drama kutran, car, cover in Gujarati Drama by SUNIL ANJARIA books and stories PDF | નાટક કૂતરાં, કાર, કવર

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

Categories
Share

નાટક કૂતરાં, કાર, કવર

આ એક હાસ્ય નાટિકા છે.
લાલિયો સારી સોસાયટીમાં જન્મથી રહેતો, અમુક સિવીક સેન્સમાં માને છે. એની પ્રેમિકા ધોળી તો પછાત, શેરીનાં વાતાવરણમાંથી આવે છે. બંનેને બેસવા કારનું છાપરું જોઈએ. તેનું હાસ્ય સભર નાટક.
વાંચીને પ્રતિભાવ જરૂર આપો.
***
(આ નાટીકા શ્રાવ્ય વધુ છે. રેડિયો નાટકમાં લઈ શકાય. એ સિવાય મહોરું પહેરી કૂતરા-કુતરીનો વેશ કરી શકાય. વાંચીકમ પણ થઈ શકે. )
પડદો ખૂલતાં સોસાયટીની શેરીનું દૃશ્ય નજરે પડે છે. ચાર પાંચ ભવ્ય કાર ઉભી છે. લાલિયો કૂતરો અને ધોળી કુતરી કૂદતાં કૂદતાં શેરીમાં દાખલ થાય છે.

લાલિયો (પૂંછડી પટપટાવતો) : આવતી રહે મારી વાલુડી?’ ગરર...

ધોળી : ના ના નહિ આવું… એ છાપરે નહિ આવું… કુદવાનો મને થાક લાગે..

લાલિયો : લે તું તો ગરબાયે ગાવા માંડી? હવે આવતી રે. આપણે દાંડીએ નહિ તો પૂંછડીએ રમીએ.

ધોળી (હાંફતાં) : હૂસ.. હૂસ. ગરર. .. આંય બેસવાની મોકળાશ છે. પહોળી મઝાની ડસ્ટર કાર છે. ઇ લોકો ક્યારેક જ બેસે, આપણા માટે તો લીધી છે !

લાલિયો : આપણે તો ઠંડુ મઝાનું આપણું ફ્રન્ટીનું છાપરું વહાલું. પ્રાઇવેટ જગ્યા. ગમે તેમ કુદાય, નીચેથી ઉપર એક કૂદકે ચડી જવાય.આ તારે તો ઊંચે જવા હુડ પર થઈને..
તે હેં અલી, તારી પાતળી કેડ વાળી નાજુકડી કાયા એટલો કૂદકો કેવી રીતે મારી શકે છે ? પેલી છેલ્લે પડી એ લેન્ડરોવર પર તું એવી તો ચડી જાય છે !

ધોળી : મને તો ઓલી ગાડી પરે લખેલું ગમે સે- 'કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. '

લાલિયો : મારી ધોળુડી, તું કૂદી ગઈ પણ બીજી કુતરીઓ તો એ રીતે બંગલાની વાડ પણ ન ઠેકી શકે.

ધોળી : બેસ મારા પુંછડીયા લાલીયા ! બીજી કુતરીયું હામું ભાળ્યા કરે સે તે.

લાલિયો : જોવાઈ જાય હવે. તો તું મારામાં શું ભાળી ગઈ છે !

ધોળી ( કોઈ કારનાં છાપરે ડાન્સ કરતાં ) : તારી બાંકી તે પૂંછડલીનું ઘુમવું રે, મને ગમતું રે, આ તો કહું છું રે લાલીયા તને અમથું..

લાલિયો : હાઉ હાઉ.. વાલુડી, તું તો કાંઈ બોલવા માંડી છે, કાંઈ ગાવા માંડી છે? મને તો કાંઈ કાંઈ થાય છે.. હમણાં આવું..

ધોળી : તે કોણ ત્યાં બેસવા કહે છે એકલા એકલા? આવ.

મૈને પૂંછડી જો ટકરાઈ અબતો આજા તું હરજાઈ..

