"બસ તું કહીશ એ કરીશ"
(ભાગ-૮)
પ્રભા અને પ્રભાવ પોતાના દિકરા ભાવિક માટે સારી કન્યા શોધતા હોય છે.
હવે આગળ..
પ્રભાવ ભાવિકને ફોન કરવા ગયો ત્યાં પ્રભાવના મોબાઈલ પર કોલ આવ્યો.
પ્રભાવે ફોન ઉપાડ્યો.
" હેલ્લો કોણ?"
સામેથી એક મહિલાનો મધુર અવાજ સંભળાયો.
"હેલ્લો, પ્રભાવજી બોલો છો?"
પ્રભાવ:-" હેલ્લો, હા બોલો. હું પ્રભાવ. આપ કોણ બોલો છો? શું કામ છે?"
મહિલા અવાજ:-" ધીરે ધીરે.. કહું છું.આપને આપના સુપુત્ર માટે યોગ્ય પાત્ર મળી ગયું છે?"
પ્રભાવ:-" પહેલા તમે કહો કે આપ કોણ બોલો છો? "
મહિલા અવાજ:-" હું દયા."
આટલું બોલે છે ત્યાં પ્રભાવ ખુશ થઈ ને બોલ્યો:-" ઓહોહો દયા ભાભી! જેઠાલાલ શું કરે છે? બબિતાજી મજામાં છે?"
મહિલા અવાજ:-"પ્રભાવજી,તમે બહુ ફની છો. મને પુરેપુરું સાભળો તો ખરા!
પ્રભાવ:-" હા બોલો દયાબહેન."
મહિલાનો અવાજ:-" જુઓ પ્રભાવજી, મારું નામ ગૌરીદયા માહેશ્વરી છે.આપના પુત્ર માટે પુંછું છું.તમારી જ્ઞાતિની મેરેજ બ્યુરોની બુક મારી પાસે આવી છે. એમાં આપના પુત્રનો બાયો ડેટા સાથે આપનો કોન્ટેક્ટ નંબર છે એટલે ફોન કર્યો.અમે બીજી જ્ઞાતિના છીએ પણ તમે જ્ઞાતિ બાધ નથી એવું લખ્યું છે. તો આપના સુપુત્ર માટે કોઈ યોગ્ય પાત્ર શોધી રાખ્યું છે?
પ્રભાવ:-"ઓહ્ એમ વાત છે.તમારે આ વાત પહેલા કહેવી જોઈતી હતી. મારા પુત્ર માટે હમણાં કોઈ પાત્ર નક્કી કર્યું નથી.યોગ્ય પાત્રની તપાસ ચાલુ છે. હમણાં ત્રણ થી ચાર જણાનો ફોન આવી ગયો છે.પણ તમે કેમ પુછો છો? આપની પુત્રી માટે?"
ગૌરી દયા:-" ના.મારે પુત્રી નથી.પણ આવા સારા યુવાનો માટેની યાદી બનાવીને યોગ્ય પાત્ર શોધી આપવામાં મદદ કરું છું.તો આપને આ સુવિધા જોઈએ છે? જો જોઈતી હોય તો કહેજો.મારો મોબાઈલ નંબર સેવ કરી રાખજો."
પ્રભાએ ઈશારાથી ના પાડી.એટલે પ્રભાવ બોલ્યો:-" ગૌરી દયા બહેન, હમણાં અમને આપની મદદની જરૂર નથી છતાં પણ જરૂર પડશે તો આપનો સંપર્ક કરીશ.ઓકે જય રામજી કી."
આટલું બોલીને પ્રભાવે કોલ કટ કર્યો.
પ્રભાએ આવેલા કોલ વિશે પ્રભાવને પુછ્યુ.
પ્રભાવે વિગતવાર કહ્યું.
પ્રભા બોલી:-"પહેલા આપણા ઓળખીતા પારખીતા કે જ્ઞાતિમાં તપાસ કરવાની છે. સંતાન માટે યોગ્ય પાત્ર શોધવું બહુ અઘરું લાગે છે.જમાનો બદલાયો છે.યુવા પેઢીની સોચ પણ બદલાઈ રહી છે.હવે સાંજે રેખા અને એની ઈશિતા આવશે ત્યારે શું થશે એ જોવાનું રહ્યું.હવે તમે ભાવિકને ફોન કરો છો કે હું કરું! તમે તમારું ચલાયા કરતા નહીં.ભાવિક સાથે હું વાત કરીશ."
પ્રભાવ:-" ઓકે..ઓકે.. પ્રભા. તું કહીશ એ કરીશ બસ."
