Runanubandh - 2 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ઋણાનુબંધ - 2

Featured Books
Categories
Share

ઋણાનુબંધ - 2

અજય મંદિરના પટાંગણે એમ પિલરના ટેકે બેઠો કે ભગવાનની સમક્ષ એ પોતાની નજર રાખી શકે. અજયે આંખને પટપટાવ્યા વગર એક નજરે જ પ્રભુની આંખમાં આંખ પરોવી એમની પાસેથી પોતાની પરિસ્થિતિને સાચવવા ઉર્જા લઈ રહ્યો હોય એમ પ્રભુના દર્શન કરી રહ્યો હતો. અચાનક અજયને પોતાની મમ્મીની છબિ પ્રભુમાં તરવરી ઉઠી. અજયની અત્યાર સુધી સાચવી રાખેલી આંખ પરની પાળ તૂટીને આંસુ સરકીને એના ગાલને સ્પર્શ કરતા વહેવા લાગ્યા. અજય માટે એના મમ્મીનું સ્થાન ભગવાન તુલ્ય જ હતું, કદાચ એથી વિશેષ કહીએ તો પણ ખોટું નથી જ. પ્રભુને ક્યારેય પ્રત્યક્ષ એણે મહેસૂસ નહોતા કર્યા, પણ એના મમ્મીની દરેક લાગણી, સ્નેહ, હૂંફને એણે અનુભવી હતી. આજે અજયના મમ્મી સીમાબહેન ગુજરી ગયાને એક વર્ષ જેવું થવા આવ્યું. સીમાબહેનની ગેરહાજરી જ કદાચ આજે અજયને મંદિર સુધી ખેંચી લાવી હતી.

અજયને એની મમ્મીની છબિ પ્રભુમાં દેખાતા એ એકદમ ભાવુક થઈ ગયો હતો. પોતાની મમ્મીની હાજરી કદાચ આજે પણ હોત જો એણે ગયા જૂન મહિનામાં મમ્મી સમક્ષ પોતાની લાગણી છુપાવી રાખી હોત. આમ પણ એ નાનપણથી જ પોતાની ઈચ્છાઓને દબાવતો જ તો આવ્યો હતો! હંમેશા એના મમ્મીની જ વાતને પ્રાધાન્ય તો આપ્યું હતું! અને એમ કરવું એને ઉચિત જ લાગતું હતું કારણ કે, એ પોતાની મમ્મીને પ્રભુ કરતા પણ વિશેષ સ્થાને રાખતો હતો અને પ્રભુ ક્યારેય કોઈ નિર્ણય ખોટા ન જ લે એ મક્કમપણે આંધળો વિશ્વાસ અજય રાખતો હતો.

અજયને વિચારોના પ્રહારે આજ ખૂબ વિચલિત કરી નાખ્યો હતો. સીમાબેન જોડે થયેલ અંતિમ ક્ષણના સંવાદો એના માનસપટલ પર એક પછી એક પિક્ચરની રીલ માફક નજર સમક્ષ તરવરી રહ્યા હતા.

અજયે સ્તુતિને પોતાના જીવનમાં લાવવાની વાત સીમાબહેન સમક્ષ રજૂ કરી હતી. બસ, આજ વાત સીમાબહેન સહી શક્યા નહોતા. એમને આ પ્રશ્નનો એટલો બધો આઘાત લાગ્યો હતો કે, તેઓ ખૂબ સમસમી ગયા હતા. પોતાના આધેડ વયે પહોંચેલા પુત્રને હવે એ ક્યાં શબ્દોથી સમજાવે એ રસ્તો એમની પાસે રહ્યો નહોતો. આ પ્રશ્નનો છતાં એમને પ્રત્યુત્તર એમના દીકરાને આપતા કહ્યું, 'જો બેટા! જે પોતાનું છે એ ભાગ્યમાં રહેવાનું જ છે પણ જે પોતાનું નથી એ ભાગ્યથી દૂર જ જવાનું છે. સ્તુતિ તારા જીવનમાં નથી જ આથી જ તો એ તારાથી દૂર છે. તારા જીવનમાં હોવા છતાં એ તારી સાથે નથી એ વાત જ એની પૂર્તિ કરે છે કે, એ તારું ઋણાનુબંધ સંબંધ નથી જ..