(તડબડ તડબડ કરતો લાલિયો શ્વાન છાપરેથી નીચે ઉતરીને એની વાલુડીને મળવા બીજી કાર પરથી છલાંગ લગાવે છે.)

લાલિયો (ચીસો પાડતાં) : વીં..વીં.. વીં..

ધોળી : કાં હું થ્યું ?
(બે કાન અને પૂંછડી ઊંચી કરી જુએ)

લાલિયો : આ પાછળ હુડ પર કાંટાવાળું જાળું રાખી મુક્યું છે. પગમાં પેસી ગયું.

ધોળી : મુઆઓ આ એક સીડી પણ ખાલી રાખતા નથી. કાર્યું પણ ઊંચી ને ઊંચી કર્યે રાખે છે. ઓલી ગેઇટ કને વેગન આર ઓસી હતી તો ન્યા આ તું કેસ એવી લ્યેન્ડ રુવર ને ફોરડ ને ઇવીંયું.. ને ઇની ઉપર્ય કાંટા! બે માળની બહું (બસો) જેવી કાર્યું રાખો, 'ની ઉપર તાર્યુંનાં ગૂંચળા. કોને હારું? બે દી' રર્યે (રહે) પસી આપણે તો ચડી જ જવાનાં. રાતે તો નિરાંતે હુવા જોઈએ ને ? લોકો ઘરો બંધ કરી ઉપર બેડરૂમ મઈં સડી જાય સે ઇમ !
તું નિસેે નો બેહ, આંય આવતો રે, પગ ઘસ. મટી જાહે.

લાલિયો : હું અહીં નીચે જ બેસું છું. તું આવ.

ધોળી : હું શું કામ આવું ડસ્ટર મૂકી ત્યાં ડસ્ટમાં બેસવા ? અહીં એઈ ને મઝાનું પતરાંનું છાપરું છે, ઠંડુ ઠંડુ.. મારું પેટ ઠરે છે.
(છાપરાં પર આળોટવા લાગે છે.)
લાલિયો : ને અહીં તો મારા પગમાં લોહી વહે છે ને લ્હાય બળે છે. તને દૂરથી જ જોવી પડશે - માણવી પડશે.. આહા. માલિકણો પાયલ રણકાવે એમ તારી છાપરે ટકરાઈને ટક ટક વાગતી પૂંછડી.. સાંભળ્યા જ કરું. તુને પૂંછડી જો ટકરાઈ..
(ઓચિંતો પીડાથી ફરી કણસે.) ઓય.. વીં.. વીં .. સત્યાનાશ જાઓ આ કાંટાળું ગુંચળું બોનેટ પર રાખનારનું.
(ધુળમાં પગ ઘસે છે)

ધોળી : એઇ .. લાલીયા. .મારી સામે તો જો?

લાલિયો : વીં..વી.. નહીંતો બીજે ક્યાં જોઉં છું? ઓ બાપ.. અરે રે.. આ ગાય ભેંસના પોદળામાં પગ પડયો .

ધોળી : (આસપાસ નજર કરીને) લે આવતો રે ન્યાં સામે. જો ઓલી કાર ઉપર કવર ઢાંકેલું છે. લે હું તો આ ઉતરી. આ એક કૂદ લગાવી અને પહોંચી ગઈ.
(કૂદકો લગાવી બીજી કાર પર જાય છે.)

લાલિયો : જો તો ખરી, કાર પર ગોબો પડશે તારા કુદવાથી.

ધોળી : તે એમાં થઈ શું ગ્યું ? છાપરે તો પડયો છે. આપણે નિરાંતે બેસાય એટલે. એ લોકો મઈં ઘુંસી જવાય એવી ડનલોપની ગાદીયું કરાવે છે તો આપણે આપણી બેસવાની સરખી જગ્યા નો કરીએં?

લાલિયો : જરાય નહીં. આ કાર પર તો નહીં જ. એ લોકો રોજ રોટલી આપે છે, ઘર પાસે બેસવા દે છે.

ધોળી : તે લે, એક રોટલી આલે એમાં ખરીદાઈ ગયાં ? વધ્યું ઘટ્યું તો આપે છે. અરે આવતો રે મારા લાલીડા, મારા વાલીડા.. કહું છું તારી ધોળવી બોલાવે.

લાલિયો : મારી ધોળવી કહું તો.. તું મને રોજ આમ લટકાથી બોલાવ્યા કરે છે.. તે લે, આ આવ્યો.
અરે, વોય.. વોય.. સરખા ચડાતું કે બેસાતું યે નથી. એક આ કવર વચ્ચે આવે છે ! ઠીક છે. પોદળાવાળા પગ થોડા કવર પર લુછાઇ ગયા.

ધોળી : તે બાકીના આ છાપરાં પર ચડી ઈ જ કવર પર લૂછી લે. મસ્ત મઝાનો નેપકીન સમજીને. હવારે તો આંય ઈનો માણહ ધોવા આવશે જ.
(કવર પર પગ ઘસે છે.)

લાલિયો : હાઉ.. હાઉ.. અરે આ તો ફાટ્યું!

ધોળી : હે મારા સ્વામી ભક્ત લાલીયા? એક રોટલીનું ઋણ ચુકવવામાં તું એટલો બધો ખરીદાઈ ગયો?

લાલિયો : ધોળુડી, એક ચુટકી રોટીકી કિંમત તુમ ક્યા જાનો? હું આપું ત્યારે તો તું ખાય છે.

ધોળી : એ..આઘો રેજે. આ સામેવાળીના ઘરની જાડી રોટલી.. ના ના, વધેલા પરાઠાના ટુકડાએ પેટમાં ગરબડ કરી છે. અહીં તો તેં બગાડયું છે. લાવ સામે બીજી જૂની કાર પડી છે એની પર જઈ આવું. આમેય કાટનો રંગ મારા પોદળા જેવો જ બ્રાઉન લાગે છે. લે, આજે તો કવર પણ નોય? આમ જ રાખજે બાઈ.

લાલિયો : ઊંહું.. મારે જોવાનું આ ?

ધોળી : તઈં સૂંઘે ને જોવે ને.. લે મારી પાહે બોલાવમાં બધું. અમને યે કઈંક લાજ શરમ જેવું હોય.

લાલિયો : ઊંહું.. છી..છી.. કેવું ગંદુ કર્યું? એ લોકો કેમ કરી સાફ કરશે? શું કહ્યું, પાણીથી? એ તો એમાં જ હોય ને? પણ.. પ્લીઝ.. વેર વસુલ થઇ ગયું એ કાર પર બગાડીને. આ દંડા સાથે ... શું ઘસવા માંડી?

ધોળી : પાછળ સાફ કરું છું. મને ખબર છે એના કારમાં વાગતા રેડિયોનો એન્ટેના છે. એ પણ ધોવાઈ જશે કારને ફુવારો મારશે એટલે. મેં તો મારી પછવાડી એ ઉભા સળિયા, એન્ટેના કે જે કહો તે, એની સાથે ઘસી સાફ કરી નાખી. એઈ.. મારા લાલીયા, આમ તો જો.. અરે ઈ બધું તારા હાટુ તો કર્યું છે ! એને સાફ ન કરત તો તારું શું થાત?

લાલિયો : ચાલ ચાલ. આવી જા જલ્દી એટલે અહીં આ કવર પર ગોઠડીઓ માંડીએ. બપોર થવા આવ્યા છે, છાપરાં હવે ધગધગશે. જો સમજ. રાતે ઠંડીમાં કવર વગરની કાર ગોતવાની ને ગરમીમાં કવર વાળી.

ધોળી : લે તું તો બહુ ગનાંનની વાતું કર છ ને કાઈં ? પણ એવું નથી. જો, શિયાળામાં છાપરું ઠરે તો કવર પર, ઉનાળામાં છાપરું ધગે તો કવર પર. ઈ બગડે તોય વાંધો નૈં, ધોવાઈ જાય. બાકી બેસીએ તો છાપરું તો ગોબાય. હા, ગોબાઉં તો પડે. ઈ તો વાંદરા પણ કૂદીને ક્યાં નથી પાડતા ને આ રસ્તે આજુબાજુ કાર્યું હાંકતા બીજા ‘વાંદરાઓ’ સાઇડમાં અડાવી ક્યાં ગોબા નથી પાડતા? તો આપણે એક નાનો ગોબો પાડીએ એમાં હું ઈનું લૂંટાઈ ગ્યું ?

લાલિયો : જો ધોળી, હું તો આ સોસાયટીમાં સારા લોકો વચ્ચે મોટો થયો છું. મારું ચાલે તો નીચે લોકોના ક્યારામાં જ બેસું. પણ કમ્પાઉન્ડોની વંડીઓ આડાં કુંડાઓ મુકી એ રસ્તા પણ બંધ કરી દીધા છે. રસ્તે બેસું પણ કોઈ ને કોઈ સ્કૂટર કે બાઈક આવે અને ઉઠવું પડે. એટલે આ કારો પર બેસું છું. બિચારાં સાચવીને કવરો ઢાંકે છે તે કાર સચવાય.

ધોળી : ઈમ હું લેવા ઢાંકણા જેવાં કવર્યું એટલે લુગડાં સડાવી રાખે છે? ઇમ કવર ચડાવે કાર્યુંના કલર બસતા હશે? ઇમ માનતાં હોય તો ખાંડ ખાય છે. આપણને રોટલી નાખતી ઓલી સોડીયું ગોરી ને દેખાવડી હોય તો કપડાં ઓસાં પેરે ને હારી બતાવે પોતાને. ઇમ કાર રૂપાળી હોય તો કવર વન્યા જ હારી લાગે. હમજ્યો મારા હુધરેલા શ્વાન?

લાલિયો : અરે કાર તો એ લોકોને સાચવવી પડે આપણી જગ્યાઓની જેમ. રોજ રોટલી ખાઉં છું તે હું તો કવર સાચવું હોં ! પવન નહીં સાચવે. એને ફુગ્ગાની જેમ ફૂલીને ઉડતું, ક્યારેક ઉડીને દૂર પડી જતું અટકાવવા ઈંટ મૂકી હોય તો એ ઈંટ ઉછળીને કાર ઉપર જ પડવી, એમાં ગોબા પડવા- આ બધું મારાથી નથી જોવાતું એટલે તો હું ઊંચે કાર પર બેસું છું. તું પણ સાચવતી હો તો લોકો બે રોટલી વધુ આપશે. એ બધા સારા માણસો છે.

ધોળી : ઓહો.. બહુ મોટો હારા માણહું વચ્ચે મોટો થયો. તઈં અમે શેરીમાં જન્મ્યાં એટલે ખરાબ માણસ? આ તારી વાંહે હાલી નોતી આવી. તું મને વાંહે લાળ્યું પાડતો લઇ આવેલો.
(બે પગ વચ્ચે માથું નાખી આંસુ લૂછે)

લાલિયો : અરે પણ.. એટલામાં રિસાઈ ગઈ ! હું તો સાચવીને બેસવા જ કહું છું.

ધોળી : તે ઈ લોકો કવરૂં હું લેવા ઢાંકે જ સે? આ હું ધોળી રુવાંટી વાળી સઉં તો જ તું મારી વાંહે ગાંડો થ્યો તો. એમ જિમ હારી કાર હોય ઇમ ઈને ચામડી ઇટલે કે પતરાં હોતી દેખાડવી હારી. કવર તો આજ છે ને કાલ નથ્ય.

લાલિયો : તે કાલે પણ કાર સારી રહે તો આપણે જ વધુ નિરાંતે બેસી શકશું. ભલે રહયાં કવર.

ધોળી : એ ઉપદેશ આલવા વાળા, જો ઓલો સાંઢ આવે સોસાયટીમાં. ભાગ.