પ્રભાવ ભાવિકને ફોન કર્યો.
"હેલ્લો,ભાવિક બેટા તેં જમી લીધું?"
ભાવિક:-" હા પપ્પા.પણ પપ્પા ફોન મમ્મીને આપો.મારે એમનું કામ છે."
પ્રભાવ:-" ઓકે ઓકે.કોઈ તકલીફ તો નથી પડી ને! જમવાનું ખૂટ્યું નહોતું ને! તકલીફ પડે તો મને કહેજે."
ભાવિક:-"ના..ના.. પપ્પા મને કોઈ તકલીફ નથી. મમ્મીને ફોન આપશો."
પ્રભાવ મોબાઈલ પ્રભાને આપ્યો.
પ્રભા:-"હેલ્લો ભાવિક બેટા, તું જમ્યો?"
ભાવિક:-" હા મમ્મી પણ મારે તમને એક વાત કહેવી છે."
પ્રભા:-" પણ પહેલા મારી વાત સાંભળ. સાંજે વહેલો આવજે.સાથે થોડો નાસ્તો અને આઈસક્રીમ પણ લેતો આવજે."
ભાવિક:-" પણ મમ્મી, સાંજે કોઈ મહેમાન આવવાના છે? પેલા ચિટકુ કાકા કે બીજું કોઈ?
પ્રભા:-" ના..ના..પણ તને જોવા માટે છોકરીવાળા આવવાના છે. મારી સહેલી એની ભાણી સાથે આવશે.ને એક બે દિવસમાં મારી કોલેજની સખી એની ડોટર સાથે આવશે. તું તો બહુ ડાહ્યો છે.તારી જે પસંદગી હશે એની સાથે નક્કી કરીશું.આજે ને આજે જવાબ આપીશું નહીં."
ભાવિક: " મમ્મી, તમે બોલી લીધું. તમે પણ પપ્પા જેવા જ છો.મારી વાત સાંભળતા જ નથી.એના કરતા પપ્પા સારા કે તરતજ ફોન તમને આપ્યો.મારા પપ્પા દુનિયામાં બેસ્ટ છે."
પ્રભા:-" હા.. હું પણ માનું છું.એમને સતત તારી ચિંતા રહેતી હોય છે.પણ તું શું કહેવાનો છે એ જલ્દી કહે પણ સાંજે વહેલો આવજે."
ભાવિક:-" હા મમ્મી. હું વહેલો જ આવવાનો છું એક વાત કહેવા માગું છું. નાસ્તો અને આઈસક્રીમ લેતો આવીશ.પણ એક સરપ્રાઈઝ પણ તમને બંનેને આપવાની છે. હું હમણાં નહીં કહું. સરપ્રાઈઝ એટલે સરપ્રાઈઝ.બસ ત્યારે ફોન કટ કરું છું.બોસ આવી ગયા છે.કામ પણ બહુ છે. સાંજે વહેલો આવીશ."
ભાવિકનો ફોન કટ થતાં પ્રભા વિચારવા લાગી કે ભાવિક શું કહેવા માંગતો હશે!
પ્રભાવ:-"ભાવિક શું કહેતો હતો? સાંજે વહેલો આવશે ને!"
પ્રભા:-" એણે કહ્યું તો છે.સાથે નાસ્તો પણ લેતો આવશે.પણ મને લાગે છે કે એને મોડું થવાનું."
પ્રભાવ:-" તું કેવીરીતે કહી શકે? આવા અનુમાન ના કર. પણ એણે શું કહ્યું એ કહે."
પ્રભા:-" એ કોઈ સરપ્રાઈઝ આપવાનો છે.પણ બીજું કંઈ કહ્યું નહીં.એના બોસના કારણે ફોન બંધ કર્યો લાગે છે. તમને શું લાગે છે?"
પ્રભાવ:-" તું નાહકની ચિંતા કરે છે.એ સરપ્રાઈઝ આપવા માંગતો હોય તો સારું ને! કદાચ પ્રમોશન મળતું હોય કે બીજા શહેરની લાંબી ટૂર હોય કે એના મિત્રો સાથે ફરવા જવાનું પ્લાનિંગ કર્યું હોય.તારા મગજમાં કયા વિચારો ચાલે છે એ મને કહે.બહુ ચિંતા કરવાથી તબિયત બગડે.આ સંજોગોમાં તારી તબિયત બગડે એ હું ચલાવી લેવાનો નથી.પછી સાંજે મારે જ બધું કામ કરવું પડે."
