હસમુખભાઈ અને અજય થોડી ક્ષણ એમ જ એકમેકને ભેટી રહ્યા બાદ એ બંન્ને એક ચાની કીટલી પર ચા અને નાસ્તો કરવા જાય છે. હસમુખભાઈ ગાંઠિયા અને સેવખમણી ખાવાના શોખીન હતા. આથી એમની પસંદનો નાસ્તો કરાવવા અજય તેમને ચા ની કીટલી પર લઈ જાય છે. કોલેજથી છૂટીને વિદ્યાર્થીઓ પોતપોતાના ગ્રુપમાં ત્યાં બેસી નાસ્તો કરતા અને ત્યારબાદ છૂટાં પડતા હતા. આજે પહેલીવાર સરને પણ ત્યાં જોઈને એ લોકોને અચરજ તો થયું જ હતું. વિદ્યાર્થીઓની અંદરોઅંદરની વાતો હસમુખભાઈના કાને પણ પડી જ હતી. એમના શબ્દો કંઈક આવા હતા, "આ ખડુસ સર આજે અહીં? આજે સૂરજ ક્યાંથી ઉગ્યો છે? અરે જો તો સહી એના ચહેરે આજ થોડું હો થોડું જ આછું હાસ્ય પણ છે!' આવી મસ્તી કરતા કરતા તેઓ અંદરોઅંદર હસી રહ્યા હતા.
હસમુખભાઈને એમની વાત પર ગુસ્સો ન આવ્યો પણ તેમણે પણ યુવાનીમાં કરેલ મસ્તી તોફાન તેમને યાદ આવી ગયા હતા. એ દિવસોની યાદ આજે પણ એમનાં ચહેરે હાસ્ય લાવી ચૂકી હતી. હસમુખભાઈને હસતાં જોઈને અજયે પૂછી જ લીધું કે, "પપ્પા કેમ શું થયું? કેમ અચાનક હસો છો?"
હસમુખભાઈએ તરત કહ્યું, "દીકરા! મને યાદ છે કે અમે કેવા તોફાન કરતા હતા! રિસેસમાં ચોકનો ભૂકો ખુરશી પર વેરી દેતા અને જયારે સાહેબ એમના પર બેસીને ઉભા થતા ત્યારે આખો ક્લાસ હસતો અને ખુશ થતો કે સાહેબના કપડાં બગાડ્યા... તો વળી ક્યારેક સ્કૂલના ખાલી ડસ્ટબીનમાં તડાફડીની લૂમ ફોડતા... તો ક્યારેક શિક્ષકને ધ્યાન ન હોય એમ કેળાની છાલ તેઓ ચાલતા હોય અને અચાનક એમના પગ નીચે આવે એમ સરકાવી દેતા. હંમેશા પરાક્રમ અમે કરતાં અને માર મોટા વિદ્યાર્થીઓ ખાતા હતા. ક્યારેક તો સાહેબના હાથનો મેથીપાક ખાધો હોય તો ગુસ્સે થઈને કપડાંની ગળીની બોટલ પાણીની ટાંકીમાં ઠેલવી આવતા હતા. અને પછી મનોમન ખૂબ ખુશ થતાં હતા. ગજબની મજા કરતા હતા." આટલું બોલતા તેઓ ખડખડાટ હસવા જ લાગ્યા હતા.
અજયે એને ખડખડાટ હસતા પૂછી જ લીધું કે, 'પપ્પા! આવા તોફાન કરાય?'
હસમુખભાઈ તરત બોલ્યા, "ના દીકરા! ન જ કરાય પણ આ તો અત્યારે સમજાય પણ ત્યારે તો એ એક મજા કરવાનો મોકો હતો. ઉંમર પ્રમાણે અમુક મજા કરવી જ જોઈએ. એ પણ જીવનનો એક ભાગ જ છે. આવી નાની નાની વાતો જ તમારું જીવન રંગીન બનાવે છે. આવા તોફાન હું અત્યારે કરું તો કેવું લાગે? પછી પાછા તરત તેઓ જ બોલ્યા, "ચાન્સ મળે તો કરી જ લેવાય!" આમ બોલી ફરી તેઓ બંને ખડખડાટ હસી પડ્યા. આજ વર્ષો બાદ બંને આમ હસી રહ્યા હોય એવું બંને અનુભવી રહ્યા હતા. બંને માંથી કોઈને આ ક્ષણ બગાડવી નહોતી. આથી કોઈએ ગઈકાલની વાત ઉચ્ચારી જ નહીં.
