ૐ સરસ્વતી નમો નમઃ
લગ્ન. com વાર્તા ૭
વાપી ચાર રસ્તા પર આવેલી પેપીલોન હોટલમાં એસી વાળા ભાગમાં દીપીકા અને અજય લગ્ન ડોટ કોમ પર ફિક્સ થયેલી મીટીંગ માટે મળ્યા હતા. અજય મુંબઈથી દીપિકાને મળવા સવારની ગુજરાત એક્સપ્રેસ થી વાપી પહોંચ્યો હતો અને મીટીંગ કરી સાંજની સુરત ઇન્ટરસિટી થી પાછો મુંબઈ જવાનો હતો .
" મને ખૂબ ભૂખ લાગી છે અને ખાલી પેટ તો ભજન પણ ન થાય તો વાતો કેવી રીતે થશે એટલે પહેલા ઓર્ડર આપીએ " અજય ને ભૂખ લાગી હતી.
'' હા જરૂર ભૂખ તો મને પણ લાગી છે બોલો શું ખાશો ? " દીપિકાએ મેનુ અજય તરફ ખસેડતા કહ્યુ.
" તમે અહીં રહો છો આ જગા તમે પસંદ કરી છે એટલે અહીં શું સારું મળે છે તમને ખબર હશે એટલે તમે ઓર્ડર આપો બિલ હું આપીશ " અજયે જવાબ આપ્યો .
" બિલ તો હોટલ વાળો આપશે અને ચૂકવશું આપણે બંને અડધું અડધું " દીપિકાનો અવાજ જરા ઉપર ગયો .
" જેવી તમારી મરજી આપણે બિલ શેર કરશું પણ પહેલા ઓર્ડર આપો "
" તમને પનીર નું શાક ભાવે છે ? અહીં પનીરનું શાક ખુબ સરસ આવે છે "
" પનીર બટર મસાલા એ મારુ ફેવરેટ છે "
દીપિકાએ વેટર ને ઓર્ડર આપ્યો "એક પનીર બટર મસાલા એક દાલ ફ્રાય ચાર રૂમાલી રોટી બે મસાલા પાપડ અને બે છાશ ."
" જલદી લાવજે ભાઈ " અજય વિનંતી કરતા બાલ્યો.
બંને એકબીજાને જોઈ સ્માઈલ કરી રહ્યા . થોડીવાર માટે કોઈ કાંઈ બોલ્યું નહીં અજયે પાણીનો એક ગુટો પીધો અને પૂછ્યું " તમે આજે રજા લીધી છે ? "
" હા એટલે મીટીંગ નો ટાઈમ જ એવો હતો કે હાફ ડે પણ થાય નહીં અને મારે સવારે બેંકમાં પણ કામ હતું તો પૂરો દિવસ રજા લીધી છે આમ પણ મારી ઘણી બધી રજાઓ જમા છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી તમે પણ રજા લઈને આવ્યા છો ? "
" ના આજે અમારી ફેક્ટરી બંધ હોય છે હું જ્યાં વસઈ ફેક્ટરીમાં કામ કરું છું ત્યાં દર શુક્રવારે લોડ શેડીંગ હોય છે એટલે લાઈટ નથી હોતી એટલે ફેક્ટરી બંધ જ હોય છે "
" તમે નાનપણથી જ અનાથ આશ્રમમાં હતા કે … પછી " દીપિકાને પૂછતા થોડો સંકોચ થઈ રહ્યો હતો .
