Bhootno Bhay - 5 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | ભૂતનો ભય - 5

Featured Books
Categories
Share

ભૂતનો ભય - 5

ભૂતનો ભય

-રાકેશ ઠક્કર

માતાનો અભિનય

આલવીને જ્યારે ડાયરેક્ટર જોમિલની નવી ફિલ્મ ભૂતનો ઓછાયો મળી ત્યારે એ સાચા અર્થમાં રાજીની રેડ થઈ ગઈ હતી. એના ગોરા ગાલ ખુશીથી હસીને લાલ થયા હતા. પરંતુ જ્યારે જોમિલે એક શરત મૂકી ત્યારે એ મૂંઝવણમાં મુકાઇ ગઈ હતી. એને થયું કે આ ફિલ્મ તેના હાથમાંથી જતી રહેશે. એ જોમિલની પરીક્ષામાં પાસ થઈ શકશે નહીં.

આલવીની માતા સવિના ભાટીએ જ ડાયરેક્ટર જોમિલને આ ફિલ્મ આલવીને આપવા દબાણ કર્યું હતું. સવિના ચાહતી હતી કે એની પુત્રીની ફિલ્મોમાં એન્ટ્રી એક મહિલા પ્રધાન ફિલ્મથી થાય અને એની અભિનય પ્રતિભા પહેલી ફિલ્મથી જ સાબિત થઈ જાય. જોમિલે સવિના સામે એક શરત રાખી હતી કે એ અલગ રીતે આલવીનો સ્ક્રીન ટેસ્ટ લેશે. એ ફિલ્મનું એક મહત્વનું દ્રશ્ય સૌપ્રથમ એને ભજવવા આપશે. જો એ એક જ ટેકમાં ઓકે થઈ જશે તો સાઇન કરી લેશે અને એ જ દ્રશ્યને ફિલ્મમાં રાખશે. સવિના જાણતી હતી કે જોમિલની ફિલ્મમાં અભિનય કરવાનું કામ લોઢાના ચણા ખાવા જેટલું મુશ્કેલ છે. બીજા નિર્દેશકો નવી પ્રવેશતી છોકરીના વધારેમાં વધારે કેટલા કપડાં ઉતારી શકાય એની ફિરાકમાં રહેતા હોય છે ત્યારે જોમિલ છોકરી પાસે વધારેમાં વધારે સારો અભિનય કરાવવાનો આગ્રહ રાખતા હોય છે. સવિનાએ જોમિલની શરત સ્વીકારીને સમય માગી લીધો હતો.

સવિનાએ આલવીને એક્ટિંગ સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો હતો પણ હવે એ બધી સ્કૂલ નામની જ રહી ગઈ હતી. આજકાલની ફિલ્મોમાં અભિનયને બદલે અંગપ્રદર્શન અને ડાન્સ પર વધારે જોર આપવામાં આવતું હોવાથી એમાં જ હોશિયાર બનાવતા હતા. હવે પોતે જ એને તૈયાર કરવી પડે એમ હતી.

આલવીએ જ્યારે પોતાના સ્ક્રીન ટેસ્ટ તરીકે જોમિલે આપેલા સીન વાંચ્યા ત્યારે એ ધ્રૂજી ગઈ. એક તો હોરર ફિલ્મ હતી અને એ દ્રશ્ય રડતાં રડતાં કરવાનું હતું. ચહેરા પર જાતજાતના ભાવ લાવવાના હતા. સંવાદનું મોડ્યુલેશન પણ કરવાનું હતું. જે ભાવ ચહેરા પર આવે એ અવાજમાં પણ આવે એ જરૂરી હતું. જો જરાક ભૂલ થાય તો આલવીના હાથમાંથી આ સારી ફિલ્મ જ નહીં અભિનયમાં કારકિર્દી બનાવવાની તક ગુમાવી બેસે એમ હતી.

સવિનાએ આલવીને દ્રશ્ય ભજવવવાનું શીખવવાનું શરૂ કરી દીધું હતું. દ્રશ્ય એવું હતું કે ફિલ્મમાં આલવીની માતા મરી જાય છે અને ભૂત થઈને એને મળવા આવે છે. ત્યારે પોતાની આપવીતી કહે છે એ સાંભળીને આલવી થથરી જાય છે. કેમકે એ એજ વ્યક્તિ હોય છે જેણે એની મા પછી પોતાને ફસાવી હોય છે. આલવી પોતાનો જે હશ્ર થવાનો હોય છે એની કલ્પના કરીને ગભરાઈ જાય છે. સવિનાએ એને એ દ્રશ્ય ભજવીને પહેલી વખત શીખવ્યું ત્યારે એ હસી પડી. અને પોતે પણ એ દ્રશ્ય ભજવતી વખતે હસી પડતી હતી. અને કહેતી હતી કે મને આ વાત જ બાલિશ લાગે છે. આવું તે કંઇ બનતું હશે! સવિનાએ એને ઘણી વખત કહ્યું કે કલાકારે દરેક દ્રશ્યમાં એનો આત્મા રેડવો પડતો હોય છે. પોતે અમસ્તા ફિલ્મોનિયાના આઠ એવોર્ડ મેળવ્યા નથી. ત્યારે આલવી એની વાતને હસીને ઉડાવવા લાગી કે ભૂતના પાત્રમાં કંઇ જીવ થોડો રેડી દેવાનો હોય?

સવિનાએ પૂરા અગિયાર દિવસની સખત મહેનત અને આલવી સાથે સખ્તાઈ કરીને એને દ્રશ્ય ભજવતી કરી દીધી હતી. પરંતુ એના અભિનયમાં જીવ આવતો ન હતો. એમ કરતાં એ દિવસ આવી ગયો જ્યારે આલવીએ સ્ક્રીન ટેસ્ટ માટે જોમિલને ત્યાં જવાનું હતું. સવિનાએ પહેલાંથી જ નક્કી કર્યું હતું કે તે હાજર રહેશે નહીં. કેમકે આલવીનું ધ્યાન ભટકી શકે છે. બીજું અંદરખાને એને પૂરી શંકા હતી કે આલવી દ્રશ્યને ન્યાય આપી શકશે નહીં અને જોમિલ સામે નીચાજોણું થશે.

બપોરે એક વાગે આલવીને નીકળવાનું હતું ત્યાં સુધી સવિના એને શીખવતી રહી. આલવી કરતાં અનેક વખત વધારે સવિના એ દ્રશ્યને ભજવી ચૂકી હતી. સવિનાને થયું કે પોતાને એ દ્રશ્ય ભજવવાનું હોત તો આટલી મહેનત કરવાની જરૂર પડી ના હોત. પછી પોતે પણ નવી હતી ત્યારે ભૂલો કરતી હતી એ યાદ આવી ગયું. આજે એ દ્રશ્યને વારંવાર ભજવવા સવિના અનેક વખત રડી હતી. એણે આલવીને શીખવ્યું કે ગ્લીસરીન વગર આંખમાં પાણી આવી જાય તો એ અભિનય સાચો કહેવાય. એ દ્રશ્યની કલ્પના કરીને કરવાથી એમાં આપણો જીવ પરોવાય છે. આજે સવિનાએ એટલી બધી વખત કુદરતી રીતે રડી લીધું કે એની આંખમાં પાણી સુકાઈ ગયા. આલવી સફળ થશે કે નહીં એની ચિંતામાં એના દિલની ધડકન વધી ગઈ. તેને થયું કે લોકો ભલે કહેતા હોય કે મોરના ઇંડાને ચીતરવા ના પડે પણ બધી વખત એ કહેવત સાચી પડતી નથી.

સવિના છેલ્લી વખત શીખવીને એટલી થાકી ગઈ કે પોતાના રૂમમાં આરામ કરવા જતી રહી. આલવી જતી વખતે માને મળવા ગઈ ત્યારે એ ઊંઘતી હોવાથી પગે લાગીને નીકળી ગઈ. એનું દિલ પણ ધક ધક કરી રહ્યું હતું. એને પોતાની જાત પર વિશ્વાસ ન હતો. ફિલ્મ મળી ત્યારે બહુ ખુશી થઈ હતી પણ શરતનું પાલન કરતાં નાકે દમ આવી ગયો હતો.

આલવી સેટ પર પહોંચી ત્યારે બધું તૈયાર હતું. એક જ દ્રશ્ય એને ફિલ્મોમાં પ્રવેશની ટિકિટ આપવાનું હતું. આ દ્રશ્ય કરવામાં તે નિષ્ફળ રહી તો પોતાનું જ નહીં માનું પણ નામ બદનામ થવાનું હતું. આલવીએ અભિનય શરૂ કરતાં પહેલાં ભગવાનને પ્રાર્થના કરીને શક્તિ માંગી અને પછી માને યાદ કરી કહ્યું:મા મને મદદ કરજે...

જોમિલે એક્શન કહ્યું અને આલવીએ દ્રશ્ય ભજવવાનું શરૂ કર્યું. આલવીએ પાંચ મિનિટના એ દ્રશ્યમાં ખરેખર જીવ રેડી દીધો. દરેક દ્રશ્યમાં ભાવ આપ્યા. એને ગ્લીસરીનની જરૂર જ ના પડી. જોમિલે એને તાળીઓથી વધાવી લીધી. એમની અપેક્ષા કરતાં આલવીએ વધુ સારો અભિનય કર્યો હતો. આલવીને થયું કે પોતે માના માર્ગદર્શન અને આશીર્વાદથી જ આ દ્રશ્ય ભજવી શકી છે. બાકી એની આવી કોઈ ઓકાત નથી. એણે માને ફોન કરીને ખુશખબર આપવાને બદલે રૂબરૂ કહેવાનું નક્કી કર્યું.

આલવી ઘરે પહોંચી ત્યારે સવિના હજુ ઊંઘતી જ હતી. એણે હવે માને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો. પણ ઢંઢોળતી વખતે એને ખ્યાલ આવ્યો કે માના ખોળિયામાં જીવ જ નથી. એ બહુ રડી પણ મા પાછી આવી શકે એમ ન હતી. એ માને જે ખુશીના સમાચાર આપવા માગતી હતી એ હવે આપી શકે એમ ન હતી.

ડૉકટરે તપાસ કરીને કહ્યું કે સવિનાનું હ્રદયરોગના હુમલાથી અવસાન થયું છે. આલવીને ખ્યાલ આવી ગયો કે પોતાની કારકિર્દીની ચિંતામાં એ બહુ ટેન્શનમાં આવી ગઈ હશે અને એટેક આવી ગયો હશે.

સવિનાને અગ્નિદાહ અપાઈ ગયા પછી આલવી ઘરે આવી અને માની તસવીર સામે જોઈ રહી. એને લાગ્યું કે મા તસવીરમાં એને ફિલ્મ મળવાની ખુશીમાં સ્મિત ફરકાવી રહી છે. આલવીએ નક્કી કર્યું કે એ અભિનયમાં હજુ સખત મહેનત કરશે અને માનું નામ રોશન કરશે. ત્યારે આલવીને ખબર ન હતી કે એણે જે દ્રશ્ય ભજવ્યું એ અસલમાં સવિનાના આત્માએ કર્યું હતું. આલવીને શીખવીને સવિના આરામ કરવા ગઈ ત્યારે એને ખ્યાલ આવી ગયો કે આલવી દ્રશ્યને ન્યાય આપી શકશે નહીં અને કારકિર્દી શરૂ થતાં પહેલાં જ નિષ્ફળ રહેશે. ચિંતામાં ને ચિંતામાં સવિનાને હાર્ટ એટેકનો હુમલો આવી ગયો અને જીવ નીકળી ગયો. પણ એનો આત્મા આલવીની આસપાસ ભટકવા લાગ્યો હતો. દ્રશ્ય ભજવતા પહેલાં આલવીએ એને યાદ કરી ત્યારે સવિનાનો આત્મા એનામાં આવી ગયો અને એ દ્રશ્ય સવિનાએ જ ભજવ્યું હતું. એ વાતની બીજા કોઈને તો ઠીક આલવીને પણ ક્યારેય ખબર પાડવાની ન હતી.