સીમાબહેનની વાતને પહેલી વખત અજય અધવચ્ચેથી જ તોડતાં બોલ્યો, 'મમ્મી તમે એમ કેમ નથી વિચારતા કે, એ ઋણાનુબંધ હજુ પણ અકબંધ જ છે. એનું નામ મારા નામ સાથે જ હજુ પણ જોડાયેલ છે જ... આજે પણ એના નામની પાછળ મારું નામ યથાવત છે. આજ ઋણાનુબંધ મને પણ એની પ્રગતિની સાથોસાથ ગર્વની અનુભૂતિ કરાવે છે. આટલું ઋણાનુબંધ એ ઓછું કહેવાય તમે જ કહો ને મમ્મી?'

સીમાબેનનો આજ સુધી સંતોષાયેલ અહમ અચાનક પુત્રના પ્રશ્નોથી ધડાધડ તૂટી રહ્યો હતો. સીમાબેનને કાપો તો લોહી પણ ન નીકળે એવી સ્તબ્ધ એની હાલત થીજી ગઈ હોય એમ એ અવાચક હાલતમાં બેસી રહ્યા. સીમાબેન જાણતાં જ હતા કે, કે એમનો પુત્ર એ કહે એમ જ કરે છે અને કરતો પણ રહેશે છતાં પણ આજે પુત્રને પહેલી વખત અધૂરી વાતે સામો પ્રશ્ન કરવો સહન નહોતો થતો. સીમાબહેનને લાગ્યું કે, પોતાની મમતા કરતા પ્રીતિની પ્રીત આજ ચડિયાતી થઈ હોય એવું એ અનુભવી રહ્યા હતા. આજે પોતાનો અહમ જે હંમેશા સંતોષાયો જ એ જાણે પ્રીતિની પ્રીત સામે ખોખલો બની ગયો હતો. અજય ભલે એની ઈચ્છા મુજબ જ જીવ્યો પણ મહત્તમ સ્નેહ દૂર રહીને પણ પ્રીતિની પ્રીત અજયને તેની તરફ સત્ય તરફ પલટાતી સીમાબહેને અનુભવી જ લીધી હતી. સીમાબહેનને જે તકલીફ પોતાના પુત્રને સમજવામાં પડી એથી વિશેષ પીડા અજયના પ્રીતિ તરફના ઝુકાવથી પડી હતી. સીમાબેન એ જાણી જ ચૂક્યાં કે, સ્તુતિના ફરી અજયના જીવનમાં આગમન થતાં પ્રીતિ પણ અનાયાસે એના પુત્રના જીવનમાં ફરી પગરવ કરશે જ. બસ આજ વાત સીમાબેનથી સહન નહોતી થતી, અનુભવથી એ આખી વાત એક જ પ્રશ્નમાં જાણી ચૂક્યા હતા. જે તેમને ક્યારેય આજીવન મંજૂર નહોતું જ.. આથી જ તેઓ સ્તબ્ધ થઈ બેસી રહ્યા.

અજય આજે પોતાના મમ્મીને આમ ચૂપ બેઠેલા જોઈ શકે એવી સ્થિતિમાં જ નહોતો. એને પોતાના મમ્મીને ફરી પૂછ્યું, "મમ્મી! તમે સાંભળો તો છો ને? મેં તમને કંઈક પૂછ્યું..."