આજની સંધ્યાનો કંઈક અલગ જ પ્રભાવ હતો,
એકમેકને સાચવી લેવાનો દિલનો આ કરાર હતો,
દિલની દરાર ભૂલી પ્રેમનો સ્વીકાર હતો,
મન આજે ખીલ્યું હતું એ નિઃસ્વાર્થ સાથનો પ્રભાવ હતો,
દોસ્ત! સાનિધ્યમાં ખીલેલ પ્રેમવાયરાનો આજે આવકાર હતો.
પિતા અને પુત્રના હળવા મિલને સમગ્ર વાતાવરણને સાવ સામાન્ય કરી આપ્યું હતું. કાલે જે બન્નેના મન ઉંચક હતા એ આજે સામાન્ય થઈ ગયા હતા. નાસ્તો કરી બન્ને કારમાં ગોઠવાઈ ગયા હતા. અજયે કારને મંદિર તરફ દોડાવી હતી. સંધ્યા આરતીનો ફરી લાવો અજયે પણ લીધો અને પપ્પાને પણ એ તક આપી હતી.
સમગ્ર વાતાવરણ આરતીની ગુંજને લીધે ભક્તિમાં ફેરવાઈ રહ્યું હતું. મીઠા શંખના સૂર દરેક જીવમાં જોમ પુરી રહ્યા હતા. એક અલગ જ મક્કમતા અહીંની ભૂમિમાંથી ઉર્જા પૂરી પાડી રહી હતી. નાના મોટા હર કોઈ ભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા. આજની ઉર્જામાં અજયમાં એક બદલાવ એને મહેસુસ થઈ રહ્યો હતો કે, જેના થકી એના મન પર જે ભાર હતો એ દૂર થયો હતો. પપ્પાને મનની વાત કેમ કરવી એ ભય એનો દૂર થયો હતો. કુદરત પણ આજે અજયને સામાન્ય રહેવા મદદ જ કરી રહી હતી.
હસમુખભાઈએ પણ પ્રભુને પ્રાર્થના કરી કે, 'હે પ્રભુ! મારા દીકરાને આમ જ ખુશ રાખજો. આજે એ જે સલાહ માંગે એના પ્રત્યુત્તરમાં મારા કાંઠે સરસ્વતીને બિરાજવા હું પ્રાર્થના કરું છું. મને જો કોઈ કડવા વેણ બોલવા પડે તો હું અચકાવ નહીં એવી હિમ્મત આપજો.'
અજય પોતાના પપ્પાને બહાર જમાડીને જ આજે ઘરે લાવ્યો. આજે ઘરે ટિફિન લેવાનું એણે ટાળ્યું હતું. બંને બાપ દીકરાએ આજે બહાર જ જમ્યું. ઘરે આવી બંને દિવાનખંડમાં બેઠા હતા. હવે બંને એજ રાહ જોઈ રહ્યા હતા કે, વાતનો દોર કેમ હાથમાં લાવવો! જીવનમાં કુદરતની ભેટ સમાન જ હોય છે પિતા અને પુત્રનો સબંધ, છતાં આજ આ બંનેના સબંધ એટલી હદે ખોખલા બની ગયા હતા કે વાત કેમ શરૂ કરવી એ તક શોધી રહ્યા હતા. આનાથી વિશેષ તો એમના જીવનનું મોટું દુઃખ શું હોઈ શકે? આમપણ જે સબંધમાં મુક્તમને વાત થતી બંધ થાય એ સંબંધ ધીરે ધીરે ખોખલો જ થતો જાય છે. સંબંધને સાચવવા મનમાં ભરીને રાખવું ઉચિત નથી જ. ક્યારેક અમુક અધૂરી વાતના લીધે આખું જીવન એક નહીં પણ બંને પક્ષે વેડફાઈ જતું હોય છે. આજે હસમુખભાઈ અને અજય વચ્ચે પણ આવું જ થયું છે.
હસમુખભાઈએ જ વાતનો દોર શરૂ કરતાં અજયને કહ્યું, "દીકરા! કાલે ફોન પર તું કંઈક વાત વિષે સલાહ લેવા ઈચ્છતો હતો ને! તો દીકરા મનમાં કંઈ પણ ઉચાટ રાખ્યા વિના તું મને પૂછી શકે છે."
