રેમ્પોસિસ'એ હામીનાર્ગ પર આક્રમણ કરી દીધું, આ આક્રમણથી હમીનાર્ગ અને તેનો મિત્ર દેશ કોટરોલનું સંગઠન 'હમોરોલ' સજાગ થઈ ગયું. તેઓએ આ આક્રમણથી ક્રોધિત થઈને 'વિશ્વયુદ્ધ' ની ઘોષણા કરી અને વર્ષ 3273માં વિશ્વયુદ્ધ શરૂ થયું.

આ મહાયુદ્ધ પહેલા તો સામાન્ય શસ્ત્રોથી લડાયું પણ પછી મેલિગ્રેમ્પોસિસનાં 'પરમાણુશસ્ત્ર' નાં જવાબમાં હમોરોલએ 'જેવિક હથિયાર' છોડ્યું. હમોરોલ દ્વારા છોડાયેલ જેવિક હથિયાર, જેનું ડોક્ટરી/વૈ‌‍જ્ઞાનીક નામ 'મોનોસાઇસ વાઇરસ' પડ્યું તેનાં દ્વારા છોડેલી બીમારીથી કરોડો લોકો મૃત્યુ પામ્યાને બંને પક્ષના નિર્દોષોની દુર્દશા થઈ. આ પ્રકારે કંઇપણ વિચાર્યા વગર છોડેલા શસ્ત્રોથી બંને તરફ હાનિ થઈ.

વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું, બંને તરફ ખૂબ હાનિ થતી છતાં પણ કોઈ હાર માનવા કે સમજૂતી કરવા તૈયાર નહોતું થતું. રોજ લાખો નિર્દોષ જેઓને આ યુદ્ધ કોઈપણ જીતે તેનાથી કંઈ મતલબ નહોતો તેઓ પણ મરતા રહ્યા. છતાંય ક્રૂર બની બંને પક્ષો વધુ ભયાનક શસ્ત્રોથી લોકોને મારવા લાગ્યા.

આ વિશ્વયુદ્ધમાં રોજ કરોડો લોકો કાળને ભેટતા, આ એક ખરાબ અને ક્રૂર યુગ ચાલી રહ્યો હતો. અત્યારે બધે ફક્ત યુદ્ધનાં ખરાબ સમાચાર જ હતા, ક્યાંય યુદ્ધ પતવાનો સંદેશ નહોતો, લોકો આશા કરવાની જ છોડી દીધી હતી કે તેમના જીવતા યુદ્ધ સમાપ્ત થશે.

આ ખરાબ સમાચારો વચ્ચે એક વિજ્ઞાનિકે સમાચાર જાહેર કર્યો કે ધરતીનો અંત સમય નિકટ છે, એક ઉપગ્રહનો તૂટેલો ટુકડો આપણા ગ્રહ સાથે ટકરાઈ શકે છે અને જો તેનાથી પણ આપણે બચી પણ ગયા તોય તેની પાછળ તેના જેવા તેનાથી ભયંકર વિશાળ ટુકડાઓ આપણા ગ્રહ સાથે ટકરાશે અને આપણો ગ્રહ નાશ પામશે.

આ સમાચાર સાંભળી દરેક વ્યક્તિ નિરાશ થઈ ગયો, યુદ્ધ હવે અટકાવી દેવામાં આવ્યું. દરેક દેશ એક થઈને આ મોટા પ્રશ્ન પર વિચારવા લાગ્યા. લોકો માનવા લાગ્યા હતા કે તેઓનો વિનાશ નિશ્ચિત છે, કુદરત તેઓને હવે નહી છોડે અને અહીં જીવનનો નાશ થશે.

ત્યાં એક સુખદ સમાચાર પણ મળ્યા...

"ડો. બોરિસ સાથે 10 વર્ષ પછી સંપર્ક થયો. તેઓની ટીમે પોતાનું મિશન સફળ કર્યું છે. તેમણે 'સ્પેસ સિગ્નલ' ના દ્વારા સંદેશ મોકલ્યો છે. તેઓ અત્યારે સ્પેસમાં છે અને આપણું અને તેઓની વચ્ચે ફક્ત 4 પ્રકાશવર્ષનું અંતર છે.
વાત એમ છે કે 'SSAT' (સાઓન સ્પેસ એન્ડ ટેકનોલોજી) ને આજથી 2 દાયકા પહેલાં લાગ્યું કે આપણો ગ્રહ ગમે ત્યારે નાશ પામી શકે તેથી આપણે આપણી પ્રજાતિની રક્ષા અને વસવાટ માટે કોઈ સારો એવો જીવન શક્ય હોય તેવો ગ્રહ શોધવો જોઈ જેથી કરીને ભવિષ્યમાં ગમે ત્યારે આવી સ્થિતિ સર્જાય તો આપણી પ્રજાતિને બચાવી શકાય."

"આજથી લગભગ 12 વર્ષ પહેલાં ફક્ત ગાણિતિક ગણતરીથી એક ગ્રહના લોકેશનનો અંદાજ લગાવ્યો હતો, તેનું સ્થાન જોઈને તેનું વાતાવરણ જીવનને થોડુંઘણું અનુકૂળ હોવાનું અંદાજો આવ્યો, તે આપણા ગ્રહથી ફક્ત 4 પ્રકાશવર્ષ દૂર હતો. તેની પર સંશોધન માટે તે દિશામાં જવું વધુ ઉચિત લાગ્યું, આ બધું વિચારીને સ્પેસ એજન્સીએ પોતાના ચાર વિશ્વાસુ વ્યક્તિઓની એક ટીમ અનંત સ્પેસમાં મોકલી, તે ટીમના મુખ્ય નાયક તરીકે નવયુવક ડો. બોરિસને પસંદ કર્યા. આ સાહસિક ટોળકીનું એક જ લક્ષ્ય હતું, ડોમેન્સનાં વસવાટની વ્યાવ્યસ્થા કરીને જ પાછું સાઓન ગ્રહ પર આવવું."