સીમાબેન ચૂપ રહીને પોતાના અહમને જાતે જ સંતોષી રહ્યા હતા, કારણ કે આજે પુત્ર એમના અહમને એક પછી એક પ્રશ્નોથી ચોટદાર ઠેસ પહોંચાડી રહ્યો હતો. તેઓ હજુ પણ એમ જ ચૂપ ધીરગંભીર ચહેરે લાલઘુમ આંખો રાખી બેસી જ રહ્યા હતા.

અજય આજે પોતાની લાગણી કહ્યા વિના રહી શકે એમ બિલકુલ નહોતો જ. આમ પણ વર્ષોથી એ પોતાની લાગણીને દબાવીને જ રહ્યો હતો. આ એનું જ પરિણામ હતું કે, એ લાગણી સ્પ્રિંગની જેમ ઉછળી હતી. તેણે મમ્મીને કહ્યું,"શું મને મારા જીવનમાં મારી મરજીથી જીવવાનો કોઈ જ હક નથી? મને પણ લાગણીઓની અસર થતી હોય છે. એ હું કદાચ પામું તો હું શું ખોટું કરું છું? હું કોઈ પહેલી વ્યક્તિ થોડી છું જે લાગણીવશ આ બોલું છું? બધા જ પોતાની ઈચ્છા મુજબ જીવે છે, હું પણ મારી ઈચ્છાને મારીને હવે જીવી શકું એમ નથી. તમે જ કહો ને મારી વાત ખોટી છે?"

સીમાબહેન બધું જ સાંભળતા હતા અને સમજતાં પણ હતા. આથી જ પુત્રના કોઈ જ પ્રશ્નનો જવાબ ન આપતા એ ફક્ત ગુસ્સાવાળા ચહેરે જ આપી મૌન બેઠા હતા. જે ખોટું જ હતું પણ પોતાના આત્મસંતોષ માટે એમને એવું કરવું જ યોગ્ય લાગ્યું હતું.

સીમાબહેનનું આવું વર્તન આજે અજયને પણ ન જ ગમ્યું. એ આમ મમ્મીનું ચૂપ રહેવું સહન ન જ કરી શક્યો. એ ગુસ્સામાં પગ પછાડતો કોલેજ જવા સડસડાટ ત્યાંથી નીકળી ગયો હતો.

અજય આજે લાગણી અને ગુસ્સાના પ્રતાપે કાર ચલાવવામાં જરા પણ ધ્યાન રાખી શકતો નહોતો અને તેનું એક અન્ય કાર સાથે એક્સિડન્ટ થઈ ગયું. સામાન્ય ઈજા થઈ હતી અને તે હોસ્પિટલ પણ પહોંચી ગયો હતો. અજયે પોતાના પપ્પા હસમુખભાઈને ઍક્સિડન્ટની હકીકત જણાવી અને ચિંતા ન કરવા કહ્યું અને એ ફરી કોલેજ પહોંચી ગયો છે એમ પણ જાણ કરી હતી.

હસમુખભાઈ તેમના ધર્મ પત્ની સીમાબેન પાસે આવ્યા અને અજય સાથે જે વાત થઈ એ એમને કહી સાથોસાથ એમ પણ બોલ્યા કે, સીમા ક્યાં સુધી તું અજયને તારી સીમામાં બાંધીને રાખીશ? મુક્ત કર તારા ખોખલા લાગણીના બંધનમાંથી. એને સત્યથી ક્યાં સુધી તું દૂર ધકેલતી રહીશ? આટલું કહી એ પણ મંદિર જવા નીકળી ગયા.

સીમાબેન ઘરમાં એકલા પડ્યા. પોતાની જાતને આ પરિસ્થિતિમાં સાચવવા એમણે પોતાની દીકરી ભાવિનીને ફોન કર્યો હતો.