" અરે બિન્દાસ પૂછો અનાથ હોવુ એ કંઈ ગુનો થોડી છે . હું તમને મારી પૂરી વાત કરું. હું લગભગ 10 વર્ષનો હોઇશ ત્યારે મારા ગામમાં પૂર આવ્યું હતું. મારું ગામ કોંકણમાં રત્નાગીરી પાસે આવેલું છે પૂર આવ્યું ત્યારે હું સ્કૂલમાં હતો અને મારા મા બાપ ખેતરે કામ કરતા હતા . અમારુ ખેતર નદી કિનારે હતુ પુર મા મારા મા બાપ તણાઇ ગયા હુ સ્કૂલમાં હતો તો બચી ગયો . બીજુ કોઈ સગુ હતુ નહી એટલે મને પુના એક અનાથ આશ્રમમાં મોકલી દેવાયો . ત્યાં અઢાર વર્ષ સુધી રાખે છે એ લોકો મદદ કરે પણ તમારે આશ્રમ છોડવો પડે અને પોતાની જવાબદારી પોતે લેવી પડે . દિવસે જોબ કરતો અને રાત્રી કોલેજમા ભણી મેકેનીકલ એન્જીનીયર બન્યો વસઇમા ભાડાના ઘરમાં રહુ છું ૪૦ હજાર પગાર છે ગાડી ચાલે છે ." અજ્યે પોતાની વાત કરી.
" તમારા મા બાપ માટે મને દુઃખ છે . મને તો ખબર જ નથી મારા મા બાપ કોણ છે. જન્મયા બાદ તરત જ કોઈ મને જુનાગઢ માં આવેલા અનાથ આશ્રમ ની બહાર મૂકી ગયુ હતુ . આશ્રમમાં જ મોટી થઈ ત્યાંજ ભણી ત્યાં એક શાન્તીબેન હતા એમણે મારુ ખુબ ધ્યાન રાખ્યું .ત્યા પણ બારમાં ધોરણ સુધી રાખે છે પછી એક મહિલા આશ્રમમાં આશરો લીધો સીલાઈ કામ કરી ગુજરાન ચલાવતી ને સાથે B.com ભણી . છેલ્લા ત્રણ વર્ષથી અહીં જોબ કરુ છું ઈન્ટરનેશનલ કંપની છે ૩૦ હજાર પગાર છે અમે ત્રણ છોકરીઓ મળીને એક ભાડાના મકાનમાં રહીએ છીએ ." વાત કરતા દીપીકાની આંખો ભીની થઈ ગઈ .
અજ્યે દીપીકાને પાણીનો ગ્લાસ આપ્યો " જે સંજોગો આપણે બદલી નથી શકતા એનો અફ્સોસ કરવાનો અર્થ નથી . હવે જે છે એનો સ્વીકાર કરી આગળ વધવુ આપણા હાથમાં છે "
થોડીવાર માટે શાન્તી છવાઈ ગઈ " લગ્ન માટે આપણે વિચાર કરી એ તો … તમને મારી શરત તો ખબર છે ને ? કે હું માં બનવા માગુ છું પણ કોઈ બાળકને જન્મ આપવા માંગતી નથી " દીપીકા એ મૂળ વાત કરી .
" હા ખબર છે મને એ વાતથી કોઈ પ્રોબ્લેમ નથી પણ એના માટે કોઈ ખાસ કારણ ? જો તમારે કેહવું હોય તો જ " અજ્યને ખબર હતી આ વાત નીકળશે .
" એવું કોઈ ખાસ કારણ નથી બસ હું ઇચ્છુ છું કે એક્વાર સેટલ થઈ જાઉં મારુ પોતાનું ઘર થઈ જાય થોડા પૈસા ભેગા થાય પછી કોઈ આશ્રમમાંથી બાળકને દત્તક લઈ એની માં બનીશ " દીપીકાના ચેહરા પર સ્માઈલ હતી.
" ખુબ સુંદર વિચાર છે આ વિચારમા તમે મને તમારો સાથીદાર બનાવશો તો મને આનંદ થશે અને જો બને તો કોઈ ૧૦ ૧૨ વર્ષના બાળકને દતક લેશુ કેમકે બધા બે પાંચ વર્ષના બાળકોને દત્તક લે છે મોટા બાળકો કોઈ ને નથી જોઈતા " અજયની આંખો ભીની હતી.
બન્ને માથી કોઈ કાંઈ બોલી શ્ક્યું નહીં પણ આંખોથી હા થઈ ગઈ. ટેબલ પર જમવાનું આવી ગયું ને પેટ ભરી ને જમ્યા પછી ગુલાબ જાંબુ ખાઈ મો ગળ્યું કર્યુ .
લોકઃ સમસ્તાઃ સુખીનો ભવન્તું
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .