IB71
- રાકેશ ઠક્કર
દેશભક્તિના વિષય પરની ફિલ્મો દર્શકોને વધુ આકર્ષતી હોવાથી એની સફળતાની શક્યતા વધારે રહેતી હોય છે. એના પર નિર્માતા-નિર્દેશકો વધુ ફિલ્મો બનાવવા લાગ્યા છે. વિદ્યુત જામવાલની ‘IB71’ નો વિષય પણ બોક્સ ઓફિસ પર ચાલે એવો પાકિસ્તાન સામેના એક અવિશ્વસનીય મિશનનો અને દેશભક્તિનો હોવા છતાં કમનસીબે દર્શકો થિયેટરમાં આવ્યા નથી.
ભારત અને પાકિસ્તાન પર આધારિત ફિલ્મો વધુ પસંદ થાય છે. પણ ‘IB71’ એ વાત પર ખરી ઊતરતી હોવા છતાં એને એ લાભ મળ્યો નથી. ટ્રેડ સમીક્ષક તરણ આદર્શે તેથી એવો મુદ્દો ઉઠાવ્યો છે કે લોકો નેપો કિડની ફિલ્મોનો બહિષ્કાર કરવાની અને આઉટસાઇડરની ફિલ્મોને પ્રોત્સાહન આપવાની સોશિયલ મીડિયા પર વાતો કરે છે પણ ટિકિટ લઈને એમની ફિલ્મ જોવા જતા નથી. ફિલ્મ ‘IB71’ એનું તાજું ઉદાહરણ છે. વિદ્યુત જામવાલ એક સારો અભિનેતા છે અને આવા સપોર્ટને ડિઝર્વ કરે છે.
એમ પણ કહેવામાં આવ્યું છે કે જે વિદ્યુતની આવી ફિલ્મ જોતો નથી એને સિનેપ્રેમી કહી શકાય નહીં. ‘IB71’ એક ઉમદા ફિલ્મ છે. વિદ્યુતે લોકોનો એ ભ્રમ તોડવાનો પ્રયત્ન કર્યો છે કે તે વાર્તા વગરની માત્ર એક્શન ફિલ્મો જ કરતો નથી. તે એક્શન ઉપરાંત એક્ટિંગ પણ કરી શકે છે. આ સ્પાય થ્રીલરમાં એક ઇન્ટેલીજન્સ અધિકારીની ભૂમિકા સરસ રીતે ભજવી છે. તેણે બે કલાકની ફિલ્મને પહેલી વખત એક્શનને બદલે અભિનયથી ખેંચી બતાવી છે. ઓછા સંવાદ સાથે ચહેરાના ભાવથી એણે ઘણું વ્યક્ત કર્યું છે.
અનુપમ ખેર અનુભવી અભિનેતા છે અને પોતાની આઇબી ચીફની ભૂમિકાને પૂરો ન્યાય આપી જાય છે. વિશાલ જેઠવા ‘મર્દાની’ ફરી પ્રશંસા મેળવી જાય છે.
એમાં કોઈ બેમત નથી કે છેલ્લા કેટલાક સમયથી લોકોમાં દેશભક્તિની ફિલ્મોનો ક્રેઝ વધ્યો છે એને ધ્યાનમાં રાખીને જ વિદ્યુતે નિર્માતા બનીને અગાઉ ‘ગઝી એટેક’ બનાવનાર નિર્દેશક સંકલ્પ રેડ્ડી સાથે સાચી ઘટના પર આધારિત રોમાંચક ફિલ્મ ‘IB71’ આપી છે. જેમાં એક ભારતીય અધિકારી પાકિસ્તાનમાં ઘૂસીને એમના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવે છે.
વાર્તા એવી છે કે 1948 અને 1965 ના બે યુધ્ધમાં હારી ગયા પછી 1971 માં પાકિસ્તાન ભારતને મોટો ઝટકો આપવા માંગતુ હોય છે. એ માટે ચીન સાથેની મીલીભગતમાં તૈયારી કરી હોય છે. પાકિસ્તાનનો સામનો કરવા માટે ખુફિયા એજન્ટ દેવ (વિદ્યુત) ખુફિયા એજન્સીના ચીફ અવસ્થી (અનુપમ ખેર) ને એક ખતરનાક યોજના બતાવે છે. પરિસ્થિતિ એવી હોય છે કે ભારત પાસે બીજો કોઈ રસ્તો હોતો નથી. તે એક પ્લેનને હાઈજેક કરીને પાકિસ્તાન લઈ જાય છે. ભારત પોતાના આ મિશનમાં સફળ રહ્યું હતું કે નહીં એ જાણવા ફિલ્મ જોવી પડે એમ છે.
વિદ્યુતે એક્શન ફિલ્મને બદલે ગંભીર ફિલ્મ બનાવી છે એ કદાચ દર્શકોને પસંદ આવ્યું નથી. તેણે નિર્માતા તરીકેની પહેલી ફિલ્મમાં દેશના હીરોને સલામી આપી છે. નિર્દેશકે પોતે બીજા ચાર લેખકો સાથે મળીને વાર્તા રચી હોવા છતાં સ્ક્રીનપ્લે મજબૂત બન્યો નથી. કેટલીક વાતો બાલીશ લાગી શકે છે. કોઈ લવસ્ટોરી કે રોમાન્સ નહીં રાખીને નિર્દેશકે એના વિષયને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. એમણે 1970 ના દાયકાને પડદા પર ઊભો કર્યો છે. બીજી ફિલ્મોની જેમ મારધાડ નથી. વિદ્યુતના એક્શન દ્રશ્યો અલગ પ્રકારના છે.
પહેલો ભાગ ઠીક છે પણ બીજો ભાગ સારો બન્યો છે. છેલ્લે એક ભારતીય તરીકે ગર્વથી છાતી ફૂલે એવો અંત છે. આ એક એવા ગુમનામ વીર યોધ્ધાઓની વાર્તા છે જેમને ક્યારેય એમના બલિદાનનું શ્રેય મળ્યું નથી. ફિલ્મનો પ્રચાર હજુ વધુ થયો હોત તો દર્શકો સુધી આ ફિલ્મની વાત પહોંચી શકી હોત. ફિલ્મની વિરુધ્ધમાં એનું ટાઇટલ ‘IB71’ ગયું છે. ફિલ્મના વિષય પર આધારિત ભલે રાખ્યું હોય પણ એજ સરળ ટાઇટલ દર્શકોને વધારે આકર્ષી શક્યું હોત.