પ્રભાવ હસતા હસતા બોલ્યો.
પ્રભા પણ હસી પડી.
બોલી:-" તમે શું કામ કરવાના હતા. હા મદદ કરો છો."
પ્રભાવ:-" કેમ વળી.રેખા અને ઈશિતા આવશે તો કંપની તો મારે જ આપવાની રહેશે. તું તો રસોડમાં બીઝી રહેવાની.આમ બધું મારે જ સંભાળવું પડશે."
પ્રભા:-" મને લાગે છે કે આ વખતે ભાવિક કોઈ મોટી સરપ્રાઈઝ આપશે એવું લાગે છે."
પ્રભાવ:-" મોટી એટલે?"
પ્રભા:-" કદાચ.. કદાચ એની કોઈ ગર્લ ફ્રેન્ડને લાવે એવું પણ બને."
પ્રભાવ હસી પડ્યો.
બોલ્યો:-" તો તો સારું ને. બધું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે."
પ્રભા:-"એટલે?"
પ્રભાવ:-" તું જોયા કરજે.ભાવિક ચાર ચાસણી ચડે એવો છે. જો કોઈ ગર્લ ફ્રેન્ડ હશે એ એને ગમતી હોય તો જ આ પ્રસંગે એ લાવીને પોતાની પસંદગી બતાવી દેશે. તારું શું કહેવું છે?"
પ્રભા:-"ભાવિક આવે એટલે ખબર.પણ..પણ.."
પ્રભાવ:-" પણ.. શું?"
પ્રભા:-"કાશ મારે પણ એક દિકરી હોત! મારા ભાવિકને એક બહેન અને મને પણ થોડી રાહત થતી. પેટછૂટી વાત કરી શકત."
પ્રભાવ:-" ભાવિક જેની સાથે લગ્ન કરે એને આપણે દિકરી જ માનવાની છે.નો ટેન્શન. હવે મારે આરામ કરવો પડશે. ઉંમર ઉંમરનું કામ કરે છે.તને નથી લાગતું કે હું જલ્દી વૃદ્ધ બની રહ્યો છું."
પ્રભા:-" ના..હો.. તમે હજુ પણ ઝપાટાબંધ ચાલો છો. હું થાકીને તમને ધીમું ચાલવા કહું છું. તમે આરામ કરો. હું દસ મિનિટમાં આવી."
પ્રભાવ આરામ કરવા રૂમમાં જાય છે એ વખતે પ્રભાના મોબાઈલની રીંગ વાગી.
પ્રભાવ રોકાઈ ગયો એને જાણવાની તાલાવેલી થતી હતી કે કોનો ફોન હશે?
પ્રભાએ ફોન ઉપાડ્યો.
બોલી:-" હેલ્લો કોણ?"
સામેથી અવાજ:-" હેલ્લો પ્રભા, હું રાખી બોલું છું. આ મારા હસબંડના મોબાઈલ પરથી કોલ કર્યો છે.આજે જ નવો ફોન લીધો છે એટલે પહેલો તને જ કોલ કર્યો."
પ્રભા:-"ઓકે.. ઓકે..રાખી.પણ તું ક્યારે આવવાની છે?
રાખી:-" બસ એટલે જ ફોન કર્યો.તને એક સરપ્રાઈઝ આપવાની છે. સાંજે સાત વાગ્યા પછી અમે તારા ઘરે આવવાના છીએ. હું,અસિતા અને મારા મિસ્ટર. જો .. બહુ માથાકૂટ ના કરતી. તારા સોશિયલ મીડિયા પરથી ભાવિકનો ફોટો લીધો છે.અસિતાને ભાવિક ગમી ગયો છે. અસિતા પાસે તારા વખાણ કરતી હતી એટલે મારી અસિતા તો કહે કે મમ્મી, મને તારા જેવી જ બીજી મમ્મી મળશે. એ તો અત્યારથી તને મમ્મી માનવા લાગી છે."
જિંદગી હૈ ખેલ, કોઈ પાસ, કોઈ ફેલ,
ખિલાડી હૈ કોઈ,અનાડી હૈ કોઈ..
( ભાગ-૯ પ્રભાવ અને પ્રભાના ઘરે સાંજે રેખા અને રાખી ભેગા થશે તો શું થશે? રાખીની સરપ્રાઈઝ કઈ હશે? ભાવિક શું સરપ્રાઈઝ આપવા માંગતો હશે? વાંચતા રહેજો હસતા રહેજો ખુશ રહેજો.)
- કૌશિક દવે