ભાવિની પણ આજે મમ્મીને હકીકતને સ્વીકારવા સમજાવી રહી. એ બોલી, "મમ્મી! આમ જોવા જઈએ તો ભાઈ સાચું જ કહે છે. એને હવે તું એ ઈચ્છે એમ નિર્ણય લેવા મુક્ત કર. મમ્મી ખોટું ન લગાડતી પણ તારા સાથ પછી એને કોઈકનો સાથ તો જીવન જીવવા જોશે જ ને! મમ્મી તું શાંતિથી વિચારજે. હું ફરી સાંજે ફોન કરીશ. મારે ઘરે પણ ગેસ્ટ છે તો હું આરામથી પછી વાત કરું." આટલી વાત કરી ભાવિનીએ પણ ફોન મૂકી દીધો હતો.

સીમાબહેનને પોતાના પતિના શબ્દો, 'ક્યાં સુધી તું અજયને તારી સીમામાં બાંધીને રાખીશ? એને મુક્ત કર.' અને પોતાની દીકરીના શબ્દો, 'મમ્મી ભાઈને પોતાના નિર્ણય લેવા હવે મુક્ત કર.' આ બંને વાક્યો ચાકુના ઘા સમાન સીમાબેનના હૃદયે ભોંકાયા હતા.

સીમાબેન મનોમન વિચારી રહ્યા કે, અજાણતાં જ મેં જ મારા દીકરાની જિંદગી બગાડી છે. મેં જ એને અત્યાર સુધી એના સુખથી અળગો રાખ્યો છે. હું ઈચ્છત તો એ જરૂર અન્ય લોકોની જેમ જ રાજીખુશીથી પોતાનું જીવન જીવ્યો હોત જ ને! આજે દીકરાની ખુશી કરતા એને પોતાનો અહમ વિશેષ દેખાઈ રહ્યો હતો. કહેવાય છે ને કે, માનવીની ભૂલો માનવી સ્વીકારે ત્યાં સુધી તો બહુ મોડું થઈ ગયું હોય છે. બસ, આવું જ સીમાબેન સાથે થયું. તેમને તો કુદરતે એમની ભૂલ સ્વીકારી માફી માંગવાનો મોકો પણ ન આપ્યો. સીમાબેનને થયું કે, આજે મારા દીકરાને કેટલી તકલીફ થઈ! હું એને કંઈક જવાબ આપી દેત તો શું ખોટું થાત? એ આ એક્સિડન્ટમાં બચી ગયો. ન કરે ને વધુ કંઈક એને ઈજા થાત તો એનું કારણ એક માત્ર હું જ હતી. આ વાત એમને એટલી અસર કરી ગઈ કે, સીમાબેનને એકદમ જોરદાર હૃદયનો હુમલો આવ્યો હતો. હુમલો એટલો તીવ્ર હતો કે અંત સમયે એની સમક્ષ કોઈ જ ન હતું અને છેલ્લા શ્વાસે એમને કોઈના હાથનું પાણી પણ નસીબમાં ન મળ્યું કે ન કોઈનું ક્ષણિક સાનિધ્ય! એક ઝાટકે એમનો આત્મા અતૃપ્ત રહી પંચતત્વમાં વિલીન થઈ ગયો.

અજયની આંખ હજુ પ્રભુમાં જ લીન આ દરેક વાતને પચાવવાની ઉર્જા મેળવી રહી હતી. મંદિરના પૂજારી આરતીની થાળી લઈને આવ્યા અને અજયની ભૂતકાળની ઘટનાનો દર્દને એક સેકન્ડમાં દૂર હડસેલી વર્તમાનમાં લઈ આવતાં બોલ્યા, "બેટા! આરતી લે." અજય આરતી લઈને પોતાની આંખોને સ્પર્શે છે. અને મનોમન એક નિર્ણય કરે છે. એ નિર્ણય લેતાં જ જાણે એને કોઈક શક્તિ મળી હોય એમ થોડી તેને રાહત થાય છે.

અજયના જીવનમાં પ્રીતિ અને સ્તુતિ સાથેનું શું છે ઋણાનુબંધ? તેમજ અજય શું નિર્ણય લે છે એ જાણવા જોડાયેલા રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