Jalpari ni Prem Kahaani - 9 in Gujarati Love Stories by Bhumika Gadhvi अद्रिका books and stories PDF | જલપરી ની પ્રેમ કહાની - 9

Featured Books
Categories
Share

જલપરી ની પ્રેમ કહાની - 9

આખી રાત વિશાલ અને મુકુલ બંને ભાઈઓ વાતો કરતા રહ્યા અને સવારે પાંચ વાગ્યે મુકુલ કોચિ જવા રવાના થઈ ગયો. પહેલી વાર ઘરથી અને ઘરના લોકોથી દૂર જઈ રહ્યો છે. ઘરમાં તો છેક સુધી બધાની સામે હિંમતભેર અડગ રહ્યો પણ પ્લેનમાં બેસતાં જ એ હવે પોતાની જાતને સંભાળી ના શક્યો તે રડી પડ્યો. તેની આંખો સમક્ષ મમ્મી, પપ્પા અને નાના ભાઈ વિશાલ નો એ રડમસ ચહેરો જ ફર્યા કરતો હતો. આસપાસ કોઈ જોઈ ના જાય તેમ એણે છૂપાઈને આંખો લૂછી લીધી. તે પોતાના મન ને મનાવવા લાગ્યો કે હિંમત તો રાખવી જ પડશે હવે.


જોત જોતામાં પ્લેન કોચિ ના એરપોર્ટ પર લેન્ડ થયું. મુકુલ એરપોર્ટની બહાર નીકળ્યો અને કોસ્ટ ગાર્ડ કેમ્પ સુધી પહોંચવા કેબ શોધવા લાગ્યો. એક કેબ કરી અને બેઠો 45 કિલોમીટર દૂર છે કેમ્પ પહોંચતા દોઢ કલાક થશે એવું ડ્રાઈવરે ઇંગ્લિશ માં મુકુલને કહ્યું.


મુકુલ કાર ની બારી માંથી કેરળનો સુંદર નજારો જોઈ રહ્યો છે. ઊંચા ઊંચા તોતિંગ નાળિયેરીના વૃક્ષો અને એની ઉપર ઢગલાબંધ લટકતા લીલાછમ નાળિયેર, થોડી થોડી દુરી પર આવતા નાના તળાવ એક દમ લીલોછમ પ્રદેશ. જોતાં જ આંખને ગમી જાય એવા દૃશ્ય અને પ્રદેશ. ડ્રાઈવરે તેની ભાષામાં ગીતો વગાડવાનું શરૂ કર્યું. થોડી વાર તો મુકુલ કંઈ ન બોલ્યો પણ પછી એના થી ના રહેવાયું એટલે એણે ડ્રાઈવર ને ઇંગ્લિશ માં ટકોર કરી, ભાઈ પ્લીઝ આ બંધ કરો ને મારું માથું બહું દુખે છે.


ગાડી ચાલતી રહી અને કેરળની હરિયાળી ને માણતા માણતા મુકુલ આખરે એની મંજિલ કોસ્ટ ગાર્ડ ના કેમ્પ સુધી પહોંચી ગયો.


બધાજ ડોક્યુમેન્ટ અને કોલ લેટર બતાવ્યા પછી તેને અંદર પ્રવેશ મળ્યો. તેને એક જગ્યા વિષે જાણવામાં આવ્યું જ્યાં બધા નવી ભરતી થયેલા કેંડીનેટે ભેગા થવાનું હતું. મુકુલ શોધતા શોધતા ત્યાં પહોંચી ગયો. બધાની ઓળખાણ થઈ, રુલ્સ જણાવવામાં આવ્યા અને અન્ય બીજી માહિતીઓ મળી.


આખરે દિવસ પસાર થઈ ગયો અને રાત થઈ ગઈ. ઉત્સુકતા એ હતી કે કાલે સવાર થી ટ્રેનિંગ વિધિવત શરૂ થશે. જોત જોતામાં સમય પસાર થઈ ગયો. ટ્રેનિંગ નો સમય ઘણો કઠિન હતો પણ પસાર થઈ ગયો આખરે એ દિવસ આવ્યો જે દિવસની બધાજ રાહ જોઈ રહ્યા હતા.


મુકુલ ને વર્ધી મળી ગઈ અને એનું પહેલું પોસ્ટિંગ પણ. મુકુલ ઘરે આવવા નીકળ્યો. હાજર થવા ને હજી 7 દિવસની વાર હતી આ દિવસો એને ઘરે ફેમિલી સાથે રહેવા મળ્યા હતા. એણે ઘરે કોઈને જણાવ્યું નહિ કે હું ઘરે આવું છું. એ બધાને સરપ્રાઇઝ આપવા માંગતો હતો. એ પ્લેન માંથી ઉતરી કેબ કરી ઘરે પહોંચ્યો ત્યાં સુધી રાતના આંઠ વાગી ગયા હતા. ઘરમાં આ સમય રાત્રિ ના જમવાનો હતો.


મુકુલે જાણી જોઈ ને આ રીતનો પ્લાન બનાવ્યો હતો કે એ રાત્રે જમવાના સમયે ઘરે પહોંચે એટલે એને બધાજ એક સાથે મળી જાય. એને બધાને એક સાથે મળવું હતું અને તે એ ખુશી ને મમ્મી, પપ્પા અને ભાઈના મોઢા ઉપર જોવા માંગતો હતો જે એના અચાનક ઘરે આવવાથી બધાને મળવાની હતી.


મુકુલ ધીરેથી ઘરમાં આવ્યો. ચોકીદાર ને પણ અવાજ ના થાય એવો ઈશારો કર્યો. સાંજના સમયે હંમેશા સંધ્યાની આરતી થી લઈને બધા જમી ના રહે ત્યાં સુધી ઘરનો મુખ્ય દરવાજો હંમેશા ખુલ્લો રહેતો.


મમ્મી મારું પણ જમવાનું પીરસી દેજો , બહું ભૂખ લાગી છે. મુકુલ અચાનક જ બોલ્યો. બધાના કાંનમાં એક સાથેજ અવાજ આવ્યો અને બધાને ક્ષણ વાર માટે એવું જ લાગ્યું કે તેમને આભાસ થઈ રહ્યો છે. મન પણ કેવું તરંગી છે એક જ ક્ષણમાં કેટકેટલું વિચારીલે. બધાં એ ઊંચું મોં કરી અવાજની દિશા તરફ જોયું તો સામે સાચેજ મુકુલ ઉભો હતો.


બધાને પોતાની આંખ પર વિશ્વાસ જ ના થયો. મુકુલ અચાનક ઘરે કેવી રીતે? તે આવે છે એવા સમાચાર પણ નહિ. બધાના મનમાં આજ વિચાર આવ્યો. મુકુલ ડાઇનિંગ ટેબલ નજીક આવ્યો અને બધા કંઇક સમજે એ પહેલાં જ કૃષ્ણકાંત ના પગે પડ્યો. દીર્ઘાયુથા દીકરા કહી કૃષ્ણકાંતે ખુરશી માંથી ઊભા થઈ મૂકૂલને ગળે વળગાડ્યો. બીજી જ ક્ષણે મુકુલ સ્મિતાબેન ની નજીક ગયો અને એમના પણ પગે પડ્યો.


સ્મિતાબેન ની આંખ તો હરખના આંસુએ ચોધાર વરસવા લાગી. તેમણે મુકુલ ના ગાલ પર અને કપાળ પર વ્હાલ થી ચુંબન કર્યાં. મારો દીકરો આવી ગયો,તને જોવા મારી આંખો તરસતી હતી. આ ઘરની દીવાલો ય તારી રાહ જોતી તી બેટા. સ્મિતા બેન નાતો હરખનો પાર ન રહ્યો.


વિશાલ પાછળથી આવીને મુકુલ ને વળગી પડ્યો. ભાઈ...ભાઈ...એના મોઢા ઉપર અનેરું તેજ આવી ગયું. સૌની ખુશી નો પાર ના રહ્યો. ભાઈ તમે જણાવ્યું પણ નહિ કે તમે આવી રહ્યા છો,હું તમને એરપોર્ટ પર લેવા આવી જાતને. હું પ્લેનમાં નહિ ટ્રેનમાં આવ્યો છું છોટે. ટ્રેનમાં કેમ ભાઈ? કેમ ના અવાય? હમમ અવાયને....વિશાલે મોં મચકોડીને કહ્યું.


સારું બધા સવાલ જવાબ પછી, મમ્મી મારું પણ જમવાનું પીરસિદો બહું ભૂખ લાગી છે અને એમાંય આજે તો મારા મમ્મીનાં હાથે પીરસેલું જમવાનું આહાહા.... એની તો વાત જ ના થાય. હા...હા ચાલ બેટા બેસી જા...કહેતા કહેતા સ્મિતાબેન થાળી પીરસવા લાગ્યા. તેં તારા આવવાના સમાચાર આપ્યા હોત તો મારા હાથે તારું ભાવતું બધું જ જમવાનું બનાવત બેટા. પણ તો તમને સરપ્રાઇઝ કેવી રીતે કરત મમ્મી.


જમવાનું પીરસાઈ ગયું અને મહિનાઓ પછી મુકુલ અને ઘરના બધાજ સભ્યો આજે એક સાથે ખુશી ખુશી સાથે જમવા બેઠા.



ક્રમશઃ...........