અજય પણ જાણે આ તકની રાહ જ જોઈ રહ્યો હતો એમ એ તરત બોલી ઉઠ્યો, "હા પપ્પા! મારે એક બહુ જ મોટી વાતની ચર્ચા કરવી છે. પણ મારી એ વાતથી મેં મારા મમ્મી ગુમાવ્યા છે તો ક્યાંક..."
હસમુખભાઈ અજયની અધુરી વાતને સમજી જ ગયા હતા. એ બોલ્યા, "દીકરા! જીવન અને મૃત્યુ એ કુદરતે નિર્ધારેલું જ હોય છે. તું દુઃખ ન લગાડજે પણ દીકરા તારા પ્રશ્નથી તારા મમ્મીનું મૃત્યુ નથી થયું પણ એનું મૃત્યુ એના અહમ, જિદ્દી સ્વભાવ અને પોતાનું જ વેણ જળવાય એવી ખોટી વૃત્તિના લીધે જટિલપણાના લીધે થયું છે. એનાથી પોતાની મમતા કરતા અન્યની લાગણીનો અતિરેક એને પચ્યો નહોતો દીકરા! એ સદંતર ખોટો જ સ્વભાવ કહેવાય. દીકરાની ખુશી એ સર્વોપરી હોવી જોઈએ નહીં કે પોતાની વાતનું વર્ચસ્વ અથવા તો અહમ.. એ જટિલ સ્વભાવની સ્ત્રી હતી. મારી ધર્મપત્ની હતી. હું આવું એના સ્વર્ગસ્થ થયા બાદ બોલું એ મારે મન પણ પાપ જ છે પણ બેટા! તારી આંખ પરથી હવે તો તું પડદો હટાવ! હું એવું બિલકુલ નથી કહેવા ઈચ્છતો કે તું એનું માન ન રાખ, માતા માટે આવી લાગણી હોવી જ જોઈએ પણ એ લાગણી અન્ય દરેક સંબંધ છીનવી લે એ જરાય યોગ્ય ન જ કહેવાય! એ માતાની મમતામાં પણ ખોટ જ કહેવાય કે, જે ફક્ત પોતાના જ અહમને સંતોષતી રહે એને પુત્ર માટે શું ઉચિત એ પણ નજર ન આવે.. દીકરા! હું આજ દિવસ ચૂપ રહ્યો કારણ કે, તારી જેમ મેં પણ તારી મમ્મીને એટલો જ પ્રેમ કર્યો છે અને હું જાણતો હતો કે, હું તને સમજાવીશ એટલે તમારા બંનેના સબંધ નોર્મલ ન જ રહે. વળી, એક ડર એ પણ હતો કે, ક્યાંક તું મને સમજી ન શકે અને મારાથી દૂર થઈ જાય તો? બસ એ વાત મારા મનમાં એટલી પ્રભાવ પાડીને બેઠી હતી કે, હું તને કંઈ જ કહેવા ડરતો હતો. પણ આજે હું બિલકુલ સ્વચ્છ મને તને પૂછું છું, કે તું શું ઈચ્છે છે? એ તું કહે. તારી જિંદગી તું તારી મરજીથી જીવ. દીકરા! તારું આવું જીવન મારાથી નથી જોઈ શકાતું. આટલું બોલતા હસમુખભાઈનો અવાજ ગળગળો થઈ ગયો હતો. એ આગળ કંઈ બોલી શકે એમ નહોતું. એમની આંખોમાં ભીનાશ છવાઈ ગઈ હતી.'
અજયે આજે પહેલીવાર પપ્પાને આમ છૂટથી વાત કરતા જોયા હતા. એમનું આ લાગણીશીલ રૂપ જોઈને એ એકદમ પીગળી ગયો અને પપ્પાને ભેટી પડ્યો હતો.
શું બદલાવ આવશે આ ગજ્જર પરીવારમાં? સ્તુતી નું ઋણાનુબંધ નો પ્રીતી સાથે શું હશે સંબંધ? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે... આપના પ્રતીભાવ આપતા રહેશો.
વાચકમિત્રો આપના પ્રતિભાવો મને લેખન લખવા ખુબ પ્રોત્સાહિત કરે છે તો પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં.. એ સાથે જ જય શ્રી રાધેક્રિષ્ના🙏🏻