"લવ યુ યાર" ભાગ-10
સાંવરી રસ્તામાં ઘરે જતાં જતાં વિચારે છે કે, કેવો છે મિતાંશ નહિ, એકદમ ઇનોસન્ટ જે હોય તે બધું જ સાચું કહેવા વાળો. બિલકુલ ફ્રેન્ક.
ઘરે જઇને હાથ-પગ મોં ધોઇને તૈયાર થઈ સાંવરી મમ્મી-પપ્પા સાથે જમવા બેસે છે. એટલે મમ્મી પૂછે છે કે, " ઓટો કરીને આવી બેટા ? "
સાંવરી: ના મમ્મી, મીતસર મૂકી ગયા. ( તેને મીત સાથે થએલી બધી જ વાતો મમ્મીને કહેવી હતી પણ કહું કે ના કહું તેમ વિચારતી હતી....
હવે આગળ...
સાંવરીને થયું કે મમ્મીને વાત કરું એટલે મમ્મી ખૂબ ખુશ થશે પણ પછી મારા મેરેજના સ્વપ્ન જોવા લાગશે અને પછી કદાચ મીતના મમ્મી-પપ્પા "ના" માને અને મીત "ના" પાડી દે તો મમ્મીની શું હાલત થાય..!
માટે મમ્મીને કે કોઇને પણ હમણાં કંઈજ વાત કરવી નથી.
મિતાંશ પણ ઘરે જઇને ફ્રેશ થઈને ઉપર પોતાના રૂમમાં થી નીચે ઉતરીને ડાઇનીંગ ટેબલ પર મમ્મી-પપ્પા સાથે જમવા બેસે છે. વાતની શરૂઆત કઇ રીતે કરવી તે વિચારે છે એટલામાં મમ્મીએ જ સામેથી મેરેજની વાત કાઢતા કહ્યું કે, " મીત આપણે હવે છોકરીઓ જોવાની ચાલુ કરવી પડે, બેટા. તું અત્યારે અહીં ઇન્ડિયા આવ્યો છે તો તને કોઈ છોકરી ગમે તો નક્કી થઇ જાય, નહિ તો પછી ફરી પાછો તું ક્યારે ઇન્ડિયા આવે અને ક્યારે મેળ પડે."
મિતાંશ: હા મમ્મી, હું પણ એવું જ કંઈક વિચારું છું.
અલ્પાબેન: (નવાઇ લાગી, આટલું જલ્દી મિતાંશે"હા" પાડી દીધી. ખુશ થઇને બોલ્યા) તો પછી કોઈ સારા મેરેજ બ્યુરોમાં આપણે નોંધાવી દેવું છે બેટા ?
કમલેશભાઈ મા-દિકરાની બધીજ વાતો શાંતિથી સાંભળે છે.
મિતાંશ: પણ મને કોઈ છોકરી ગમતી હોય તો, મમ્મી?
અલ્પાબેન: તો તો સૌથી સારું, શોધવાની માથાકૂટ જાય.પણ કોણ છે, કઇ કાસ્ટની છે અને કુટુંબ કેવું છે બધું જોવું પડે બેટા પછી નક્કી થાય.
મિતાંશ: સારા ઘરની, ખૂબજ સંસ્કારી છોકરી છે. તારે જેવી ડાહી અને ઠરેલ છોકરી જોઇએ છે એવી જ છે. મેં એમનેમ તો પસંદ નહિ કરી હોય ને ?
અલ્પાબેન: હા તો, કોણ છે એ છોકરી ?
મિતાંશ: પપ્પા, આપણી ઓફિસમાં સાંવરી છે ને હું એની વાત કરું છું.
કમલેશભાઈ: પણ બેટા, એ દેખાવમાં બ્લેક છે, તારે બ્લેક છોકરી ચાલશે ?
મિતાંશ: એ બ્લેક છે તો હું પણ ક્યાં એટલો બધો રૂપાળો છું ?
કમલેશભાઈ: એ વાત તારી સાચી બેટા પણ આપણાં સ્ટેટસ પ્રમાણે તને ઘણી સરસ છોકરી મળશે.
અલ્પાબેન: તારું આટલું મોટું ગૃપ છે, તેમાંથી તને કોઈ છોકરી નથી ગમતી બેટા.
મિતાંશ: ગૃપમાંથી તો બધી છોકરીઓના મેરેજ થઇ ગયા ખાલી બે બાકી છે, એક મેઘા અને બીજી પલક અને એ બંનેમાંથી મને એકપણ ગમતી નથી.
અલ્પાબેન: પણ પપ્પા કહે છે કે, આ છોકરી બ્લેક છે તો પછી બીજી છોકરીઓ તું જો તો ખરો બેટા, આપણે એવી ઉતાવળ કરવાની શું જરૂર છે ?
મિતાંશ: મમ્મી, મેં દુનિયા જોઈ છે, હું અહીં ઇન્ડિયામાં પણ રહ્યો છું અને યુ.કે.માં પણ રહ્યો છું અને ખૂબ ફર્યો છું મેં સાંવરી જેવી કોઈ છોકરી જોઇ નથી. તે બધી જ રીતે હોંશિયાર અને વ્યવસ્થિત છે. અને આપણાં ઘરમાં બહુ સરસ રીતે બધાની સાથે એડજસ્ટ થઈ જશે અને મને પણ બહુ સારી રીતે સમજી શકશે. આપણી કંપની પણ તે ખૂબ સરસ રીતે ચલાવશે.
અલ્પાબેન: પણ, મારું મન માનતું નથી બેટા, મને એવું લાગે છે કે આપણે બીજી છોકરીઓ જોવી જોઈએ. એમ ઉતાવળ નથી કરવી.
મિતાંશ: મને સાંવરી જ ગમે છે. મારે બીજી કોઈ છોકરી જોવી નથી અને હું મેરેજ કરીશ તો ફક્ત સાંવરી સાથે જ કરીશ.
(બધા એકદમ ચૂપ થઈ ગયા. વાતાવરણમાં નિરવ શાંતિ છવાઈ ગઈ, બધાએ ચૂપચાપ જમી લીધું.)
મિતાંશ સમજી ગયો હતો કે મમ્મી-પપ્પાને સાંવરી સાથે હું મેરેજ કરું તેવી ઇચ્છા નથી. પણ એતો માની જશે અને પછી જમીને ચૂપચાપ ઉપર પોતાના રૂમમાં ચાલ્યો ગયો.
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
15/5/23