"ડૉ.બોરિસ જ્યારે તે ગ્રહની પાસે પહોંચ્યા તો ખબર પડી કે અહીંનું હવામાન જીવનને અનુરૂપ નથી, પણ અહીં ઉતરાણ કરી શકાશે. આમ વિચારી તેઓએ તે ગ્રહ પર ઉતરાણ કર્યું પણ અનુમાન પ્રમાણે ના ત્યાં દ્રવ રૂપે પાણી હતું કે ના ઉચિત જમીન હતી કે જેની ઉપર રહી શકાય. ત્યાંના વાતાવરણમાં બિલકુલ પ્રાણવાયુ નહોતો તેથી બધા નિરાશ થઈ ગયા. પણ ડો. બોરિસ હાર ન માન્યા અને તેઓએ સાઓન પરની પોતાની ટીમ સાથે સંપર્ક કર્યો અને જરૂરી વસ્તુઓ અને બીજા થોડા વિજ્ઞાનિક, ડોક્ટર, નિષ્ણાંતો, ઇજનેરો અને મજૂરો મંગાવ્યા. ત્યાં તેઓએ આ બધાને પોતાની ટીમમાં સામેલ કર્યા અને બધાએ સાથે મળીને આ કાર્ય આરંભ્યું. ત્યાંના ભયાનક વાતાવરણ અને ઝેરી ગેસોથી બચવા તેમણે એક પ્રોટેક્સન લેયર બનાવી, જેની અંદર તેઓએ જમીનને ફળદ્રુપ બનાવી અને તેની પર વૃક્ષો ઉગાડયા અને ત્યાં ખેતી કરવાનું સફળ પરીક્ષણ કર્યું. પાણીની વ્યવ્યવસ્થા તો તેમણે ત્યાંના ગેસ રૂપે રહેલા પાણી દ્વારા પહેલા જ કરી નાખી હતી. ત્યાં તેઓએ ઘરો અને બીજી ઘણી વસ્તુઓ જે એક શહેરમાં હોવી જોઈએ તે બનાવી. ત્યાંના વાતાવરણમાં કુત્રિમ રૂપે પોતે ત્યાંજ રહીને બનાવેલો પ્રાણવાયુ ભર્યો. તે જગ્યાને હરીભરી બનાવી, જ્યાં પહાડ, ખીણ, કુત્રિમ ઘાસ, નાનકડું જંગલ, નદીઓ, સરોવરો દ્વારા આ પ્રદેશને રળિયામણો બનાવ્યો. આ બધું બનીને તૈયાર થયું અને તેઓનું મિશન પણ પૂર્ણ થયું. તેઓએ આ વિશે હમણાં જ 'SSAT' ને જાણ કરી."

"હવે આપણી પ્રજાતિ બચી જશે, આપણે હવે સુરક્ષિત છીએ. હું ગર્વ કરું છું કે આપણી પાસે બોરિસ જેવા કુશળ અને બુદ્ધિશાળી વ્યક્તિ છે. તેઓને ખરેખર ધન્ય છે." આજનાં આધુનિક છાપા એક નાનકડા યંત્રમાં આવતાં, ગ્રેમ્પ હેરાલ્ડ પણ આવું જ એક ન્યુઝ પેપર છે, આજનાં છાપામાં આ લેખ છપાયેલો હતો જેને વાંચી લોકોનાં આનંદનો પાર ન રહ્યો.

'SSAT' દ્વારા જાણ કરાઇ કે આ મહાયુદ્ધ પછી બચેલા 35000 લોકોને 40 અંતરિક્ષયાન દ્વારા ડો. બોરિસ દ્વારા ખોજાયેલા ગ્રહ પર લઈ જવામાં આવશે, જેનું લોકોએ જ 'બોરિસ પ્લેનેટ' એવું નામકરણ કર્યું હતું. જે આ મહાન હસ્તીની યાદમાં અપાયું હતું, જેથી યુગો યુગો સુધી લોકો આ નામને યાદ રાખે અને આ પ્રચલિત કથાને સમજે અને ડોમેન્સ દ્વારા કરેલી ભૂલો પોતે ન કરે. સાથે થોડી એવી યાદગાર અને ઐતિહાસિક તથા મહત્વપૂર્ણ વસ્તુઓ લઈને ડોમેન્સ પ્રજાતિ નીકળી પોતાની નવી જિંદગી શરૂ કરવા. જ્યાં તેઓનું નવું જીવન શરૂ થવાનું હતું. એક નવી શરૂઆત કરવાની હતી ! જીવનની એક નવી શરૂઆત !
........


(સમય: 3289)
(સ્થળ: બેરિસ પ્લેનેટ)

ગ્રેન અને નોવા અતીતને વાગોળતા વાતો કરતા હોય છે ને નોવા ગ્રેનનાં ખભા પર જ માથું મૂકી સુઈ જાય છે.

ગ્રેન: જબરી કાઢી આજે મેં પણ 'અતીતની વાત!' અરે સુઈ ગઈ પાગલ! ચાલ તને હવે મારે જ ઘર સુધી લઈ જવી પડશે...

આમ બોલતા ગ્રેન નોવાને ઘર બાજુ લઈ જાય છે અને ધીમેથી બોલે છે જબરી છે! દુઃખદ છે તો બોધદાયક પણ છે આ 'અતિતની વાત!'

(સમાપ્ત)
____________