(લાલિયો કવર નીચે લપાવા જાય છે, કવર ઊંચું થતું નથી એટલે પંજો મારી ખેંચે છે અને લીરો મોંમાં લઇ ફાડી કારને પંજાથી સ્ક્રેચ કરી કવર પાછળ લપાય છે. ધોળી બીજી ફાટેલાં કવરવાળી કાર પર ચડવા જાય છે અને કવર એના પગમાં ભરાય છે, તે પડે છે. ગુસ્સામાં એ કવર મોંએથી ફાડી ખેંચી લાંબા લિરા કરી નાખે છે.
લાલિયો : (ધીમેથી) અલી જો. સામેથી દોડી આવતા મોટા બળદનાં શીંગડાંમાં કવરનો ચીરો ભરાયો છે અને.. જો, એ ડરીને દોડતો ભાગવા જાય છે.
ધોળી : ( બીજી કાર પાછળ લપાઈને) લે જો. આ કવર ઇના મોઢા ઉપર ભરાઈ ગ્યું. ઘાંઘો થઈને દોડ્યો. લે જો તો? આ ઇ તો ઓલી ચાર બંગડી વાળી કાર સાથે અથડાયો. લે, જો, ઈ કારની સાઇડે મોટો ગોબો પઇડો.
ઓત્તારીની, ઓલું ફાટલું કવર ઈના મોં પર આવી ગ્યું,

(બળદ ભાંભરતો ભાગતો હોય એવો અવાજ.
ધોળી કવર ખેંચી ભાગે છે. લાલિયો બીજી બાજુથી નીકળી જોરથી ભસતો ભાગે છે ત્યાં કોઈ અજાણ્યું કૂતરું એક ખૂણે બે પગ વચ્ચે પૂંછડી દબાવી કાર પાસે ઉભેલી ધોળી કુતરી તરફ દોડે છે, એની સામે ભસતો લાલીયો કૂતરો પગથી જમીન ખોતરવા માંડે છે, આવેશમાં કૂદકો મારી બીજી કાર પર ચડી જાય છે. ફરી પગ ઘસતાં એનું નવું જ કવર સીધા પટ્ટામાં ફાટે છે. લાલિયો ફરી નીચેથી કવર ખેંચતો કૂદકો મારે છે અને એ નવા કુતરા સામે ધસે છે.

ધોળી: હાઈશ , બઇસી (બચી). એ આ કોઈ બાઈક આવી. હાલ પાછળ દોડું.
લાલિયો : અને સાચવીને. પેલો બળદ ડઘાઈને આગળ કોઈનો એંઠવાડ પડેલો સૂંઘતો ને ખાતો બળદ આપણા લોકો સામે જોઈ રહયો છે. પાછી છુપાઈ જા.
(ત્રણે કૂતરાં પગ ઘસતાં ભસવા લાગે છે. નવો કૂતરો પગ ઘસતો અને ભસતો આગળ ધસે છે. લાલીયો કૂતરો કૂતરીની આગળ રહી નવા કુતરા સામે પ્રતિકાર કરતો ભસે છે. કુતરી બે પગ વચ્ચે વધુ જોરથી પૂંછડું દબાવી થોડે દૂર ભાગતી એ નવા કુતરા સામે ભસાભસી કરી મુકે છે. નવો કૂતરો કૂદીને એક નવી નક્કોર લેન્ડ રોવર કારનાં પૈડાં પર પરાણે ઊંચો થાય છે. એ કાર સુંઘી, એના પર ચડી એ લોકો સામે ભસતો ચેલેન્જ આપે છે. પોતાની સરહદ બતાવવા ધોળી, લાલિયો એક એક કારનાં ટાયર પર પગ ઊંચો કરે છે, પેલો કૂતરો વટથી નવી કાર પર ચડી, બેસી વિજેતાની અદાથી તેમની સામે મોટેથી ભસ્યે રાખે છે અને આકાશ સામે જોવે છે.
પૂંછડી દબાવતાં નીચે ઉભી ધોળી અને લાલિયો તેની સામે ઘુરકયા કરે છે.

કારોના કવરોના લીરાઓ આમથી તેમ ઉડી રહ્યા છે.

-સુનીલ અંજારીયા